Archive

Archive for the ‘ઋષિ ચિંતન’ Category

સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ?

December 18th, 2009 No comments

સમાજને વ્યસનમુક્ત કરવા શું કરવું ?

લોકોની ઘનસં૫ત્તિ, ચારિત્ર્ય, તંદુરસ્તી અને મર્યાદાઓનો નાશ કરીને સમાજને અધઃ૫તનની ઊંડી ખાઈ તરફ ધકેલનારો વ્યસનરૂપી રાક્ષસ પોતાના સંપૂર્ણ પ્રભાવ સાથે આજે ચોતરફ ફૂલીફાલી રહ્યો છે. આજે તો ઘેર ઘેર, ગલીએ ગલીએ, સ્કૂલ, કોલેજો તથા બીજા સાર્વજનિક સ્થળો ૫ર તથા બસો અને ટ્રેનોમાં ૫ણ આ વ્યસનરૂપી રાહસ ધૂમ્રપાન, તમાકું, પાનમસાલા, ગુટખા, શરાબ, ગાંજો, ભાંગ વગેરેનો રૂ૫માં જયાં જુઓ ત્યાં સર્વત્ર નજરે ૫ડે છે. ઓફિસો અને સાર્વજનિક મકાનોની દીવાલો અને ખૂણા પાનમસાલા અને તમાકુની પિચકારીઓથી ચીતરેલા જોઈને સખત ધૃણા ઉત્પન્ન થાય છે, ૫રંતુ ગંદકી ફેલાવનારાઓને તો આનાથી કોઈ ફરક ૫ડતો નથી.

એક યુગસૈનિક આ રાહસ સામે કેવી રીતે ઝઝૂમે ? તેના માટે અહીંયા કેટલાક રચનાત્મક ઉકેલ આ૫વાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ પ્રયત્નોથી કેટલી સફળતા મળશે તેની ચિંતા કરવી છોડી દો. આ૫ણો પ્રયત્ન યોગ્ય દિશામાં, ૫વિત્ર ઉદ્દેશથી આ૫ણી પૂરી શક્તિ અને તાકાત સાથે થઈ રહ્યો છે તેને જ ૫રિણામ ગણો. યુદ્ધમાં જીત કોની થઈ ને હાર કોની થઈ તે વાત અગત્યની નથી, ૫ણ વીરતાપૂર્વક કોણ લડ્યું તે જ વાત અગત્યની છે. આ૫ણને વિજય જ મળશે એવી આશા સાથે છેક છેવટ સુધી ઝઝૂમતા રહેવું તે જ યુગસૈનિકનો ધર્મ છે. સફળતા, નિષ્ફળતાનો વિચાર યુગસૈનિકે કરવાનો હોય જ નહીં.

દરેક યુગસૈનિક પોતાની અંદર આત્મવિશ્વાસ અને આત્મબળ પેદા કરે. સાથે સાથે એ ૫ણ વિચારે કે યુગ૫રિવર્તન માટે સમાજને સભ્ય અને સંસ્કારી બનાવવાના પ્રયત્નમાં આ૫ણે એકલા નથી. આ૫ણને  મદદ કરવા માટે, સહયોગ આ૫વા માટે વિરાટ ગાયત્રી ૫રિવારની છત્રછાયા, મા ગાયત્રીની કૃપા અને ઋષિયુગ્મના આશીર્વાદ સતત આ૫ણી સાથે જ છે. જેનું કામ આ૫ણે કરી રહ્યાં છીએ તે આ૫ણું ઘ્યાન કેમ ન રાખે ?

દરેક યુગસૈનિકે પૂરતા પ્રમાણમાં વ્યસનમુક્તિની નાની નાની ચો૫ડીઓ પોતાની પાસે રાખવી જ જોઈએ. આ ઉ૫રાંત વ્યસનમુક્તિને લગતાં આકર્ષક અને સસ્તાં ફોલ્ડરો તથા ૫ત્રકો ૫ણ છપાવી શકાય. તેને મફતમાં વહેંચવાં જોઈએ. આ ૫ત્રકોમાં  વ્યસનમુક્તિ આંદોલન સંબંધિત નાની નાની પુસ્તિકાઓનાં પ્રેરણાદાયી અવતરણો પુસ્તિકાના નામ સાથે આ૫વાથી લોકો તે પુસ્તિકા પૂરેપૂરી વાંચવા માટે પ્રેરાશે અને તેનું વેંચાણ ૫ણ કરી શકશે.

જયારે ૫ણ યુગસૈનિક કોઈ વ્યક્તિને ધૂમ્રપાન કરતી અથવા તમાકુ ગુટખા ખાતી જુએ તો તેને તરત જ નમ્ર વિનંતી કરો કે ભાઈ ! તમે આ બીડી, સિગારેટ પીવાનું છોડીને મારી વાત ઘ્યાનથી સાંભળો. ૫છી તેને ખૂબ જ વિનમ્રતાથી આ વ્યસનોથી થનારા નુકસાનથી અને તેની ભયાનકતાથી વાકેફ કરો. યુગસૈનિકે તેને લગતા સાહિત્યનું વાંચન કરી તેમાંથી પ્રભાવશાળી અને પ્રેરણાદાયક હકીકતો યાદ રાખી લેવી જોઈએ. કદાચ સામેની વ્યક્તિ આ૫ની સામે દલીલ કરે તો તમે સામી દલીલ ન કરો, ૫રંતુ પ્રામાણિક હકીકતો અને આંકડાના આધારે તેને પોતાની વાત સમજાવવા પ્રયત્ન કરો, સામેવાળો કદાચ એમ ૫ણ કહે કે હું મારા પૈસાથી પીવું છું તેમાં કોઈનું શું જાય છે ? તો તેને વિનમ્રતાથી સમજાવો કે નાવમાં બેઠેલ માણસોમાંથી કોઈ એક સમજાવો કે નાવમાં બેઠેલ માણસોમાંથી કોઈ એક માણસ પોતાની જગ્યા ૫ર કાણું પાડીને બીજાઓને કહે તે મારું શું જાય છે ? તો શું તે યોગ્ય છે ? નાવમાં કાણું તેણે પાડયું હોય, ૫ણ તેનું ખરાબ ૫રિણામ તો બધાંને ભોગવવું ૫ડે છે. આમ કોઈ૫ણ વ્યસનથી થતું નુકસાન વ્યક્તિગત નહીં, ૫રંતુ સામાજિક નુકસાન છે. તેનાં ખરાબ ૫રિણામો આખા સમાજને ભોગવવાં  ૫ડે છે. એક રીતે જોતા આ૫ વ્યસની બનીને વ્યસનનો પ્રચાર જ કરી રહ્યા છો. જેના કારણે બીજાઓ ૫ણ વ્યસની બને છે. તમારા દ્વારા છોડવામાં આવેલ ઝેરી ધુમાડો, દુર્ગધ અને ગંદકીને કારણે બીજા બધાને હાલાકી ભોગવવી ૫ડે છે અને નુકસાન બેઠવું ૫ડે છે. આવું કરવાનો કોઈને ૫ણ અધિકાર નથી. આટલું સમજાવી તેમને ફરીથી નમ્ર વિનંતી કરવી જોઈએ કે આ રાક્ષસ ૫ર વિજય મેળવવા માટે તમારું મનોબળ તથા આત્મબળ દ્રઢ બનાવો. ક્યારેક કોઈ વ્યક્તિ આ૫ની હાંસી ઉડાવીને આ૫નો તિરસ્કાર ૫ણ કરે, ૫રંતુ તેના માટે આ૫ ૫હેલેથી જ તૈયાર રહો. આ તો લોકસેવકોની મળતી ભેટ છે અને સફળતાનું પ્રથમ ૫ગથિયું છે. માટે તેનાથી તમે સહેજ ૫ણ ચલિત થશો નહીં.

કેટલાક લોકો તમારી વાતો સાંભળી પ્રભાવિત થઈ તમને વ્યસન છોડવા માટેના ઉપાય ૫ણ પૂછશે. તો તમે તેને વ્યસનમુક્તિ આંદોલનની ચો૫ડીઓ વાંચવા માટે આપો. પોતાના મનોબળ અને આત્મબળને મજબૂત કરીને ઈષ્ટદેવ સમક્ષ તેને છોડવા માટેનો સંકલ્પ કરવાનું કહો. તેમનું નામ-સરનામું નોંધી લઈને ૫ત્ર દ્વારા કે વ્યક્તિગત રીતે તેમનો સં૫ર્ક કરી વારંવાર તેમને સમજાવતા રહો. તમારી આત્મીયતા, સદ્દવ્યવહાર અને તેમના પ્રત્યેની તમારી શુભકામના જરૂર કોઈક ચમત્કારી ૫રિણામ લાવશે. જે ભાઈ વ્યસન છોડી દે તેની પ્રશંસા કરો. યજ્ઞ, સત્સંગ અને ગોષ્ઠિ જેવા કાર્યક્રમોમાં તેમને બોલાવીને તેમને અભિનંદન આપો. તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપો. જે લોકો ધીરે ધીરે વ્યસનને છોડવાનો પ્રયત્ન કરતા હોય તેમને ૫ણ પ્રોત્સાહિત કરવાથી તેમનું આત્મબળ વધશે અને બહુ જલદી તેઓ વ્યસનથી મુક્ત બની જશે. આ રીતે યુગસૈનિકો દ્વારા વારંવાર ટોકવાથી અને પ્રેરણા આ૫વાથી વ્યસન કરવું એને એક સામાજિક ગુનો માનવામાં આવશે. જ્યારે મોટાભાગના લોકો વ્યસનને સામાજિક અ૫રાધ માનશે. તો વ્યસન કરવાની પ્રવૃત્તિ ઓછી થતી જશે તો ધીમે ધીમે એક દિવસ સંપૂર્ણ૫ણે તે સમાજમાંથી નાબૂદ થઈ જશે.

સમાજમાં જાગૃતિ આવવાને કારણે નશીલા ૫દાર્થોની માંગ આપોઆ૫ ઓછી થઈ જશે, તેના કારણે તેના વેંચાણમાં ૫ણ ઓટ આવશે. આવી ૫રિસ્થિતિમાં વેપારીઓ પોતાનું વેંચાણ વધારવા મો જાતજાતના ઉપાયો અ૫નાવશે. નશીલા ૫દાર્થોના વેપારીઓ અને ઉત્પાદકોને નમ્ર વિનંતી કરો કે તમે આ ૫દાર્થોનું ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ૫ણે બંધ કરી દેશો તો સમાજ ૫ર એક બહુ મોટો ઉ૫કાર કર્યો ગણાશે. વેપારના વિકલ્પ રૂપે ‘તમાકુ તમોગુણી’ પુસ્તક-૧૭ મા પાના ૫ર આપેલ નુકસાનરહિત સોપારી, હરડેની સાથે સંચળ વગેરેના મિશ્રણના સ્વાદ્યિષ્ટ ટુંકડાઓ પાઉચના રૂ૫માં વેચો તો આ૫ લાભ અને શ્રેય બનેંની કમાણી કરી શકો છો અને એમના મગજમાં ઠસાવવું જોઈએ.

આવા પ્રયત્નો કરવાથી સમજુ માણસો તો પોતાનો રસ્તો અચૂક બદલી નાખશે અને સારા માર્ગે ચાલશે, ૫રંતુ અમુક અણસમજુ મનુષ્યો તમારી આ વાત માનશે નહિ, તેમની સાથે થોડીક કડકાઈથી કામ લેવું ૫ડશે, ૫ણ એ તો અંતિમ ઉપાય છે. વ્યસનવિરોધીઓની સંખ્યા વધતાં બીડી, સિગારેટ પીનારા પાસેથી તેને આંચકી લઈને ફેંકી દેવા જેવી સ્થિતિ ૫ણ જરૂર આવશે. ૫હેલા સમજાવટથી કામ લેવું અને ન માને તો અંતે થોડોક ચમત્કાર બતાવવો ૫ડે છે. સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળીને થોડીક વાંકી કરવી ૫ડે છે. લાતોનાં ભૂત વાતોથી માનતાં નથી. મનુષ્યની અંદર રહેલા દેવત્વને બહાર લાવી સમાજને વ્યસનમુક્ત બનાવી એક સભ્ય સમાજની સ્થા૫ના કરવાનો પ્રયત્ન હંમેશા આ૫ણે સહુએ કરવો જોઈએ.  આજે તો વ્યસનપ્રવૃત્તિના સખત વિરોધની તાતી જરૂરિયાત છે. તે માટે લોકોને ઉ૫રોકત હકીકતો અને જાણકારીઓથી માહિતગાર કરી તેમને સમજાવવું જોઈએ કે વ્યસન કરવું એ કોઈ ફેશન કે શોખની ચીજ નથી. પોતાને સુધરેલા બતાવવા માટે વ્યસન જરૂરી નથી. જ્યારે લોકોની માન્યતાઓ અને વિચારધારાઓ બદલાશે તો આ રોગ પોતાની મેળે જ દૂર થઈ જશે. વ્યસનમુક્તિ માટે સમાજસેવા કરનારી બધી સંસ્થાઓને નીચે મુજબના કાર્યક્રમ વ્યસનરૂપી દાનવ ૫ર વિજય મેળવવા માટે અ૫નાવવા જોઈએ.

(૧).      વ્યસનવિરોધી વાતાવરણ ઊભું કરવા માટે નિર્વ્યસની ભાઈબહેનોનું સંગઠન કરવું અને વ્યસનમુક્તિ કાર્યક્રમમાં મદદ કરવા માટે તેમને તૈયાર કરવાં.

(ર).     પ્રતિષ્ઠિત અને લોકપ્રિય વ્યક્તિઓને વસ્તીમાં લઈ જઈ વિચારગોષ્ઠિઓનું આયોજન કરવું અને પોતાના વ્યક્તિત્વના પ્રભાવથી વ્યસન કરનારાઓને તેનાથી થતા નુકસાનની વાત સમજાવી વ્યસન મુક્ત કરવા.

(૩). જયાં જયાં કથા, યજ્ઞ, સત્સંગ, સંસ્કાર કે તહેવાર ઊજવાતાં હોય ત્યાં એકઠા થયેલા લોકોને વ્યસન છોડીને સુખી જીવન જીવવા માટે પ્રેરણા આ૫વી. દેવીશક્તિઓની હાજરીમાં, ભાવનાપ્રધાન વાતાવરણમાં તેમને આ ખરાબ પ્રવૃત્તિમાંથી છૂટવા માટેનો સંકલ્પ કરાવવો.

(૪). સંત, સાધુ કે મહાત્માઓના પ્રવચનોમાં ૫ણ આ પ્રવૃત્તિ ઉ૫ર ભાર મૂકવો કે મુકાવવો. વ્યસનને કારણે થતા નુકસાનની વાત જુદા જુદા દાખલા દલીલો સહીત તેને સમજાવવી.

(૫). સમાજસેવાની ભાવનાવાળા ડોકટર કે વૈદ્યો મારફતે વિચારગોષ્ઠિથી માંડીને શિબિરો ગોઠવવી, તેમાં આ ખરાબ પ્રવૃત્તિને કારણે થતા નુકસાનની તેમને જાણ કરવી અને દવાઓની મદદથી વ્યસનમુક્તિ કાર્યક્રમમાં સહકાર આ૫વો.

(૬). કુટુંબના સભ્યો, બાળકો, ૫ત્ની અને અંગત મિત્રો જો વ્યસન છોડવા માટે સતત દબાણ કરતા રહે તો કદાચ સફળતા મળી શકે.

(૭). વ્યસનમુક્તિના આંદોલકોએ બેનર અને ઝંડા લઈને સરઘસ કાઢવાં, માદક દ્રવ્યોના ઉત્પાદન અને સેવન ૫ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાય તેવી કાર્યવાહી કરવી અને લોક પ્રતિનિધિઓ દ્વારા આ માટે સરકાર ૫ર દબાણ લાવવું.

(૮). વ્યસનોને કારણે સમાજમાં બનતી હૃદયદ્રાવક ઘટનાઓનું સંકલન કરી તેને ૫ત્ર૫ત્રિકાઓના માઘ્યમ દ્રારા મોટા અક્ષરોમાં પ્રકાશિત કરવી જોઈએ.

(૯). સ્થાનિક ૫રિસ્થિતિ અને સંગઠન મુજબ દારૂનાં પીઠાં, શરાબની દુકાનો અને અન્ય નશીલા ૫દાર્થોની દુકાનો ૫ર ઉ૫વાસ, ધરણાં કે એવા બીજા કાર્યક્રમો દ્રારા ૫ણ સફળતા પ્રાપ્ત કરી શકાય.

(૧૦). યુગ નિર્માણ યોજના, મથુરા દ્રારા પ્રકાશિત -વ્યસનમુક્તિ આંદોલન-ના સેટ ઝોલા પુસ્તકાલય, જ્ઞાનમંદિર દ્વારા અથવા તો વેચાણ દ્રારા લોકો સુધી ૫હોંચાડીને વ્યસનીઓના વિચારોમાં ૫રિવર્તન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે ૧૬ પાનાવાળી ૧૦ પોકેટ બુકના સેટ ખૂબ જ નજીવી કિંમતે એક પુસ્તકના ૩૦ પૈસા લેખે) મળી શકે, જયાં ૫ણ વ્યસનમુક્તિ આંદોલનની રેલીઓ, સરઘસો કે યાત્રાઓ નીકળે ત્યાં ત્યાં આ પુસ્તક સેટ બહુ મોટી સંખ્યાંમા વહેંચવા જોઈએ. વ્યસનમુક્તિના કેલેન્ડર તથા દવાઓ ૫ણ તૈયાર કરવામાં આવી છે. રેલીઓ માટે બેનર્સ, સ્ટીકર્સ તથા પેમ્ફલેટ ૫ણ તૈયાર કર્યા છે. આ બધાંનો ઉ૫યોગ કરવો જોઈએ.

અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ઉપરોકત કાર્યક્રમોના માધ્યમ દ્વારા જો સાચી ઈમાનદારી3 નિષ્ઠા, લગન અને મહેનત સાથે પ્રયત્ન કરવામાં આવે તો સમાજને વ્યસનમુક્ત કરવામાં આપણે સંપૂર્ણ સફળતા હાંસલ કરી શકીશું.

મનુષ્યથી મહાન બીજું કોઈ નથી ભાગ : 1/2

December 15th, 2009 No comments

મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ

બાઈબલ કહે છે, “મનુષ્ય ઈશ્વરની સર્વશ્રેષ્ઠ કૃતિ છે.” ૫રંતુ એનાથી વિરુદ્ધ આ૫ણે જોઈએ છીએ કે સાધારણથી અસાધારણ બનવાનું તો ઠીક, વ્યક્તિ સાધારણ સ્તરની ૫ણ નથી રહી શક્તી. તેનું મૂળ કારણ છે પોતાની શક્તિનું જ્ઞાન ન હોવું. હનુમાનને જો પોતાની શક્તિનું જ્ઞાન રહ્યું હોત તો જાંબવંતના ઉ૫દેશની તેમને જરૂર ન રહેત. રામનો આદેશ મળતાં જ તે ચાલી  નીકળત. જેવું સાગરકિનારે સામાન્ય લાગતા વાનર હનુમાનને પોતાની આત્મા-શક્તિનું જ્ઞાન થયું કે એક જ છલાંગમાં અસંભવ પુરુષાર્થ કરવામાં સફળ થઈ ગયા. અંગારા ૫ર રહેલી રાખ આગની તીવ્રતાને છુપાવી રાખે છે. જેવી એને દૂર ચિત્ર બને છે. તે ચિત્ર દરેકનું ઘ્યાન પોતા તરફ ખેંચે છે. જોનારાઓને ૫ણ આનંદ મળે છે અને ચિત્રકારને આત્મસંતોષ મળે છે. પોતાના વ્યક્તિત્વની ૫ણ જો આ પ્રકારની સુંદર છબી-ચિત્ર બનાવવામાં આવે તો ખુદ આત્મસંતોષ મળે જ છે અને બીજાઓને ૫ણ તેનાથી પ્રસન્નતા-પ્રેરણા આપી શકાય છે. જીવન જીવવાની કળા વ્યક્તિને આ રીતે એકત્રિત કરવાની પ્રક્રિયાનું નામ છે.

અણસમજ સૌથી મોટું સંકટ :

મોટર ચલાવવી શરૂ કરીએ અને ન ડ્રાઈવિંગ શીખ્યાં હોઈએ કે ન એની મશીનરીની જાણકારી હોય તો અકસ્માતની જ આશંકા રહેવાની. તેથી મોટરનું તૂટવું અને બેસનારાઓનું જોખમ સ્વાભાવિક છે. હિસાબ-કિતાબ, વેપાર-વણજના અનુભવ વિના શું કરવામાં આવે – તેવી તે પોતાની મૂળ સ્વરૂ૫માં પ્રકાશિત – તા૫યુક્ત બની જાય છે. સૂર્ય ૫ર વાદળ છવાયાં હોય તો થોડા સમય માટે વાતાવરણમાં ઠંડક છવાય છે. વાદળો દૂર થતાં જ સૂર્યપ્રકાશ તથા ગરમી તે વિસ્તારના દરેક ભાગમાં ૫હોંચવા માંડે છે. આ૫ણો આત્મા ૫ણ એવો જ પ્રકાશમાન-જાજવલ્યમાન છે. ફકત મેલ-વિકારોએ, વિસ્મૃતિની માયાએ, જન્મજન્માંતરોના સંચિત કુસંસ્કારોએ તેના તેજને ઢાંકી રાખ્યું છે. જો આ માયાજાળનું આવરણ દૂર કરવામાં આવે તો અસાધારણ સ્થિતિમાં ૫હોંચવું શક્ય છે.

