Archive

Posts Tagged ‘ઉજ્જ્વળ ભવિષ્ય’

સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ

December 4th, 2009 No comments

સંધર્ષ જ જિંદગી છે અને જિંદગી જ સંધર્ષ

સંધર્ષ આપણા અંત:કરણ સાથે, સંધર્ષ આપણા બાહ્ય વાતાવરણ સાથે કરો. સંધર્ષ સત્યની પ્રાપ્તિ માટે, જીવન માત્રના કલ્યાણ માટે, ઈશ્વરતત્વની પ્રાપ્તિ માટે કરો.

સંધર્ષ વિના પ્રગતિ અસંભવ છે.

તમે નાપાસ થઈ શકો છો, હારી શકો છો, પરંતુ ફરીથી ઊભા થાવ. તમારી સંપૂર્ણ ઊર્જાને ફરીથી કેન્દ્રિત કરો અને પોતાના દોષો સાથે લડો. અંધકાર સાથે લડો અને સંકીર્ણ વિચારો સાથે લડો.

આ એક અનંત પ્રક્રિયા છે. યુદ્ધ પહેલાં પોતાની જાત સાથે, પછી બાહ્ય વાતાવરણ સાથે કરો. બંને પ્રક્રિયાઓ સાથે ચાલવા દો.

- આ સંસાર (જીવન) યુદ્ધક્ષેત્ર છે. તે આપના આરામ માટે નથી, પરંતુ સમાજને આરામદાયક બનાવવા માટે છે.

- દુ:ખની, મુસીબતની ક્ષણો આવશે, પરંતુ નિરાશ ન થાઓ, વિચલિત ન થાવ. એ કઠિનાઈની ક્ષણો સ્થાયી નથી, પરંતુ ક્ષણિક હશે. જયાં સુધી આ મુશ્કેલીઓનાં વાદળો ખસે નહિ ત્યાં સુધી ધીરજ રાખો અને પ્રતીક્ષા કરો. તે સૂર્યકિરણો વધુ તીવ્રતાથી આપના જીવનમાં ચમકવાનાં છે.

- નિરાશાજનક (નકારાત્મક) વિચારોના તળાવમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરો. આશાવાદી બનો. પરમપૂજ્ય ગુરુદેવ તથા મા ગાયત્રીનું સ્મરણ કરો. તેઓ હંમેશાં આપની સાથે છે. આપને મદદ કરવા તત્પર છે, સહારો આપવા તત્પર છે.

- કઠિનતાની ક્ષણોમાં, અંધકારની ક્ષણોમાં તમે તમારી જાતને ચારે બાજુના વાતાવરણથી, સંપર્કમાં આવતી વ્યક્તિઓથી દૂર રાખો અને પરમ પૂજ્ય ગુરુદેવ સાથે સંપર્ક કરો. ધીમેધીમે અંધકારના ઘેરાવમાંથી તમે બહાર આવી જશો. જોતજોતામાં તમારી સમસ્યાઓને ઉકેલી શકશો કે જે તમને પરેશાન કરતી હતી. આ રીતે તમારું લક્ષ્ય તમારી અંદર અને બહાર તથા સમાજમાં રહેલા અંધકાર સાથે લડવાનું જ છે.

- સંઘર્ષ સમાજના વિઘટન માટે નહિ, પરંતુ એકીકરણ (સંગઠન) માટે કરો. એકીકરણનો અર્થ છે, ઈશ્વરત્વ તરફ જવું, કેમ કે ઈશ્વર એક છે.

- આ સંઘર્ષ સમજદારીપૂર્વક કરવો પડશે. જો કે તે ત્યાગ અને તપસ્યા દ્વારા જ સંભવ છે.

Post to Twitter Tweet This Post

જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ

December 3rd, 2009 No comments

જીવનસંઘર્ષના યોદ્ધા બનીએ

જિંદગી સંગ્રામ છે

આજે આદર્શોની વાત કહેવા-સાંભળવા પૂરતી જ રહી ગઈ છે. કથા કહેવા, સાંભળવા માત્રથી મુક્તિ મળી જાય એ માન્યતા જ સરળ લાગે છે. કઠોર કાર્ય સાથે સંબંધ જોડતા બધા ડરે છે. પછી પોતાનો માર્ગ એકલાના નિશ્ચયથી કઈ રીતે બને? “ એકલા ચાલો” વાળું ગીત ગાવામાં ઉત્સાહવર્ધક છે, પણ તેને કરી બતાવવામાં છઠ્ઠીનું દૂધ યાદ આવી જાય છે.

આપણા પોતાના કુસંસ્કાર જ લોભ, મોહ તથા અહંકારની બેડીની જેમ બંધન બની જાય છે. આ બંધનોને તોડી ન શકાય તો કમ સે કમ શિથિલ તો કરવાં જ પડશે. નહિ તો નથી સંકલ્પ જાગતો કે નથી તો પ્રયત્ન થઈ શકતો, જેના સહારે નવસર્જનના સંદર્ભમાં કંઈક કહી શકાય એવું પરાક્રમ થઈ શકે. તેઓ પોતાની આંતરિક દ્વિધાને દૂર કરે છે, પોતાનો માર્ગ પોતે જ બનાવી લેવાં કટિબદ્ધ થઈ જાય છે તેના માટે સંભવ છે કે ‘ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યં, ત્યક્તોત્તિષ્ઠ પરંતપ’ વાળા ગીતાસારને જીવનમાં ઉતારી શકે.

વરિષ્ઠતાની કસોટી

વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરી શકે. મહત્વ તેનું જ છે. નદીના પ્રચંડ પ્રવાહને પડકાર ફેંકનાર નાવિક ન હોય તો ભયાનક આફતમાં લોકો નદી કિનારે અસહાય ઊભા બનીને રહે છે.

પુરૂષાર્થ તે નાવિકનો છે, જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે. પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે. ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે, પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે.

ઉત્થાન –

પતન વ્યક્તિના ઉત્થાન – પતનની ધરી એક જ કેન્દ્ર પર ટકેલી છે કે તેણે પોતાની જાતને ક્યા બીબામાં ઢાળી છે અને કઈ દિશામાં આગળ વધારી છે. તેમાં બીજાની ભાગીદારી નથી હોતી. આપણે સારા કે ખરાબ જે રસ્તે ચાલીએતેમાં સાથી-સહયોગી તો મળી જ રહે છે.

આ દુનિયામાં ન તો ભલાઈની કમી છે કે ન તો બૂરાઈની. પસંદગી આપણે છે, હિંમત આપણી છે અને સહાયતા દુનિયાની. આ તથ્યને જેઓ સ્વીકારે છે તેઓ જ ખરેખર યથાર્થવાદી છે. બીજાઓ તો અમસ્તા જ હવાના ઝપાટાની સાથે સૂકાં પાંદડાંની જેમ ગમે તે દિશામાં ઊડીને ગમે ત્યાં પહોંચી જાય છે.

શૂરવીર બનો.

શૂરવીર તેને કહેવાય છે, જે સત્યના માર્ગે એકલો ચાલી નીકળે. વિરોધ ગમે તેટલો મોટો હોય, ગમે તેટલા ઘનિષ્ઠ પ્રિયજનો દ્વારા કરવામાં આવ્યો હોય, પરંતુ જે સત્યને સર્વોપરી માનીને દરેક દબાણની સામે ઝૂકવાનો ઈંકાર કરી શકે, આંધળાં ઘેટાંનાંગમે તેટલાં ઝુંડ ભલેને ખાડામાં કેમ ન પડે, પરંતુ પોતાનો માર્ગ પોતે બનાવી લે અને એકલો ચાલી નીકળે એવા સિંહનાં વખાણ થાય છે.

નવનિર્માણના આગેવાનોની સાહસિકતા આવી કક્ષાની હોવી જોઈએ. સૌ પ્રથમ એમણે પોતાની ખોટી માન્યતાઓને બદલી નાખવી જોઈએ. અગ્રદૂતોની સાહસિકતા એ સ્તરની હોવી જોઈએ. તેનું પ્રથમ ચરણ પોતાની અવાંછનીય માન્યતાઓને બદલી નાખવામાં અને કાર્યપદ્ધતિમાં આવશ્યક ફેરફાર કરવા માટે એકવાર સંપૂર્ણ મનોબળ એકઠું કરી લેવું જોઈએ અને બીજાની નિંદા કે સ્તુતિની, વિરોધ કે સમર્થનની ચિંતા કર્યા વિના નક્કી કરેલાં માર્ગે એકલા ચાલી નીકળવું જોઈએ.

આવાં મોટાં કદમ જેઓ ઉઠાવી શકતા હોય તેમની પાસે તુગપરિવર્તનના મહાન અભિયાનમાં વાસ્તવિક યોગદાનની આશા રાખી શકાય.

સાહસ બતાવો

કર્તવ્ય-અકર્તવ્યની ગૂંચ કંઈ બહુ મુશ્કેલીભરી નથી.  માનવ-જાવનનો સદુપયોગ કે દુરુપયોગ શેમાં છે તે જાણવું કંઈ અઘરું નથી.

આજ સુધી જે સાંભળ્યું, સમજ્યા તથા વિચાર્યુ છે તેની મદદથી એવો કાર્યક્રમ સરળતાથી બનાવી શકાય કે આપણે પોતાને આજના કીચડમાંથી નીકળીને કાલના સુવર્ણ સિંહાસન પર બેઠેલા જોઈ શકીએ. આપણે એ જાણતા નથી એવું નથી.

વાત માત્ર સાહસના અભાવની છે. કંજૂસાઈ, સંકુચિતતા તથા ડરપોકપણું આપણને ત્યાગ અને બલિદાનનું કોઈ સાહસપૂર્ણ કદમ ઉપાડવા નથી દેતાં.

જો આ વર્તુળને તોડી નાખવાનું કોઈનાથી શક્ય બને તો આપણા સાહસના બળે જ નરમાંથી નારાયણ બની શકાય.

હિંમત પેદા કરો

ભાગ્યોદય, વરદાન, અનુગ્રહ, ઉદારતા, અનુકંપાના નામે ઘણું બધું મળવવાની ઈચ્છા થાય છે, પણ આ બધું ભેગું થઈને પણ ઝાકળબિંદુઓના કણોથી અધિક કંઈ નથી બની શક્તું. મોતી તો પરસેવામાંથી ટપકે છે. દોલત તો હાથ ભેગી કરે છે. પ્રગતિ માટે હિંમતથી ઓછામાં કામ ન ચાલે. કોઈ ગમે તેટલો સરંજામ ભેગો કરી લે, પણ એને સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કર્યા વિના કંઈ કામ નથી લાગતો. શક્તિનો મહિમા તો ખૂબ છે, પણ માત્ર તે તેની પાસે જ રહે છે, જે તેના સુસંચાલનની વિધાનો જાણકાર હોય.

વરિષ્ઠતાની કસોટી

વરિષ્ઠ તેઓ કહેવાય, જે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે જ કરી શકે. સાથેસાથે બચેલી શક્તિનો ઉપયોગ બીજાઓને ઉગારવામાં કરી શકે. મહત્વ તેનું જ છે. નદીના પ્રચંડ પ્રવાહને પડકાર ફેંકનાર નાવિક ન હોય તો ભયાનક આફતમાં લોકો નદી કિનારે અસહાય ઊભા બનીને રહે છે.

પુરૂષાર્થ તે નાવિકનો છે, જેની માંસ પેશીઓ હલેસાંને બંને હાથે પકડીને નાવમાં બેઠેલાને પાર ઉતારવાનું વિશ્વાસભર્યુ અભયદાન આપે છે. પાર ઊતારવા માટે વ્યાકુળ એવા મોટા ટોળાની તુલનામાં એક નાવિક શ્રેષ્ઠ છે. ભગવાન કોઈને ભલે સંપન્નતા આપે, પણ જો તેની પર સાચી અનુકંપા વરસાવે તો તેને એક નાવિક જેવી વરિષ્ઠતા પ્રદાન કરે છે.