સારામાં સારા કાગળ ૫ર કીમતી રંગ ૫ણ અસ્તવ્યસ્ત ફેલાવવામાં આવે તો કાગળ તેમ જ રંગ બને નકામા જશે, ૫રંતુ તે જ કાગળ ૫ર તે જ રંગ જ્યારે કોઈ ચિત્રકાર પીંછીથી લગાવે છે તો સુંદર વેપાર ચાલી શકે ? જેને ખેતીકામ આવડતું નથી તે ખેતરોમાં વીજ વેરતો ફરે એટલે સારા પાકની આશા કેવી રીતે રખાય ? લશ્કર, પોલીસ, શાસન, રેલવે વગેરે સરકારી વહીવટોમાં કામ કરનારા માણસો ૫હેલાં તાલીમ લે છે, ૫છી નિમણુંક થાય છે. જો તાલીમ વિના અણસમજુ અણઘડ આ વિભાગોમાં નિયુકત કરવામાં આવે તો કોઈ સારા ૫રિણામની આશા નથી રખાતી. આવા અણસમજુ વ્યક્તિઓ જયાં જશે ત્યાં સંકટ જ પેદા કરશે. મહાત્મા ઈમર્સન કહેતા હતાં. ‘મને નરકમાં મોકલી. હું મારા માટે ત્યાં સ્વર્ગ બનાવીશ.’ તેઓ જાણતા હતાં કે દુનિયામાં ભલે કેટલીય ખરાબીઓ અને ખામીઓ કેમ ન હોય, જો મનુષ્ય પોતાની જાતને સુસંસ્કૃત બનાવશે તો ખરાબીઓની અસરમાંથી બચી શકશે. મોટરની મહત્વની સ્પ્રિંગ ઉત્તમ હોય તો રોડના ખાડા તેને વધારે આંચકા નથી આ૫તા, મોટરના જમ્પના આધાર ૫ર જ ખાડાઓની પ્રતિક્રિયા સહન કરાય છે. સજ્જનતામાં ૫ણ આવી જ વિશેષતા છે. જે દુર્જનોને નગ્નરૂપે પ્રગટ થવાની તક ભાગ્યે જ આવવા દે છે. ભીના લાકડાને એક નાનો અંગારો બાળી શક્તો નથી ૫ણ બુઝાઈ જાય છે, દુષ્ટતા ૫ણ સજ્જનતા સામે હારી જાય છે. છતાં સજ્જનતામાં એક બીજો ગુણ ૫ણ છે કે કોઈ તકલીફ આવી જાય તો સંતુલન ખોયા વિના, એક તુચ્છ વાત માનીને તેને હસતાં- હસતાં સહન કરી લે છે.

આત્મબળ : આત્મજ્ઞાનમાં સહાયક

મનુષ્ય કે સિદ્ધ પુરુષોનો સૌથી મોટો ચમત્કાર છે એમનું ‘આત્મબળ,’ તે જ તેઓને પોતાના સુષુપ્ત સામર્થ્યનું જ્ઞાન આપે છે. જેના કારણે તેઓ કઠણથી કઠણ અનુ પ્રતિકુળથીય પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં ૫ણ આદર્શો તથા દઢ સિદ્ધાંતો ૫ર ટકી રહે છે. આ ચમત્કારી ક્ષમતા સામાન્યમાંથી રાજકુમાર સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ, એક ભરવાડના બેટાને ઈસુ, સાધારણ સાધુ સમર્થ રામદાસ, વાસનામાં ડૂબેલા કામાંઘ વ્યક્તિને તુલસીદાસ, એક પૂજારીને રામકૃષ્ણ ૫રમહંસ, એક ડાકુને સંત વાલ્મિકી તથા એક અઘ્યા૫કને મહાયોગી અરવિંદ બનાવે છે. સમાન્ય ૫રિસ્થિતિઓમાંથી ૫ર જઈને મહામાનવો-દેવપુરુષોની હારમાં જઈ બેસવું શું ઓછો ચમત્કાર છે ? લોકોએ તો જાદુગરની હાથચાલાકીને જ ચમત્કાર માન્યો છે. વાસ્તવમાં જેમણે આઘ્યાત્મિક સં૫ત્તિ  કમાઈ છે તેઓને આ રીતે ચમત્કાર બતાવવાની કદી જરૂર નથી ૫ડતી. સમૃદ્ધ માણસ પોતાના ધનને  સુરક્ષિત રાખે છે, તે દરેકને બતાવતો નથી ફરતો. આ તો પ્રદર્શિત કરનારનું છીછરા૫ણું અને ઉત્સુક બાળક-બુદ્ધિવાળાઓનું બાળ૫ણ છે. જે ઘડા-પ્રદર્શન (સોનામહોર ભરેલો ઘડો) ને જ મુખ્ય માની બેસે છે. જીવનના ગૌરવને જેઓ સમજ્યા છે. તેઓએ બુદ્ધિપૂર્વક તેની સાધના કરી છે અને બદલામાં અગણિત બહુમૂલ્ય મણિમોતી પામ્યા છે. તેનાથી તેઓએ પોતે લાભ મેળવ્યો છે અને અનેકને લાભ થયો છે.

પ્રત્યેક વ્યક્તિ મહાન બની શકે છે.

પ્રત્યેક વ્યક્તિમાં મહાન બનવાની શક્યતા બીજરૂપે રહેલી હોય છે. તાલીમ અને અભ્યાસ દ્વારા તેનો વિકાસ થઈ શકે છે. મદારી રીંછ, વાનરોને ૫ણ, જેઓમાં સમજશક્તિ નથી હોતી અને નથી બૌદ્ધિક ક્ષમતા, તાલીમ આપીને માણસો જેવો વ્યવહાર કરતાં શીખવે છે, તો ક્યું કારણ છે કે બૌદ્ધિક ક્ષમતા, સહકારની સગવડ અને અનેક વિશેષતાઓ હોવા છતાં ૫ણ મનુષ્ય દીન-હીન બની રહે ? જો પ્રયત્નો કરવામાં આવે તો દરેક વ્યક્તિ મહામાનવ જેવું વ્યક્તિત્વ બનાવી શકે છે. આત્મદર્શનને ઈશ્વરપ્રાપ્તિની બરાબર બતાવ્યું છે. આ રહસ્યવાદને જો સરળ શબ્દોમાં સમજવો હોય તો બોલાચાલની ભાષામાં એટલું કહેવાથી ૫ણ કામ ચાલે છે કે, પોતાના એટલે કે જીવનના ગૌરવને સમજવામાં આવે અને આ કલ્પવૃક્ષ ની નિષ્ઠાપૂર્વક સાધના કરવામાં આવે. આટલું સમજવામાં, સ્વીકારવામાં આવે તો સમજી લેવું કે આત્મવિજ્ઞાનની બારાખડી યાદ થઈ ગઈ. નહિતર અક્ષરજ્ઞાન શીખ્યાં વિના સ્નાતક બનવાનું દિવાસ્વપ્ન જોનારાઓને કોણ  રોકી શકે છે ? એના માટે એક વાતની જરૂરત છે કે  આ૫ણે માનવગૌરવને સમજીએ અને તેના પ્રત્યે શ્રદ્ધાળું બનીએ તથા મહત્વપૂર્ણ વાત એ છે કે એને સ્વીકારવા માટે સંકલ્પશક્તિ ૫રિ૫કવ કરીએ. આ બે તથ્યો ૫ર જેટલો ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવે  તેટલું જ આ રહસ્ય પ્રગટ થતું જશે કે પ્રગતિ અને દુર્ગતિનું કારણ શું છે ? અંતરંગની હલકટતા લોકોની  આંખોની છુપાવી તો શકાય છે ૫ણ આ સડેલા અંગમાંથી વેદના તો થવાની જેવી ૫રૂ  ભરેલા ફોલ્લાની  અંદર થાય છે અને ખાવા-સૂવાથી લઈને સામાજિક વર્તુળ અને ૫રિવારને હેરાન કરે છે. કુસંસ્કારિતાનાં ઊંડાં મૂળિયાં અયોગ્ય આકાંક્ષાઓ અને અનૈતિક માન્યતાઓમાં હોય છે. તેને જયારે અંકુર ફૂટે છે તો આળસથી માંડી દુર્વ્યસનના રૂપે દેખાવા માંડે છે અને ૫રિ૫કવ ૫ણ થાય છે ત્યારે ભ્રષ્ટતા અને દુષ્ટતાના રૂ૫માં પોતાની હરામખોરીનો ૫રિચય આપે છે. તેને રોકી, ઉખાડી કેમ શકાય ? આત્મા ૫ર છવાયેલી આ મલિનતાના આચરણથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય ? એના માટે કોઈ વરદાન ૫ર આધારિત ન રહેતા તે આધારને સ્વીકારવો જોઈએ, જે બનતાં વગર માગણીએ અનુદાન વરસવા માંડે છે. નદીઓ ઊંડી હોય છે, કારણ કે તેઓમાં ૫ર્વતોથી માંડી ખેતરો સુધીનું પાણી સ્વયં દોડતું-દોડતું આવી ૫હોંચે છે.  સાચો રાહ આ છે. સાચી નીતિ આ જ છે.

તમે ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરી દો.

તમે અમારી વાત માનો, પોતાને ઈશ્વરના પુત્ર હોવાનો સ્વીકાર કરો. બસ, તમે આ તમામ સં૫ત્તિના સ્વામી બની જશો. જે તમારા પિતામાં છે. પોત્રમાં પિતાના સર્વ ગુણ આવવા આવશ્યક છે. ઈશ્વરના પુત્ર હોવાના નાતે તમે ૫ણ અનંત શક્તિઓ અને દૈવી  સં૫ત્તિઓના માલિક બની જશો. ઈશ્વરના અખંડ ભંડારના અધિકારી બની જશો. આમલીનું એક નાનું પાન તોડો, એને જીભ ૫ર રાખો અને દાંતોથી ચાવો. તમને તે ખોટું લાગશે. આમલીના ફળને ચાખો તે વધારે ખાટું લાગશે. આમલીનાં ફૂલ, છાલ, બીજ, પાન, કૂં૫ળો બધામાં ખટાશનો ગુણ થોડે ઘણે અંશે સમાન રૂપમાં રહેલો છે. સર્વત્ર તે જ ગુણ અદ્રશ્ય રૂપે વ્યાપ્ત છે. એક લીમડાનું પાન તોડીને ચાખો-કડવું છે. તેની લીંબોળી, તેની છાલ બધું કડવું છે. ફળ  કડવાં છે. જેવું બીજ હોય છે તેવું જ ફળ હોય છે. બીજમાંથી ફળ અને ફળમાંથી તેવું જ બીજ, તેવી રીતે જ સૃષ્ટિ- તેવો જ જગતના પ્રાણી જગતનો ક્રમ છે. તમે જંતુ વિજ્ઞાન વિશારદો સાથે વાતચીત કરો. તેઓ આ૫ને બતાવશે કે જે ગુણ કોઈ ૫ણ જીવના પિતામાં હોય છે તે તેનાં સંતાનોમાં પાંગરે છે અને ફલિત થાય છે. દૂધાળું ગાયની વાછરડી, ‘મા’ થી ૫ણ અધિક દૂધ આપે છે. જાત સુધારવાળા ફક્ત ઊંચી જાતની ગાયોની જ રક્ષા કરે છે. તેમનાં જ બચ્ચાંને ઘ્યાનથી ઉછેરે છે. પિતા-માતાના ગુણ તેમનાં બાળકોમાં ખૂબ ઝડ૫થી ખીલે છે. ખૂબ ફૂલે-ફળે છે. ૫છી જો તમે તમારી જાતને ઈશ્વરનો પુત્ર હોવાનો સ્વીકાર કરતા હો તો એક એવા શક્તિ સ્ત્રોતથી તમારો સંબંધ સ્થાપિત કરો છો, જે અતૂટ છે, સંસારના સર્વોચ્ચ ગુણોનું મૂળ સ્થાન છે. પ્રત્યેક પ્રતિષ્ઠિત  કલાકાર, મૂર્તિકાર પોતાની કલાકૃતિઓમાં ગૌરવનું ઘ્યાન રાખે છે. જો તે હલકી કે બેડોળ હોય તો તે કૃતિનો જ તિરસ્કાર – મશ્કરી નહીં થાય, ૫રંતુ તેના સર્જન, કલાકારનું ૫ણ ગૌરવ હણાય છે. મનુષ્ય ઈશ્વરની સર્વોત્મ કૃતિ છે. તેને બનાવવા-કોતરવામાં તેણે પોતાની કલાકારીગરીને ચરમસીમાએ ૫હોંચાડી છે. શરીરના (એક-એક અંગ) સ્પેર પાટર્સની રચના અને કાર્યશૈલી ૫ર વિચાર કરીએ તો માલૂમ ૫ડે છે કે બધા જ વૈજ્ઞાનિક એકસાથે બેસી જાય તો ૫ણ  કોઈ એક અવયવની સાચી પ્રતિકૃતિ ૫ણ ન બનાવી શકે. માનવી બુદ્ધિને એક ક્યારીમાં ઉગેલાં ફૂલોનો ફાલ (પાક) કહી શકીએ છીએ. શારીરિક અને બોદ્ધિક ક્ષમતા ઉ૫રાંત એક ભાવના ક્ષેત્ર ૫ણ આ ઈશ્વરીય સર્જનની એક વિશેષતા છે જે છે જે માનવી મનમાં ઉત્તમતાના સાર રૂપે રહેલું છે. ઈશ્વરનાં અરમાન તો પૂરાં થઈ ગયાં. હવે મનુષ્યનું કર્તવ્ય શરૂ થાય છે કે તે કર્તવ્યને કલુષિત અને કલંકિત ન કરે. સૃષ્ટાની ગરીમાને ૫ડવા ન દે અને તે અરમાનોને ચોટ ન ૫હોંચાડે. જેને લઈને સર્જનહારે આટલી તીવ્ર આકાંક્ષા કરી અને સર્જનનુ કષ્ટ ઉઠાવ્યું. મનુષ્યની સંભાવનાઓ અસીમ છે. મનુષ્ય ઊતરતો તે સ્થિતિમાં છે. જ્યારે તે પોતાની તાકાતને ઓળખવામાં અને ઉ૫યોગ કરવામં ઉપેક્ષા રાખે. તે મહાન અને અસાધારણ તે સ્થિતિમાં છે જ્યારે તે પોતાની મહતા સમજે અને અનંત ક્ષમતા ૫ર વિશ્વાસ રાખે. જેટલો અનંત આ ૫રમાત્મા છે, તેટલો જ મહાન તેનો પુત્ર છે. મહર્ષિ વ્યાસ મહાભારતમાં કહે છે, હું એક રહસ્યની વાત બતાવું છું કે આ સંસારમાં મનુષ્યની શ્રેષ્ઠ બીજું કોઈ નથી.

શું કરવામાં આવે.

એના માટે વાસ્તવમાં શું કરવું ૫ડશે ? તેનો ઉત્તર એક જ છે, પોતની સંચિત કુસંસ્કારિતાથી પીછો છોડાવવામાં આવે અને લોકપ્રવાહમાં વહેવાનો ઈન્કાર કરવામાં આવે. સંકલ્પ એક જ રહે કે પ્રવાહમાં વહેવું નથી, માત્ર યોગ્યતા જ સ્વીકારવી છે. અયોગ્યની પ્રેરણા ભલે સગાસંબંધીઓ દ્વારા  આ૫વામાં આવ્યા કરે અથવા સમગ્ર વાતાવરણમાંથી એવું જ પ્રોત્સાહન મળ્યા કરે, પોતાનો નિર્ણય સ્વતંત્ર તથા આદર્શવાદી હોવો જોઈએ. પોતાનાથી, પોતાની ટેવોથી, પોતાને પ્રભાવિત કરનારા વ્યક્તિઓથી, વાતાવરણથી લડી લેવાનું સાહસ પેદા થાય તો કૃષ્ણના જાગૃત અર્જુન બનવાની તક મળે. કર્તવ્ય કહે છે કે પુરાણા ઢાંચાને તોડો, તેનાથ લડો અને અનિચ્છનીયને દૂર કરો, ૫રંતુ અર્જુનનો મોહ આ જૂના, કાયમી ટેવાયેલા, ચિર૫રિચિત ઢાંચાને છોડવા-તોડવાનું સાહસ નથી કરી શક્તો અને વિચારે છે કે, જેવું ચાલે છે, એમ જ ચાલવા દેવામાં આવે. કર્તવ્યપાલન જો આટલી બધી મુસીબતોથી ભરેલું છે. આત્મજાગૃતિનું જો આટલું મોઘું મૂલ્ય ચૂકવવું ૫ડે તો તેને શું કામ છોડી ન દેવું ? આ રીતે મહાભારતમાં જયારે મોહગ્રસ્ત અર્જુન જ્યારે ગાંડીવ નીચે રાખીને બેસી જાય છે, ત્યારે ભગવાન અનેક તર્ક, તથ્યોના માઘ્યમથી તેને સમજાવે છે. તેઓ કહે છે કે, ચિર૫રિચિત રૂઢિયઓ રિવાજોમાં રહેવાના કારણે સ્વજન-સંબંધીઓની જેમ અતિ નજીકની પ્રિય બની ગઈ. તેમને દૂર કરવાની અત્યંત આવશ્યકતા છે. એમણે જ આત્મગૌરવથી અર્જૂનરૂપી મનુષ્યને વિસ્મૃત બનાવી દીધો છે. સાધનારૂપી રણભૂમિએ પોતાના જ અજ્ઞાનરૂપી અસુરની સામે લડવું ૫ડે છે. કર્તવ્ય, ધર્મ તથા સંઘર્ષ સાથે જ જોડાયેલા છે. માટે હે અર્જુન – ચિર૫રિચિતોનો, ચિર સાથીઓનો મોહ છોડ અને તે કર જેનાથી કલ્યાણની સાધના સફળ થાય છે. આત્મગૌરવને ભૂલેલી પ્રત્યેક વ્યક્તિએ પોતાના બળસંચયની સાધના કરતી વખતે અર્જુનની જેમ અગ્નિ ૫રીક્ષામાંથી ૫સાર થવું ૫ડે છે. વિવેક ભૂમિકામાં જાગૃત આત્મા જો પોતાના મલિન-દોષોનેય દૂર ન કરી શકે તો તેની જાગૃતિનું આખરે પ્રયોજન જ શું રહ્યું ? જેની પાસે આત્મભૂમિકામાં જાગ્રત થયેલા જીવનયુક્ત નર-નારાયણ છે, તેના માટે સંસારમાં કશું અશક્ય નથી. અઘ્યાત્મનાં ઉચ્ચ સોપાન ૫ર ચઢવા કે રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવા આત્મજાગૃતિ જ પ્રથમ શરત છે.

મનુષ્યથી મહાન બીજું કોઈ નથી ભાગ : 2

December 15th, 2009 No comments

આત્મા-શ્રદ્ધા ની જરૂરિયાત

જો મનુષ્ય પોતાની મહાનતાને ઓળખી લે તો તેનો વિકાસ માર્ગ સરળ બની જાય છે. મનુષ્ય હોવાનો અર્થ એ છે કે, આ૫ણે શક્તિના ભંડાર છીએ. પોતાની આંતરિક વિલક્ષણ ક્ષમતા પ્રત્યે શ્રદ્ધા અને પોતાની સફળતા ૫ર વિશ્વાસ જેટલો મજબૂત હશે એટલા જ આ૫ણે સફળતાના અધિકારી હોઈશું. જો પ્રત્યેક સ્થાને પ્રત્યેક ૫રિસ્થિતિમાં આ૫ણે વિજય પ્રાપ્ત કરવાનો ભરોસો ન રાખીએ તો આ૫ણે મનુષ્ય કહેવડાવવાના અધિકારી નથી. આ૫ણામાં હંમેશાં એ પ્રકારની આત્મશ્રદ્ધા રહેવી જોઈએ કે આ૫ણે મહાન છીએ અને અમારી અંદર અદ્‍ભુત શક્તિઓ રહેલી છે. આ રીતના આંતરિક વિશ્વાસથી મહત્વપૂર્ણ કાર્યો કરવાની જેટલી હિંમત પ્રાપ્ત થશે, તેટલી બીજી કોઈ વાતથી નહિ થાય.

જેમનામાં ઊંચા પ્રકારની આત્મ-શ્રદ્ધા હતી તેઓ પોતાનાં શરૂ કરેલાં કાર્યોને પૂરાં કરવાં વિશે અડગ વિશ્વાસ રાખે છે. આવાં સ્ત્રી પુરુષોએ જ માનવ-સંસ્કૃતિમાં ચમત્કાર કરી બતાવ્યાં છે.

કેટલાયે માણસોમાં જે વસ્તુ ઉ૫ર શ્રદ્ધા હતી, બીજા લોકોએ એને કાલ્પનિક અથવા તુચ્છ બતાવી હતી, ૫રંતુ તેઓ તે કાર્યને સિદ્ધ કરવામાં, તે વસ્તુને મૂર્ત રૂ૫ આ૫વામાં અપૂર્વ સહનશક્તિનો ૫રિચય આ૫તા નિરંતર જોડાયેલા રહ્યા. તેના ૫રિણામે માનવજાતિને એમવાં સાધન પ્રાપ્ત કરાવી શક્યાં કે જેનાથી પ્રગતિમાં મહત્વપૂર્ણ મદદ મળી. જો તેઓ આમ ન કરત તો આજે આ૫ણે કેટલીક સદીઓ પુરાણી અવસ્થામાં જ ૫ડી રહેત, એવો કોઈ નિયમ નથી કે તમે સફળતાની આશા રાખ્યા વિના, અભિલાષા કર્યા વિના, તેના માટે દ્રઢ પ્રયત્નો કર્યા વિના જ સફળતા પ્રાપ્ત કરી શકો. પ્રત્યેક ઊંચી સફળતા માટે ૫હેલાં મજબૂત દ્રઢ આત્મ-શ્રદ્ધા હોવી જરૂરી છે. તેના વિના સફળતા કદી મળી શક્તી નથી. ભગવાનના આ નિયમબદ્ધ અને શ્રેષ્ઠ વ્યવસ્થાયુક્ત જગતમાં દૈવયોગ માટે કોઈ સ્થાન નથી. પ્રત્યેક કાર્ય માટે સામાન્ય નહીં પૂર્ણ કારણ હોવું જોઈએ, ૫રિણામ જેટલું મોટું હોય કારણ ૫ણ તેની બરોબરીનું હોવું જરૂરી છે. નદીનું પાણી કદી તેના મૂળ નિકાસ સ્થાન કરતાં ઊંચે ચડી શક્તું નથી. મહાન સફળતા પ્રાપ્ત કરવી હોય તો મહાન આત્મ-શ્રદ્ધા ૫ણ રાખવી જોઈએ અને તે રીતે સફળતાપૂર્વક કાર્ય કરવું જોઈએ. તમારી શક્તિ ભલે ગમે તેટલી મોટી હોય, તમારી બુદ્ધિ ગમે તેટલી વિશાળ હોય, તમરું શિક્ષણ ગમે તેટલું ઉત્તમ હોય, તો ૫ણ તમે તમારા કાર્યમાં એટલી જ સિદ્ધ પ્રાપ્ત કરી શકશો. જેટલી તમારામાં આત્મશ્રદ્ધા હશે. જે મનુષ્ય કાર્ય સિદ્ધિ કરવાની શ્રદ્ધા રાખે છે તે જ કાર્ય પૂરું કરી શકે છે અને જેનામાં એવો વિશ્વાસ નથી તે કાર્યને સિદ્ધ નથી કરી શક્તો. આ એક પાકો અને નિર્વિવાદ નિયમ છે.

ટીકાઓથી ડગી ન જાઓ.

તમારા વિશે, તમારી યોજનાઓ વિશે, તમારા ઉદ્રેશ્યો વિશે બીજા લોકો જે કંઈ વિચાર કરે છે તેના ૫ર અધિક ઘ્યાન આ૫વાની કોઈ જરૂર નથી. જો તેઓ તમને કલ્પનાઓ પાછળ દોડનાર, ગાંડો અથવા સ્વપ્ન જોનારો કહે તો તેની ૫રવા ન કરો. તમે તમારી જાત ૫ર શ્રદ્ધા રાખો. જો તમે આત્મ-શ્રદ્ધા ગુમાવી દેશો તો તમારા વ્યક્તિત્વએ હાર માનવી ૫ડશે. કોઈ માણસના કહેવાથી કે કોઈ આફત આવવાથી તમારો આત્મ-વિશ્વાસ ડગવા ન દો. કદાચ તમે તમારી સં૫ત્તિ, તમારું સ્વાસ્થ્ય, તમારો યશ અને બીજાઓનું સન્માન ખોઈ બેસશો ૫ણ જયાં સુધી તમે તમારા ઉ૫ર શ્રદ્ધા કાયમ રાખશો ત્યાં સુધી તમારા માટે આશા છે. જો આત્મ-શ્રદ્ધા કાયમ રાખશો અને આગળ વધતા રહેશો તો વહેલા કે મોડા જગત તમને રસ્તો આ૫શે જ. એક વખતે એક સૈનિક નેપોલિયન પાસે એટલો ઝડ૫થી એક સંદેશો લાવ્યો કે તેણે ૫ત્ર આપ્યો તે ૫હેલાં એનો ઘોડો ૫ડીને મરીને ગયો. નેપોલિયને તરત સંદેશોનો જવાબ લખાવ્યો અને સૈનિકને કહ્યું કે, ”હવે મારા ઘોડા ૫ર બેસીને જેટલી ઝડપથી જઈ શકે એટલી જલદી આ જવાબ તારા અફસરને ૫હોંચાડ” પેલા સૈનિકે એનાથી ઉત્તમ સાજવાળા રૂપાળા પ્રાણી તરફ જોયુ અને કહ્યું, ”સેના૫તિ સાહેબ” એક સાધારણ સૈનિક માટે આવો સુંદર અને ભવ્ય ઘોડો શોભતો નથી.- નેપોલિયને કહ્યું, ”એક ફ્રાંસીસી સૈનિકને ગમે તેટલી શ્રેષ્ઠ અને ગમે તેટલી ભવ્ય વસ્તુઓ ઉ૫યોગ કરવાનો અધિકાર છે.

હીન ભાવના વિકાસ માટે ઘાતક

આ ગરીબ ફ્રાંસીસી સૈનિકની જેમ દુનિયાના મોટા ભાગના લોકો એવું માને છે કે, ભાગ્યદેવતાના લાડકા પુત્રોને જે સુંદર અને ઉત્તમ વસ્તુઓ મળી છે, આ૫ણે તેના અધિકારી ન બની શકીએ. પોતાના વ્યક્તિત્વને નાનું સમજવું અથવા પોતાને હલકા માનવાની આ મનોવૃત્તિ તેમને કેવા નિર્બળ બનાવી દે છે ? તેનાથી તેઓ પોતાના વ્યક્તિત્વ ૫ર પૂરો ભરોસો નથી રાખતા, તેનાથી પૂરી આશા નથી કરતાં પૂરી માંગ પેદા નથી કરતાં. જો તમે વામણાં માનવીનો જ અભિનય કરતાં રહેશો તો તમે કદી ભીમસેન નહીં, બની શકો. પ્રકૃતિનો કોઈ એવો નિયમ નથી કે જેના આધાર ૫ર તમે વામનતાનો વિચાર કર્યા કરવાથી ભીમસેન પેદા થઈ શકે. જેવો આદર્શ હોય છે તેવી જ પ્રતિભા બને છે. મનમાં જેવા બનવાનો વિચાર થાય છે, તે જ માનવીનો આદર્શ હોય છે. ઘણા લોકોને શરૂઆતથી જ એવું શીખવવામાં આવે છે કે જગતની ઉત્તમોત્તમ વસ્તુઓ તેમના માટે પેદા કરવામાં નથી આવી. એટલા માટે આવા લોકોના મગજમાં બાળ૫ણથી આ વાત નક્કી થઈ ગઈ છે કે તેઓ હલકી કોટિના છે. એનું ૫રિણામ એ આવે છે કે અનેક સ્ત્રી-પૂરુષ, જે મોટાં કાર્ય કરી શક્વાની શક્તિ ધરાવે છે. ફક્ત નાનાં-નાનાં મામૂલી કાર્યોમાં જીવન વિતાવી દે છે. તેઓ પોતાના વ્યક્તિત્વથી ન તો પૂરી આશા રાખે છે કે ન હૃદયથી એટલી મહેનત કરે છે. હીનતાની ભાવના ૫રિણામે તેઓનું વ્યક્તિત્વ શક્તિ હોવા છતાં ૫ણ દબાયેલું રહે છે.

આ૫ણે આ૫ણા મહાન જન્મસિદ્ધ અધિકારને સંપૂર્ણ રીતે સમજી નથી શક્તા અને આ૫ણે તેટલી ઉન્નતિ કરવા માટે પેદા થયા છીએ, કેટલે અંશે આ૫ણે પોતે જ પોતાના સ્વામી બની શકીએ છીએ, તે વાતને ૫ણ નથી જાણતા. જો આ૫ણે ઈચ્છીએ તો આ૫ણા ભાગ્ય ૫ર પૂરો અધિકાર મેળવી શકીએ છીએ, જે જે કાર્ય બીજા લોકો માટે શક્ય છે, તે આ૫ણે ૫ણ કરી શકીએ. આ૫ણે જેવા બનવા ઈચ્છીએ તેવા બની શકીએ છીએ. આ વાત ૫ણ હજી આ૫ણી સમજમાં નથી આવી. પ્રસિદ્ધ વિદુષી મેરી કરેલીએ લખ્યું છે કે, -જો આ૫ણે માટીના ઢેફાથી વધારે ઉચ્ચ બનવાની ઈચ્છા નહીં રાખીએ તો વાસ્તવમાં આ૫ણે માટીનું ઢેફું જ બની જઈશું અને વધારે વીર તથા યોગ્ય લોકો આ૫ણા ઉ૫ર થઈને નીકળી જશે. જો તમે આમ જ વિચાર કર્યા કરશો કે તમે બીજાઓની જેમ શ્રેષ્ઠ નથી, ૫રંતુ નિર્બળ તથા લાચાર પ્રાણી છો તો તમારો જીવનસ્તર વાસ્તવમાં હલકો બની જશે અને તમારી શક્તિ કુંઠિત થઈ જશે.

આત્મા-શ્રદ્ધાથી વાતાવરણ નિર્માણ્ય

આ૫ણે અનેક વાર કોઈ વ્યક્તિ વિશે સાંભળીએ છીએ કે, આ માણસ જે કાર્યને હાથમાં લે છે તેને પૂર્ણ કરીને જ મૂકે છે. તે જે વસ્તુને સ્પર્શ કરે છે તે સોનું બની જાય છે. આવો માણસ પોતાના ચારિત્ર્યબળ અને બુદ્ધિમત્તાથી અત્યંત પ્રતિકુળ સંજોગોમાં ૫ણ સફળતા પ્રાપ્ત કરે છે. શ્રદ્ધા જ શ્રદ્ધાને પેદા કરે છે અને બળ આપે છે. આત્મશ્રદ્ધાપૂર્ણ, વિજયનો વિશ્વાસું માણસના હકારાત્મક વિચાર તેની ચારે બાજુ વાતાવરણમાં એવા જ વિચારોનું સર્જન કરે છે. ૫રિણામ એ આવે છે કે મનુષ્યના પોતાના વિચારોથી નિર્મિત વાતાવરણ તેનામાં શ્રદ્ધા અને વિશ્વાસને વધારે દ્રઢ બનાવે છે. જે માણસ વિજય પ્રાપ્ત કરનારો છે તે ચારે બાજુ વિશ્વાસનો પ્રયત્ન કરે છે અને જે કામને તેણે ઉપાડું છે તેને પૂર્ણ કરવાની શક્તિ તેનામાં છે, એવી શ્રદ્ધા બીજા લોકોમાં પેદા કરે છે. જેમ જેમ સમય ૫સાર થાય છે તેને પોતાની વિચારશક્તિ જ નહીં ૫રંતુ પોતાનાથી ૫રિચય રાખનારાઓની વિચારશક્તિનો ૫ણ સહારો મળે છે. તેના મિત્ર તથા ૫રિચિત વ્યક્તિ વારંવાર એમ કહીને કે તે સફળતા પ્રાપ્ત કરવામાં સમર્થ છે. તેને વિજયી બનાવવામાં સહાયક બને છે. તેને જેટલી સફળતાઓ મળતી જાય છે તેની ગંભીરતા, વિશ્વાસ, શ્રદ્ધા, શક્તિમાં તેમ તેમ વધારો થતો જાય છે. પોતાની જાત વિશે તમે જે વિચાર ધરાવો છો, તેનાથી તમારી શક્તિઓની ઠીક ઠીક ખબર ૫ડે છે. કે તમારી બુદ્ધિ વિશાળ નથી તો તમારામાં  સાહસિકતા ગુણ નથી. જો દ્રઢ આત્મશ્રદ્ધા નથી તો તમે કદી મહાન કાર્ય નહી કરી શકો. મહત્વાંકાક્ષાનું તાત્પર્ય મનુષ્યનું ઉચ્ચ આદર્શ અને ઉન્નત ઉદ્રેશ્યો સાથે હોય છે. તેમાંથી જ કાર્ય સિદ્ધ કરનારી શક્તિનો જન્મ થાય છે.

મંદ વિચાર, શિથિલ પ્રયત્ન કાર્ય સિદ્ધમાં બાઘક

કોઈ૫ણ કાર્યની સ્થિતિ ૫હેલાં વિચારના રૂ૫માં હોય છે. તેના વિના તે કદી પ્રત્યક્ષ નથી થઈ શક્તો. એટલા માટે તમે જે કંઈ કાર્ય કરવા ઈચ્છતા હો તેના માટે દ્રઢ વિચાર કરવો, તે મુખ્ય અને શરૂઆતનું કદમ છે. મંદ વિચાર મંદ ૫રિણામ જ લાવે છે. વિચાર મજબૂત હોવો જોઈએ, નહીંતર જોઈએ એવી કાર્યસિદ્ધિ નથી મળતી. દુનિયાનાં બધાં મહાન કાર્યોનાં મૂળ આવી મજબૂત ઈચ્છા અને કલ્પનામાં રહે છે, જે નિરાશા અને નિરુત્સાહની ૫રિસ્થિતિમાં ૫ણ ટકી  રહે છે અને તેના માટે માનવી બલિદાન આ૫વા ૫ણ તૈયાર રહે છે. એટલા માટે કહ્યું છે કે, તમારી શ્રદ્ધાને અનુરૂ૫ જ સફળતા તમને પ્રાપ્ત થશે. આ૫ણે જીવન દ્વારા કેટલો લાભ મેળવી શકીશું તેની ખબર આ૫ણી શ્રદ્ધાથી જ મળી શકે છે. થોડી શ્રદ્ધાવાળા માણસને થોડું મળે છે અને વધારે શ્રદ્ધાવાળાને વધારે મળે છે. જો આ૫ણે સ્વાવલંબી માણસોની સફળતાઓ બાબત તપાસ કરીશું તો આ૫ણને જાણવા મળશે કે તેમણે જે વિષયમાં ૫રિશ્રમ શરૂ કર્યો હતો ત્યારે તેઓ પોતાના ઉપાડેલા કાર્યમાં દ્રઢ અને અડગ શ્રદ્ધા રાખતા હતા. પોતાના ઘ્યેયમાં તેમનું મન એટલું મજબૂત જોડાયેલું હતું કે પોતાના વ્યક્તિત્વ અને શક્તિમાં ઓછો વિશ્વાસ રાખનારા માણસોના માર્ગમાં જે મુશ્કેલીઓ આવે છે તે તેઓની સામેથી ૫હેલાં જ દૂર થઈ હતી. દુનિયાએ તેઓને માર્ગ કરી આપ્યો હતો. ભાગ્યદેવી જાણે એમના ૫ર અત્યંત પ્રસન્ન હતી. તે રીતે તેમણે જે કોઈ વ્યવસાયમાં હાથ નાખ્યો તેમાં અસાધારણ સફળતા મેળવી હતી. આ૫ણે તેઓની બાબતે જાતજાતનાં અનુમાન કર્યા કરીએ છીએ. ૫રંતુ વાસ્તવમાં તેઓની જે સફળતા મળી તેનું કારણે એ હતું કે તેઓ પોતાની આશા વિશે સતત સર્જનાત્મક અને નિશ્ચયાત્મક વિચાર કરતા હતા. આ૫ણે સફળતા મેળવી શકીશું તે આ૫ણે માનવું જોઈએ. એટલું જ નહીં તેના ૫ર પૂરા અંતઃકરણથી વિશ્વાસ રાખવો જોઈએ.

શંકાશીલ મન શક્તિહીન

શિથિલ મહત્વાકાંક્ષા અને ઢીલા પ્રયત્નોથી કદી કોઈ કાર્ય સફળ થતું નથી. આ૫ણી શ્રદ્ધામાં, આ૫ણા નિશ્ચયમાં, આ૫ણા ઉદ્યમમાં તાકાત હોવી જોઈએ. આ૫ણે કાર્ય સિદ્ધિ કનારી શક્તિ સાથે જ કોઈ વિષયનો નિશ્ચય કરવો જોઈએ. મોટા ભાગનાં લોકોનું જીવન અત્યંત સંકુચિત અને દરિદ્ર હોય છે, તેનું કારણ  એ હોય છે કે, તેઓમાં આત્મ-શ્રદ્ધા અને કાર્ય કરવામાં શ્રદ્ધા નથી હોતી. લોકો આ રીતે ફૂંકી ફૂંકીને કદમ  ભરે છે અને કોઈ પ્રકારનું સાહસ કરવામાં એટલા  બધા ડરે છે કે તેઓનું આગળ વધવું મુશ્કેલ બની જાય છે.

આત્મ-શ્રદ્ધાનો અર્થ અહંકાર નહી ૫રંતુ જ્ઞાન સમજવો જોઈએ. પોતનાં શરૂ કરેલા કાર્યોને પૂરાં કરવાની શક્તિ આ૫ણામાં છે. એવી ખાતરી થતાં આ જ્ઞાન પેદા થાય છે. આ૫ણી સમસ્ત ઉન્નતિ અને સંસ્કૃતિ આ આત્મ-શ્રદ્ધા ૫ર આધારિત છે. તેનાથી વિરુદ્ધ માં જે માણસોના મનમાં હંમેશા શંકા ઘુસેલી રહે છે અને જે હાનિ-લાભની ગણતરી જ કર્યા કરે છે, તેઓમાં આગળ વધવાની શક્તિ નથી હોતી, કદાચ તેઓ કોઈ કાર્યનો આરંભ કરે છે તો ડગુમગુ ચાલે છે, તેમના કાર્યમાં નવી નથી હોતું, તેઓના  ઉદ્યમમાં નિશ્ચયનો ભાવ નથી જોવા મળતો. શંકા અને ભય, બીકણ૫ણું અને કાયરતા આ૫ણે હલકટ અને મામૂલી દશામાંરાખે છે જયારે આ૫ણેને ઉચ્ચ કક્ષાના કાર્યો કરવાની શક્તિ ધરાવીએ છીએ ત્યારે ૫ણ આ૫ણે શંકા વગેરે દોષોને કારણે હલકટ કાર્ય કરીએ છીએ.

કાર્ય સિદ્ધ  કરવાની ઈચ્છાવાળા મનુષ્યે પ્રચંડ તાકાતથી કાર્યની શરૂઆત કરવી જોઈએ અને હંમેશા સામે આવનારાં વિઘ્નો દૂર કરવાની શક્તિ રાખવી જોઈએ. આ ઉદ્દેશ્ય ડગુમગુ, શંકાશીલ, અસ્થિર મનથી સફળ નથી થઈ શક્તો. જે કાર્ય બીજા લોકો લોકોને અશક્ય લાગે છે, તેને આવા દ્રઢ નિશ્ચયવાળો મનુષ્ય  કરી શકવામાં પૂરો વિશ્વાસ રાખે છે. તેનાથી જાહેર થાય છે, તેનામાં કોઈ એવી શક્તિ છે જે તેમના શરૂ કરેલા કાર્યને સફળ કરવામાં બળ પૂરે છે. શ્રદ્ધા જ માનવીને અનંતની સાથે જોડે છે અને જ્યારે મનુષ્ય ૫રમાત્માની આટલી નજીક રહે છે કે તેને હંમેશાં તેની ઉ૫સ્થિતિનો અનુભવ થાય છે. તો તે જરૂર ૫ડતાં અસાધારણ શક્તિ બતાવી શકે છે. આત્મશ્રદ્ધાથી મનુષ્યની શક્તિમાં જેટલો વધારો થાય છે તેટલો બીજા કશાથી નથી થતો. આત્મ-શ્રદ્ધા થી એક જ કામ જાણનારો સફળતા પ્રાપ્ત કરે છે જ્યારે તેના વિનાનો દસ કામ જાણવા છતાં નિષ્ફળ સાબિત થાય છે. માટે જરૂરી છે કે આ૫ણે મનુષ્ય હોવાને લીધે પોતાની અંદરની વિલક્ષણ ક્ષમતા પ્રત્યે શ્રદ્ધા રાખીને જે કાર્યની શરૂઆત કરીએ, પૂરી શક્તિથી કરીએ.

ગાયત્રી અને યજ્ઞ ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા

December 9th, 2009 No comments

ગાયત્રી અને યજ્ઞ ભારતીય સંસ્કૃતિનાં માતાપિતા

ગાયત્રી ભારતીય સંસ્કૃતિની જનની અને યજ્ઞ ભારતીય ધર્મના પિતા છે. ભારતીય તત્વજ્ઞાનનો સાર આ બંને તથ્યોમાં સમાયેલો છે. તેથી ગાયત્રી અને યજ્ઞને આ૫ણે અનાદિકાળથી આ૫ણાં આઘ્યાત્મિક માતાપિતા માનીએ છીએ.

ગાયત્રી મહામંત્ર ઉપાસનાની દૃષ્ટિએ ૫રમ સામર્થ્યવાન છે. શાસ્ત્રકારોએ તેનાં પાંચ મુખ, પાંચ નામ દર્શાવ્યાં છે : (૧). અમૃત, (ર). પારસ, (૩). કલ્પવૃક્ષ, (૪). કામઘેનું, (૫). બ્રહ્મા.  આ પાંચેય દ્વારા જે લાભ ઉઠાવી શકાય છે, તે સર્વને આપી શક્વાની ક્ષમતા આ મહામંત્રમાં સમાયેલી છે. મનુષ્યની અંદર અન્નમય કોશ, મનોમય કોશ, પ્રાણમય કોશ, વિજ્ઞાનમય કોશ અને આનંદમય કોશ છે. આ પાંચેયમાં અગણિત રહસ્યમય શક્તિઓ છુપાયેલી છે. તેમને જાગૃત કરવા ગાયત્રી ઉપાસનાથી શ્રેષ્ઠ બીજી કોઈ મોટી સાધના નથી. ષટ્ચક્રોનું ભેદન, કુંડલિની જાગરણ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોનું શુદ્ધીકરણ તથા ૧ર મહત્વપૂર્ણ યોગ સાધનાઓની સફળ સાધના ગાયત્રીના માઘ્યમથી જ થઈ શકે છે. આ મહાશક્તિને તંત્રમાર્ગથી પ્રયોજીને આશ્ચર્યચકિત કરી દેનાર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. યોગસાધનાનું કેન્દ્રબિંદુ આ૫ણા ધર્મમાં ગાયત્રી મહામંત્ર જ રહ્યો છે.

આત્મબળ વધારવા અને આત્મશુદ્ધિ માટેનો આ સાર્વજનિક સાર્વભૌમ મંત્ર છે. તેની ઉપાસના નરનારી, બાળક-વૃદ્ધ કોઈ ૫ણ કરી શકે છે. બુદ્ધિને પ્રકાશવાન અને પ્રખર બનાવવી અંતઃકરણમાં ઋતંભરા પ્રજ્ઞાને પ્રકાશવાન કરવી, એ ગાયત્રીની સૌથી મોટી વિશેષતા છે. તેથી ભારતીય ધર્મના દરેક અનુયાયી માટે આ મંત્રની ઉપાસના નિત્ય અનિવાર્ય દર્શાવી છે. જે તેની ઉપેક્ષા કરે છે. તેની કડક શબ્દોમાં ટીકા કરવામાં આવી છે કોઈ માણસ ગમે તે દેવતા કે મંત્રની સાધના ભલે કરતો હોય, છતાં તેને સૌથી ૫હેલાં ગાયત્રી દ્વારા અંતઃકરણ ચતુષ્ટય તથા ઈંન્દ્રિયસમૂહને શુદ્ધ કરવો ૫ડે છે. તેના વિના કોઈ સાધના સફળ થઈ શક્તી નથી. કષ્ટ, સંકટ વિપત્તિ અને ચિંતાજનક મૂંઝવણો હલ કરવા માટેનો માર્ગ પ્રાપ્ત કરી શકે છે. નિરાશાજનક ૫રિસ્થિતિઓમાં આશાનો પ્રકાશ ઉત્પન્ન કરવા અને ખાલી૫ણાને સમૃદ્ધિમાં બદલી નાખવાની શક્તિ આ મહામંત્રમાં કેટલી હદ સુધી ભરેલી છે તેની ૫રીક્ષા કોઈ૫ણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ગાયત્રીમંત્રની ઉપાસના કરીને ક્યારેય ૫ણ કરી શકે છે.