Post to Twitter Tweet This Post

ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો

December 2nd, 2009 No comments

ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો

પોતાના માટે જ ન જીવો  :  કોઈએ એટલું જ માનીને સંતુષ્ટ થઈને બેસી ન રહેવું જોઈએ કે અમે પોતે સારા છીએ તેથી આપણી ભલમનસાઈનો લાભ લઈને સુખી રહીશું. આપણી સુરક્ષા માટે પણ આસપાસના વાતાવરણમાં સજ્જતાનો સમાવેશ કરવો પડશે. વ્યક્તિગત ભલમનસાઈથી સુખશાંતિ પ્રાપ્ત કરવાની આશા એજ રાખી શકે કે જેણે આસપાસના વાતાવરણમાં પણ સુરક્ષાત્મક સૌજન્ય ઉત્પન્ન કર્યુ હોય. વાતાવરણને સુધારવું તે હકીકતમાં તો પોતાની વ્યક્તિગત સુવિધાઓને સુરક્ષીત રાખવા બરાબર છે. સ્વાર્થ એકલો જ નહિ, તેની સાથે પરમાર્થની સુરક્ષાત્મક દીવલ ઊભી કરવી એ પણ જરૂરી છે. સમાજમાં પ્રચલન સારું થાય તો જ આપણી વ્યક્તિગત સુવીધાઓ તથા પરિસ્થિતિઓ સુખશાંતિપૂર્ણ બની શકે. એટલા માટે વિશુદ્ધ સ્વાર્થની દ્રષ્ટીએ વિચારીએ તો પણ આપણે બધાએ સામાજિક વાતાવરણના સુધાર માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ.

આત્મીયતા ફેલાવો

સામુહિકતાની સાથે જોડાયેલ શક્તિ અને પ્રગતિને ગંભીરતાપૂર્વક સમજો અને એકલા રહેવાના બદલે એકબીજાના સહયોગની વ્યવસ્થા કરો. પારસ્પરિક સહયોગનું આદાનપ્રદાન જેટલું થાય તેટલું કરો, પરંતુ તે માત્ર સારા ઉદ્દેશ્ય માટે જ હોવું જોઈએ. કુચક્ર ન રચે અને ષડયંત્રો કરનારાં સંગઠનોને સહયોગ ન આપો. આત્મીયતાનું ક્ષેત્ર વ્યાપક બનાવો. થોડાક લોકોને જ પોતાના માનીને તેમની જ ઈચ્છાઓ પૂરી કરવાના તથા તેમને ભેટો આપ્યા કરવાના મોહમાં ન ફસાઈ જાવ. પોતાની શક્તિને સત્પ્રવૃતિઓ વધારવામાં વાપરો. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિને ચાહો. બધાને પોતાના અને પોતાને બધાના માનો. આ આત્મવિસ્તારનું વ્યાવહારિક સ્વરૂપ લોકમંગલની સેવાસાધનાથી જ શોભે છે.

મોટાઈ  :  મોટાઈ ન તો સંગ્રહમાં છે કે ન ઉપભોગમાં. ઠાઠમાઠ બતાવવામાં નાટકવાળા વધારે કુશળ હોય છે. અભિનેતા આ કળામાં પ્રવીણ હોય છે. ખજાનચી રોજ લાખોની લેવડ-દેવડ કરે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં તો સડક ઉપર નગ્ન થઈને ફરનાર પાગલ પણ સફળ બને છે. આવી છીછરી પ્રવૃતિઓ કોઈ વિચારશીલે ન અપનાવવી જોઈએ. વિચાર કરો કે મોટાઈ એ એક દ્રષ્ટીકોણ છે, જેમાં હંમેશા આગળ વધવાનો, કોઈ માર્ગ કાઢવાનો તથા જે ઉત્તમ છે તેને જ અપનાવવાનો ઉમંગ જાગે છે અને હિંમત પેદા થાય છે. આપણા ઉત્સાહ, આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ અને વિભૂતિઓમાં કંઈક અવી વિશેષતા હોવી જોઈએ કે જેથી બીજાને પ્રેરણા મળે. વિનાશ તો દીવાસળીની પેટીથી પણ થઈ શકે. એક કાંટો પણ પ્રાણઘાતક નીવડી શકે. આપણું પરાક્રમ સાવરણી જેવું, સૂપડા જેવું, સાબુ જેવું, કપાસ જેવું ઉજ્જવળ તથા સર્જનાત્મક રહે તો શું વાંધો છે? ઘાસની જેમ ઊગો, હરિયાળી ફેલાવો અને બીજાને કામ આવો.

જે કંઈ કરો, તે સારું કરો  :  બીજાના બદલે પહેલાં પોતાનાં વિચારો અને કાર્યોમાં પરિવર્તન કરો. આપણી આકાંક્ષાઓ, ઈચ્છાઓ, વૈભવ, મોટાઈ વગેરેથી દૂર રહીને વ્યક્તિત્વને મહાન બનાવવાની અને જીવનક્રમને અનુકરણીય, અભિનંદનીય સ્તર સુધી લઈ જવાની યોજના બનાવો. બીજાને આંજી નાખીને સસ્તી વાહવાહ મેળવવાની વાત છોડી દઈને એવો માર્ગ શોધી કાઢો કે જેથીપોતાની મહાનતાને જાગ્રત, પ્રગટ, પરિપુષ્ટ અને ચિરસ્મરણીય બનાવવાનો અવસર મળે. કંઈક મેળવવું જ હોય તો એવું મેળવો કે જેનાથી આત્મતૃપ્તિ, લોકશ્રદ્ધા અને દૈવી અનુકંપાનું અનુદાન સતત પ્રાપ્ત થાય. કંઈક સાહસ જ કરવું હોય તો એવો સેતુ બાંધો, કોઈ એવું જહાજ બનાવો, જેની મદદથી અસંખ્ય વ્યક્તિઓને ભયંકર જલધારાનો અવરોધ ઓળંગીને બીજા કિનારા સુધી પહોંચવાનો અવસર મળે. પુરુષાર્થકરવો હોય તો ઉચ્ચસ્તરીય કરો. વૈભવ મેળવવો હોય તો એવો મેળવો કે જે બીજાના પણ કામમાં આવે.

ચાહ અને રાહ  : વિચારવું, ચાહવું, કલ્પના કરવી અને આકાંક્ષાઓનો લબાચો ઓઢીને ફરનારાઓ માંથી કેટલાય એવા હોય છે, આકાંક્ષાઓ તથા અભિલાષાઓ તો મોટી મોટી રાખે છે, પરંતુ તે માટે જે લગની, દ્રઢતા, સંકલ્પ અને સતત પ્રયત્નોની જરૂર રહે છે તે કરી શકતા નથી. પરિણામે તેઓ મન મારીને બેસી રહે છે અને નિષ્ફળતાજન્ય નિરાશા મળતાં ભાગ્યને દોષ દે છે. એ સિવાય મનને સમજાવવા માટે બીજે કોઈ વિકલ્પ શોધી શકતા નથી.

આત્માવલંબી બનો  :  સ્વાવલંબન, નિયમિતતા અને શિસ્ત મનુષ્યના વ્યક્તિત્વને શોભાવે છે અને તેને ઉજ્જવળ બનાવે છે. સ્વાવલંબનનો અર્થ છે – પોતાનું કામ પોતાના હાથે જ કરવું. ઘરમાં કે બહાર આ ગુણોને પોતાના સ્વભાવમાં ઉતારવા અઘરા નથી. પરિવારમાં રહેવાં છતાં પોતાનું કામ પોતાની જાતે જ કરી લેવું જોઈએ. પોતાનાં કપડાં જાતે ધોઈ લેવાં, પોતે જ હજામત કરી લેવી, બીજાં જરૂરી કામ પણ પોતે જ કરી લેવા જેવી વાત સ્થૂળ દ્રષ્ટીથી કોઈને ભલે મહત્વપૂર્ણ ન લાગતી હોય, પરંતુ તેનાથી વ્યક્તિત્વમાં સ્વાવલંબની જે સદવૃત્તિ આવે છે તે વ્યક્તિત્વને પ્રખર બનાવે છે.

પોતાનો આદર્શ રજૂ કરો  : માહિતી આપવાની અને ગ્રહણ કરવાની જરૂરિયાત વાણી અને કલમ દ્વારા પૂરી કરવામાં આવે છે. તર્ક અને પ્રમાણ રજૂ કરીને વિચાર બદલી શકાય છે, પરંતુ અંત:કરણમાં જામેલી આસ્થાઓ તથા લાંબા સમયની ટેવથી થતી પ્રવૃત્તિઓ બદલવા માટે સમજાવવા કરતાંય મોટો આધાર પોતાનું આદર્શ ઉદાહરણ રજૂ કરવાનો છે. બીજાઓને ખરાબ પ્રવૃત્તિઓ છોડાવવાનું સાહસ ત્યારે જ શક્ય બને કે જ્યારે તે માટે અનુકરણીય આદર્શ રજૂ કરવામાં આવે.

મહાનતા  :  મહાનતા એ કોઈ સુખ નથી કે જેવું લોકો સમજે છે. એ મનુષ્યની જીવનકળાની સેવાઓ, લોકમંગળની કામનાઓ, પ્રયત્નો, કષ્ટ, બલિદાન અને ધૈર્યનું પ્રમાણપત્ર છે, જે મોટે ભાગે તેના મૃત્યુ બાદ સંસાર દ્વારા આપવામાં આવે છે. જીવન દરમિયાન જ સફળતાની હઠ લઈને ચાલનારે કાં તો પોતાનાં કદમ પાછાં વાળી લેવાં જોઈએ અથવા તો પોતાની મનોપ્રવૃત્તિમાં સુધારો કરી લેવો જોઈએ.

ભાગ્ય અને ભવિષ્યનિર્માણ  :  માનવીનું ચિંતન જ એક્માત્ર કેન્દ્રબિંદુ છે કે જેના પર વ્યક્તિની દિશા, પ્રતિભા, કાર્ય, પરિસ્થિતિ કે પૂર્ણ રીતે આધાતિત હોય છે. ચિંતનની ઉત્કૃષ્ટા કે નિકૃષ્ટતાના આધારે વ્યક્તિ દેવ કે દાનવ બને છે. સ્વર્ગ અને નર્કનું સર્જન પૂર્ણ રીતે મનુષ્યના પોતાના હાથમાં છે. પોતાના ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ દરેક વ્યક્તિ પોતાની જાતે જ કરે છે. ઉત્થાન અને પતનની ચાવી ચિંતનની દિશાને જ માનવામાં આવી છે. આપણે આપણી પરિસ્થિતિને જો ઉત્કૃષ્ટ સ્તર તરફ લઈ જવી હોય તો તે માટેની એક અનિવાર્ય શરત છેકે પોતાના ચિંતનને નિકૃષ્ટતા તરફથી અટકાવીને ઉત્કૃષ્ટતા – શ્રેષ્ઠતા તરફ વાળવું જોઈએ. આ પરિવર્તન જ આપણા સ્તર, સ્વરૂપ અને પરિસ્થિતિઓને બદલાવવામાં સમર્થ બની શકે છે.

ઉન્નતિનો માર્ગ  :  ઉન્નતિના માટે માર્ગ પર કોઈનોય પ્રતિબંધ નથી. તે બધાને માટે સમાન રીતે ખુલ્લો છે. પરમાત્માના વિધાનમાં કોઈ અન્યાય કે પક્ષપાતને સ્થાન નથી. જે વ્યક્તિ પોતાનામાં જેટલા વધારે ગુણ, જેટલી વધારે ક્ષમતાઓ તથા જેટલી વધારે યોગ્યતાઓ વિકસિત કરી લેશે તેટલી વધારે વિભૂતિઓનો તે અધિકારી બની શકશે.

તમે પણ મહાન બની શકો છો  :  વાલ્મીકિ, અંગુલિમાલ, આમ્રપાલી, સુરદાસ, સમ્રાટ અશોક વગેરેનું જીવન શરૂઆતમાં કલુષિત હતું. ગાંધીજી જન્મજાત અવતાર ન હતા. જો હોત તો તેમને લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધી અહીંતહીં ભટકવું પડ્યું ન હોત. રામાયણનાં પાત્રોમાં હનુમાન, અંગદ, સુગ્રીવ, જાંબુવંત, જટાયુ વગેરેની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ તે લોકો જન્મજાત મહાપુરૂષ હોત તો તેમનો જીવનક્રમ આરંભથી જ નિર્ધારિત દિશામાં ચાલુ રહ્યો હોત. અગણિત સંત મહાત્માઓ અને મહાપુરૂષોનો જીવનક્રમ એવો જ હતો, જેને ધ્યાનપૂર્વક જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ જન્મજાત રૂપથી કોઈ મહાનતા લઈને આવ્યા હોતા નહોતા. જીવનનો ઘણો મોટો ભાગ તેમણે નિરર્થક કાર્યોમાં ગુમાવ્યો હતો. સમય અનુસાર તેમની અંત:ચેતનાએ પલટો ખાધો, દિશા બદલાઈ અને પછી તેઓ કંઈકના કંઈ બની ગયા. એથી પ્રગટ થાય છે કે મહાનતાનો કોઈપણ પૂર્વસંચિત કણ જો અંત:કરણમાં વિધમાન હોય તો તે ગમે ત્યારે પણ ફળદાયી બને છે. મહાકાલની એક દ્રષ્ટી તેનો કાયાકલ્પ કરી શકે છે.

તપસ્વી, મનસ્વી અને તેજસ્વીની ભૂમિકા નિભાવો  :  આપણે દૂરદર્શી વિવેકશીલતા અપનાવીએ અને તેના આધારે નીતિ નક્કી કરીએ. પ્રચલિત માળખામાંથી માત્ર એટલો જ સ્વીકાર કરીએ કે જેટલું ઉચિત હોય. લોકમંગલનું ધ્યાન રાખો, પરંતુ લોકમત ઉપર ધ્યાન ન આપો. જનસમૂહનો પ્રચલિત પ્રવાહ અવાંછનીયતા તરફ હોય છે. તેની સાથે ન વહી જાવ. દરેક પ્રસંગે ન્યાયનીતિ અપનાવો અને કોણ શું કહે છે તેની ઉપેક્ષા કરી શકવાનું સાહસ એકઠું કરો. એક આંખ પ્યારની અને બીજી સુધારની રાખો. ઔચિત્યને સમર્થન આપો. સાથે જ અનૌચિત્ય સાથે સહમત ન થાઓ અને તેને સહયોગ ન આપો. સંભવ હોય તો તેનો વિરોધ કરીને સંઘર્ષ પણ કરો. આ નીતિ પોતાનાંઓ સાથે તથા બીજાઓની સાથે રાખવી. મિત્ર યા સ્વજન હોવા છતાં તેમની અયોગ્ય બાબતોમાં સહયોગી ન બનો. આત્મસુધારમાં તપસ્વી, પરિવાર નિર્માણમાં મનસ્વી અને સમાજ પરિવર્તનમાં તેજસ્વીની ભૂમિકા ભજવો.

આદર્શોની ચર્ચા જ નહિ, તેમને ચરિતાર્થ પણ કરો.  : વિચારોમાં બધા જ આદર્શવાદી હોય છે. યોગ્ય-અયોગ્યનું જ્ઞાન અથવા પાપ–પૂણ્યની અનુભૂતિ તો મૂર્ખ અને પાપીને પણ થાય છે, પરંતુ વ્યાવહારિક જીવનમાં આપણે તેને ભૂલી જઈએ છીએ. ધર્મને જાણતા હોવા છતાં તે પ્રમાણે આચરણ કરતાં નથી અને અધર્મને જાણતા હોવા છતાં તેમાંથી નિવૃત થતા નથી. દુર્યોધનને આ વાત ભગવાન કૃષ્ણે જ્યારે તેઓ શાંતિદૂત બનીને ગયા હતા ત્યારે કહી હતી. અર્થાત્ ધર્મ-અધર્મની ખબર દરેકને હોય છે. બધા આ વાતો જાણે છે. આપણે પણ જો આ વાતોની માત્ર લુખ્ખી ચર્ચા જ કરતા રહીએ તો કોઈ વિશેષ હેતુ સિદ્ધ નહિ થાય.

વિશ્વસનીયતા પ્રાપ્ત કરો.  :  બીજાને જે કહીએ તેનો અમલ કરવાનો શુભારંભ પોતાની જાતથી જ શરૂ કરીએ અને જે નિશ્ચય કર્યો હોય તેને દ્રઢતાપૂર્વક વળગી રહીએ. ગબડિયા લોટાની જેમ અહીંતહીં ગબડતા રહી પોતાની જાતને ઉપહાસપાત્ર ન બનાવીએ. સંકલ્પો તથા નિશ્ચયો જો સુધાર અને સંયમ જેવા આદર્શવાદી પક્ષ સાથે જોડાયેલા હોય તો તે પૂરા કરવા જ જોઈએ. રામાયણની આ ચોપાઈ દરેક પ્રામાણિક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જ જોઈએ, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણ જાય, પણ વચન ન જાય, રોજ નવી પ્રતિજ્ઞાઓ કરનારા અને જુસ્સો ઠંડો પડતાં જ કાચિંડાની જેમ રંગ બદલનારા પોતાની હાંસી કરાવે છે અને અવિશ્વાસનું વાતાવરણ પેદા કરે છે.

પોતાના આચરણનું પ્રમાણ આપો.  : જે વાત હજારોવાર પરખાએ ચૂકી છે તેને વારંવાર ન પારખવી જોઈએ. દળાઈ ચૂકેલાને ફરી ફરીને દળવાથી શું લાભ? જનમાનસનાં પરિવર્તનની જરૂરિયાતને ખરેખર પૂર્ણ કરવી જ હોય તો તેનો એક જ રસ્તો છે કે આદર્શોને જીવનમાં ઉતારી શકનારા સાહસિક લોકોનું એક એવું સંગઠન બને, જે પોતાના આચરણ દ્વારા એ સિદ્ધ કરે કે આદર્શવાદિતા એ કંઈ બીજાને ઉપદેશ આપવાની બાબત નથી પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત પણ કરી શકાય છે. આ સિદ્ધાંતને સાબિત કરવા માટે આપણે જાતે જ આગળ આવવું પડશે. બીજાને ખભે બંધૂક મૂકીને કંઈ ગોળી ન ચલાવી શકાય. આદર્શ કોઈ બીજો રજૂ કરે અને નેતાગીરી આપણે કરીએ એ વાત હવે નહિ ચાલે. આપણે આપણી શ્રદ્ધાની પ્રામાણિકતા આપણા આચરણ દ્વારા જ સાબિત કરવી પડશે. શ્રેષ્ઠ આચરણથી બીજા લોકોને અનુકરણ કરવાની પ્રેરણા મળે છે. આગળ જ્તાં પણ આ જ પદ્ધતિ કોઈ ચોક્કસ પરિણામ લાવી શકશે.

સદ્દભાવના અને સજ્જનતા વધારીએ.  :  વ્યક્તિનું છીછરું સ્તર, વિચારોમાં નિકૃષ્ટતા અને ભાવનાઓમાં સંકુચિત સ્વાર્થ પરાયણતા હોવાના કારણે અનેક પ્રકારની દુષ્પ્રવૃતિઓ ફેલાય છે અને દુર્ઘટનાઓ થાય છે. ધન, બુદ્ધિ, સાધન તથા પદાર્થોની આ દુનિયામાં કમી નથી. તે એટલી પ્રચુર માત્રામાં છે કે જો તેમનો સદ્દપયોગ કરી શકાય તો બધે સુખશાંતિના સોનેરી પ્રસંગો સ્થાપી શકાય છે. દારિદ્ર, રોગ, શોક, ગુનાખોરી, કલેશ, કલહ, દુર્ભાવ, દ્રેષ તથા વિપત્તિની અનેક સમસ્યાઓ કેવળ માનવીય દુર્બુદ્ધિ કે દુર્બળતાને કારણે જ ઉત્પન્ન થઈ રહી છે. જયાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાંસુધી વિજ્ઞાનની સિદ્ધિઓ, શિક્ષણ, સંપત્તિ, ચિકિત્સા, કાનૂન વગેરેમાં ગમે તેટલો વધારો થશે, તો પણ તેનું કોઈ ચોક્કસ પરિણામ આવશે નહિ. સંપત્તિમાં વૃદ્ધિ ત્યારે જ ઉપયોગી થઈ શકે છે, જ્યારે સદ્દભાવના, સદ્દપ્રવૃત્તિ, સજ્જનતા, સૌજન્ય વગેરેમાં પણ નિરંતર વૃદ્ધિ થતી રહેશે.

પતન નહિં, પણ ઉન્નતિ.  :  સદ્દજ્ઞાન સમસ્ત વિપત્તિઓનું નિવારણ કરે છે. રામાયણનું કથન છે કે “જહાં સુમતિ તહાં સંપત્તિ નાના” અર્થાત્ જયાં વિચારશીલતા વિધમાન હોય છે ત્યાં અનેક સુવિધાઓ તથા સંપદાઓની હારમાળા અનાયાસે જ ખેંચાતી આવે છે. આ જ કારણે સદ્દબુદ્ધિની અધિષ્ઠાત્રી ગાયત્રીને માનવામાં આવી છે. મન:સ્થિતિ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. પરિસ્થિતિઓ જ સુખદુ:ખનું ઉત્થાન કે પતનનું કારણ બનીને સામે આવે છે. મનુષ્ય પોતે જ પોતાનો શત્રુ છે અને જો તે ચાહે તો પોતાનો ગાઢ સહયોગી મિત્ર પણ બની શકે છે. એટલા માટે પોતાને પતન તરફ નહિં, ઉન્નતિ તરફ લઈ જાઓ.


Post to Twitter Tweet This Post

વાણીની સાધના

December 1st, 2009 No comments

વાણીની સાધના

વાર્તાલાપનાં ગૂઢ રહસ્યો.

જેવી રીતે તમે સારાં પુસ્તકો કેવળ તમારા લાભને માટે પસંદ કરો છો તેવી રીતે સાથીદાર એવો પસંદ કરો કે જેથી તમને કંઈક લાભ થાય. સૌથી સારો મિત્ર તો તે છે, જેનાથી આપણામાં ગમે તે રીતે સુધારો થાય અને આનંદમા વૃદ્ધિ થાય. જો તે મિત્રોથી તમને કોઈ લાભ ન થતો હોય તો તમે તેમને આનંદ અને સુધારામાં વૃદ્ધિ કરવામાં મદદ કરો. જો તમે તે સાથીદારો પાસેથી કોઈ લાભ ન મેળવી શકતા હો કે તેમને તમે કશો લાભ ન આપી શકતા હો તો તમે તરત જ તેમનો સાથ છોડી દો.

પોતાના સાથીદારોના સ્વભાવનું પૂરું જ્ઞાન મેળવો. જો તેઓ તમારાથી મોટા હોય તો તમે તેમને કંઈક પૂછો અને તેઓ જે કંઈ કહે તે ધ્યાનપૂર્વક સાંભળો. જો તેઓ નાના હોય તો તમે તેમને કંઈક લાભ પહોંચાડો.

જ્યારે પરસ્પરની વાતચીત નીરસ બની ગઈ હોય ત્યારે તમે કોઈ એવો વિષય છેડો, જેના પર બધા કંઈક ને કંઈક બોલી શકે અને જેનાથી બધા મનુષ્યઓના આનંદમાં વૃદ્ધિ થાય, પણ તમે ત્યાં સુધી એમ કરવાના અધિકારી નથી કે જ્યાં સુધી તમે નવા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય.

જયારે કંઈક નવીન મહત્વપૂર્ણ અથવા બોધ મળે એવી વાત કહેવામાં આવે ત્યારે તમે તેને તમારી નોટબુકમાં નોંધી લો. તેનો સાર ગ્રહણ કરી લઈને બાકીનો કચરો કાઢી નાંખો.

તમે કોઈપણ સમાજમાં અથવા સાથીઓની સાથે આવતાં-જતાં તદ્દન મૌન વ્રતવાળા ન બનો. બીજાઓને ખુશ કરવાનો અને તેમને કંઈક જ્ઞાન આપવાનો પ્રયત્ન અવશ્ય કરો. એ સંભવ છે કે તમને પણ બદલામાં આનંદવર્ધક અથવા જાણવા જેવી માહિતી અવશ્ય મળે. જ્યારે કોઈ બોલતું હોય ત્યારે તમે ભલે ચૂપ રહો, પરંતુ બધા ચૂપ બની જાય ત્યારે તમે બધાની શૂન્યતાનો ભંગ કરો. બધા તમારા કૃતજ્ઞ બનશે.

કોઈ વાતનો નિર્ણય જલદીથી ન કરો. પહેલાં તેના બંને પક્ષોનું મનન કરો. કોઈ પણ વાતને વારંવાર ન કહ્યા કરો.

એ વાતનો સારી રીતે ખ્યાલ રાખો કે તમે બીજાની ઊણપો તથા ભૂલોને જે દ્રષ્ટિથી જુઓ છો તેમને તેઓ એ દ્રષ્ટિથી નહિ જોતા હોય. એટલા માટે સમાજ સમક્ષ કોઈ મનુષ્યના દોષ પર સ્વતંત્ર રીતે આક્ષેપ, કટાક્ષ કે ટીકાટિપ્પણી કરવાનો તમને અધિકાર નથી.