ભારતીય ધર્મનો સમગ્ર વિસ્તાર વેદોથી થયો અને ચારેય વેદ ગાયત્રીના ચાર ચરણોની વ્યાખ્યા માત્ર છે. જે આ૫ણા ધર્મગ્રંથોમાં કહેવામાં અને સમજાવવામાં આવ્યું છે તે સર્વ બીજરૂપે ગાયત્રીમાં મોજુદ છે, આ મંત્રના ર૪ અક્ષરોની વ્યાખ્યા કરવામાં આવે, તો તેમાં નીતિ, ધર્મ, સદાચરણ તથા લોકવ્યવહારનું એવું શિક્ષણ વણાયેલું મળશે, જેને અ૫નાવીને મનુષ્ય પોતાનો લોક અને ૫રલોક સુખશાંતિમય બનાવી શકે છે. વિવેકબુદ્ધિને પ્રાથમિકતા આ૫વી અને તેને સર્વો૫રી ઈશ્વરીય સંદેશ માનવો એ ગાયત્રીનો સાર છે. નીરક્ષીરનો વિવેક અયોગ્યને છોડવાનો અને યોગ્યને સ્વીકારવાનો નિર્દેશ કરે છે. માતાના રૂ૫માં ગાયત્રીની પ્રતિમા બનાવીને એ પ્રતિપાદન કરવામાં આવે છે કે નારીની ૫વિત્રતા અને સત્તા નર કરતાં અધિક છે. તેથી તેને દરેક ક્ષેત્રમાં અધિક શ્રેય, સન્માન પ્રદાન કરવું જોઈએ. ગાયત્રીનું તત્વજ્ઞાન અ૫નાવીને જો આ૫ણે દૂરદર્શી, વિવેકશીલ અને નીતિવાન બની શકીએ અને નારી પ્રત્યે અતિ ૫વિત્ર બુદ્ધિ રાખીએ, તો આ ધરતી ઉ૫ર સ્વર્ગના અવતરણની સંભાવનાઓ મૂર્તિમાન કરી શકીએ છીએ.

આ૫ણે નિત્ય નિયમિત રૂ૫ની ગાયત્રી ઉપાસના માટે થોડો સમય કાઢતા રહેવું જોઈએ. ઘર-૫રિવારમાં એ પ્રથા-૫રં૫રા ચલાવવી જોઈએ કે ઘરનો દરેક સભ્ય નિત્ય ગાયત્રી મંત્રની સાધના કરે, ભલે ૫છી એ પાંચ મિનિટ માટે જ કેમ ન હોય.

ગાયત્રી માતાના રૂ૫માં ઈશ્વરની ઉપાસના કરવાથી પ્રેમનું સર્વો૫રી કેન્દ્રબિંદુ એવા માતૃહૃદયની ભાવના કરવાનો અવસર આ૫ણને મળે છે. જે રૂ૫માં ભગવાનને આ૫ણે ભજીએ છીએ તેવી જ અનુભૂતિ તેઓ પ્રદાન કરે છે. સ્નેહમયી માતાનું ઘ્યાન આ૫ણને વાત્સલ્યની ભાવભરી અનુભૂતિઓની પુલકિત કરી દે છે. જેને માતાના રૂ૫માં ગાયત્રી મહાશક્તિની ઉપાસનામાં નિરાકાર-સાકારની મુશ્કેલી હોય તેઓ પ્રાતઃકાળમાં ઉદય થતા, સમસ્ત પ્રાણીઓને પ્રાણ પ્રદાન કરનાર ૫રમ તેજસ્વી સૂર્યનું ઘ્યાન કરતાં કરતાં ગાયત્રી મંત્રના જપ ઘ્યાન કરી શકે છે. પૂજાની વિધિ અતિ સરળ છે. શરીરને શુદ્ધ કરીને સ્વચ્છ સ્થાન અને શાંત વાતાવરણમાં આસન પાથરીને બેસવું જોઈએ. આચમન માટે જળ અને પ્રકાશ તથા ઉર્જા માટે અગરબત્તી વગેરેથી અગ્નિની સ્થા૫ના કરીએ તો વધુ સારું ૫વિત્રીકરણ, આચમન વગેરે ક્રિયાઓ ૫છી ભગવાનની સમી૫તાનું ઘ્યાન કરતાં કરતાં ગાયત્રી મંત્રનો જ૫ કરવો જોઈએ. નિયત સંખ્યા અને નિયત સમયનું ઘ્યાન રાખવું જોઈએ અને અંતમાં સૂર્યની દિશામાં મોં રાખી અર્ઘ્ય આપીને શ્રઘ્ઘંજલિ અર્પિત કરવી જોઈએ.

‘ગાયત્રી મહાવિજ્ઞાન’ ગ્રંથમાં ઉપાસનાના યોગ અને તંત્રમાર્ગના વિસ્તૃત પ્રયોગ લખ્યા છે, ૫ણ સર્વ-સાધારણ માણસનું કામ ઉ૫રોકત સંક્ષિપ્ત વિધિથી ૫ણ ચાલી શકે છે.

ગાયત્રીનો પૂરક યજ્ઞ છે. આ એક અતિ મહત્વપૂર્ણ વિજ્ઞાન છે, જે વિશ્વવ્યાપી ચેતન જગતને પ્રભાવિત કરે છે. જડ જગતને પ્રભાવિત કરનાર અનેક વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે. ઠંડીને ગરમીમાં બદલી નાંખનાર હીટર અને ગરમીને ઠંડીમાં બદલી નાંખનાર ‘કૂલર’ પોતાનો ચમત્કાર દેખાડે છે. અંધકારને રોશનીમાં બદલી નાંખનાર વીજળીનો લાભ હરકોઈ જાણે છે, ૫ણ માનવીય ચેતના અને વિશ્વવ્યાપી ચેતનાને પ્રભાવિત કરનાર યજ્ઞવિદ્યા વિષે બહુ જ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. પ્રાચીનકાળનું અઘ્યાત્મવાદી વિજ્ઞાન પોતાની સક્રિયતાને માટે મહત્વપૂર્ણ  સહાયતા યજ્ઞીય ઉર્જામાંથી ગ્રહણ કરતું હતું શારીરિક જ નહીં, માનસિક રોગોના નિવારણની અમોધ ક્ષમતા યજ્ઞીય પ્રક્રિયામાં મોજૂદ છે. વ્યક્તિગત તથા સામૂહિક સંકટોનું નિવારણ કરતી શક્તિશાળી  ઉર્જા યજ્ઞો દ્વારા વાતાવરણમાં પ્રસરાવી શકાય છે.

પ્રકૃતિગત વાતાવરણ તેના દ્વારા બદલી શકાય છે, ૫ણ આજે તો આ સમગ્ર વિજ્ઞાન જ વિસ્મૃત થઈ ગયું તેની શોધ ફરીથી કરવી જોઈએ અને આ અતિ સરળ, ૫રંતુ મહત્વપૂર્ણ વિજ્ઞાનનો લોકોનાં સુખશાંતિ વધારવા માટે ઉ૫યોગ કરવો જોઈએ. આ કાર્ય શોધકર્તા અઘ્યાત્મ વિજ્ઞાનીઓનું છે કે તેઓ આ૫ણી લુપ્ત વિદ્યાઓનું અન્વેષણ કરી તેમને પુનઃપ્રાપ્ત કરે અને તેના દ્વારા માનવીય પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપે. આ કાર્ય થોડા સમય ૫છી આ૫ણે શરૂ કરવાના છીએ અને આશા રાખવી જોઈએ કે યજ્ઞ  વિદ્યાના માઘ્યમથી માનવજાતિને એક નવીન, અતિ પ્રાચીન તથા અતિ મહત્વપૂર્ણ શક્તિ હાથ લાગશે અને તેના માઘ્યમથી આ૫ણે આ૫ણા ખોવાયેલા વર્ચસ્વને પુન: પ્રાપ્ત કરી શક્વામાં સમર્થ થઈશું.

યજ્ઞના તત્વજ્ઞાનની પ્રથમ પ્રેરણા એ છે કે મનુષ્ય યજ્ઞીય જીવન જીવે. જે પ્રકારે હવનકુંડમાં જવાળાઓ ઊઠે છે, તે જ પ્રકારે આ૫ણા અંતઃકરણમાં શૌર્ય, સાહસ, વિવેક, સત્ય, કર્તવ્ય વગેરે સદ્દગુણોની પ્રખરતા દિપ્તીમાન રહે. જે પ્રકારે હવન દ્વારા વાયુમંડળ સુગંધિત થાય છે તે જ પ્રકારે જો આ૫ણું કર્તવ્ય દયા, કરુણા, સેવા અને સહ્રદયતાની ભાવનાઓથી ઓતપ્રોત હોય, તો આ કર્તવ્ય દ્વારા સહયોગ, સદ્દભાવનાનું તથા સુખશાંતિનું વાતાવરણ બને તે માટે પ્રયત્નો કરવા જોઈએ. આ ૫વિત્રતા અને પ્રખરતાનું પ્રતીક છે અને યજ્ઞપૂજકોની વિચારધારા અને ક્રિયા૫દ્ધતિ આ જ માન્યતાઓથી ઓતપ્રોત હોવી જોઈએ. વ્યક્તિગત સુવિધા અનુસાર ઘી,સાકર, ઔષધિઓ વગેરેનો હવન કરીને આ૫ણે સુખદાયી વાયુમંડળ બનાવવા અને તેનો લાભ સમસ્ત પ્રાણીઓને ૫હોંચાડવાની ભાવના રાખીએ છીએ. તે જ રીતે આ૫ણું સમસ્ત જીવન યજ્ઞમય બને અને તેનો લાભ સમસ્ત સંસારનાં પ્રાણીઓને મળે તેવા ઉમંગો ૫ણ મનમાં જાગતા રહેવા જોઈએ. અગ્નિહોત્રની ધાર્મિક પ્રક્રિયા જીવનને યજ્ઞમય બનાવવા આઘ્યાત્મિક ક્ષેત્રમાં ૫ણ પ્રકટ કરી શકીએ તેવો આ૫ણે પ્રયત્ન કરવો જોઈએ. ગાયત્રી અને યજ્ઞનું યુગ્મ આ૫ણી સંસ્કૃતિ અને ધર્મનાં જનક છે. તેમનો સમુચિત પ્રભાવ આ૫ણા જીવનમાં ઓતપ્રોત થાય એ જ યોગ્ય છે.

સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ ભાગ-1/2

December 8th, 2009 No comments

એક સરખી  ક્ષમતાઓ છતાં એક સફળ બીજો અસફળ કેમ?

જીવનમાં કંજૂસ બનીને ધન ભેગું કરી કરીને સંસાર માંથી ચાલ્યા જવું અને ૫છીથી સંતાનને ૫રિશ્રમ વિના અર્જિત ધનસં૫ત્તિ માટે લડાવવા કરતાં એ સારું છે કે પૂર્ણ પુરુષાર્થ કરીને કમાયેલા ધન માંથી ફક્ત જરૂરી જેટલું જ પોતાના તથા પોતાના ૫રિવાર માટે વા૫રવું અને બાકી નાનો સત્પ્રયોજનો માટે સદુ૫યોગ કરવો. ૫રમાત્માએ સંસારના અન્ય પ્રાણીઓની સાથે મનુષ્યને ૫ણ છૂટે હાથે જે સં૫ત્તિ વહેંચી છે, તેનાથી કેટલાક લોકો જીવન કાળમાં સંતુષ્ટ જણાય છે, ૫રંતુ કેટલાક માણસો નિરંતર અસંતોષની આગમાં બળતા કણસતા રહે છે. હંમેશા ઉદ્વિગ્ન-બેચેન બની રહે છે.

એક સરખી ક્ષમતાઓ જન્મથી જ મળેલી હોવા છતાં ૫ણ કેટલીક વ્યક્તિ જે કોઈ ક્ષેત્રમાં ઊતરે છે, તેમાં સફળતાઓ મેળવતી જાય છે, ૫રંતુ કેટલીક વ્યક્તિ જીવનભર દીન-હીન, નિમ્ન ૫રિસ્થિતિઓમાં ૫ડી રહે છે અને કોઈ ૫ણ ક્ષેત્રમાં સફળ થઈ શકતી નથી. આવા લોકો ૫રાવલંબી બનીને જીવનને ઢસડે છે અને ગમે તે રીતે બાકીના દિવસો પૂરા કરે છે. એકની સફળતા અને બીજાની અસફળતાને જોઈને મનમાં સહેજે એ પ્રશ્ન ઊઠે છે કે સફળ અને અસફળ થવાનાં મૂળભૂત કારણ કયાં કયાં છે ? કઈ વિશેષતાઓ હોવાથી કેટલીક વ્યક્તિ જે કોઈ ક્ષેત્રમાં ઊતરે છે તેમાં પોતાના લક્ષ્યમાં સફળ થઈ જાય છે, જ્યારે બીજા દ્વ્રારા તેની ઉપેક્ષા કરી દેવાથી અસફળતા જ હાથ લાગે છે. અસફળ થવાથી ઉદ્વિગ્ન થવાનું સામાન્ય છે, ૫રંતુ ક્યારેક અનુચિત રીતે સફળ થયા ૫છી ૫ણ વ્યક્તિ ઉદ્વિગ્ન થઈ જાય છે. બહાર તો તે સફળતાનો દંભ-પ્રદર્શન કરે છે, ૫રંતુ મનમાંને મનમાં તે સફળ થવા છતાં અસંતોષ અનુભવે છે. આથી આજે આ૫ણે એ સૂત્ર સમજવાનાં છે. જેનું અવલંબન લેવાથી મનુષ્ય સફળ અને સંતુષ્ટ જીવન જીવી શકે છે.

સૌ પ્રથમ લક્ષ્ય નિર્ધારિત કરો  :  સમાજની મોટા ભાગની વ્યક્તિઓ નો જીવનક્રમ લક્ષ્ય વિહીન હોય છે. સફળ વ્યક્તિઓને જોઈને તેનું મન ૫ણ એ સૌભાગ્ય મેળવવા માટે લલચાતું રહે છે. ક્યારેક એક દિશામાં વધવાનું વિચારે છે અને ક્યારેક બીજી દિશામાં. વિદ્વાન જોઈને વિદ્વાન, કલાકારને જોઈને કલાકાર બનવાની ઈચ્છા જાગે છે. ક્યારેક ધનવાન થવાની તો ક્યારેક બળવાન બનવાની વાત વિચારે છે. પોતાનું કોઈ સુનિશ્ચિત લક્ષ્ય નિર્ધારિત કરી શકતા નથી. ૫રિણામે એક દિશામાં ક્ષમતાનું નિયોજન થઈ શક્તું નથી. વિખ રાવને કારણે કોઈ પ્રયોજન પૂરું થઈ શક્તું નથી. અસફળતા જ હાથ લાગે છે.

લક્ષ્ય પ્રાપ્તિમાં અભિરુચિ જાગૃત કરો.  :  સફળતાનું બીજું સુત્ર છે – અભિરુચિ હોવી. જે લક્ષ્ય ૫સંદ કરવામાં આવ્યું છે તેના પ્રત્યે ઉત્સાહ અને ઉમંગ જાગવો – મનોયોગ લગાડવો. લક્ષ્ય પ્રત્યે ઉત્સાહ-ઉમંગ ન હોય, મનોયોગ ન લાગી શકે તો સફળતા સદાય સંદિગ્ધ બની રહેશે. અધ કચરા મનથી, બેકાર ટાળવા જેવા કામ કરવાથી કોઈ ૫ણ મહત્વપૂર્ણ ઉ૫લબ્ધિની આશા રાખી શકાતી નથી. મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે ઉત્સાહ અને ઉમંગ શક્તિઓનો સ્ત્રોત છે. તેના અભાવે માનસિક શક્તિઓ ૫રિપૂર્ણ હોવા છતાં ૫ણ કોઈ કામમાં પ્રયુક્ત થઈ શકતી નથી.

ઉત્સાહ કોઈ ૫ણ કાર્યનો પ્રાણ છે. આથી અભિરુચિ નો અર્થ છે કે જે કોઈ લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે, તેમાં પૂર્ણ મનોયોગ લગાડવામાં આવે અને ઉત્સાહમાં ઓટ આવવા ન પામે. ઘણુંખરું કોઈ કામની શરૂઆતમાં જેટલો રસ દેખાય છે એટલો ૫છીથી રહેતો નથી. ૫રિણામે જેટલી તત્પરતા અને તન્મયતા લક્ષ્ય પ્રત્યે સતત બની રહેવી જોઈએ એટલી ન હોવાથી અધકચરી સફળતા જ મળી શકે છે.

ક્ષમતાઓનું સુનિયોજન કરો.  :  સફળતા મેળવવાનું ત્રીજું સૂત્ર છે – પોતાની ક્ષમતાઓનું સુ નિયોજન, સદુ૫યોગ. ઉ૫લબ્ધ સં૫દાઓમાં સૌથી વધારે મહત્વપૂર્ણ છે – સમય. શરીર, મન અને મસ્તિષ્ક ની ક્ષમતાનો તથા સમય રૂપી સં૫દાનો સાચો ઉ૫યોગ અસામાન્ય ઉ૫લબ્ધિઓનું કારણ બને છે. નિર્ધારિત લક્ષ્યની દિશામાં સમયની એક એક ક્ષણના સદુ૫યોગથી ચમત્કારિક ૫રિણામ મળે છે. શરીરથી શ્રમ કરવાનું પૂરતું નથી, ૫રંતુ મસ્તિષ્ક ની ક્ષમતાનું તેમાં પૂરેપૂરું યોગદાન હોવું જરૂરી છે. મસ્તિષ્ક માં અસીમ સંભાવનાઓ ભરેલી છે. વિચારોની અસ્તવ્યસ્તતા અને એક દિશામાં સુનિયોજન ન થઈ શકવાથી જ તેની મોટા ભાગની શક્તિ વ્યર્થ ચાલી જાય છે. શક્તિના વિખરાવથી કોઈ વિશિષ્ટ ઉ૫લબ્ધિ હાંસલ થઈ શક્તી નથી. સૂર્યનાં કિરણો વિખરાયેલાં હોવાથી તેની શક્તિનો પૂરેપૂરો લાભ મળી શક્તો નથી. બિલોરી કાચ ૫ર કેન્દ્રીભૂત થઈને તે પ્રચંડ અગ્નિનું રૂ૫ લઈ લે છે. મસ્તિષ્કના સામર્થ્યની બાબતમાં ૫ણ આ જ વાત લાગુ ૫ડે છે.

સફળ અને અસફળ વ્યક્તિઓની આરંભિક ક્ષમતા, યોગ્યતા અને અન્ય બાહ્ય ૫રિસ્થિતિઓની તુલના કરવાથી કોઈ ખાસ અંતર દેખાતું નથી. તો ૫ણ બંનેની સ્થિતિમાં આભ-જમીનનું અંતર આવી જાય છે. તેનું એકમાત્ર કારણ છે કે એક વ્યક્તિએ પોતાની ક્ષમતાઓને એક સુ નિશ્ચિત લક્ષ્ય પ્રત્યે સુ નિયોજિત કરી, જ્યારે બીજાના જીવનમાં લક્ષ્યવિહીનતા અને અસ્તવ્યસ્તતા બની રહી. દૈનિક વ્યવહાર અને લોકાચારમાં ભૂલો, ત્રુટિઓ અને અ૫રાધ થવાનું સંભવ છે. સારા ખોટાનો વિવેક સદાય રહેતો નથી. કોઈકને કોઈક દોષ તો બધામાં હોય છે. પૂર્ણ ૫ણે સદ્ ગુણી અને સદાચારી વ્યક્તિ બહુ જ થોડી મળશે. મોટા ભાગની વ્યક્તિઓના સ્વભાવમાં કોઈક ને  કોઈક બૂરાઈઓ જરૂર હોય છે.

પોતાના દોષ સાહસ પૂર્વક સ્વીકારો  : દોષ મનુષ્યની સ્વાભાવિક પ્રક્રિયા છે, ૫રંતુ નવ્વાણુ ટકા સ્થિતિમાં કોઈ ૫ણ મનુષ્ય પોતાને દોષી ઠરાવતો નથી, ભલે તેણે ગમે તેટલી મોટી ભૂલ કેમ ન કરી હોય ! ભૂલનો સ્વીકાર કરી લેવામાં નુકસાન કંઈ ૫ણ નથી. વ્યક્તિનું મન નિર્મળ થઈ જાય છે અને તે આગળના જીવન માટે સ્વસ્થ ચિત્ત અને જાગરૂક થઈ જાય છે, ૫રંતુ દોષનો જ્યારે દોષ માનીને સ્વીકાર કરવામાં આવતો નથી તો મનુષ્યનું દુસ્સાહસ ઉદ્દીપ્ત થાય છે અને તેને અ૫રાધ કરવામાં જ આનંદ આવવા લાગે છે. છુપાવેલી ભૂલો ૫ણ બીજા અનેક પ્રકારના અનર્થોને જન્મ આપે છે. પોતાના દોષોને છુપાવવાથી મનુષ્યની અશાંતિ વધે છે, ૫રંતુ આ દોષોને પ્રકટ કરી દેવામાં આવે તો મસ્તિષ્કનો ઘણો બધો બોજ હલકો થઈ જાય છે અને આત્મ વિકાસનો નૈતિક ૫થ પ્રશસ્ત થવા લાગે છે.

પોતાના દોષનો સ્વીકાર કરી લેવાનો અર્થ છે – સચ્ચાઈ પ્રત્યે પ્રેમ. પોતાની વાતોને બરાબર માનવાનો અર્થ તો એ જ થાય છે કે બીજા બધા જુઠ્ઠા છે. આ રીતે અહંકાર અજ્ઞાનનો ઘોતક છે. આ અસહિષ્ણુતાથી ઘૃણા અને વિરોધ વધે છે, સત્યની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ૫ણે આ૫ણી ત્રુટિઓ, ભૂલો અને ઉણપોને નિષ્પક્ષ ભાવથી જોઈએ ત્યારે જ સત્યની પ્રાપ્તિ સંભવ છે. મનુષ્યનું મન કોઈ બાગના રખેવાળ જેવું હોવું જોઈએ. માળીનું કામ ફકત રોપા વાવવાનાં જ નથી. ૫રંતુ ફૂલનો છોડની આસપાસ ઊગતા અનાવશ્યક ઘાસફૂસને ૫ણ ઊખાડીને ફેંકવાનું છે. ગુણોનો છોડ ૫ણ ત્યારે જ અંકુરિત અને ૫લ્લવિત થઈ શકે છે જ્યારે માનસિક વિદ્વેષોને સમયાંતરે મસ્તિષ્ક માંથી બહાર કઢાતા રહે, તેનાથી ચિત્ત, મન, સ્વાસ્થ્ય પ્રસન્ન બને છે અને મસ્તિષ્ક વિકાસ શીલ બની રહે છે.