વાતચીત કરતી વખતે પોતાની બુદ્ધિમત્તા બતાવવાનો ખોટો પ્રયત્ન ન કરો. જો તમે બુદ્ધિશાળી હશો તો તે તમારી વાતચીત પરથી જ ખબર પડી જશે. જો તમે પ્રયત્ન કરીને તમારી બુદ્ધિમાની પ્રગટ કરવા માગશો તો સંભવ છે કે તમારી બુદ્ધિહીનતા વધુ પ્રગટ થતી જશે.

કોઈની વાત જો તમને અપમાનજનક અથવા અવિવેકી લાગતી હોય, તો પણ થોડીવાર માટે ચૂપ રહેવાનો પ્રયત્ન કરો. એમ પણ બની શકે કે તે વાત તમારા સ્વભાવને કારણે તમને ખરાબ લાગતા હોય, પણ બીજા બધા લોકોને સારી લાગતી હોય. જો એમ હોય તો થોડો સમય ચૂપ રહેવાથી તમારે પાછળથી પસ્તાવું નહિ પડે, પરંતુ તમને એક ધૈર્યનો પાઠ શીખવા મળશે.

તમે પોતે સ્વતંત્રતાપૂર્વક તથા સરળતાપૂર્વક વાતચીત કરો અને બીજાને પણ તેમ કરવા દો. ઓછા સમયમાં અમૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરવાનો સંસારમાં બીજો કોઈ માર્ગ નથી.

વાણી

વાણીનો દુરુપયોગ મનુષ્યને દરેક ક્ષેત્રમાં અસફળતા અપાવે છે. ખોટું બોલીને, દગો કરીને, ચાલાકીભર્યા શબ્દોનો વ્યવહાર કરીને મનુષ્ય બીજાને ભ્રમમાં નાખી દે છે. એવી વ્યક્તિઓને કોઈ સાથ નથી આપતું. એવા લુચ્ચા, ચાલાક, લંપટ, તથા વાચાળ લોકોથી બધા બચવા પ્રયત્ન કરે છે.

પીઠ પાછળથી બુરાઈ કરવી એ પાપ છે.

અનેક લોકો પીઠ પાછળ બૂરાઈ કરવામાં અને હાજરીમાં વાહવાહ કરવામાં મોટો આનંદ લે છે. તેઓ એમ સમજે છે કે સંસાર એટલો મૂર્ખ છે કે તેમની આ બેવડી નીતે કોઈ સમજતું નથી. તેમને આવો બેવડો વ્યવહાર કરવા છતાં સમાજમાં શિષ્ટ અને સભ્ય સમજવામાં છે. પોતાની જાતને આ રીતે બુદ્ધિશાળી માનવી એ ઘણી મોટી મૂર્ખતા છે. એક તો બીજાને છેતરવો એ પોતાના આત્માને છેતરવા બરાબર છે. બીજું દુશ્મનાવટ અને મિત્રતાની જેમ વાસ્તવિકતા તથા કૃત્રિમતા છૂપી રહી શકતી નથી.

Post to Twitter Tweet This Post

કર્મકૌશલ શીખીએ

November 30th, 2009 No comments

કર્મકૌશલ શીખીએ

સંસાર કર્મભૂમિ છે.

આ સંસારની રચના કલ્પવૃક્ષ જેવી નથી કે જે કંઈ આપણે ઈચ્છીએ તે તરત જ મળી જાય. આ કર્મભૂમિ છે, જયાં દરેકને પોતાનો માર્ગ પોતે બનાવવો પડે છે. પોતાની યોગ્યતા અને વિશેષતાઓનું પ્રમાણ આપ્યા વિના કોઈ પણ વ્યક્તિ મહત્વપૂર્ણ સ્થાન પર પહોંચતી નથી. અહીં દરેકને પરીક્ષાની આગમાં તપાવવામાં આવે છે અને આ કસોટીમાં જે સાચો ઠરે છે તેને જ પ્રામાણિક અને વિશ્વસનીય માનવામાં આવે છે.

કર્મવીર માટે જરૂરી.

શુભ કાર્યો કરનાર તથા ઉન્નતિ અને વિકાસ તરફ આગળ વધનારની સમક્ષ એક જ માર્ગ છે કે તેમણે દ્રઢતાપૂર્વક પોતાના લક્ષ્ય તરફ નિરંતર ગતિશીલ રહેવું. એકવાર શુભ લક્ષ્ય અને શ્રેષ્ઠ માર્ગ પસંદ કર્યા પછી તેના તરફ નિરંતર આગળ વધતા રહેવું કર્મવીર માટે જરૂરી છે.

પોતાનાં કર્મોને ઓળખો.

દુષ્કર્મ કરવું હોય તો તે કરતાં પહેલાં અનેકવાર વિચારો અને તે આજને બદલે કાલ-પરમ દિવસ પર છોડી દો, પરંતુ જો શુભ કાર્ય કરવું હોય તો પ્રથમ તબક્કે જ ભાવના તરંગોને કાર્યાન્વિત થવા દો. કાલના કામને આજે જ પતાવી દેવા પ્રયત્ન કરો. પાપ તો રોજ જ પોતાની જાળમાં આપણને ફસાવી દેવા ફરતું હોય છે, પણ પૂણ્ય તો કોઈકવાર જ જન્મે છે. જો તેને નિરાશ કરીને પાછું ઠેલી દીધું તો કોણ જાણે ફરી તે ક્યારેય આવશે.

કોઈના વિના પણ કામ ચાલી શકે છે.

મારા લીધે બીજાનું ભલું થયું એમ વિચારવું મૂર્ખતા છે. આપણા વગર સંસારનું કોઈ કામ અટકી રહેતું નથી. આપણા જન્મ્યા પહેલાં સંસારનાં બધાં જ કામ યોગ્ય રીતે ચાલતાં હતાં અને આપણા પછી પણ તે ચાલતાં જ રહેશે. પરમાત્મા એટલો લાચાર નથી કે આપણી મદદ વિના સૃષ્ટિનું કામ ચલાવી ન શકે.

એવો કોઈ નિયમ નથી.

એવો કોઈ નિયમ નથી કે તમે સફળતાની આશા રાખ્યા વિના, અભિલાષા કર્યા વિના, તેના માટે દ્રઢ પ્રયત્નો કર્યા વિના સફળતા મેળવી શકો. દરેક ઊંચી સફળતા માટે પહેલાં દ્રઢ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તેના વિના કદી સફળતા મળતી નથી. ભગવાનના આ નિયમબદ્ધ અને શ્રેષ્ઠ વ્યવસ્થાપૂર્ણ જગતમાં ભાગ્યને માટે કોઈ સ્થાન નથી.

એવા વિચાર ન કરો.

એવો વિચાર ન કરો કે મારું ભાગ્ય તેમને જ્યાં ત્યાં ભટકાવી રહ્યું છે અને આ રહસ્યમય ભાગ્યની સામે મારું શું ચાલી શકે? તેને મનમાંથી કાઢી નાંખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગ્ય કરતાં મનુષ્ય મહાન છે અને બહારની કોઈ પણ શક્તિની તુલનામાં તેનામાં પ્રચંડ શક્તિ મોજૂદ છે. આ વાતને જયાં સુધી તે નહિ સમજે ત્યાં સુધી તેનું કલ્યાણ કદાપિ શક્ય નથી.

Post to Twitter Tweet This Post

આધ્યાત્મિક દ્રષ્ટકોણ અપનાવીએ

November 29th, 2009 No comments

આધ્યાત્મિક દ્રષ્ટકોણ અપનાવીએ

અધ્યાત્મમાં “શોર્ટકટ” નથી.

અધ્યાત્મમાં શોર્ટકટ શોધવાની ઉતાવળ કોઈએ પણ ન કરવી જોઈએ. માથા પર હાથ મૂકીને કુંડલિની જગાડનારા, આંખો બંધ કરીને ભગવાનનાં દર્શન કરાવનારા, મંત્રતંત્રના બદલામાં રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા લોકોથી દૂર રહો. લાંચ, ખુશામત દ્વારા ભગવાનને છેતરવાની તથા પટાવવાની તુક્કાબાજી જેટલી જલદીથી ખતમ થઈ જાય તેટલું ઉત્તમ છે. એમાં કપટજાળ સિવાય વાસ્તવિકતાનું નામનિશાન પણ નથી.

આપો અને મેળવો” અધ્યાત્મનો સિદ્ધાંત

હીરા અને સોનાનાં ઘરેણાં મફતમાં નથી વહેંચાતાં. પંચામૃત કે તુલસીપત્ર જ પ્રસાદમાં મળે છે. માળા ફેરવવા અને અગરબત્તી સળગાવવાના બદલામાં કોઈપણ મનોકામનાઓ પૂરી કરી શકે એવાં દેવીદેવતા હજી સુધી જન્મ્યાં નથી. બેંક લોન આપતી વખતે આપણી પરિસ્થિતિ વિશે પૂછે છે અને તપાસ કરે છે કે પૈસા શા માટે માંગવામાં આવે છે? ક્યા કામ માટે તેનો ખર્ચ થશે? દેવતાઓ પાસે આવી બેંક નથી, જેનાથી પત્રપુષ્પના બદલામાં અથવા દર્શન કરવા માત્રથી કોઈ ધન્ય બની જાય. સંસારના ક્ષેત્રની જેમ જ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ ખરીદ-વેચાણનો વ્યવહાર ચાલે છે. આ વાસ્તવિકતા જેટલી જલદી સમજાય તેટલું સારું.

આત્માનો પ્રકાશ

આત્મા માટે જે પ્રકાશ પ્રાપ્ત કરવા યોગ્ય તે છે, એકતાનો, અદ્વૈતનો પ્રકાશ. જે આત્મા જેટલો પોતાનાં – પારકાં, મારા-તારાના ચક્કરમાં છે, બીજાઓને પોતાનાથી જેટલા ભિન્ન માને છે તે એટલો જ દુ:ખી હોય છે. તેને બીજાથી ભય અને સંશય રહે છે.  પ્રેમનું મિલન જેટલું વધે છે, એટલું જ દ્વૈત સમાપ્ત થવા લાગે છે, જે અનેક પ્રકારની શંકાઓ અને ઉદ્વૈગનું મૂળ છે.

બાકી વધેલા જીવનનો સદુપયોગ કરો

જે સમય વીતી ગયો, તે જો અયોગ્ય રહ્યો હોય તો પણ હજી એક શક્યતા છે કે બાકીના સમયનો સદુપયોગ કરીને અગાઉ થઈ ગયેલ અનર્થનું શુદ્ધિકરણ કરવામાં આવે. સુરદાસ, તુલસીદાસ, આમ્રપાલી, અંગુલીમાલ, અજામિલ, અશોક વગેરે શરૂઆતમાં ખૂબ ખરાબ હતા, પણ વિવેક જાગૃત થયા પછી તેઓ સુધરી ગયા. પાછળથી અપનાવવામાં આવેલ શ્રેષ્ઠતા એટલી તો સમર્થ હોય છે કે તેનાથી અગાઉ ના દોષો તથા પાપોને દબાવી શકાય છે. ઊર્ધ્વગામી બનવાનો નિશ્ચય કરી લઈએ તો દેવતાઓ હાથ લંબાવવામાં કે ડૂબતાને બચાવી લેવામાં કોઈ કસર રાખતા નથી. ઊર્ધ્વગામીઓને ભગવાને સહારો આપ્યો છે. દિવ્ય જીવન જીવવાનો સંકલ્પ કરનારને, સાહસ કરીને મોટી છલાંગ મારવા માટે તૈયાર લોકોમાંથી કોઈને પણ અધવચ્ચે ડૂબવું પડવું નથી.

ભૂલ સુધારીએ

આત્માની તુલનામાં શરીરનું મુલ્ય ઓછુ છે, તે જ રીતે ભાવનાત્મક સશક્તતાની તુલનામાં ભૌતિક સમૃદ્ધિ તુચ્છ છે.  ભૌતિક ઉન્નતિ માટેના મોટામાં મોટા પ્રયોગો પણ ત્યાં સુધી તેના કરતાં અનેકગણા પ્રયત્નો આંતરિક વિકાસ માટે ન કરવામાં આવે.  આજે આપણી સૌથી મોટી ભૂલ આજ છે.  એની આવશ્યકતાનું મૂલ્ય ઓછું આંકીને આપણે ધાણીના બળદની જેમ ખૂબ પરિશ્રમ કરવા છતાં કોઈ મોટી મંજિલને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી નથી.  હવે એ સમય આવી પહોંચ્યો છે કે તે ભૂલને સુધારી લેવા માટે આપણે વિલંબ કર્યા વગર કટિબદ્ધ થઈ જવું જોઈએ.