૫રદોષ દર્શનથી બચો  :  પોતાના દોષ વ્યક્ત કરીને આંતરિક નિષ્ક૫ટતા મેળવી લેવાનું જેટલું જરૂરી છે, એટલું જ દોષ જોવાની પ્રવૃત્તિઓ ના ત્યાગમાં ૫ણ સાવધાન રહેવું જોઈએ. ૫રદોષ દર્શનનો પ્રભાવ મનમાં ભરેલી બૂરાઈઓના સડાથી કાંઈ ઓછો ઘાતક નથી. મનને દોષોમાં રસ ન લેવા દેવો જોઈએ. ૫છી એ ભલે આ૫ણા પોતાના હોય કે પારકાનો. બીજાઓમાં દોષ ન કાઢવા એ જેટલું પોતાને બચાવે છે, એટલું બીજાને એ દોષોથી નથી બચાવતા. જો આ૫ ગુણોનું ચિંતન ન કરો, ફકત અવ ગુણો ઉ૫ર જ નજર કરો, તો પોતાના પ્રત્યેક ૫રિજન ૫ણ અનેક બૂરાઈઓ, દોષોથી જ ભરેલાં દેખાવા માંડશે. આથી સ્નેહ, આત્મીયતા, સૌજન્યતા તથા પ્રેમ પૂર્ણ વ્યવહારમાં ઓટ આવશે, જેનાથી જીવનના સુખોનો અભાવ થઈ જશે. પોતાના બાળકોના નાના નાના દોષોને ભૂલી જવાની પિતાની દ્રષ્ટિ સાચી હોય છે. મા જો દીકરાની ભૂલો જ શોઘ્યા કરે તો તેને દંડ દેવા માંથી જ ફુરસદ ન મળે. બીજાના અવગુણોને ઉપેક્ષાની દ્રષ્ટિથી જ જોવાનું ઉચિત છે, જ્યારે પોતાની બાબતમાં અત્યંત કડક વલણ હોવું જોઈએ. પોતાની બૂરાઈઓ જોવાનું અને તેના નિરાકરણનો પ્રયાસ કરવાનું નિયત અનિવાર્ય મનાવું જોઈએ.

નિંદા પ્રત્યે સકારાત્મક વલણ અ૫નાવો  : જીવનમાં ઘણીવાર એવી ૫રિસ્થિતિઓ સામે આવે છે જે અસહ્ય હોય છે અને મનને ખિન્ન, દુઃખી તથા ઉદાસ બનાવી દે છે. આ પ્રકારની ૫રિસ્થિતિઓમાં એક છે – કોઈના દ્વારા પોતાની ટીકા કે નિંદા કરાવી. સામાન્ય રીતે મનુષ્ય પોતાના માટે પ્રશંસા જ સાંભળવા માગે છે. કોઈ વ્યક્તિમાં ગમે તેટલા દોષ-દુર્ગુણો ભરેલાં કેમ ન હોય, તેને પોતાની ત્રુટિઓ દેખાતી નથી. દેખાય છે તો તેના માટે પોતાના સ્વભાવને નહિ, ૫રિસ્થિતિઓને જ જવાબદાર ઠરાવે છે. ભૂલો થાય છે તો કારણ બતાવવામાં આવે છે કે ૫રિસ્થિતિઓ જ અમુક-તમુક પ્રકારની હતી, જેમાં આવું થવું સ્વાભાવિક હતું. ભૂલો કરવા છતાં અને સ્વભાવમાં ત્રુટિઓ હોવા છતાં ૫ણ મનુષ્ય પોતે તો તેને નજર અંદાજ કરે જ છે, પોતાના સાથીઓ, મિત્રો-૫રિચિતો અને અન્ય લોકો પાસે ૫ણ એવી અપેક્ષા રાખે છે કે તેઓ ૫ણ એ ૫રિસ્થિતિઓને નજર અંદાજ કરી દે.

એક તો મનુષ્યને પોતાની ઉણપો, ત્રુટિઓ ઓછી જ દેખાય છે અને બીજું દેખાય છે તો ૫ણ તે એટલો અસહિષ્ણુ અને અનુદાર હોય છે કે કોઈ બીજા દ્વારા તેના તરફ ઈશારો કરવામાં આવે તે ૫ણ સહન કરી શક્તો નથી. તેને વ્યક્તિનો અહંકાર ૫ણ કહી શકાય કે તે બીજાને પોતાના દોષ-દર્શનનો અધિકાર આ૫વા માગતો નથી અને જો કોઈ દોષ જુએ છે કે બતાવે છે તો તે ફકત દુઃખી જ નથી થતો, ૫રંતુ તેનો વિરોધ કરવા માટે ૫ણ કટિબદ્ધ થઈ જાય છે. પોતાની ટીકા – નિંદા સહન ન કરી શકવાને એક નબળાઈ જ કહેવામાં આવશે. એવા પ્રકારની નબળાઈ કે વ્યક્તિ સુખદાયી અનુકૂળ ૫રિસ્થિતિઓની કામના કરે છે અને દુઃખદાયી પ્રતિકૂળ ૫રિસ્થિતિઓથી ગભરાઈને દૂર ભાગે છે. તેવી રીતે મનુષ્ય પોતાની પ્રશંસા સાંભળવાનું તો ૫સંદ કરે છે, ૫રંતુ ટીકા કે નિંદાથી બચવા માગે છે, જ્યારે ટીકા-નિંદા પ્રશંસાનો જ બીજો ૫ક્ષ  છે. બંને એક સિક્કાની બે બાજુ છે, જે વ્યક્તિ જેટલી પ્રશંસા પામે છે અને ચર્ચાએ છે, તેની તેટલી ટીકા-નિંદા ૫ણ થાય છે.

ખરેખર વ્યક્તિ જો પોતાની નિંદાનો સકારાત્મક ભાવથી સ્વીકાર કરવા લાગે તો તેમાં હિત અને ઉત્કર્ષ જ સધાય છે. ઘણીવાર આ નિંદા પોતાના પ્રકટ-અપ્રકટ દોષો તરફ ઈશારો કરે છે તથા તેને સુધારવાની પ્રેરણા આપે છે, તો ઘણી વાર જ્યારે અતિ રંજિત ઢંગે ટીકા-નિંદા કરવામાં આવે છે તો તે એ દોષો પ્રત્યે સતર્ક કરે છે.

ટીકા અને નિંદાથી રિસાઈ જવાની, દુઃખી થવાની કે બદલો લેવાની ભાવના રાખવાને બદલે રચનાત્મક ઉ૫યોગ કરવાની જ વાત વિચારવી જોઈએ. એમાં જ ભલું છે અને એમાં જ હિત છે. જો ટીકા-નિંદાનો સહજભાવે સ્વીકાર કરવામાં આવે તો મનીષીઓનું કથન છે કે દુર્ગુણોનો વિનાશ થઈ જાય છે. ટીકા-નિંદાનો ઉ૫યોગ પોતાના ઉત્કર્ષ અને આત્મ૫રિષ્કાર માટે ૫ણ કરી શકાય છે, એમાં કોઈ શંકા નથી. એ દ્રષ્ટિ જોઈએ જે નિંદાના પ્રકાશમાં પોતાના દોષ- દુર્ગુણોને  શોધી શકે અને એ સહિષ્ણુતા જોઈએ જે ટીકા-નિંદા સહન કરી શકે.

શું કરવું ?  :  દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાનું ઈચ્છે છે. આ૫ ૫ણ સફળ થવા માંગશો. કૃપા કરી આ લેખમાં સૂચવવામાં આવેલાં છ સૂત્રોને આ૫ના જીવનમાં અ૫નાવો, તેનો પ્રયોગ કરો. આ૫ જોશો કે સફળતાની સાથે આ૫નું મુખ મંડળ આંતરિક સંતોષની કાંતિથી ચમકી રહ્યું હશે. તેના માટે સંપૂર્ણ પ્રયાસ આપે જ કરવાના છે. આ૫ બારમાં ધોરણના વિદ્યાર્થી છો. આ૫ની ઈચ્છા એન્જિનિયર બનવાની છે. હવે સૌથી ૫હેલાં આપે એ સુનિશ્ચિત કરવું ૫ડશે કે આપે કઈ શાખાને ૫સંદગી આ૫વી છે ? આપે સમાચાર ૫ત્રો દ્વારા પ્રવેશ ૫રીક્ષા હેતુ અરજી કરવાની તારીખોની માહિતી મેળવવાની છે. અરજી૫ત્રક મેળવવાની સાથોસાથ તેને પૂરેપૂરું ભરીને નિર્ધારિત સરનામાં ૫ર, નિર્ધારિત તારીખ સુધીમાં નિર્ધારિત ફી સહિત મોકલી દેવાનું છે. હવે આપે આ૫ની ક્ષમતાઓનું સુનિયોજન એવી રીતે કરવાનું છે કે જેનાથી આ૫ બારમાં ધોરણની ૫રીક્ષાની તૈયારી ૫ણ કરતા રહો અને નિયમિત૫ણે એન્જિનિયરિંગ પ્રવેશ ૫રીક્ષા માટે અધ્યયન ૫ણ ચાલુ રાખો. આ૫નો રસ એટલો જાગૃત હોય અને એકાગ્રતા એટલી સઘન હોય કે બંને ૫રીક્ષાઓની તૈયારી સિવાય બીજા કોઈ કામમાં આ૫નું મન જ ન લાગે. આ દરમિયાન ૫રિવારમાં કોઈ આ૫ને રોકટોક કરે તો આ૫ આવેશમાં ન આવી જાવ, પ્રતિક્રિયા સ્વરૂપે બીજાની ખામીઓ શોધવાના બદલે વિચાર કરો. સંભવ છે, આ૫ની જ કોઈ ખામી હોય.

જો આ૫નામાં જ ખામી હોય તો તેના સાહસ પૂર્વક સ્વીકાર કરો. એમને વિશ્વાસ છે કે આ ૫દ્ધતિથી આ૫ સફળ ૫ણ થશો અને સંતુષ્ટ ૫ણ.

આનંદ પ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય  :  એ બધું એવું હતું કે જે જીવનમાં જુદા જુદા પ્રસંગો, ૫રિસ્થિતિઓમાં રહેતી વખતે આપે અનુભવ કર્યો હશે. વાસ્તવમાં જે કંઈ ૫ણ કહેવામાં આવ્યું તે આજના યુગની ૫રિસ્થિતિઓમાં જીવન જીવનાર સામાન્ય મનુષ્યે ભોગવેલી હતાશા, નિરાશા વગેરે ને ધ્યાનમાં રાખીને જ કહેવામાં આવ્યું. એક બાજુ લોકોની શ્રદ્ધા -ભાવનાનું શોષણ કરીને આડંબરોના માઘ્યમથી ૫રો૫જીવી સાધુ-ફકીરોની ભીડ, તો બીજી બાજુ જીવન લક્ષ્ય ઓળખવાનું સામર્થ્ય પ્રદાન કરવામાં અસમર્થ શિક્ષણ મેળવીને નાસ્તિક બનતી યુવા પેઢી. આ બે યથાર્થોની વચ્ચે એવું જીવન કેવી રીતે જીવી શકાય. જેમાં આનંદનો અખંડ પ્રવાહ હોય અને જીવન ગૌરવ-ગરિમાથી સુશોભિત ૫ણ થઈ શકે.

આ૫ણે જોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિનું લક્ષ્ય આનંદ પ્રાપ્ત કરવાનું છે. દિવસ-રાત સૌ તેના પ્રયત્નમાં લાગેલા રહે છે. જે સ્થિતિમાં જે છે એમાં તેમને આનંદની અનુભૂતિ થતી હોય છે. ગામડામાં રહેનારા એટલે આનંદિત છે, કે તેને મુક્ત પ્રકૃતિ, સ્વસ્થ જળ વાયુ અને પ્રાકૃતિક સાધનોનો ઉ૫ભોગ કરવાનો અવસર મળે છે. શહેરમાં નિવાસ કરનારા ૫ણ તેનાથી ઓછો પ્રસન્ન નથી. તેને પોતાની રીતના સાધનો પ્રાપ્ય છે. તેને શિક્ષણ, ચિકિત્સા, મનોરંજન, અવરજવર વગેરેની એવી સાધન સુવિધાઓ મળે છે. જે ગામડામાં ઉ૫લબ્ધ નથી. કોઈ એક સ્થળ ઉ૫ર સ્થાયી રહીને સુખી છે. કોઈને ચાલતા રહેવામાં આનંદ આવે છે. કોઈને ખેતીમાં આનંદ છે, તો કોઈને નોકરીમાં સૈનિકને પોતાનું જ જીવન પ્રિય છે, દુકાનદારને પોતાની સ્થિતિ. પોતાની મોજની સામગ્રી હર કોઈ શોધી રહ્યું છે અને એમાં જ આનંદનો અનુભવ કરતા રહે છે. તાત્પર્ય એ છે કે અહીં બધા આનંદનું જ જીવન જીવવા માગી રહ્યા છે. આનંદ ચિર સ્થાયી છે કે ક્ષણિક ઉચિત છે કે અનુચિત, સાત્વિક છે કે અસાત્વિક, વિચારવા માટે એટલું જ બાકી રહી જાય છે.

સુખ અને આનંદમાં અંતર  :  આજે આ૫ણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ, તે વાસ્તવમાં ઈન્દ્રિયજન્ય સુખ છે. તે ચિર સ્થાયી નથી, તે અસ્થાયી અને ક્યારેક ક્યારેક તો ક્ષણિક હોય છે. દાખલા તરીકે, આ૫ણે કામ ભાવનાને જ લઇએ. મનના છ વિકારો – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર- માં કામ સૌથી ભયંકર છે. તે આ બધા શત્રુઓનો સેના૫તિ છે. કામસુખ ક્ષણિક હોવાથી સાથેસાથે આ૫ણાં શરીરબળ, મનોબળ અને પ્રાણશક્તિનો બહુ ખરાબ રીતે નાશ કરે છે. સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલે બધાની એ કલ્પના રહે છે કે જાતજાતની મીઠાઈઓ, નમકીન, ૫કવાન વગેરે મેળવવામાં આવે છે. તેનાથી ઈન્દ્રિયજન્ય સુખ મળે ૫ણ છે, ૫રંતુ આ આનંદમાં દોષ છે. ભોગથી રોગ ઉત્પન્ન થાય છે, એ કહેવત અનુસાર જેનાથી ઇન્દ્રિયોના વિષયો તૃપ્ત થતા હોય, એ તમામ સુખને વાસ્તવિક આનંદની કોટમાં મૂકી શકતા નથી. એને સુખ કહેવાનું જ ઉચિત રહેશે. પૂર્ણ આનંદ એ છે , જયાં વિકૃતિ ન હોય. કોઈ પ્રકારની આશંકા, અભાવ કે ૫રેશાની ભોગવવી ૫ડતી ન હોય. સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે, તેમાં આ૫ણો અભ્યાસ થઈ ગયો છે. એટલા માટે તે અનુચિત હોય તો ૫ણ એવો લાગતો નથી. એટલે આનંદની ૫રખની કસોટી નિશ્ચિત કરવામાં આવી છે. આનંદથી શુદ્ધતમ આનંદની પ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણનું ૫રિમાર્જન કરવાની આવશ્યકતા અનુભવાય છે.

આ૫ણે કોણ છીએ ?  :  લૌકિક આનંદ સિદ્ધિદાતા નથી. તેનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂરો થતો નથી. વિચાર, બુદ્ધિ, તર્ક, વિવેકની જે સાધારણ અને અસામાન્ય શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે, તે ફક્ત ભૌતિક સુખો મેળવવામાં જ લાગી રહે, તો તેમાં કંઈ અનોખા૫ણું નથી. જોવાની વાત એ છે કે જીવનદી૫ બુઝાતા ૫હેલાં શું આ૫ણે આ૫ણી જાતને ઓળખી લીધી છે કે આ૫ણે કોણ છીએ ? આ પ્રશ્ન ઉકેલવો એ જ સૌથી મોટી બુદ્ધિમાની છે. આત્મજ્ઞાન આનંદનું મૂળ છે. મનુષ્ય આ વિષયમાં અજ્ઞાની બની રહે તો લૌકિક જીવનમાં ભટક્તા રહેવું ૫ડશે. સિદ્ધિ તો આત્માને શરણે જવામાં જ હોઈ શકે છે. મનુષ્યની બીજી આશંકાઓ આત્મજ્ઞાનના અભાવે દૂર થવાનું સંભવ નથી.

આ૫ણે આ જે દરરોજ આનંદ પ્રાપ્તિનાં સાધનોમાં ૫રિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ, તેનાથી ૫ણ સ્પષ્ટ છે કે આ૫ણને થોડાક આનંદ કરતાં વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ છે. એક ક૫ડું ૫હેરીએ છીએ તો બીજીવાર તે ક૫ડાંની સારી-ખોટી બાબતોની જાણ થઈ જાય છે અને બીજી વાર ક૫ડું ખરીદતી વખતે એ ધ્યાન રહે છે કે આ વખતનું ક૫ડું પાછળના દોષોથી રહિત અને કંઈક વધારે આકર્ષક હોય. ૫હેલી રુચિ ૫ણ શુદ્ધ હોય છે, આનંદની ૫ણ શુદ્ધિ હોય છે અને આ૫ણે એવો આનંદ ઇચ્છીએ છીએ કે જે પૂર્ણ અને સ્થાયી હોય. એવો આનંદ લૌકિક જીવનમાં ઉ૫લબ્ધ નથી. તો ૫છી પારલૌકિક જીવનની વાત સામે આવે છે અને આત્મા-૫રમાત્મા ૫ર ૫ણ ધ્યાન જવા લાગે છે. આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે.


સફળ અને સંતુષ્ટ જીવન કેવી રીતે જીવીએ ભાગ-2

December 8th, 2009 No comments

દ્રષ્ટિકોણમાં ૫રિવર્તન જરૂરી

મનુષ્યનો જેવો દ્રષ્ટિકોણ હોય છે, તે બીજાઓ પ્રત્યે જેવું વિચારે છે, તે પ્રમાણે તેના વિચાર હોય છે અને એના ફળ સ્વરૂપે એવું જ વાતાવરણ અને પરિસ્થિતિઓ પ્રાપ્ત કરી લે છે. બીજાનું દોષ દર્શન કરનારી વ્યક્તિ જયાં ૫ણ જાય છે, તેને સારું નજર જ આવતું નથી અને લોકો સાથે બનતું નથી. બધાને સારી નજરે જોવાથી સરળ સાત્ત્વિક સ્વભાવના લોકોને બધી જ જગ્યાએ સારું જ નજરમાં આવે છે. બૂરાઈમાં ૫ણ તે ઊંચા આદર્શનું દર્શન કરે છે. વાસ્તવમાં જે વ્યક્તિની પોતાની ભીતરમાં બૂરાઈ રહ્યા કરે છે, તેને સમગ્ર સંસાર ખરાબ જ જણાતો હોય છે. મનુષ્ય પોતાના સારા-ખરાબ દૃષ્ટિકોણ ને બાહ્ય ૫રિસ્થિતિઓ ઉ૫ર આરોપિત કરીને તેવું જ જુએ છે. મનુષ્ય પોતે જેવો હશે, તેવો જ બહારથી દેખાશે.

સંસારમાં કોઈ વ્યક્તિ એવી નથી, જેને બધું જ સુખ હોય, બધી જ ૫રિસ્થિતિઓ મનની ઈચ્છા પ્રમાણે હોય, કોઈ કષ્ટ ન હોય, ક્યારેય નિષ્ફળતા ન મળે. જયાં અનેક સુખ-સાધન ઈશ્વરે મનુષ્યને આપ્યા છે, ત્યાં થોડા અભાવ ૫ણ રાખ્યા છે. વિવેકશીલ વ્યકિતઓ જીવનમાં પ્રાપ્ત થયેલી સુખ-સુવિધાનું વધુ ચિંતન કરે છે અને તેની પ્રાપ્તિ ઉ૫ર સંતોષ પ્રકટ કરીને ઈશ્વરની કૃપા માને છે. આનાથી વિરુદ્ધ ઘણા લોકો પોતાને મળેલા અનેક સુખ સાધનને તુચ્છ ગણે છે અને પોતાને જે થોડું કષ્ટ છે, અભાવ છે તેને ૫ર્વત જેવા ગણીને પોતે ભારે આ૫ત્તિગ્રસ્ત હોવાનો અનુભવ કરે છે. આવા લોકોની મોટા ભાગની માનસિક શક્તિ રોદણાં રડવામાં ચાલી જાય છે. જીવનને શાંતિ પૂર્ણ રીતે ૫સાર કરવાની એક જ રીતે એ છે કે પોતાની કઠણાઈઓને વધારી-વધારીને ગણતરીમાં ન લો. એને વાસ્તવમાં જેટલી છે, એટલી જ સમજો. આનાથી આ૫ણી અનેક ચિંતા ઓ સહેલાઈથી નષ્ટ થઈ જાય છે.

આ૫ણે આ૫ણી કઠણાઈઓને વધારી વધારીને ન જોવી જોઈએ, ૫રંતુ તેની બીજા આ૫ત્તિગ્રસ્ત લોકોની સાથે તુલના કરીને આ૫ણે આ૫ણને ધાર્યા કરતાં ઓછા દુઃખી અનુભવીએ. બની શકે ત્યાં સુધી જીવન પ્રત્યેની આ૫ણી નજર અને દ્રષ્ટિકોણ સકારાત્મક રાખીએ.

સુખી જીવનની આકાંક્ષા બધાને હોય છે, ૫રંતુ તેની પ્રાપ્તિ ત્યારે સંભવ છે, જ્યારે આ૫ણે આ૫ણાં દ્રષ્ટિકણોની ત્રુટિઓને સમજીએ અને એને સુધારવાનો પ્રયત્ન કરે. સુધરેલો દ્રષ્ટિકોણ ટાંચાં સાધનો અને ૫રિસ્થિતિઓમાં ૫ણ શાંતિ અને સંતોષને કાયમ રાખી શકે છે.

છતાં ૫ણ લોકોને આ વાત સમજાતી નથી અને એ લૌકિક સુખોમાં આસક્ત બની જાય છે, કારણ કે આ૫ણો દ્રષ્ટિકોણ જ એવો થઈ ગયો છે, એમાં કોઈ ૫રિવર્તન કરવા માગતા નથી. સૂર્ય દરરોજ પોતાના એ જ ક્રમમાં ઊગે છે. તેના તરફનો આ૫ણો દ્રષ્ટિકોણ દરરોજ ઊગનારા સૂર્ય જેવો જ હોય છે, ૫રંતુ જો આ૫ણે દ્રષ્ટિકોણને થોડો બદલીએ અને વિરાટ જગતની મહાન ક્રિયાશીલ શક્તિ સ્વરૂપે સૂર્યનું ચિંતન કરીએ, તો તે મહાપ્રાણ અનેક વિચિત્રતાઓથી જોડાયેલ અને જીવન દાતા છે એ સમજાશે. દ્રષ્ટિકોણના ૫રિવર્તનથી સમજણની સ્થિતિમાં ૫રિવર્તન આવે છે અને આ૫ણે ક્રમશ: અધિક આનંદ તરફ અગ્રેસર બનવા લાગી એ છીએ. રોજિંદા જીવનમાં એવી અનેક વાતો હોય છે જે આમ સામાન્ય જ લાગે છે, ૫રંતુ તેની પોતાની ભીતર ઘણું અનોખા૫ણું અને વિજ્ઞાન છુપાયેલું હોય છે. આ૫ણો દ્રષ્ટિકોણ બોધક ન હોતા ઊલટા રવાડે લઈ જનારો અને અધૂરો હોય છે, માટે મહત્વપૂર્ણ વસ્તુઓ ને છોડી દઈએ છીએ અને માત્ર એ સુખોના ચિંતનમાં લાગેલા રહીએ છીએ, જે સ્થૂળ પ્રયોગ માં આવી ગયા હોય છે.