દિવ્ય આત્મા કોણ ?

પરમાર્થ પ્રયોજનો માટે ઘણું બધું કરી છૂટવાની અભિલાષા એક એવું તત્વ છે કે જેને ઈશ્વરનો પ્રકાશ કે પૂર્વજન્મોના સંચિત ઉત્કૃષ્ટ સંસ્કારો કહી શકાય.  જેના હૃદયમાં ઈશ્વરનાં કાર્યોમાં સહયોગી બનવાની જેટલી લગની છે કે તે એટલો જ દિવ્ય આત્મા છે.  તડપ પાણીના ઝરણાં જેવી છે, જે પહાડ જેવી કઠોરતાને પણ ચીરીને બહાર આવી જાય છે. સામાન્ય સ્થિતિના લોકો પણ યોગ્ય અવસરે પોતાની તડપને કાર્યમાં ઉતારવાનું સાહસ કરે છે ત્યારે તે સાહસ જ તેને ઈશ્વરીય અવતરણના રૂપમાં સૂર્ય અને ચન્દ્રની જેમ ચમકાવી દે છે.  તડપ પેદા થવાનું કારણ અવતરણ છે.

વિટંબણા તો નથી

આ એક વિટંબણા જ છે કે દુનિયાભરનું જ્ઞાન મેળવવાની લાલસા રાખનાર વ્યક્તિ જ્ઞાની અને વિદ્વાન હોવાનો દાવો તો કરે છે, પરંતુ એને એટલું પણ જ્ઞાન નથી કે તે પોતે કોણ છે ? શા માટે તે આવ્યો છે ? શું કરવાનું છે અને ક્યાં જવાનું છે ? આ આત્મ વિસ્મૃતિના કારણે તે અટવાતો રહે છે, ભુલભુલામણીમાં ભટકતો, અભાવનાં રોદણાં રડતો ગમે તેમ કરીને તે દિવસો વિતાવે છે.

મનીષી બનો, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા

જેનું મન પોતાના વશમાં હોય, જે મનની ઈચ્છા પ્રમાણે ચાલતો નથી, પરંતુ પોતાના વિચારો દ્વારા મનને ચલાવે છે તેને મનીષી કહે છે તથા એવી પ્રજ્ઞાને મનીષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારનું કથન છે કે ‘મનીષિ અસ્તિ યેષાં તે મનીષાન:’ પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું છે કે ‘મનીષિ નાસ્તુ ભવન્તિ પાવનાનિ ન ભવન્તિ’ અર્થાત્ મનીષી તો ઘણા હોય છે, પણ ઘણા બુદ્ધિશાળી હોય છે, પરંતુ તેઓ પાવન હોય, પવિત્ર હોય એવું હોતું નથી. પ્રતિભાશાળી તથા બુદ્ધિમાન હોવું તે એક વાત છે અને પવિત્ર તથા શુદ્ધ અંત:કરણવાળા બુદ્ધિમાન હોવું તે જૂદી વાત છે.

ધર્મશીલ બનો.

જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા થાય છે અને જે ધર્મને મારે છે તેને ધર્મ જ મારી જ નાખે છે. અધર્મના માર્ગે ચાલીને આજ સુધી કોઈ મહાન બન્યો નથી કે નથી સુખશાંતિથી રહી શક્યો. આગળ ઉપર પણ આ જ ક્રમ ચાલવાનો છે. આપણે સારા મનુષ્ય બનવું જોઈએ, પ્રામાણિક મનુષ્ય બનવું જોઈએ અને સશકત બનવું જોઈએ. શક્તિ, પ્રામાણિકતા અને વ્યવસ્થા આ ત્રણેય ધર્મના જ ગુણ છે. વ્યક્તિનો સમગ્ર વિકાસ જ ધર્મનો ઉદ્દેશ્ય છે.

Post to Twitter Tweet This Post

આંતરિક શત્રુઓથી બચો

November 28th, 2009 No comments

આંતરિક શત્રુઓથી બચો

લોભ, મોહ પર અંકુશ મૂકો. : અત્યારે તો આસ્થાસંકટ સામે ઝઝૂમવું એ જ આપત્તિકાલીન યુગધર્મ છે. વિચારોની નિકૃષ્ટતાએ જ લોકમાનસને વિકૃત કરી મૂક્યું છે. તેના કારણે જ વ્યક્તિ અને સમાજની સામે અનેક સંકટો ઊભાં થયાં છે અને મહાવિનાશનાં વાદળો ગર્જી રહ્યાં છે. આમ તો લોકમાનસના સુધારને હંમેશાં સર્વોચ્ચ સ્તરનો પૂણ્યપરમાર્થ ગણવામાં આવ્યો છે અને સાધુબ્રાહ્મણ વર્ગના મહામાનવો પોતાની ક્ષમતાનો અધિકતમ ઉપયોગ આ પ્રયોજન માટે જ કરે છે. પરંતુ આજે તો આ જરૂરિયાતની પૂર્તિને જીવનમરણની સમસ્યા માનવામાં આવે. મહાકાળની અપેક્ષા છે કે જાગૃત આત્માઓ હાલમાં પોતાના લોભ, મોહ પર અંકુશ મૂકે અને જેટલા બની શકે તેટલા શ્રમ, સમય અને મનોયોગ જ નહિ, પરંતુ સાધનોને પણ લોકચિંતનમાં આદર્શવાદિતાનો સમાવેશ કરવા માટે ભાવભરી શ્રદ્ધાંજલિના રૂપમાં સમર્પિત કરે.

ચોર ન બનો. : જે ફક્ત પોતાના માટે જ કમાય છે અને ખાય છે તે ચોર છે. આપણે ચોર ન બનવું જોઈએ. જેઓ લોકહિતની વાત વિચારવામાં, તે દિશામાં કંઈક કરવાની બાબતમાં સમયનો અભાવ બતાવે છે તેમને કયા શબ્દોમાં ધિક્કારવા એ જ સમજાતું નથી. આપણામાંથી કોઈપણ એટલો બધો સ્વાર્થી અને કંજૂસ ન બને કે જે રાષ્ટ્રનિર્માણ માટે, યુગ નિર્માણ માટે મારી પાસે બિલકુલ સમય નથી એવું કહેતો હોય.

બહાનાં ન કાઢો. : યુગસંધિના ઐતિહાસિક પરિવર્તનનો સમય અત્યારે આવ્યો છે.  આ મુહૂર્તને અત્યારે એમ કહીને ટાળી ન શકાય કે અમારે અમુક પ્રકારની મુશ્કેલી છે.  અમુક કામ પૂર્ણ થતા સુધી રાહ જોવી પડે છે.  બીજા લોકો શું વિચારે છે એની પરવા કાળચક્રને કયાં હોય છે? તે તો વાદળની જેમ ગર્જના કરીને, વિજળીની જેમ ચમકારો કરીને, ઘટાની જેમ ઘનઘોર વરસીને જળબંબાકાર કરીને પસાર થઈ જાય છે.  પરિવર્તનની પ્રક્રિયાને સુનિયોજિત, પરંતુ ગાંડા હાથી જેવી ઉદ્દંડ માની શકાય છે.  અત્યારે જાગૃત આત્માઓની પીઠ પર વારંવાર ઉદ્દબોધનોના ચાબુક એટલા માટે ફટકારવામાં આવી રહ્યા છે કે અવસરને ટાળવા માટે કોઈ વાસ્તવિક કે અવાસ્તવિક બહાનાં ન બતાવે. સમય તો કોઈની રાહ જોવાનો નથી.  અવસર ચૂકી જનારને તો પછી પસ્તાવું જ પડે છે, પરંતુ આ તો અલભ્ય અવસર છે. તેને ચૂકી જનાર જાગૃત આત્માઓએ જ પસ્તાવું પડશે.

મફતિયું ખાનારા ન બનો : આજની વિષમ વેળામાં પેટ અને પ્રજનનનું રટણ જ ન કરવામાં આવે.  લોભ અને મોહનાં બંધનોને થોડાંક તો શિથિલ કરવાં જ જોઈએ.  સરેરાશ ભારતીય સ્તરના નિર્વાહથી સંતોષ માનો.  ભવિષ્યમાં વ્યાજ કે ભાડા ઉપર કોઈનો નિર્વાહ થવાનો નથી.  કોઈપણ ધનવાન બનીને વિલાસિતાપૂર્વક સગવડો ભોગવી શકવાનો નથી.  એટલા માટે પોતાના વારસદારોને મફતિયું ખાવાની ટેવ પાડીને હરામ હાડકાંના કરી મૂકવાની મૂર્ખતા કદી ન કરવી જોઈએ. પેટ પેટની રીતે ભરાવું જોઈએ. તેને કદી ભરાય જ નહિ એટલું મોટું ન બનાવી દેવાય.

કામને ટાળવાનો રોગ : જે વ્યક્તિમાં કામને ટાળવાનો રોગ લાગી જાય છે તે પોતાના જીવનમાં કોઈ કામ કરી શક્તો નથી.  તેનું દરેક કામ અધુરું પડી રહે છે.  જો કે એવા લોકો હંમેશાં કામમાં વ્યસ્ત દેખાય છે, પરંતુ તેઓ પોતાનું કામ પૂર્ણ કરી શકતા નથી.  કામનો બોજ તેમના માથા પર લદાઈ રહે છે અને તેઓ તેનાથી ડરીને કામને બીજા ઉપર ધકેલતા રહે છે.

લાલચ :  લાલચ એક જબરજસ્ત તોફાન જેવી છે. જો મજબૂત મનનો માણસ પણ જાગૃત ન રહે, તો તેને પણ ગબડાવી દેવાની શક્તિ તે ધરાવે છે. જે વ્યક્તિ હંમેશા જાગૃત રહે છે તે જ સંસારની નાનીમોટી લાલચો, આકર્ષણ, ખોટો દંભ, દેખાવ તથા ટાપટીપથી મુકત રહી શકે છે.  જો એકવાર તમે લાલચ અને વાસનાના ચક્કરમાં આવી ગયા તો વર્ષો સુધી તેનું પ્રાયશ્ચિત્ત કરતા રહેવું પડશે.

જુગાર : જુગારનું વ્યસન બધી રીતે નુકસાનકારક અને પતન કરનારું છે.  જે હારે છે તે તો જાતજાતની મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે જ, પરંતુ જે જીતે છે તે પણ મફતનો માલ સમજીને અનેક જાતનાં વ્યસનો અને ખરાબ કામોમાં તે પૈસા વાપરી નાખે છે. તેનાથી તેની આદત બગડે છે અને પછી પોતાની કમાણીને પણ હાનિકારક વ્યસનોમાં ખર્ચવા માંડે છે.

ક્યાંક આ દુર્ગુણો આપણામાં તો નથી ને ? : પાછળ ઉભા રહેનારા ઝંઝટમાં પડવાની દ્રષ્ટીથી તો પોતાને સુરક્ષીત માની લે છે, પણ હકીકતમાં તે ઘણા નુકસાનમાં રહે છે. જવાબદારીઓથી મોં ફેરવી લેવામાં, માત્ર મૂકદર્શક બનીને જોયા કરવામાં અને ઉદાસીનતા બતાવવામાં એ જોખમ છે કે ગૌરવ લઈ શકાય એવું કંઈ તેના હાથમાં આવતું નથી. આળસું તથા પ્રમાદી માણસ ગમે તેમ કરીને દિવસો તો પસાર કરી લે છે, પણ તેની ગણતરી અર્ધ મૃતકોમાં જ થાય છે. મનુષ્યજીવનની ગરીમા અને જવાબદારીને જે સમજી શકતો નથી તેને તો પેટ અને પ્રજનનમાં જ જિંદગીના દિવસો પૂરા કર્યા સિવાય બાજું કંઇ જ હાથ લાગતું નથી. સંતોષ તથા સન્માન મેળવીને, ઉન્નત મસ્તક રાખીને પ્રજ્ઞાવાન, પ્રગતિશીલ તથા વરિષ્ઠ લોકોની જેમ જીવવાનો અવસર મળી શક્તો નથી.