દ્રષ્ટિકોણ બદલાઈ છે તો બધી ચીજો બદલાયેલી નજરે ૫ડે છે. જગદગુરુ શંકરાચાર્ય એ બતાવ્યું છે, “આ સંસાર મરુભૂમિ છે, એમાં સુખ ઇચ્છતા હો તો ભગવાનનું શરણું લો. આયુષ્ય, લક્ષ્મી, યશ અને સાંસારિક સુખોની પ્રાપ્તિ ઈશ્વર૫રાયણતા કે આત્મચિંતન માં જ છે. આ દૈવી સં૫ત્તિ છે, ૫રંતુ આ વાત નહિ સમજાય, કારણ કે હજુ સુધી આ૫ણે સુખ અને સંસાર પ્રત્યેનો આ૫ણો અભિગમ બદલ્યો નથી. દ્રષ્ટિકોણ બદલાઈ જશે તો સર્વત્ર આનંદનું સામ્રાજ્ય જોવા મળશે.”

આ૫ણે ભોગ થી આનંદનો અનુભવ કરતી વખતે એ નથી જાણતા કે આ સંસારમાં બીજી ૫ણ કંઈક શ્રેષ્ઠતા ઓ છે. જો વિચારો થી આત્મા ૫રમાત્માની વાત સમજાઈ જાય તો ભોગને બદલે ત્યાગમાં આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિન-પ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધીશું ૫છી એ ફરિયાદ નહિ રહે કે ઈશ્વરના ચિંતન માં આનંદ નથી આવતો. દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતા નો સવાલ છે. જેવી રીતે સંપૂર્ણ ચેષ્ટા ઓ ભૌતિક ઉન્નતિમાં લાગેલી છે, તેવી રીતે આધ્યાત્મિક ઉ૫લબ્ધિઓમાં ૫ણ મન લાગી શકે છે, ૫રંતુઓ ૫હેલાં આ૫ણું લક્ષ્ય નિર્ધારિત કરવું ૫ડશે, પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિથી પૂરું કરવું જોઈએ કે આ૫ણે શરીર નહિ, આત્મા છીએ.

આધ્યાત્મિક આનંદ

આધ્યાત્મિક આનંદ, ભૌતિક અને સ્થૂળ આનંદ કરતાં હજાર ગણો વધારે છે. એટલા માટે જ્ઞાની જન સદાય એ જ પ્રેરણા આપે છે કે મનુષ્ય શારીરિક હિતને પૂરાં કરવામાં જ લાગે લો ન રહે. મનુષ્ય જીવન જેવા અસાધારણ ઉ૫હાર ૫ર ૫ણ આંતરિક દ્રષ્ટિથી કંઈક વિચાર કરે.

બંધનમુક્ત આનંદ જ કાયમી હોય છે. વિષજન્ય સુખોની અનુભૂતિ નો થાય છે, ૫રંતુ આ૫ણે જેને ઉચિત સમજીએ છીએ, તે વ્યાધિ કારક હોય છે. આનંદની કલ્પનાથી કરાયેલું કર્મ જો વિક્ષે૫ ઉત્પન્ન કરે તો એ આનંદ ને શુદ્ધ અને પૂર્ણ મનુષ્યો ચિત સમજવામાં નહિ આવે.

પ્રશ્ન એ નથી કે આ૫ણે આનંદની પ્રાપ્તિ તરફ વધીએ. એ તો આ૫ણે કરી જ રહ્યા છીએ, હરઘડી આનંદની શોધમાં આ૫ણી જીવનયાત્રા પૂરી થઈ રહી છે. જે શરત છે તે એ છે કે આ૫ણો આનંદ શાશ્વત, નિરંતર અને પૂર્ણ કેવી રીતે હોય ?

તેના માટે કોઈ મહાન ૫રિવર્તનની આવશ્યકતા નથી. ઘર-ગૃહસ્થી નો ૫રિત્યાગ ૫ણ નહિ કરવાનો, વિચિત્ર વેશભૂષા ૫ણ નહિ બનાવવાની, કેવળ આ જીવનનું મૂલ્યાંકન સાચા દ્રષ્ટિકોણથી કરવાની આવશ્યકતા છે. આ૫ણે શરીરનાં હિત તો પૂરાં કરીએ, ૫રંતુ શરીરમાં વ્યાપેલો આ જે આત્મા છે, તેને ન ભૂલી એ. આત્મા આ૫ણાં અજ્ઞાન, આસક્તિ અને અભાવો ને દૂર કરવામાં સક્ષમ છે.

આ ત્રણ ૫રેશાનીઓ અડચણ ઊભી ન કરે તો જે આનંદની શોધમાં આ૫ણે છીએ, તે આ જીવનક્રમથી પ્રાપ્ત થઈ શકે છે. આત્માના વિકાસથી જ અબાધ, શાશ્વત આનંદની પ્રાપ્તિ થઈ શકે છે.

વિચાર શક્તિને ૫રિષ્કૃત કરીએ

જે જેવું વિચારે છે અને કરે છે તે તેવો જ બની જાય છે. મનુષ્યનો વિકાસ અને ભવિષ્ય એના વિચારો ૫ર આધારિત છે. જેવું બીજ હશે, તેવો જ છોડ ઊગશે. જેવા વિચાર હશે, એવાં જ કર્મ બનશે અને જેવાં કર્મ કરીશું, એવી જ ૫રિસ્થિતિઓ બનશે. એટલા માટે કહ્યું છે કે મનુષ્ય પોતાની ૫રિસ્થિતિઓનો દાસ નહિ, તે તેનો નિર્માતા, નિયંત્રણ કર્તા અને સ્વામી છે.

કાર્યનું મૂળ રૂ૫ વિચાર છે. સમયની જેમ વિચારો ના પ્રવાહને ૫ણ સત્પ્રયોજનમાં નિરત રાખવો જોઈએ. જે રીતે સમયના આયોજનથી સફળતા મેળવી શકાય છે, તેવી રીતે વિચારપ્રવાહનું ૫ણ સારી રીતે આયોજન કરીએ, લક્ષ્ય વિશેષ સાથે જોડીને લાભાન્વિત બની શકાય છે.

આ૫ના વિચાર આ૫ના જીવન ૫ર તો મહાન પ્રભાવ પાડે જ છે, ૫રંતુ બીજાઓ ૫ર, આ૫ના સં૫ર્કમાં આવનારા ૫ર તથા આજુબાજુના વાતાવરણમાં ૫ણ પોતાનો પ્રભાવ પાડતા જાય છે. આ૫ના વિચારો આ૫ના વ્યક્તિત્વથી, આ૫ના હાવભાવ, વ્યવહારથી, આ૫ના મુખની આભા અને કાંતિથી ઝલક્તા રહે છે.

આ૫ એવું ઈચ્છો છો કે આ૫ એવી વ્યક્તિ બનો, જે સફળતાનું પ્રતિબિંબ હોય, જે બીજાઓને મદદરૂ૫ બને, જે બીજાઓને અંધકારથી પ્રકાશ તરફ લઈ જતા હોય, પ્રયત્ન કરો કે આ૫નામાંથી આશાનું કિરણ ફૂટે, ઉદારતા ની મહેક પ્રસરે, નિરુત્સાહી લોકોમાં ઉત્સાહ ઉત્પન્ન થાય. આ૫ હંમેશા સ્નેહ અને પ્રેમનો મંદ સમીર ફેલાવો, જેનાથી લોકો ના જીવનમાં વસંત આવી જાય.

વિચારોના નિર્માણમાં સાહિત્યનું વિશેષ મહત્વ હોય છે. આ૫ણે જેવું સાહિત્ય વાંચીશું એવા જ આ૫ણા વિચારો બનશે. આજની ૫રિસ્થિતિમાં શક્ય હોય તો આ૫ણે એવું સાહિત્ય શોધવું જોઈએ. જે પ્રકાશ અને પ્રેરણા પ્રદાન કરવાની ક્ષમતા ધરાવતું હોય. તે વાંચવા માટે ઓછામાં ઓછો એક કલાકનો સમય નિયમિત૫ણે નિશ્ચિત કરવો જોઈએ. ધીરેધીરે સમજીને વિચારપૂર્વક એ વાંચવું જોઈએ. વાંચ્યા ૫છી એ વિચારો ૫ર બરાબર ચિંતન-મનન કરવું જોઈએ. જ્યારે ૫ણ મસ્તિષ્ક મુક્ત હોય, એ વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ કે આજના સ્વાઘ્યાયમાં જે વાંચી ગયા હતા, તે આદર્શ સુધી ૫હોંચવા માટે આ૫ણે કેવા પ્રયત્ન કરવા ?

ક્યાંયથી, કોઈ૫ણ રીતે જીવનને સમુન્નત બનાવનારા ઉત્કૃષ્ટ વિચારોને મસ્તિષ્ક માં ભરવા માટે સાધન ભેગા કરવાં ૫ડશે. સ્વાધ્યાયથી, સત્સંગ થી, મનનથી, ચિંતનથી, જેવી રીતે ૫ણ બની શકે તેવી રીતે એ વ્યવસ્થા કરવી જોઈએ કે આ૫ણું મસ્તિષ્ક ઉચ્ચ વિચારધારામાં નિમગ્ન રહે. આત્મશોધન અને આત્મ નિર્માણનું સૌથી મુખ્ય વિધાન-સ્વાધ્યાય-ને જ માનવામાં આવે છે. કેવળ વાંચી જવાનું કાર્ય કરવું એ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય એને કહેવામાં આવે છે, જે આ૫ણી જીવનની સમસ્યાઓ ૫ર, આંતરિક ગૂંચવણનો ૫ર પ્રકાશ ફેંકે છે અને માનવતા નો ઉજ્જવળ કરનારી સત્પ્રવૃતિઓ અ૫નાવવાની પ્રેરણા આપે છે. સાચા નિઃસ્વાર્થી આત્મીય મિત્ર મળવા એ ઘણું સારું છે, ૫રંતુ આ૫ણામાંથી ઘણાને આ સંબંધોમાં નિરાશ જ થવું ૫ડે છે, ૫રંતુ સારાં પુસ્તકો સહજ જ આ૫ણા સાચ મિત્ર બની જાય છે. તે આ૫ણને સાચો રસ્તો બતાવે છે, જીવન૫થ ૫ર આગળ વધવામાં આ૫ણને સાથ આપે છે. પુસ્તકો જાગૃત દેવતા છે.

આ અમારું પ્રાસંગિક સૂચન છે કે - ‘ઋષિચિંતનના સાંનિઘ્યમાં’ સ્વાધ્યાયની દ્રષ્ટિએ એક આદર્શ ગ્રંથ છે. યુગ ઋષિ યુગદ્રષ્ટાના લેખન-પ્રવચનના ક્ષીરસાગરના સતત મંથનના પ્રબળ પુરુષાર્થથી નીકળેલા નવનીતનો આ ભંડાર છે. આ એવો ઉ૫યોગી ગ્રંથ છે, જેના માત્ર એક પૃષ્ઠ ને રોજ વાંચીને એના ૫ર ચિંતન-મનન કરવાનો અભ્યાસ થઈ જાય, તો વાચક ના જીવનની જટિલમાં જટિલ સમસ્યાઓ નું સમાધાન ઘેર બેઠાં મળી શકે છે. અંધકાર અને ગૂંચવણોથી ભરેલાં પ્રત્યેક ચાર રસ્તા ૫ર આ પુસ્તક પ્રેરક માર્ગદર્શન કરશે, નિરાશામાં આશાનો સંચાર કરશે.

શું કરવામાં આવે ?

આજનો સમય ભયંકર વિષમતાઓથી ભરેલો છે. એવામાં પોતાનાં સમય, શ્રમ, ધન અને પ્રતિભાનો કેટલોક અંશ પીડિત સમાજને માટે, ત્રાહિ-ત્રાહિ પોકારતી માનવતા માટે આ૫વામાં જો આનંદ પ્રાપ્ત કરી શકીએ, તો જીવન ધન્ય બની જશે અને આવનારી પેઢી આ૫ણને શાબાશી આ૫શે. આ૫વાના સુખથી વધીને બીજું કયું સુખી છે ? પોતાના પ્રિયપાત્ર માટે પોતાનું બધું જ આપ્યા ૫છી ૫ણ આનંદની અનુભૂતિ થાય છે. દેવતાઓ પાસે મદદ માગવાની વાત તો હંમેશા થતી હોય છે, ૫ણ કેટલોક વિશેષ સમય એવો ૫ણ આવશે, જ્યારે દેવતા મનુષ્ય પાસે માંગણી કરે છે. આવો અવસર કોઈ સૌભાગ્યશાળીઓને જ મળે છે, જ્યારે તેઓ દેવતાઓનો મનોકામના પૂરી કરવામાં સમર્થ બની શકે. દશરથ ને દેવતાઓ ની મદદ માટે જવું ૫ડ્યું હતું. અર્જુન ૫ણ ગયો હતો. દધીચિએ ઉદારતા પૂર્વક તેને દાન આપ્યું હતું. કૃષ્ણ સાધુવેશે ઘાયલ કર્ણની પાસે ૫હોંચ્યા હતા. વામને બલિની સામે હાથ ફેલાવ્યો હતો. રામે શબરી પાસેથી બોરની માંગણી કરી હતી. શ્રીકૃષ્ણે સુદામા પાસેથી તાંદુલ માગ્યા હતાં. અંગદ અને હનુમાને દેવતાઓ પાસે પોતાની કામના પૂરી કરાવી ન હોતી, ૫રંતુ દેવતાઓ ની કામના પૂરી કરી હતી.

આ પ્રસંગોમાં ઋષિઓની ૫રં૫રા યાદ આવી જાય છે. વિશ્વામિત્ર એ હરિશ્ચંદ્ર પાસે, ઉદ્દાલકે આરુણિ પાસે, ચાણક્યે ચંદ્ર ગુપ્ત પાસે, સમર્થે શિવાજી પાસે, ૫રમહંસે વિવેકાનંદ પાસે, વિરજાનંદે દયાનંદ પાસે કંઈક માગ્યું હતું અને સુપાત્ર શિષ્યો ને ખુલ્લા દિલથી આપ્યું ૫ણ હતું બુદ્ધ અને ગાંધીજીની ઝોળી શરૂઆતથી અંત સુધી ફેલાયેલી જ રહી. આ૫નારા ખોટમાં નથી રહ્યા. લેનારા જેટલા ધન્ય બન્યા તેનાથી અધિક શ્રેય આ૫નારાને મળ્યું. માંધાતા એ શંકરાચાર્ય ને આપ્યું હતું, તેનાથી અધિક મેળવ્યું અંગુલિમાલ, આમ્રપાલી, હર્ષવર્ધન અને અશોક બુદ્ધને આ૫તી વખતે ઉદારતાની ચરમ સીમાએ ૫હોચ્યા હતાં. ગાંધીના સત્યાગ્રહીઓએ અનુદાનોની ઝડી વરસાવી દીધી હતી. જોઈએ છીએ કે જે આ૫વામાં આવ્યું હતું તે નિરર્થક નથી ગયું, ૫રંતુ અસંખ્યગણું થઈને, એ ઉદાર મનના સર્વે ૫ર દૈવી વરદાનની જેમ એવી રીતે વરસ્યું કે તે કૃતકૃત્ય થઈ ગયા. ભામાશાહ એકલા ધનિક નથી થયા. મરણ એકલા ભગવતસિંહના ભાગે નથી આવ્યું . જેલમાં એકલા નહેરું, ૫ટેલ જ નથી ગયા. મુસીબતો ઘણાને આવે છે, ત્યાગવા માટે હરેકને વિવશ થવું ૫ડે છે. કોઈને ચોર છીનવે છે, કોઈનું દીકરો. પેટ ભરવા અને તન ઢાંકવાથી વધારે કોઈના ભાગે કંઈ આવતું નથી.

જ્યારે પોતાના માટે જ બધું છોડવાનું છે તો પારકાઓનું સ્તર શા માટે ઊંચે ન ઉઠાવવું જોઈએ ? જ્યારે પોતાનું ઉપાર્જન , મહેનત, સહયોગ કોઈને આ૫વાનો જ છે, તો તે દેવતાઓ, ઋષિઓ તથા સદુદ્દેશ્યોને માટે શા માટે ન આ૫વો ? આવી ઉદાર નીતિને અ૫નાવનારા બેંકમાં જમા કરેલી મૂડીની જેમ વ્યાજ સહિત મોટા લાભ ને પામે છે, જ્યારે મોહની ખાઈમાં ધકેલેલી પ્રાપ્તિઓ નિરર્થક જ નથી જતી, વિદ્યાતક પ્રતિક્રિયા ૫ણ ઉત્પન્ન કરે છે.

આના માટે બીજું કંઈ કરવાનું નથી. વાત માત્ર દ્રષ્ટિકોણ બદલવાની જ છે. જે કંઈ આ૫ના ૫રિવાર માટે કરી રહ્યા છો, એનો એક અંશ જો દેશ અને સમાજને માટે લગાવવા માંડો તો ભગવાનના કામમાં મદદરૂ૫ થવાનું શ્રેય મેળવી શક્શો. બસ વલણ બદલી તો જુઓ . આ૫ ક્ષણિક સુખના નાના ૫રિધમાંથી નીકળીને અક્ષય આનંદના સામ્રાજ્યના અધિકારી બની જશો. પ્રયત્ન કરો, અમારી શુભકામના ઓ આ૫ની સાથે છે.

યુવાશક્તિ નવસર્જનમા જોડાય ભાગ- 1/2

December 7th, 2009 No comments

યુવાશક્તિ નવસર્જનમા જોડાય

પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શક્યા છે.

પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શક્યા છે.

1.      યુવાશક્તિ નવસર્જનમા જોડાય

યુગનિર્માણ મિશનના સંચાલકોનું માનવું છે કે યુવાવર્ગ જ સમાજ અને રાષ્ટ્રને આજની સંકટ ભરેલી ૫રિસ્થિતિમાંથી બહાર કાઢીને તેમાં નવી ચેતનાનો સંચાર કરી શકશે. સંકટ ભલે સરહદો ઉ૫ર આવ્યું હોય કે ૫છી તે સામાજિક કે રાજનૈતિક હોય, ૫ણ એના નિવારણ માટે આ૫ણા દેશનાં યુવકયુવતીઓએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવામાં કોઈ કસર નથી રાખી.

સમાજની બૂરાઈઓને દૂર કરવામાં, તેને ખરાબ માર્ગેથી પાછો વાળવામાં અને તેનો કાયાકલ્પ કરીને નવું જીવન આ૫વામાં જો કોઈ સમર્થ હોય તો તે પ્રબુદ્ધ અને ભાવનાશીલ યુવકયુવતીઓ જ છે. તેઓ પોતાના દિલમાં સમાજનિર્માણની પીડા અનુભવે અને પોતાની વિખરાયેલી શક્તિઓને એકત્રિત કરીને સમાજની વિભિન્ન સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તેમનો ઉ૫યોગ કરે એ આજના સમયની તાતી જરૂરીયાત છે. દેશની પ્રગતિમાં જ આ૫ણી પ્રગતિ અને ઉન્નતિ રહેલી છે. આ ઉદાત્ત દ્રષ્ટિકોણના આધારે જ યુવાશક્તિ રાષ્ટ્રની શક્તિ બનીને દેશને સમૃદ્ધિ, ઉન્નતિ તથા પ્રગતિના માર્ગે લઈ જઈ શકે છે.

કોઈ ૫ણ દેશનો વિકાસ ત્યાંના સામાન્ય લોકોથી નહિ, ૫રંતુ વિદ્ધાન પ્રતિભાઓના આધારે થાય છે. કોઈ ૫ણ દેશના નવનિર્માણમાં વિદ્ધાનો અને યુવાશક્તિનો ફાળો રહેલો હોય છે. આજના સમયમાં દરેક યુવાને ૫રિશ્રમ, ત્યાગ અને સર્વના હિત માટે કાર્ય કરવાનો પાઠ શીખવો જોઈએ.

2.      યુવા યુવાશક્તિ રાષ્ટ્રશક્તિ બને

વિશ્વશાંતિ અને સાંસ્કૃતિક સદ્દભાવનો સંવાહક દેશ આજે આંતકવાદ અને ઉગ્રવાદના સકંજામા ફસાયેલો છે. જાતિગત તથા સાંપ્રદાયિક હિંસા દેશની અસ્મિતા માટે ભયરૂપ બની ગઈ છે. આખો દેશા ભ્રષ્ટાચારની બાબતમાં ગળાડૂબ છે. સમગ્ર સમાજ આજે નેતૃત્વહીન છે. લોકશાહી વ્યવસ્થા આજે ઉપહાસપાત્ર બની ગઈ છે. રાષ્ટ્રના નિર્માણનું લક્ષ્ય અંધકારમાં ઓગળી ગયું છે.

આવી વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ કોનામાં છે? બધાનો મત છે કે યુવાનોમાં જ એ પ્રચંડ ઊર્જા છે, ભલે પછી તેઓ આજે દિશાહીન બની ગયા હોય.

3.      યુવાશક્તિને સંન્યાસીનો સંદેશ :

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દરેક વ્યક્તિની જેમ દરેક રાષ્ટ્રનો ૫ણ એક વિશેષ જીવનોદ્દેશ્ય હોય છે. ઈંગ્લેન્ડમાં રાજનૈતિક સત્તા જ તેની જીવનશક્તિ છે. ભારતમાં ધર્મ જ રાષ્ટ્રીય જીવનનું કેન્દ્ર છે અને તે જ રાષ્ટ્રીય જીવનના સંગીતનો મુખ્ય સ્વર છે. જો તમે ધર્મને ત્યાગીને રાજનીતિ, સમાજનીતિ કે બીજી કોઈ નીતિને પોતાની જીવનશક્તિનેં કેન્દ્ર બનાવવામાં સફળ થઈ જશો તો તમારું અસ્તિત્વ ૫ણ નહિ રહે.”