નકલ ન કરો : જેઓ અનીતિપૂર્વક કમાઈને વ્યસનોમાં ખર્ચ કરતા હોય તેમની નકલ ન કરો. બુદ્ધીશાળી કહેવડાવવું જરૂરી નથી. ચતુરતાની દ્રષ્ટિએ પક્ષીઓમાં કાગડો અને જાનવરોમાં ચિત્તાને મુખ્ય ગણવામાં આવે છે. એવા ચતુર અને દુ:સાહસીઓનું સ્થાન જેલખાનામાં હોય છે. છીછરા લોકોની નકલ ન કરો. વ્યક્તિત્વની દ્રષ્ટિએ લાલચું, ઉદ્ધત તથા ઉચ્છૃંખલ લોકોને તમારા માર્ગદર્શક ન બનાવો. આદર્શોની સ્થાપના કરતી વખતે શ્રેષ્ઠ સજ્જનોને, ઉદાર મહામાનવોને જ સામે રાખો. પતિતની પ્રશંસા કરીને તેનું અનુકરણ કરવાની ભૂલ ન કરો. સસ્તી લોકપ્રિયતા મેળવવામાં ખાસ કરીને ધૂર્ત લોકોને જ સફળતા મળે છે, પણ ખાસ યાદ રાખો કે એ પ્રાપ્તિ ખૂબ મોંઘી પડે છે. સંપતિવાન હોવાને કારણે જ કોઈને શ્રેય ન આપો કે તેના રસ્તે ચાલવાની ઉતાવળ પણ ન કરો. તેમાં જોખમ જ છે.

નીચે તરફ ન વહો : પૃથ્વીની આકર્ષણ શક્તિ દરેક વસ્તુને ઉપરથી નીચે તરફ ખેંચે છે. પાણી ઢાળ તરફ વહે છે. મનુષ્યની અંદર બેઠેલી જન્મ જન્માંતરોથી સંચિત દુષ્પ્રવૃત્તિઓ પણ તેને અનાચારની પ્રેરણા વહીને ઊંડા ખાડામાં પણ પડે છે.  આ પતન તરફ જવાને બદલે મનુષ્યે આદર્શવાદી ઉત્કૃષ્ટતા અપનાવવી જોઈએ. ઉન્નતિ કરીને એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ કે જેનાથી સ્નેહ અને સદ્દભાવ ભર્યા રાજમાર્ગ પર ચાલીને તૃષ્ટિ, તૃપ્તિ અને શાંતિનું વાતાવરણ બને.

નિરાશા : નિરાશા એ માનવીય દુર્ગુણ છે, જે બુદ્ધીને ભ્રમિત કરી નાખે છે. માનસિક શક્તિઓને વેર વિખેર કરી નાખે છે. આવી વ્યક્તિ અધૂરા મનથી, ડરીડરીને કાર્ય કરશે. આ અવસ્થામાં સફળતા કેવી રીતે મળી શકે? જ્યાં આશા ન હોય ત્યાં પ્રયત્ન પણ ન હોય અને પ્રયત્ન વિના તો આજ સુધીમાં કોઈ ધ્યેય પ્રાપ્તિ કરી શક્યું નથી અને ભવિષ્યમાં કરી શક્શે પણ નહી.

નિરાશાથી બચો ; જેની આશાનો દીપક બુઝાય ગયો, જેને નિરાશાએ ઘેરી લીધો, જેની આકાંક્ષાઓ સમાપ્ત થઈ ગઈ, ભવિષ્ય માટે જેની પાસે કંઈ વિચારવાનું કે કરવાનું નથી, એવી ઢસડાતી જીંદગીને મરવાના વાંકે જીવતા હોય એવી માનવી જોઈએ. જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવો, ખાવું, સૂવું, એટલો જ નથી, પરંતુ તેથી વિશેષ છે. જેનામાં કોઈ શ્રેષ્ઠતા ન હોય તેવી જિંદગીને મૃતક જેવી માની શકાય છે. કેટલીક વ્યક્તિઓ તો જિંદગીને લાશની જેમ ઘસડતી રહે છે. આશા વિનાના લોકોને આ શ્રેણીમાં ગણવા જોઈએ.

માત્ર કુંઢાઈને બેસી ન રહો. : આજે મૂઢતા અને દુષ્ટતા તરફના મોહે આપણને લાચાર અને કાયર બનાવી દીધા છે.  જેને અનુચિત તથા અનિચ્છનીય સમજીએ છીએ, તેને બદલવા તથા સુધારવાનું સાહસ કરી નથી શકતા. સત્યને અપનાવવાનું સાહસ પણ નથી અને અસત્યનો ત્યાગ પણ થતો નથી. તેઓ બબડાટ જરૂર કરે છે કે, અમે અયોગ્ય વિચારણા અને પરિસ્થિતિઓથી કંટાળી ગયા છીએ, પરંતુ જયારે સુધાર અને બદલવાની વાત આવે છે ત્યારે તેમના પગ થથરવા માંડે છે  અને જીવ કંપી ઊઠે છે. કાયરતા નસે નસમાં ફરી વળી છે.   જેઓ અનિચ્છનીય માન્યતાઓની સામે લડી નથી શકતા તેઓ આક્રમણકારીઓની સામે શું લડી શકવાના છે? જે પોતાના વિચારોને નથી સુધારી શક્તો તે પરિસ્થિતિનોને શું સુધારવાનો હતો?  જે અંદરથી દરિદ્ર છે તે બાહ્ય જીવનને સંપન્ન કરવાનાં સપનાં કયાંથી સાર્થક કરી શકવાનો છે?

શ્રેષ્ઠતાનું મૂલ્ય ઘટાડશો નહિ. : આજના વાતાવરણમાં દરેકને સંપન્નતા અને વિલાસિતાની સગવડો જ સર્વસ્વ લાગે છે.  તેઓ પોતાની માન્યતાને અનુરૂપ એક જ સલાહ આપી શકે છે કે, પરમાર્થની કષ્ટસાધ્ય પ્રક્રિયાથી વ્યાવહારીક રીતે માઈલો દૂર રહેવું જ લાભદાયક છે. તેમની વાતને જેઓ જે હદ સુધી સ્વીકારી લે છે,  તેઓ તે હદ સુધી સ્વાર્થ મગ્ન રહે છે.  પરમાર્થની દિશામાં આગળ વધવું તેમને માટે ખૂબ મુશ્કેલ બની જાય છે.  કોઈ વાસ્તવિક કારણ ન હોવા છતાં તે કથન અભેધ દીવાલ બની જાય છે.  તે સ્થિતિમાં સ્વાર્થના પિંજરાની બહાર એક કદમ પણ મૂકી શકાતું નથી.  તેનાથી મુકત થવા માટે તુલસીદાસના એ પત્રથી જ અંગુલી નિર્દેશ મળી જાય છે, જે તેમણે મીરાના પત્રના ઉત્તરમાં લખ્યઓ હતો. તેમાં કહ્યું હતું કે -

જાકે પ્રિય ન રામ વૈદેહી, તજિયે તાહિ કોટિ બૈરીસમ, યધપિ પરમ સ્નેહી,

પિતા તજ્યો પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી, બલી ગુરુ તજ્યો,

કંથ વ્રજ બનિતન ભયે મુદ મંગલકારી.

દુષ્કર્મ ખોટનો સોદો. :  અનેકવાર એ પરીક્ષણ થઈ ચૂકયું છે કે દુષ્ટતા કોઈને માટે પણ લાભદાયક નથી. જેણે પણ તે અપનાવી તેઓ ખોટમાં રહ્યા અને વાતાવરણને દૂષિત બનાવી દીધું.  હવે આ પરીક્ષણ આગળ પણ ચાલુ રાખવાથી કોઈ લાભ નથી.  આપણે આપણું જીવન દળેલાને ફરી દળવામાં ન વેડફીએ તો સારું. અનીતિને અપનાવીને સુખની આકાંક્ષા પૂર્ણ કરવી તે કોઈના માટે શક્ય નથી, તો પછી આપણા માટે અસંભવિત વાત કઈ રીતે સંભવિત બને?

પોતાની અવગણના કરવી તે પાપ છે. : પ્રાણ આપણી છે, પ્રતિભા પણ આપણી છે, પરંતુ અણઘડ સ્થિતિમાં તે ઝાડીઝાંખરાથી ભરેલી રહી છે.  તેને સુરમ્ય ઉધાનમાં બદલવા માટે કુશળ માળીની જેમ અનુભવ અને જાગૃત પ્રયત્ન જોઈએ.  જે લોકો આ કરી શકે છે તેઓ જ અનુભવી શકે છે કે, ‘ઈશ્વર અંશ જીવ અવિનાશી’ આ સિદ્ધાંત સોળ આના સાચો છે. તેમાં કોઈ પણ પ્રકારની અત્યુક્તિ નથી.  જેઓ પોતાની જાતની અવગણના કરે છે તેઓ ખોટમાં જાય છે.  જેઓ પોતાની અવહેલના કરે છે તેઓ બીજાઓથી પણ તિરસ્કૃત થતા રહેશે અને પોતે ખોટમાં જશે.

ભૂલો એ અપરાધ જેવી છે. : ભૂલો એ છે, જે અપરાધની કક્ષામાં આવતી નથી, પરંતુ વ્યક્તિના વિકાસમાં તે બાધક બને છે.  ચીડિયાપણું, ઈર્ષ્યા, આળસ, પ્રમાદ, કડવી વાણી, અસભ્યતા, નિંદા, ચાડીચુગલી, કુસંગ, ચિંતા, મુશ્કેલી, વ્યસન, વાસનાત્મક કુવિચારો અને દુર્ભાવનાઓમાં જે સમય બરબાદ થાય છે તેને સ્પષ્ટપણે સમયની બરબાદી કહી શકાય.  પ્રગતિના માર્ગમાં આવા નાના નાના દુર્ગુણો જ બહુ મોટી અડચણ બની જાય છે.  આ ભૂલો અપરાધોની જેમ જ નુકસાનકારક છે.

સાચું સુખ. : મનુષ્યનું સાધ્ય એવા સુખ અને શાંતિનું નિવાસસ્થાન તેની ઈચ્છાઓ, ઉપલબ્ધીઓ અથવા ભોગવિલાસમાં નથી. એ તો ઓછામાં ઓછી ઈચ્છાઓ, વધુમાં વધુ ત્યાગ અને વિષયવાસનાના વિષથી બચવાથી જ પ્રાપ્ત કરી શકાય છે.  જેઓ નિ:સ્વાર્થી, નિષ્કામ, પુરુષાર્થી, પરોપકારી, સંતોષી તથા પરમાર્થી છે, તેઓ જ સાચા સુખ અને શાંતિના અધિકારી છે. સાંસારિક સ્વાર્થ અને લિપ્સાઓથી બંધાયેલા મનુષ્યે સુખશાંતિની ઈચ્છા ન રાખવી જોઈએ.

‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’

પ્રકાશની અંત:ચેતનામાં સત્ય અને ચેતનાની સાથે સૌદર્ય પણ છે.  અજ્ઞાન અંધ અને કુરૂપ છે.  તેના પર હંમેશા પ્રકાશ શાસન કરે છે.  વ્યાવહારિક જીવનમાં પણ જ્ઞાની માણસ જ અજ્ઞાની ઉપર વિજયી થાય છે.  જ્ઞાનનો જ બધે આદર થાય છે.  સૌંદર્ય બધાને મધુર અને પ્યારું લાગે છે. બધા તેના તરફ આકર્ષાય છે અને તેની પાસે થોડો સમય વિતાવવાની ઈચ્છા રાખે છે.  પોતાના આ સ્વરૂપમાં તે લૌકિક સુખોનો દાતા બની જાય છે.  એટલા માટે એ જરૂરી છે કે અંધકાર તરફ ન જતાં પ્રકાશ તરફ ગતિ કરો.  આ પ્રકાશ જ જીવનમાં આનંદ બનીને ઓતપ્રોત થઈ જાય છે.

Post to Twitter Tweet This Post

સાચા આસ્તિક બનીએ

November 27th, 2009 No comments

સાચા આસ્તિક બનીએ

આત્મવિશ્વાસ

કોઈ વ્યક્તિના કહેવાથી અથવા કોઈ આપત્તિ આવી પડવાથી તમારા આત્મવિશ્વાસને ડગી જવા ન દો.  કદાચ તમે તમારી સંપત્તિ, સ્વાસ્થ્ય, તમારી કીર્તિ અને બીજા લોકોનું સન્માન ગુમાવી દો, પરંતુ જયાં સુધી તમે તમારા ઉપર શ્રદ્ધાને ટકાવી રાખશો અને આગળ વધતા રહેશો તો વહેલાં મોડાં પણ દુનિયા તમને રસ્તો આપશે જ.

દેવત્વને સમજો

આજનાં સમગ્ર પૂજાપાઠ એ ધરીની આસપાસ થઈ રહ્યાં છે કે ઈશ્વર એક વ્યક્તિ છે અને વ્યક્તિની બધી જ દુર્બળતાઓ તેનામાં હયાત છે.  વ્યક્તિની બધી જ કમજોરીઓ તેનામાં રહેલી હોવાને કારણે ભક્તિ નામની ચીલાચાલુ પદ્ધતિ દ્વારા માણસ પોતાનું કામ કઢાવી લેવામાં સફળ થઈ શકે છે.  આ બાળમાન્યતા ઘણી જૂની થઈ ગઈ અને તેની નિરર્થકતાને દરેક કસોટીથી ઓળખી લેવામાં આવી છે.  હવે એવી ભક્તિભાવનાનો ઉદય કરવાન્ઓ છે, જે ભાવશક્તિના રૂપમાં વિશ્વવ્યાપી પરમાત્માને શ્રેષ્ઠ કર્તવ્યો અને શ્રેષ્ઠ ભાવનાઓ દ્વારા પ્રભાવિત કરી શકે અને આકર્ષી શકે.  દરેક મનને ભગવાનનું મંદિર માનીને શ્રેષ્ઠ આદર્શોને દેવપ્રતિમાના રૂપમાં સ્થાપિત કરવા જોઈએ.  સદ્દજ્ઞાન, સદ્દભાવ અને સદ્દકર્મના પુષ્પો દ્વારા જ ભગવાનનો સાચો શૃંગાર કરી શકાય છે

ઈમાન અને ભગવાન આપણા ઈષ્ટ બને

મૂઢ માન્યતાઓમાં ફસાયેલા, અનાચારોથી ટેવાયેલા, કુચક્ર અને ષડયંત્રોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને આપણા સલાહકાર ન બનવા દેવાય.  તેમને સંચાલક કે નેતા પણ ન બનાવી શકાય.  ભલે પછી પોતાની ચતુરતાને કારણે મોટા લોકોમાં તેમની ગણતર થતી હોય.  કોઈ બ્રાહ્મણ વંશમાં જન્મ્યો હોય, સાધુનો વેશ ધારણ કર્યો હોય, વધારે ભણ્યો હોય કે પછી કોઈ પદાધિકારી બની ગયો હોય. આમાંથી એક પણ કારણ એવું નથી કે જેથી તેને નીતિ નિર્ધારક માની શકાય.  આ અજ્ઞાન તથા અંધકારભર્યા, અનાચારી, દુરાગ્રહી વાતાવરણમાં આપણે સમુદ્રમાં ઊભી રહેલી દીવાદાંડીની જેમ એકલા ઊભા રહેવું જોઈએ.  અંદરની ઈમાનદારી અને બહારના ભગવાન – આ બે ને જો મજબૂત રીતે પકડી રાખીને વિવેક તથા ઔચિત્ય રૂપી બંને પગને આગળ વધારતાં લક્ષ્ય તરફ એકલા આગળ વધીએ એમાં જ સાચું શૌર્ય અને પરાક્રમ છે.  ભલે પછી લોકો ઉપહાસ કરે કે અસહયોગી તથા વિરોધી વલણ અપનાવે.

ઈશ્વર અર્થાત્ પુરુષાર્થ

કોઈ બધાં કામ કરી જશે એવી આશા ભગવાન પાસે પણ ન રાખવી જોઈએ.  ભૂલ અહીં જ થાય છે કે દૈવી સહાયતાનું નામ લેતાં જ લોકો એવું સમજે છે કે તે જાદુઈ લાકડી ફેરવશે અને આપણું ઈચ્છિત કામ થઈ જશે.  આવા અતિવાદી લોકો ક્ષણવારમાં આસ્થા ગુમાવી બેસે છે.  દૈવી શક્તિઓ પાસે, સૂક્ષ્મધારીઓ પાસે આપણે સામયિક સહાયતાની આશા રાખી શકીએ.  સાથેસાથે આપણી ફરજોનું પાલન કરવા માટે કટિબદ્ધ પણ બનવું પડે.  નિષ્ફળતા તથા મુશ્કેલીઓને એક સારા શિક્ષક માનીને આગળનાં કદમ વધુ સાવધાનીપૂર્વક તથા વધુ બહાદુરીથી ભરવાની તૈયારી રાખવી જોઈએ.

ઈશ્વર પૂજા :

વિશ્વમાનવ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રતીક છે.  તેનાં સુખસુવિધા નહિ, પણ અંત:ભૂમિકા વિકસિત કરવી એ જ સાચી ઈશ્વરપૂજા છે.  આમ તો ભૌતિક સુખસુવિધાઓની વૃદ્ધિઅ કરવી એ પણ સારું જ છે.  તેનાથી જીવન વિતવવામાં સરળતા રહે છે, પરંતુ કોઈની વાસ્તવિક પ્રગતિ, સંતોષ અને ગૌરવ તો તેની અંત: ભૂમિકા વિકસિત કરવામાં જ છે.  આમ તો ઈશ્વરને ભોગપ્રસાદ ખવડાવી, ધૂપદીપ સમર્પિત કરીને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વાત લોકો વિચારે છે, પરંતુ એ એક હકીકત છે કે આપણાં સત્કર્મો અને સેવાથી ભરપૂર આચરણને જોઈને પરમેશ્વર જેટલા દ્રવિત થાય છે, તેટલા ધૂપદીપથી થતા નથી.  આ વાત વિશ્વમાનવને પણ લાગુ પડે છે.

આત્મવિશ્વાસ અને શિસ્ત

નિયમ પાલનથી મનુષ્યમાં આત્મવિશ્વાસ અને શિસ્તની ભાવના આવે છે. જીવનને પ્રગતિ અને વિકાસને માટે આ બંને શક્તિઓ અનિવાર્ય છે.  આત્મશક્તિ અથવા આત્મવિશ્વાસના અભાવમાં મનુષ્ય નાનાં નાનાં ભૌતિક પ્રયોજનોમાં જ લાગેલો રહે છે.  શિસ્ત વિના જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.  શક્તિ અને ધ્યાનનું કેન્દ્રીકરણ ન થઈ શકવાને કારણે કોઈ મહત્વપૂર્ણ સફળતા મળી શકતી નથી, આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિને માટે વિખરાયેલી  શક્તિઓને એકત્રિત કરીને તેમને મનોયોગપૂર્વક જીવન ધ્યેય તરફ વાળી રાખવાનું આચરણમાં નિયમબદ્ધતા રાખવાથી જ થઈ શકે છે. નિયમિતતા જીવનનો મુખ્ય આધાર છે.  આત્મશોધનની પ્રક્રિયા તેના વડે જ પૂરી થઈ શકે છે.

નાસ્તિકતા અર્થાત્ કાયરતા

અસત્ય અને અનૌચિત્યનો વિરોધ કરીને કોણ ઝંઝટમાં પડે, એમ માનીને જે માણસ તેમને સ્વીકારે છે તે હકીકતમાં નાસ્તિક છે.  તેને ઈશ્વર પર વિશ્વાસ હોત તો દુષ્ટતા સામે લડવામાં સહાયક બનનારા ભગવાન, અર્જુનનો રથ હાંકનારા ગીતાનાયક કૃષ્ણની યાદ જરૂર આવત.  મરવાથી પણ તે ન ડરત અને જે યોગ્ય હોય તે કરવામાં અને અનૌચિત્યનો અસ્વીકાર કરવામાં જરૂર તત્પરતા પ્રગટ કરત.  ડરપોક માણસ પાક્કો નાસ્તિક અને અધર્મી છે.  કાયરતા જ બધાં પાપોની જનની છે.  ડરપોક જ દુષ્ટ બની શકે છે.  નિર્ભયતા જેણે સ્વીકારી હોય તેને માટે શક્તિની ઉજ્જવળ ધારાઓ દશે દિશાઓમાં વહેતી રહેશે.

આસ્તિકતા

આસ્તિકતાનો અર્થ છે – બધાંમાં એક જ શ્રેષ્ઠ તત્વનાં દર્શન કરવાં. દરેક વસ્તુની મૂળ સત્તાનું સન્માન કરવું. આ પ્રકારની આસ્તિક દ્રષ્ટિ રાખનાર પ્રત્યેક માનવનું સન્માન જ કરે છે અને તેની સાથે સદ્દવ્યવહારની સજ્જ્નતાજ દર્શાવે છે. બીજા સાથે દુર્વ્યવહાર કરવો, ઘૃણા બતાવવી કે તેને હલકો ગણવો એ માત્ર એને માત્ર જ સંભવિત છે કે જે મનુષ્ય માત્રમાં રહેલા આત્મતત્વની શ્રેષ્ઠતા પર વિશ્વાસ નથી રાખતો.

પ્રેમનું સ્વરૂપ

પ્રેમનું નામ અદ્રૈત છે.  તેને જ ભક્તિ કહે છે.  ઈશ્વરને અવલંબન બનાવીને જે ભક્તિ કરવામાં આવે છે તે માત્ર ઈશ્વર સુધી મર્યાદીત રહેતી નથી, જેની ઉપાસનાની સગવડતા માટે પ્રતિમાના રૂપમાં કલ્પના કરવામાં આવી હતી. પહેલવાન મગદળની મદદ વડે પોતાની ભુજાઓનું બળ વધારે છે. તે ભુજાઓનું બળ જીવનના વિસ્તૃત ક્ષેત્રમાં મદદરૂપ બને છે.  એવું નથી કે ભુજાઓનું તે બળ માત્ર મગદળને ઉઠાવવા પૂરતું જ મર્યાદિત હોય.

એવા વિશ્વાસને અપનાવો

જેનાથી લોકકલ્યાણની દિશામાં પ્રગતિ થાય એવા વિશ્વાસ અને સિદ્ધાંતોને અપનાવો. એ વિશ્વાસ અને સિદ્ધાંતોને હ્રદયના અંદરના ખૂણામાં ખૂબ ઊંડે સુધી ઉતારી દો. તેમને એટલી દ્રઢતાપૂર્વક મજબૂત બનાવી લો કે ભ્રષ્ટાચાર અને લાલચ સામે આવીને ઊભાં રહે તો પણ તમે અડગ રહો. પરીક્ષા આપવી પડે કે ત્યાગ કરવો પડે તો પણ તેમાં ચલિત ન થવાય. તે વિશ્વાસ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. પ્રાણથી વધારે પ્યારો હોવો જોઈએ.

ભગવાન પાસે માગવા લાયક છે.

દુ:ખ અને મુશ્કેલીઓમાં જ સાચા હ્રદયથી પરમાત્માની યાદ આવે છે. સુખ અને સગવડોમાં તો ભોગ અને તૃપ્તિની જ કામના રહે છે. એટલા માટે ખરા દિલથી વિપત્તિઓનું સ્વાગત કરીએ. ભગવાન પાસે માગવા જેવું વરદાન એક જ છે કે તું મુશ્કેલી આપ, દુ:ખ આપ, જેથી વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે સાવધાન અને સજાગ બની રહે.

Post to Twitter Tweet This Post

આત્મનિર્ણયની દિશા

November 26th, 2009 No comments

આત્મનિર્ણયની દિશા

પરિવર્તનની સચ્ચાઈ

પરિવર્તન અનાયસે જ એની મેળે થઈ જવાનું નથી.  જાદુઈ લાકડી ફેરવીને કોઈ સંત, દેવદૂત કે અવતાર આ બધું નહિ કરી જાય.  તેને માટે કરોડો લોકોએ કઠોર પ્રયત્નો કરવા પડશે અને દરેક જાગૃત આત્માએ મુશ્કેલીઓની સામે ઝઝુમવા માટે રીંછ, વાનરોની જેમ સાહસિક બનવું પડશે.  આ મહાઅભિયાનનું નેતૃત્વ લેવા માટે મહાન ભાગ્યશાળીઓની આજે અત્યંત આવશ્યકતા છે કે જેઓ ઈશ્વરીય ઈચ્છા, યુગની  આવશ્યકતા અને વિશ્વનાં સુખશાંતિને માટે પોતાના તુચ્છ સ્વાર્થોનું  બલિદાન આપીને નવનિર્માણની ઐતિહાસિક ભૂમિકા નિભાવીને પોતાને ધન્ય બનાવી શકે.