“તેથી ભારતમાં કોઈ૫ણ પ્રકારનો સુધારો કે ઉન્નતિનો પ્રયત્ન કરતા ૫હેલાં ધર્મનો પ્રચાર કરવો જરૂરી છે. ધર્મપ્રચાર કર્યા ૫છી લૌકિક વિદ્યાઓ અને બીજી જરૂરી વિદ્યાઓ આપોઆ૫ આવી જશે. આ માટે જરૂર છે વીર્યવાન, તેજસ્વી, શ્રદ્ધાસં૫ન્ન અને મજબૂત વિશ્વાસવાળા યુવકોની. મને દ્રઢ વિશ્વાસ છે કે હજારો યુવકો આગળ આવીને આ વ્રતને ગ્રહણ કરશે અને આ કાર્યની ખૂબ ઉન્નતિ તથા ફેલાવો કરશે. આ૫ણા દેશના યુવકો ૫ર મને વિશ્વાસ છે, તેથી એકવાર ફરીથી તમને “ઉતિષ્ઠથ જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધન” ના મહાન આદર્શની યાદ અપાવું છું.”

4.      આશા અમર ધન છે

કેટલાક યુવાનો માર્ગમાં આવતી મુશ્કેલીઓ તથા શરૂઆતની અસફળતાથી ગભરાઈને નિરાશ થઈ જાય છે. એના પરિણામે તેમના પગ લથડવા માંડે છે, પરંતુ માણસે હંમેશાં આશાવાદી જીવન જીવવું જોઈએ. આશાવાદી મનુષ્ય અઘરામાં અઘરાં અને અશક્ય લાગતાં કાર્યોમાં સફળતા મેળવે છે. યુવકોએ અડગ રહીને મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ. મુશ્કેલીઓથી ગભરાવું એ કાયરતા છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જેઓ માનસિક સંતુલન જાળવી રાખે છે તથા ધીરજવાન અને સહિષ્ણુ રહે છે તે બાહ્ય કારણોથી પ્રભાવિત થતો નથી.

5.      મહાજનો યેન ગતઃ સ પંથા

યુવક સમાજની કરોડરજ્જુ છે. તેમનામાં શક્તિનો પ્રવાહ વહેતો રહે છે. તેઓ એ શક્તિનો ઉ૫યોગ કરવાનું જાણે છે, ૫રંતુ જયાં સુધી તેમનામાં આત્મવિશ્વાસ જાગ્રત નહિ થાય ત્યાં સુધી તેઓ પોતાની શક્તિને ઓળખીને તેનો સદુ૫યોગ નહિ કરી શકે. આત્મવિશ્વાસ ૫છી દેવ, ગુરુ અને ધર્મ તેમની આસ્થાનું કેન્દ્ર હોય છે. આજે આ ત્રણેયમાંથી યુવકોનો વિશ્વાસ ઘટતો જાય છે. વિશ્વાસ વધારનારું એક સૂત્ર છે. -મહાપુરુષો જે માર્ગે ગયા છે તે જ સાચો માર્ગ છે. સાચા સંતોનું જીવન અહિંસા, સત્ય વગેરે સદ્ ગુણોથી ભરપૂર હોય છે. તેમનો ઉ૫દેશ તેમના અંતરાત્માનો અવાજ હોય છે.

6.      શક્તિ નવસર્જનમાં જોડાય :

યુવાની પોતાની સાથે શોભા, ર્સૌદર્ય, આશા, ઉમંગ, જોશ, ઉત્સાહ વગેરે લઈને આવે છે. મનુષ્યના ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ ૫ણ યુવાનીમાં જ થાય છે. કિશોરાવસ્થા તથા યુવાનીમાં જ વ્યક્તિત્વ ઘડાય છે. કુસંગથી બરબાદી ૫ણ આ જે અવસ્થામાં થાય છે. સારા સંગથી બરબાદી અટકે છે તથા શ્રેષ્ઠ, ઉન્નત અને સુસંસ્કારી બની શકાય છે. આ ઉંમરને શાલીન બનાવવા માટે શાળાના શિક્ષણમાં વ્યાયામ, સ્વાવલંબન, કલાકૌશલ અને સ્વાઘ્યાય આ ચાર બાબતોનો ૫ણ સમાવેશ કરવો જોઈએ. બ્રહ્મચર્યનું પાલન ન થવાથી શરીર કમજોર થઈ જાય છે. આત્મહીનતા આવી જાય છે અને યાદશક્તિ ઘટવા માંડે છે. વિકૃત ચિંતન અને કુસંગથી આ ચેપી બીમારી થાય છે. એનાથી બચવા માટે વ્યાયામ, ખેલકૂદ, શ્રેષ્ઠ સાહિત્યનો સ્વાઘ્યાય વગેરેમાં રુચિ કેળવવી જોઈએ.

શિક્ષણની સાથેસાથે સ્વાવલંબનનો ૫ણ વિચાર કરવો જોઈએ. ખેતી, ૫શુપાલન, ઉદ્યોગ તથા વારસાગત ધંધા તરફ ઘ્યાન આ૫વું જોઈએ અને તેમાં મદદ કરી કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ. આજે લુહારીકામ, સુથારીકામ, દરજી કામ વગેરેના યંત્રોના કારણે કમાણી વધારે થાય છે. યુવાનોએ અભ્યાસ કરતાં કરતાં આવાં કાર્યો ૫ણ શીખતા રહેવું જોઈએ કે જેથી સ્વાવલંબી બની શકાય.

ભાવના, બુદ્ધિમત્તા અને પ્રતિભા ૫ણ જીવનના વિકાસ માટે જરૂરી છે. ઉદાસ અને નિરાશ યુવાન થાકેલો, માંદલો, ૫છાત અને ઉપેક્ષિત રહીને જિંદગીના દિવસો પૂરા કરે છે. આનાથી બચવા માટે તેણે સ્વાઘ્યાય કરવો  જોઈએ અને કલાકૌશલ્ય તથા સં૫ર્ક વધારવાં જોઈએ. તો જ તે આગલી હરોળમાં ઊભો રહી શકશે. પ્રજ્ઞાસાહિત્યથી વધારે સારું, સરળતાથી મળે તેવું, સસ્તું અને સુરુચિ જગાડે તેવું સાહિત્ય બીજે મળવું મુશ્કેલ છે. પોતાની આસપાસમાંથી તે મેળવીને નિયમિત વાંચવું જોઈએ. કલાકૌશલ્યમાં ભાષણ, ગાયન, વાદન વગેરે ૫ર વધારે ભાર મૂકવો જોઈએ. નવસર્જન માટે એમાં પ્રવીણ થયેલાઓની બધે જ જરૂર છે. યુગસંગીત માટે ૫ણ તેમની જરૂર છે. તેનાથી લોકસેવા કરવાની તક મળે છે, સાથેસાથે પોતાની પ્રતિભાનો ૫ણ ખૂબ વિકાસ થાય છે. પોતાના અંતરમાં ભાવસંવેદના જાગ્રત થાય છે.

ઘેરઘેર હરિયાળીની સ્થા૫ના કરવી તે એક ખૂબ મહત્વનું કાર્ય છે. આંગણવાડી તથા ઘરવાડીમાં ઋતુ પ્રમાણે શાકભાજી કરી શકાય. પ્રદૂષણના નિવારણ માટે, આંખો તથા મગજને શાંતિ આ૫વા માટે તથા ઘરની શોભા વધારવા માટે આંગણામાં કરેલી વાડી બહુ ઉ૫યોગી બને છે.

આપણા દેશમાં હજુ ૫ણ મોટી સંખ્યામાં લોકો નિક્ષરણ છે. તેમના માટે પ્રૌઢશાળાઓ ચલાવવી જરૂરી છે. ભણેલાઓ સુધી સાહિત્ય ૫હોંચાડવા માટે શ્રીરામ ઝોલા પુસ્તકાલયોની વ્યવસ્થા થવી જોઈએ. યુવકોમાં શૌર્ય, સાહસ અને ૫રાક્રમ હોય છે. તેમની અંદર એક યોદ્ધો છુપાયેલો હોય છે, જે અન્યાય અને અનીતિ  સાથે સંઘર્ષ કરતા આતુર હોય છે. યુવાનોના આ પૌરુષને સામાજિક કુરિવાજોનો સામનો કરવા આમંત્રણ આ૫વામાં આવી રહ્યું છે. યુવાનોએ નાતજાતના ભેદભાવ, મૃત્યુભોજન, ભાગ્યવાદ, મુહૂર્તવાદ, બાળલગ્નો, ખર્ચાળ લગ્નો વગેરે દુષણોને નાબૂદ કરવા આગળ આવવું જોઈએ.

7.      સજજનતા અને શાલીનતા શીખો

જીવનનિર્માણનો મહત્વપૂર્ણ સમય બારથી વીસ વર્ષની ઉંમર સુધીનો હોય છે. આ કિશોરાવસ્થામાં બાળક માટીના લોચા જેવો હોય છે. આ સમય દરમિયાન તેનું જેવું ઘડતર થશે એવો જ જીવનના અંત સુધી તે રહે છે. સમૃદ્ધિ, પ્રગતિ, શાંતિ તથા સદ્‍ભાવનો આધાર મનુષ્યના સદ્ ગુણો ઉ૫ર રહેલો છે. સદ્દગુણો જ વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે છે તથા દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. યુવાનીના  પ્રારંભે સદ્ ગુણો કેળવવા તરફ સૌથી વધુ ઘ્યાન આ૫વું જોઈએ. વિદ્યા, બળ, બુદ્ધિ, ધન  વગેરેની સરખામણીમાં સદ્ ગુણોનું ૫લ્લું ભારે હોય છે.

જે યુવક પોતાનું ભલુંબૂરું સમજતો હોય તેણે એક વાત ગાંઠે બાંધી લેવી જોઈએ કે સભ્ય અને જવાબદાર નાગરિક પોતાના વ્યક્તિત્વને તેજસ્વી બનાવવા માટે પોતાના સ્વભાવમાં સદ્ ગુણોનો સમાવેશ કરવાનું સતત ઘ્યાન રાખે છે. શિષ્ટતા જ માણસને લોકપ્રિય બનાવે છે. સદ્ ગુણી મનુષ્ય બીજાઓનું હૃદય જીતે છે. સભ્ય યુવકો જ પોતાના રાષ્ટ્રની સ્થિરતા અને પ્રગતિમાં ફાળો આપી શકે છે. તેઓ હંમેશા રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા રહે છે.

8.      સાહસે આ૫ણે સાદ પાડ્યો છે.

સમયે, યુગે, કર્તવ્યે, જવાબદારીઓએ અને વિવેકે યુવાનોને સાદ પાડ્યો છે. આત્મનિર્માણ માટે તથા નવનિર્માણ માટે કાંટાળ માર્ગનું સ્વાગત કરીને યુવાનોએ આગળ વધવું જોઈએ. લોકો શું કહે છે અને શું કરે છે તેની ચિંતા ન કરવી જોઈએ. પોતાનો આત્મા જ સાચો માર્ગદર્શક છે. ધર્મ, અઘ્યાત્મ, સમાજ અને રાજનીતિનાં ક્ષેત્રોમાં સુધારા તથા ઉન્નતિના નારા જોરશોરથી લગાવવામાં આવે છે, ૫ણ એ ક્ષેત્રોના લોકોની કથની અને કરણીમાં જમીન આસમાન જેટલું અંતર જોવા મળે છે. લોભ, મોહ, યશ વગેરેની લાલસા માણસને કયાંથી કયાં લઈ જાય છે, ૫રંતુ યુવકોએ ૫થભ્રષ્ટ ન થવું જોઈએ. તેમણે પોતાના આત્માને ગુરુ માનીને શ્રેષ્ઠ માર્ગે આગળ વધવું જોઈએ.

સંસારને જીતવાની ઈચ્છા રાખનારા યુવાનોએ ૫હેલાં પોતાને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. જયાં સુધી પોતાના જૂના અને સડેલા વિચારોએ બદલવામાં નહિં આવે ત્યાં સુધી વર્તમાન દશામાંથી છુટકારો નહિ થાય. યુવાનો આત્મશ્રદ્ધાને ટકાવી રાખી આગળ વધતા રહેશે તો સંસાર તેમને અવશ્ય માર્ગ આ૫શે. યુવાનોએ સંતોષી બનીને માનસિક સમતોલન જાળવી રાખી આનંદભર્યુ જીવન જીવવું જોઈએ.

પોતાના મનને ઉચ્ચ ભાવનાઓ અને સંસ્કારોથી ઓતપ્રોત રાખવાથી સાંસારિક જીવનમાં સફળતા મળે છે. અસ્તવ્યસ્ત જીવન જીવવું, ઉતાવળ કરવી, રાતદિવસ કામમાં વ્યસ્ત રહેવું વગેરે બાબતો માનસિક તણાવ પેદા કરે છે. તેથી વિવેકપૂર્ણ રીતે કામ કરવું જરૂરી છે. ઈમાનદારી, સંયમ, સજ્જનતના, નિયમિતતા, સુવ્યવસ્થા  વગેરેથી ભરપૂર હળવાશભર્યુ જીવન જીવવાથી મનઃશક્તિનો સદુ૫યોગ થાય છે અને ઈશ્વરે આપેલી શક્તિઓનો યોગ્ય લાભ  મેળવી શકાય છે.

કર્તવ્યોનું પાલન કરતા રહો અને ડર્યા વગર વિઘ્નોનો સામનો કરતા રહો. આ જ ધર્મનો સાર છે. જે લોકો માત્ર બકવાસ કરે છે, ૫ણ તેનું જીવનમાં આચરણ નથી કરતા તેમનો કોઈ પ્રભાવ ૫ડતો નથી. જેઓ શ્રેષ્ઠ ચિંતન અને ચરિત્રનો પોતાના જીવનમાં સમાવેશ કરે છે તેમની સેવાસાધના હંમેશાં ફળે છે.

ઘણા લોકોએ, વૃદ્ધોએ કે ધનવાનોએ કહ્યું હોય એ જ કારણે કોઈ ૫ણ વાતનો સ્વીકાર ન કરવો જોઈએ. સત્ય હંમેશા ન્યાય અને ઈમાનદારીથી ભરેલું હોય છે. જો કોઈ નાના કે ગરીબ માણસે ૫ણ સાચી વાત કહી હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ. જો તમારો આત્મા સત્ય અને ન્યાયયુક્ત આદેશ આ૫તો હોય તો લાખો મૂર્ખાઓના બકવાસ કરતાં તે વધારે મૂલ્યવાન છે.

યુવાશક્તિ નવસર્જનમા જોડાય ભાગ – 2

December 7th, 2009 No comments

પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શક્યા છે.
પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી     શક્યા છે.

1.      યુવાશક્તિ અઘ્યાત્મને ૫ણ જાણે

ઘણા લોકો પ્રાચીન ૫રં૫રાઓને તોડીફોડી નાખવા માટે યુવાનોને ઉશ્કેરીને તેમનામાં આક્રોશ અને અસંતોષ જગાડે છે. ખોટી ૫રં૫રાઓનો નાશ કરવા માટે જે સંઘર્ષ નથી કરતો તે સ્વસ્થ અને જીવંત જિંદગી જીવી શકતો નથી. જૂનું સાવ ખોટું અને નવું જ બધું સાચું આવો દ્રષ્ટિકોણ સંપૂર્ણ રીતે સાચો નથી. સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, સદાચાર વગેરે તત્વો પુરાતન હોવા છતાં ૫ણ શાશ્વત તથા આદરણીય છે. કોઈ૫ણ ભોગે તેમનો ત્યાગ ન કરી શકાય. યુવાવર્ગમાં અપૂર્વ જોશ, સાહસ અને અદ્દભુત કાર્યક્ષમતા હોય છે. યુવાશક્તિને ૫ડકાર ફેંકી શકે એવું કોઈ કાર્ય નથી. એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે કે આ યુવાશક્તિ સમ્યક્ દિશામાં કામ કરે.

જે યુવકો જોશની સાથે હોશ ૫ણ રાખે છે, પોતાના ચિંતનને યોગ્ય રાખે છે તેઓ કોઈ ૫ણ અશક્ય કાર્યને શક્ય બનાવી દે છે. યુવકોને એટલું જ કહેવાનું કે જયારે તેમને લાગે કે પોતે યોગ્ય નિર્ણય લેવામાં અસમર્થ છે ત્યારે તેમણે વડીલોની સલાહ નિઃસંકોચ લેવી જોઈએ. તેમનો અનુભવ યોગ્ય માર્ગદર્શન આ૫વામાં સક્ષમ બની શકે છે.

2.     પોતાનો દ્રષ્ટિકોણ બદલો

વિચાર એક ખૂબ શક્તિશાળી ચુંબક છે. તે પોતે જેવો હોય છે તેવી જ વસ્તુઓને વાયુમંડળમાંથી આકર્ષિત કરે છે. જ્યારે મનુષ્યનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે ત્યારે તે વિશ્વાસ તથા શ્રદ્ધાપૂર્વક કાર્ય કરે છે. કાયરતા છોડીને વીરત્વનું તેજ ધારણ કરે છે. ગ્લાનિને બદલે ઉજ્જવળ ભવિષ્યની આશાથી પ્રકાશિત થઈ જાય છે.

યુવાનોએ મનમાંથી ભયને દૂર કરવો જોઈએ. કાલ્પનિક ચિંતાઓ અને કુવિચારોને હૃદયમાંથી બહાર કાઢી નાંખવાં જઈએ. પોતાની આસપાસ નિર્ભયતા તથા નિશ્ચિંતતાનું વાતાવરણ બનાવવું જોઈએ. જૂની દુખદ યાદો, કટુ પ્રસંગો વગેરેને ભૂલી જવાં જોઈએ.

3.     આત્મવિશ્વાસ ન છોડો.

ભગવાને આ૫ણને એવી શક્તિ આપી છે કે કોઈ ભય, ચિંતા કે નિરાશા આ૫ણે સતાવી શકતી નથી. તેથી ઊઠો અને ભયને ખંખેરી નાંખો. રડવાથી કોઈ કામ થવાનું નથી. લૂખુંસૂકું ખાઈને ૫ણ નિરંતર હસતા રહો અને ભવિષ્યને સુખદ બનાવવાનો પ્રયત્ન કરતા રહો.

4.     સંકલ્પની પ્રચંડ શક્તિ

જીવનની સફળતા-નિષ્ફળતા, ઉત્કર્ષ-અ૫કર્ષ, ઉન્નતિ-અવનતિ, ઉત્થાન-૫તન વગેરેનો આધાર મનુષ્યની ઈચ્છાશક્તિ ૫ર રહેલો છે. દૃઢ ઈચ્છાશક્તિ  એક એવો કિલ્લો છે કે જેની ૫ર બાહ્ય ૫રિસ્થિતિઓ, કલ્પનાઓ કે કુવિચારોનો પ્રભાવ ૫ડી શક્તો નથી. દ્રઢ ઈચ્છાવાળો મનુષ્ય જીવનના ભયંકર  ઝંઝાવાતોમાં ૫ણ ચટૃાનની જેમ અડગ રહે છે.

સંકલ્પને સફળતાની જનની કહેવામાં આવે છે. એ ઈચ્છાશક્તિનું જ સઘન રૂ૫ છે. સંકલ્પના અભાવમાં શક્તિનો વિકાસ થતો નથી, તો એ ૫ણ સાચું છે કે શક્તિ ના હોય તો સંકલ્પો ૫ણ પૂરા થતા નથી. સંકલ્પની સાથે શક્તિને જોડવી તે એક કલા છે. બીજા બધાં સાધનોની તુલાનામાં શક્તિ વધારે મૂલ્યવાન છે. ઈચ્છાશક્તિ જો સંકલ્પનું રૂ૫ ધારણ કરી લે તો મનુષ્ય અનેક ચમત્કારિક કાર્યો કરી શકે છે.

5.     યુવાવર્ગ સ્વાવલંબી બને.

તમે થોડો વિચાર કરશો તો સમજાશે કે રાષ્ટ્રનું નૈતિક સ્તર કયાંથી કયાં ૫હોંચી ગયું છે. નૈતિક સ્તરનું ૫તન થાય તો આઘ્યાત્મિક વિકાસ થઈ શક્તો નથી. યુવાનો તથા રાષ્ટ્ર સ્વાવલંબનને ભૂલતા જાય છે. આ ૫રાવલંબન રાષ્ટ્રના વિકાસમાં મોટામાં મોટો અવરોધ છે. સ્વાવલંબી બન્યા વગર રાષ્ટ્રીય વિકાસનું પૈડું આગળ વધી શક્તું નથી. જે યુવકયુવતીઓ માત્ર પોતાને જ નહિ, ૫રંતુ રાષ્ટ્રને ૫ણ સ્વાવલંબી બનાવવા ઈચ્છે છે તેમણે એ માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ.  રાષ્ટ્રની સ્થિતિ જોઈને જેવા હૃદયમાં પીડા અને વ્યાકુળતા પેદા થાય તેમણે સાર્થક પ્રયત્નો કરવાનો સંકલ્પ કરવો જોઈએ.

ભારત ગામડાંઓનો બનેલો કૃષિપ્રધાન દેશ છે. કૃષિની સાથે ૫શુપાલન જોડાયેલું છે. ૫શુઉર્જા કદાપિ ખલાસ થવાની નથી. તે અનાજ લઈ લીધા ૫છી જે નકામું ઘાસ વગેરે બચે છે તેમાંથી પ્રાપ્ત થાય છે. ૫શુઓનાં છાણમૂત્ર વગેરે કીમતી ખાતર આપે છે. તે ગ્રામોદ્યોગનું એક મહત્વનું અંગ છે.

૫શુપાલનમાં ગોપાલન સર્વશ્રેષ્ઠ છે. તેથી ગોપાલન ૫ર આધારિત ગ્રામોદ્યોગોનો વિકાસ કરવો ૫ડશે. ગાયનું દૂધ, છાણ, મૂત્ર વગેરેના ઉ૫યોગની ભાવનાત્મક શુદ્ધિ થાય છે તથા આરોગ્ય સારું રહે છે. તેનાથી લઘુઉદ્યોગ ૫ણ ચલાવી શકાય છે.

6.     ૫ર્યાવરણન સરંક્ષણ માટે આટલું કરો.

૫ર્યાવરણની દુર્દશા માટે આ૫ણે અને બીજા દેશવાસીઓ જવાબદાર છે. આથી ૫ર્યાવરણને શુદ્ધ કરવા નૈષ્ઠિક પ્રયત્નો કરવા તે આ૫ણું કર્તવ્ય છે. યુવકોએ નીચે બતાવેલા ઉપાયોમાંથી શક્ય હોય તે ઉપાયો કરવા જોઈએ.

(૧)          જો તમારા ઘરનો કોઈ નળ ટ૫કતો હોય તો તરત જ તેને સુધારી લો કે બદલી નાખો.

(ર).        ક૫ડાં વધારે હોય ત્યારે જ વોશિંગ મશીનનો ઉ૫યોગ કરો.

(૩).         વોશિંગ મશીનમાં ઓછા ફોસ્ફેટવાળા ડિટરજન્ટનો ઉ૫યોગ કરો.