પરિવર્તન અંદરથી થાય :

અત્યારે વિલાસ, સંગ્રહ અને અહંકારની લાલસા દરેક વ્યક્તિ પર ઉન્માદી આવેશની જેમ છવાઈ ગઈ છે.  વાસના, તૃષ્ણા વિના બીજું કંઈ જ દેખાતું જ નથી.  સંકુચિત સ્વાર્થ અને અહંકારને માટે દરેક જણ ગમે તે કરવા તૈયાર છે.  જાણે ઔચિત્ય અને વિવેકને તો તિલાંજલિ જ આપી દીધી છે.  આ ઢાંચો જ્યાં સુધી ચિંતન અને વ્યવહારમાં આ રીતે ચાલું રહેશે ત્યાં સુધી બધે વ્યાપેલા દુ:ખથી છુટકારો મેળવવો અઘરો છે.  આંતરિક પરિવર્તન થઈ શકે તો બહારની પરિસ્થિતિઓ બદલાઈ જવામાં બિલકુલ બહુ વાર નહિ લાગે.

અંદરના શેતાનને કાઢો

સ્મરણની જેમ વિસ્મરણ પણ મનુષ્યના સ્વભાવ સાથે જોડાયેલું છે, પરંતુ એ દુર્ગુણ આપણા આત્મગૌરવને, ઓજસ, તેજસ અને વર્ચસને ભુલાવી દે એટલી હદે પહોંચી જાય તેને શું કહેવું? આજે કંઈક આવું જ સંમોહન-વશીકરણ કોઈ શેતાન દ્વારા કરી નાખવામાં આવ્યું છે, જેનાથી વ્યક્તિ પોતાને હતાશ, દીન, દુર્બળ, અસહાય, અભાગી વગેરે માની લે છે. જો તેને પોતાની જીવનશક્તિ પર વિશ્વાસ હોત, તો ગમે તેવી મુશ્કેલીઓને પડકાર ફેંકી અત્યાર સુધીમાં તો ન જાણે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત.

આંતરિક મહાભારતને જીતો :

જેના જીવનમાં લોભ, મોહ, અહંકાર, અપવ્યય, આળસ, ક્ટુવાણી, શિસ્તનું ઉલ્લંઘન જેવી અનેક બુરાઈઓ ઘૂસી ગઈ છે, એના કારણે એની પ્રગતિનો માર્ગ રોકાઈ જાય છે.  તેથી આત્મસુધાર માટે આપણા પૂર્વગ્રહો સાથે પણ સંઘર્ષ કરવાની જરૂર છે.  બધી શક્તિ સ્વાર્થ સાધવામાં જ ખર્ચી નાખવી, લોકમંગલ માટે સમયદાન અને અંશદાન આપવાના કર્તવ્યપાલનમાં બહાનાં બતાવતા રહેવું એ પણ કમનસીબી છે.  તેને ગમે તે ભોગે પણ દૂર કરવી જોઈએ.  પૂરેપૂરી શક્તિથી લડતા અર્જુનની જેમ આપણે પણ આંતરિક મહાભારતને જીતવા માટે કમર કસવી જોઈએ.

આત્મનિરીક્ષણ કરો :

આપણે આત્મનિરીક્ષણ તરફ આગળ વધીએ. આપણા પોતાના ભૂત, વર્તમાન અને ભવિષ્ય દ્વારા પણ જ્ઞાન મેળવવું જોઈએ. માત્ર અધોગામીઓ તરફ ન જોતાં પવન અને અગ્નિની જેમ ઉપર ઉઠનાર વ્યક્તિઓ તરફ પણ ધ્યાન આપવું જોઈએ. તે તરફ પણ જોવું જોઈએ કે જે માર્ગ મહામાનવોએ અપનાવ્યો છે અને ઉત્કૃષ્ટ આદર્શવાદિતાના માર્ગે ચાલીને અનુગામીઓને એવો માર્ગ બતાવ્યો છે કે જેનું અનુકરણ કરીને તેનો પોતાને તથા પોતાના સાથી સહચરોને પણ ધન્ય બનાવી શકે. જો સમજદારી હોય તો આપણે એવા નિર્ણય પર આવવું જોઈએ કે પતનના માર્ગ તરફથી પાછા વળીને ઉત્થાનનો માર્ગ અપનાવવો જ કલ્યાણકારી છે.

આપણે બદલી શકીએ છીએ

લોકોના દ્રષ્ટિકોણ, જીવનક્રમ અને તેમના પ્રયત્નોનું વિશ્ર્લેષણ કરવામાં આવે તો તેમાંથી મોટે ભાગે રાવણ, કુંભકર્ણ, મારીચ, કંસ, દુર્યોધન, જરાસંઘ, હિરણ્યકશ્યપ, વૃત્રાસર તથા ભસ્માસુરના વંશજો જોવા મળશે.  એમાં અંતર માત્ર એટલું જ છે કે શક્તિ તથા સામર્થ્યના અભાવે તેઓ મનમાની કરી શકતા નથી. તેમની પ્રવૃત્તિઓ તો એ કક્ષાની જ છે.  સૂર્પણખા, તાડકા, ત્રિજટા, સુરસા, પૂતના, તથા મંથરા ઘેરેઘેર છે.  અંતર સાધન અને અવસર ન મળવા જેટલું જ છે.  આ લોકોની વચ્ચે રહેવા છતાં કમલપત્રની જેમ નિર્લેપ રહેવું જોઈએ.

સુદામા, કેવટ, હનુમાન ભાગીરથ જેવાનોનું અનુકરણ કરવામાં નુકસાન થશે એવું ન વિચારવું જોઈએ.  કૌશલ્યા, સુમિત્રા, ઉર્મિલા, કુંતી, મદાલસા, મીરા, સંઘમિત્રા વગેરેનો માર્ગ અપનાવવામાં કોઈ નુકસાન નથી.  પાછલું જીવન તુચ્છ અને હલકું રહ્યું હોય, તો પણ ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાલ્મીકિ, અંગુલિમાલ, બિલ્વમંગલ, અજામિલ જેવા બદલાઈ શકે છે. આમ્રપાલી તથા વાસવદત્તાની કથાઓ બતાવે છે કે સામાન્ય સ્તરની, નિમ્નકક્ષાની નારી પણ આંતરિક પરિવર્તન થતાં વિશ્વવિભૂતિ બની શકે છે.  આદર્શવાદી પરિવર્તનને માટે જીવનનું દરેક ક્ષેત્ર, સંસારનો દરેક ખૂણો ખાલી પડ્યો છે.

પરિવર્તનના શ્રીગણેશ કરીએ

યુગપરિવર્તનનો શુભારંભ આપણો દ્રષ્ટિકોણ નક્કી કરવામાં અને કાર્યોને પ્રકાશવાન બનાવવાના રૂપમાં થવો જોઈએ. એન્જિનિયર હોય તો ભવન બનાવે, ડૉકટર હોય તો હૉસ્પિટલ ચલાવે, શિક્ષક હોય તો બાળકોને ભણાવે. સેનાપતિ હોય તો સિપાહીની જેમ લડે.  આગેવાન માર્ગ માત્ર બતાવાતો નથી, પરંતુ તેને બનાવે પણ છે. જો તે સાચા રસ્તે જતો હશે અને પોતે સીધો હશે તો તે માર્ગ પર ચાલનાર વ્યક્તિઓની કમી નહિ હોય.  મુશ્કેલી તો માત્ર પ્રારંભ કરવામાં હોય છે.  કામ શરૂ થઈ જાય પછી તો મોટા મોટા  ઉધોયો મુનીમ અને ગુમાસ્તાઓ પણ ચલાવી શકે છે.

યુગસર્જનમાં મુખ્ય ભૂમિકા જેઓ  અગ્રગામી છે તેમની છે. અર્થાત્ પોતાના વ્યક્તિત્વ ને પ્રયત્નોમાં જેમણે એવી આદર્શવાદિતા ભરી દીધી હોય કે તેને જોઈને અનુકરણ કરવાનું સાહસ દરેક જણને થઈ આવે.  યુગપરિવર્તનના શ્રી ગણેશ આપણા વ્યક્તિગત ક્ષત્રમાં આપણે પોતે જ કરવાના છે.  આપણે એવું બીબું બનવાનું છે, જેથી આપણા સંપર્કમાં આવનારા બરાબર આપણા જેવા જ બનતા જાય.

આપણે બદલાઈશું તો યુગ બદલાશે.

‘હમ બદલેંગે યુગ બદલેગા’ આ ઉદ્દઘોષમાં નિદાન અને ઉપચાર એમ બંને પક્ષોનો સમાવેશ છે.  પરિસ્થિતિઓને બદલવા માટે, મન:સ્થિતિને તથા સમાજને સુધારવા માટે વ્યક્તિ સુધાર અનિવાર્ય છે.  દરેક વ્યક્તિને આ તથ્યથી માહિતગાર અને સહમત કરવી જોઈએ કે અત્યારે લોકમાનસની દિશાધારામાં સમગ્ર પરિવર્તનની જરૂરિયાત છે.  આજે લોકો જે રીતે વિચારે છે, માને છે અને આચરણ કરે છે તેના ઉદ્દભવ કેન્દ્રમાં એવા ફેરફારની જરૂરિયાત છે કે જેથી સડી ગયેલા ઢાંચાનો ત્યાગ કરી દઈને વિવેકનો આધાર લઈ શકે. તે માટે ત્રણ સિદ્ધાંત સૂત્રોને સમજવા અને અપનાવવાથી કામ ચાલી શકશે.

(1).   નિર્વાહમાં સંયમનો તથા સાદગીનો સમાવેશ કરવામાં આવે. સરેરાશ નાગરિક સ્તરનું જીવન જીવવામાં આવે અને શરીર નિભાવવા માટે જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કરવું.

(2).  સાદગી અપનાવતાં જે ક્ષમતા અને સંપત્તિ બચે તેમને સત્પ્રવૃત્તિઓ વધારવા માટે, નવનિર્માણ માટે સમયદાન તથા અંશદાનના રૂપમાં વધુમાં વધુ ઉદારતા અને ઉત્સાહપૂર્વક સમર્પિત કરવામાં આવે.

(3),  આંતરિક અને બાહ્ય દુષ્પ્રવૃત્તિઓને ઉખેડીને ફેંકી દેવા માટે સાહસિક શૌર્ય તથા પરાક્રમપૂર્વક સંઘર્ષ કરવામાં આવે.

બીજાને ઉપદેશ આપવામાં જ કુશળ ન બનીએ.

આજે આદર્શવાદિતાની મોટી મોટી વારો કરનારા બીજાને ઉપદેશ આપવામાં જ ઘણા કુશળ છે, પરંતુ પોતાનું ઉદાહરણ રજૂ કરી શકે એવા નિષ્ઠાવાન લોકો જોવા નથી મળતા.  તેના લીધે ઉપદેશ આપવામાં કરેલો શ્રમ વ્યર્થ જાય છે અને સુધારની ઈચ્છિત આવશ્યકતા પૂર્ણ થઈ શકતી નથી.  આ અભાવની પૂર્તિ માટે જો આપણે લોકો સાહસ કરી શકીએ તો સુધારના ક્ષેત્રમાં એક નવા ઉપચારની પરંપરા શરૂ કરી શકાય.

આખરે આ પડકારને કોણ સ્વીકારે.

એક કથા પ્રચલિત છે કે બિલાડીથી બચવા માટે ઉંદરોએ તેના ગળામાં ઘંટડી બાંધવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ જયારે આ કાર્ય કરવાની જવાબદારી ઉઠાવવાનો પ્રશ્ન આવ્યો તો કોઈ ઉંદર તે માટે તૈયાર ન થયો.  આપણી પણ આ જ દશા છે. મૂઢતાથી ગ્રસિત લોકોની હા માં હા મેળવીને સસ્તી વાહવાહ તથા લોકપ્રિયતા મેળવવા ઈચ્છિએ છીએ, તો પછી નવનિર્માણના સુધારાત્મક અભિયાનને ગતિશીલ બનાવવામાં ઊભા થતા વિરોધ અને તિરસ્કારને સહન કરવા માટે કોણ આગળ આવે? તે માટે તો પ્રખર મનોબળ અને પ્રચંડ સાહસની જરૂર પડે છે. સુધારકનુ મુખ્ય કામ જનમાનસનો સુધાર કરવાનું છે.  પ્રચલિત વિકૃતિઓ, રૂઢિઓ અને દુષ્પ્રવૃત્તિઓનો વિરોધ કરવાનો છે. જે લોકો આ કામ હાથમાં લેશે તેમને સ્વાભાવિક રીતે પરંપરાવાદીઓનો વિરોધ સહેવો પડશે.  આ સહન કરવાનું સાહસ તે વ્યક્તિથી નહિ થાય કે જેણે માત્ર યશ અને માન મેળવવા માટે જ સાર્વજનિક જીવનમાં પ્રવેશ કર્યો છે.


Post to Twitter Tweet This Post