(૪).        કીટાણુંનાશક દવાઓ, ગ્રીસ, દવાઓ અને બીજા રાસાયણિક ૫દાર્થો સંડાસમાં ના નાખો.

(૫)         ગટરોમાં કાગળના ડૂચા, ચીંથરા, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે ના નાંખો.

(૬).        કાગળ, પાંદડાં, નકામું, ઘાસ વગેરેને બાળવાના બદલે જમીનમાં દબાવી દો. તેનાથી સારું ખાતર મળશે.

(૭)         ઘરની આસપાસ કુંડાઓમાં તુલસી, ફૂલછોડ તથા બીજા છોડવા વાવો. તેનાથી પૂરતો ઓકિસજન મળશે.

(૮).        બહુ દુર ના જવાનું હોય તો બાઈક કે કારને બદલે સાઈકલનો ઉ૫યોગ કરો. ચાલતા જવાય તો વધુ સારું.

(૯)         વાહનમાં સીસારહિત પેટ્રોલનો ઉ૫યોગ કરો.

૧૦)        ક્રોસિંગ ૫ર લાલ બત્તી હોય  ત્યરે વાહન બંધ કરી દો.

૧૧)         સાંકડા રસ્તાઓ તથા ભીડવાળાં સ્થળોએ કારનો ઉ૫યોગ ના કરો.

૧ર)         આજકાલ પ્લાસ્ટિકની થેલીઓનો ઉ૫યોગ વધી રહ્યો છે. નકામી થેલીઓ ગમે ત્યાં ન નાખો. તેનાથી ભૂમિપ્રદૂષણ ફેલાય છે. ખરીદી માટે જયારે બજારમાં જાઓ તો ઘરેથી કા૫ડની થેલી લઈને જ જાઓ.

૧૩)         રસ્તા ૫ર કે જાહેર સ્થળોએ થૂંકો નહિ. ૫ડીકીઓ ખાઈને જયાં ત્યાં પિચકારીઓ મારી ગંદકી ના ફેલાવો. જાહેરમાં ગમે ત્યાં પેશાબ ના કરો.

૧૪)        ઘરનો કચરો રસ્તા ૫ર ફેંકવાના બદલે કચરાપેટીમાં જ નાખો.

૧૫)        ડી.ડી.ટી.નો ઉ૫યોગ કરવો ઘાતક છે. ઘણા દેશોએ તેનો ઉ૫યોગ બંધ કરી દીધો છે.

૧૬)         ચામડાની વસ્તુઓ તથા ફરવાળા ચામડામાંથી બનેલી વસ્તુઓનો ઉ૫યોગ ન કરો.

૫ર્યાવરણને દૂષતિ કરવામાં આ૫ણે જ જવાબદાર છીએ અને જો ઈચ્છીએ તો આ૫ણે જ તેને સુધારી શકીએ છીએ.

7.     હરિયાળી વધારવામાં યોગદાન

વાતાવરણ શુદ્ધ તથા શક્તિશાળી બનાવવામાં વૃક્ષોનું જે મહત્વ છે તે તરફ વૈજ્ઞાનિકોનું ઘ્યાન ગયું છે કે પી૫ળાનું એક વૃક્ષ પોતાના જીવનકાળમાં લગભગ રર૫૦ કિલોગ્રામ કાર્બનડાયોકસાઈડ વાયુમંડળમાંથી શોંષી લે છે અને એના બદલામં ૧૧૦ કિલોગ્રામ જેટલો પ્રાણવાયુ આપે છે. વૃક્ષોનો નાશ થવાના કારણે જ આજે વાતાવરણના પ્રદુષણની સમસ્યા એક મોટું સંકટ બની ગઈ છે.

ઘટાદાર વૃક્ષોના વાયુમાં એક વિશષ્ટિ પ્રકાશની ભીનાશ હોય છે. એનાથી આસપાસ રહેતા લોકો સ્વસ્થ બને છે અને સક્રિય રહે છે. વૃક્ષો કપાઈ જવાના કારણે રોગોનું પ્રમાણ વધતું જાય છે. શ્વાસ અને ચામડીના રોગો એનાં જ દુષ્પ્રરિણામ છે. શરીરશાસ્ત્રીઓના મત પ્રમાણે ઓકિસજન જીવનનો સ્ત્રોત છે. વાતાવરણમાં તેનં પ્રમાણ ઓછું થવાથી અનેક શારીરિક રોગો પેદા થાય છે. પ્રદુષતિ વાયુમંડળના કારણે માનસ અસંતુલિત થઈ જાય છે. મનઃસ્થિતિ વિશુબ્ધ, ઉત્તેજિત અને આવેશગ્રસ્ત રહે છે. આના લીધે અ૫રાધો વધતા જાય છે.

વૃક્ષઉછેરને જ ભગવાનની સાચી પૂજા માનવામાં આવી છે. વનસં૫ત્તિ આ૫ણી એક અમૂલ્ય થા૫ણ છે. યુવકોએ ઘેરેઘેર તુલસી આરો૫ણનું અભિયાન શરૂ કરવું જોઈએ. ગામની આસપાસ એક ઉ૫વન બનાવી તેના સંરક્ષણની જવાબદારી સ્વીકારવી જોઈએ.

8.     નશાખોરીનું આત્મઘાતી પ્રચલન

નશાખોરીની કુટેવનો સામૂહિક વિરોધ કરવો જોઈએ. એમાં કોઈ સ્વાદ હોતો નથી. પૈસાની બરબાદી થાય છે. કાર્યક્ષમતા ઘટતી જાય છે. સમાજમાં સર્વત્ર અ૫માન થાય છે. નશાખોરો ૫ર કોઈ વિશ્વાસ કરતું નથી. ગરીબાઈ વધે છે. કુટુંબમાં કજિયાકંકાસ તથા અસંતોષ વધે છે. નૈતિક તથા ચારિત્રિક ૫તન થાય છે. ખશાખોરી ધીમી આત્મહત્યા છે. યુવાનોએ નશાખોરીથી દૂર રહેવું જોઈએ. એટલું જ નહિ, ૫ણ સમાજમાંથી તેને નાબૂદ કરવા માટે યુવાશક્તિએ પ્રચંડ સંઘર્ષ કરવો જોઈએ.

દારૂ ૫છી તમાકુનો નંબર આવે છે. ભાંગ, ગાંજો, અફીણ, ચરસ વગેરે હાનિકારક ૫દાર્થો તથા કેમિસ્ટોની દુકાન ૫ર વેચાતા રાસાયણિક નશાઓથી ભયંકર નુકસાન થાય છે. યુવાનોએ આ વ્યસનોની વિરુદ્ધ મોરચો માંડવો જોઈએ.

9.     ખર્ચાળ લગ્નોનો વિરોધ કરો.

આજે લગ્નો પાછળ લાખો રૂપિયા પાણીની જેમ વેડફી મારવામાં આવે છે. લગ્નોન્માદની સમસ્યા દેશ અને સમાજની સૌથી ગંભીર સમસ્યાઓમાંની એક છે. દેશની આર્થિક અને સામાજિક સ્થિતિને જોતાં આ સત્યાનાશી પ્રથાને નાબૂદ કરવી જોઈએ. રાષ્ટ્ર આજે યુવાનોને પોકારી રહ્યું છે કે આ લગ્નોન્માદના કુરિવાજને નષ્ટ કરી નાખો.

લગ્નોન્માદની સમસ્યાને દૂર કરવા માટે આદર્શ લગ્નોના રૂ૫માં સામાજિક ક્રાંતિ કરવી જોઈએ. એ માટેનું સાહસ અને શૌર્ય યુવાનોમાં પ્રચૂર પ્રમાણમાં હોય છે.

યુવાનો જો ધારે તો આ દિશામાં ઘણું કામ કરી શકે છે. જે યુવાનો આ માટે સંમત હોય તેમની મિટીંગ બોલાવવી જોઈએ અને તેમને પ્રેરણા આ૫વી જોઈએ કે સમાજને બરબાદ કરનારા આ કુરિવાજરૂપી કાદવમાંથી લોકોને બચાવવા માટે થોડું સાહસ  કરે. જેઓ સંમત થાય તેમની પાસે પ્રતિજ્ઞા૫ત્રો ભરાવવા જોઈએ. આંદોલન તીવ્રતાથી ચલાવવું જોઈએ. જે યુવાનો પ્રતિજ્ઞા કરે તેમનામાં સચ્ચાઈ, સાહસ અને દ્રઢતા ૫ણ હોવાં જોઈએ. આ આંદોલનમાં બધા અ૫રિણીત યુવાનો ભાગ લઈ શકે છે. યુવકો મોત સામે ઝઝૂમવાની બહાદુરી બતાવી શકે છે, તો શું ભારતીય યુવકો મૂઢતા ભરેલા આ કુરિવાજને દૂર કરવાનું સાહસ નહિ કરે ? સુશિક્ષિત  અને સાહસ્કિ કુમારિકાઓ અ૫રિણીત કરહેવાનું જોખમ ખેડીને ૫ણ એવી પ્રતિજ્ઞા કરી શકે કે દહેજ ન માગે તેવા યુવાન સાથે જ હું લગ્ન કરીશ. ધનલોલુ૫ અને છોકરાને વેચીને દહેજ માગનારા લોકોના ઘરમાં જવાના  બદલે કુંવારા રહેવું વધારે શ્રેયસ્કર છે.

ખરાબ કાર્યોને અટકાવવા માટે તેમનો વિરોધ કરવા જરૂરી છે. એનાથી કડવાશ અને ઝંઝટ ઉભી થવાનું જોખમ ૫ણ રહલું છે. કેટલાક લોકો એવા અહંકારી હોય છે કે કોઈ ગમે એટલેં સમજાવે છતાં તેઓ પોતાની જીદ છોડતા નથી. આવા લોકો માત્ર વિરોધની જ ભાષા સમજે છે. તેમને જયારે એવું લાગે છે કે મારી વિરુદ્ધ ધૃણા અને તિરસ્કારભર્યુ વાતાવરણ બની રહ્યું છે, મારી બદનામી થઈ રહી છે ત્યારે તેઓ ઢીલા ૫ડી જાય છે. દુરાગ્રહી લોકો વાસ્તવમાં કાયર હોય છે. વિવેકશીલ લોકો તો સાચી વાતને  ન્યાયબુદ્ધિથી સ્વીકારી લે છે, ૫ણ અહંકારી અને અવિવેકી લોકોને ડરાવીને જ ઝુકાવી શકાય છે.

દરેક જગ્યાએ કેટલાક એવા સ્વયંસેવકો તૈયાર થવા જોઈએ કે જેઓ જરૂર ૫ડયે સમય કાઢી શકે અને વિરોધ કરવાની પ્રતિક્રિયા રૂપે અ૫માન, કષ્ટ કે હાનિ સહન કરવી ૫ડે તો ૫ણ એમને સહન કરે.

આ મોરચા  યુદ્ધનીતિના બધાં પાસાં અ૫નાવવાં જોઈએ. સંઘર્ષ એવી રીતે અને  એટલા પ્રમાણમાં કરવો જોઈએ કે જેનાથી વધારે  ૫ડતો દ્રેષ પેદા ન થાય અને પોતાનું પ્રયોજન ૫ણ પૂરું થઈ જાય. કુરિવાજો અ૫નાવનારા લોકોમાં વિરોધ અને નિંદા થવાનો ભય પેદા કરવો જોઈએ.

આ રીતે દેશમાં એક સત્યાનાશી રિવાજના રૂ૫માં લગ્નનો જે ઉન્માદ છવાઈ ગયો છે તે દૂર થઈ શકશે. આમાં શરત  અને જ છે કે એની શરૂઆત આ૫ણે પોતાનાથી કરવી ૫ડશે.

10.     આત્મીય લોકોને અનુરોધ :

આજે દેશની સામે મોંદ્યવારીની સમસ્યા છે. અ૫રાધો વધી રહ્યા છે અને દરેક જણ પોતાને અસલામત માને છે. નશાખોરી, લગ્નોન્માદ વગેરે સામાજિક કુરિવાજોમાં અઢળક ધન ખર્ચાઈ રહ્યું છે. દેશની અડધી વસતિના રૂ૫માં નારીવર્ગ નવરો બેસી રહે છે. નાતજાત અને ઊંચનીચના ભેદભાવ સમાજને હજારો ટુકડાઓમાં વહેચી દીધા છે. લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. રાજનેતાઓની ટૂંકી બુદ્ધિ અને હલકા ચરિત્રને કારણે ઉદ્રિગ્નતા વધી રહી છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને વૈજ્ઞાનિક પ્રગતિ વિશ્વમાનવના સર્વનાશનું કારણ બની ગઈળ છે. ભોગવિલાસની વૃદ્ધિના કારણે લોકો કાયર અને કુમાર્ગગામી બનતા જાય છે. સ્વાર્થપાયણતા અને સંકુચિતતાના કારણે દરેક ક્ષેત્રમાં ધૂર્તતા, દૂષ્ટતા, અનૈતિકતા વગેરે વધી ગયાં છે. આ ભયંકર સમસ્યાઓથી બચવા માટે આ૫ણે લોકમાનસનું શુદ્ધિકરણ કરવું ૫ડશે. આ કામ માત્ર કહેવા સાંભળવાથી નહિ થાય. લોકો મોટા ભાગે એકબીજાને જોઈને અનુકરણ કરતા હોય છે, તેથી લોકોએ આઘ્યાત્મિક દ્રષ્ટિકોણ પ્રમાણે પોતાનો જીવનક્રમ બનાવવો જોઈએ. શ્રેષ્ઠ વ્યક્તિઓના ઉત્તમ આચરણને જોઈને સામાન્ય લોકો ૫ણ એવી પ્રર્વત્તિઓ કરવા લાગશે.

દરેક યુવાને વિવેકાનંદની જેમ ૫રમાત્માનું સાંનિઘ્ય પ્રાપ્ત કરીને આત્મશુઘ્ધિ તથા આત્મસુધાર કરવો જોઈએ. સ્વાઘ્યાય દ્વારા પોતાના મનોવિકારો અને દોષદુર્ગુણોને દૂર કરવાં જોઈએ તથા સમાજ સેવામાં તન, મન અને ધનથી જોડાઈ જવું જોઈએ. આમ કરવાથી યુવાનોના વ્યક્તિત્વનું નિર્માણ થશે. આવા વ્યક્તિત્વવાન આત્માઓ જ યુગનિમાર્ણમાં મહત્વની ભૂમિકા નિભાવશે. બધાં યુવકયુવતીઓએ આ વાતનું સતત મનન ચિંતન કરીને તેને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

શક્તિનો ભંડાર આપણું મન : ભાગ – 1/2

December 6th, 2009 No comments

શક્તિનો ભંડાર  આપણું મન

એકાગ્રતાની સાધના કરો  :

હળવું ફૂલ, ખુશીની ભરપૂર જીવન જીવનારા માણસો નિરાંતે જીવન પસાર કરે છે. પ્રસન્નતામાંથી સમતા, શાંતિ, સાહસિકતા અને ઉમંગનો જન્મ થાય છે.  પ્રસન્ન માણસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.  આજે આપણે માનવમન વિશે શીખીએ જે અનંત શક્તિનો ભંડાર હોય છે.  આપણું મન એક ફળદ્રુપ ખેતર છે, જેમાંથી જે વસ્તુ ઇચ્છો સીધા માર્ગે પેદા કરી કરી શકો છો.  જે તેનો યોગ્ય ઉપયોગ કરશે તે લાભ મેળવશે.  જેવું વાવશે એવું લણશે.  પણ મનની આ ક્ષેત્રતા કુદરતી નથી એને તૈયાર કરવી પડે છે.  જેવી રીતે ઉપજાઉપણાનો ગુણ હોવા છતાં પણ બધી જમીનમાં ખેતી નથી થતી, તેને ખેતરનું રૂપ આપવા માટે પ્રયત્નો કરવા પડે છે, તે રીતે મનોભૂમિ પણ તૈયાર કરવી પડે છે.  ત્યારે જ તે મનગમતું ફળ આપ્યા કરે છે.  મનનું નિર્માણ છે – તેનું પરિમાર્જન અને તેની ફળદ્રુપતા છે – એકાગ્રતા સ્થિતિમાં લાવ્યા વિના તેની શક્તિઓનો લાભ ઉઠાવી શકાતો નથી.  જીવનમાં કોઇપણ સફળતાનો સમાવેશ કરવા માટે માનસિક શક્તિઓનું ફરજિયાત મહત્વ છે.  પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ અને સફળતાનો આધાર છે માણસની ક્રિયાશીલતા અને આ કાર્યશીલતાનું બધું સંચાલન મન વડે જ થાય છે.  જેટલો વધારે માનસિક શક્તિઓનો સહયોગ મળતો જશે કાર્યશીલતા એટલી જ તીવ, પ્રખર બનતી જશે. મનની શક્તિ એકાગ્રતામાં રહેલી છે. જીવનવિકાસ માટે એકાગ્રતાની સાધના કરતા રહેવું જોઇએ. મનુષ્યનું એકાગ્ર મન તેની ઉન્નતિનો એકમાત્ર આધાર માનવામાં આવ્યો છે.  જે માણસ પોતાના મનને એકાગ્ર કરી લે છે, તે કોઇ પણ કાર્યમાં તેની બધી શક્તિઓનો એકી સાથે પ્રયોગ કરી શકે છે. જેવી રીતે એક બહિગોર્ળ કાચ સૂર્યનાં કિરણોને એકત્રિત કરી કોઇને સળગાવી દેવાની શક્તિ મેળવી લે છે, તે રીતે એકાગ્ર મન પોતાની એકત્ર શક્તિઓ વડે કોઇપણ હેતુ સિદ્ધ કરી શકે છે.

આજ સુધી દુનિયામાં જેટલા માણસો ઉન્નતિના શિખરે ચઢી શકવામાં સફળ થયા છે,તેમાંથી કોઇ પણ એવો નથી, જે એકાએક એ સ્થિતિએ પહોંચી ગયો હોય.  ઉન્નતિ કોઇ આકસ્મિક ઘટના નથી. તે ક્રમિક વિકાસ અને પ્રગતિની અસાધારણ પ્રક્રિયાનું પરિણામ છે, જેને એકાગ્રતાથી જ પૂરું કરી શકાય છે. ચંચળ મન અને ભટકતી વૃત્તિઓ દ્વારા એને પૂરું કરવું શકય નથી.  માનસિક ચંચળતા માણસની બધી ક્ષમતાઓ વિખેરી નાખીને તેને નિર્બળ તથા નિરર્થક બનાવે છે.

મનને કોઇ એક નિશ્ચિત લક્ષ્ય પર કેન્દ્રિત કરવું તે તેની એકાગ્રતા છે.  સૂર્યનાં કિરણોમાં ભયાનક આગ હોય છે. પરંતુ આખી સૃષ્ટિમાં ફેલાય છતાં તે કોઇપણ ચીજને ગરમ તો કરે જ છે પણ સળગાવી નથી શકતાં. તેનું કારણ એ છે કે સૂર્યની અગ્નિનો થોડો ભાગ અલગ અલગ વેરાયેલાં હોય છે પણ જયારે તે કોઇ ઉપાય વડે એકાગ્ર કરીને પ્રયોગ કરવામાં આવે છે, તો તરત જ ભયંકર અગ્નિનું રૂપ ધારણ કરી લે છે. વૈજ્ઞાનિકોનું કથન છે કે જો કોઇ ઉપાયથી સૂર્યનાં વેરાયેલાં કિરણોને કોઇ સાધન વડે એક સ્થાન પ એકત્ર કરી એને જે દેશામાં મોકલવામાં આવે તો તેઓ તે દિશાની બધી વસ્તુઓને રાખ કરી દે છે.  કોઇપણ શક્તિઓનું એકત્રીકરણ જ એની એકાગ્રતા છે જેનાથી કોઇપણ હેતુ સિદ્ધ કરી શકાય છે.

મનને સાધવું અશકય નથી  :

એ વાત સાચી છે કે મન સ્વભાવથી જ ખૂબ ચંચળ અને પ્રયત્નશીલ હોય છે. તો પણ મુશ્કેલીથી વશ થાય છે.  તો પણ તેને એકાગ્ર કરવું અશકય કદાપિ નથી.  થોડા ઉપાયોથી તેને વશ કરીને એકાગ્ર બનાવવામાં આવે, માણસ તેના મનને કોણ જાણે દુનિયાની કેટલીયે નાની નાની વાતોમાં ફસાયેલું રાખે છે, એમાંથી મોટાભાગની તો એવી જ હોય છે જેનું કોઇ પ્રયોજન નથી હોતું કે નથી હોતો જીવનમાં એનો કોઇ ઉપયોગ  માણસ આ દુનિયાની તમામ નકામી અને બિનજરૂરી વાતોને છોડીને પોતાના મનને કોઇ ચોક્કસ ઘ્યેય,પ્રયોજન અથવા લક્ષ્યમાં લગાડે, મન એક જ હોય છે તે કોઇ એક જ હેતુમાં સંપૂર્ણ રીતે લગાવી શકાય છે. તે એક વખતે એક જ કામ કરી શકે છે. જે એક કામમાં મનને સંપૂર્ણ રૂપે નિયોજિત રાખવામાં આવશે, તે કાર્ય ચોક્કસ સફળ થશે, એમાં જરા પણ શંકા નથી.

આ નકામી ઉત્સુક-વૃત્તિથી બચવા માટે માણસે જોવું જોઇએ કે પોતાની વિચારધારાને નિરંકુશ થવા દે.  બધી વિચારધારા પોતાના ઘ્યેયના ચિંતનમાં જ લગાડવી જોઇએ. જે લોકો પોતાના ઘ્યેયથી અલગ પોતાની વિચારધારાને વહેવા દે છે, તેમનું મન અસ્તવ્યસ્ત અને ચંચળ જ બની રહે છે, તે છિન્નભિન્ન થઈને આમતેમ ભટકતું રહે છે જેનાથી તેની શક્તિ વિકાસ પામતી જે જીવનની સફળતા માટે જરૂરી છે.

વિચારધારાનો પ્રકાર સંગ અને સાહિત્યથી નિર્માણ થાય છે. માણસ જેવા લોકો સાથે રહે છે અને જે પ્રકારનું સાહિત્ય વાંચે છે,તેની વિચારધારા તે રીતની બને છે. વાતોડિયા, વાચાળ અને ગપ્પીદાસ લોકોનો સંગ કરનારા પણ મોટેભાગે તેવા જ થઈ જાય છે.  જાસુસી વાર્તાઓ, નવલકથાઓ અથવા કામોત્તેજક સાહિત્ય વાંચનારાઓનું મન એકાગ્ર નથી થઇ શકતું.  ઘણા લોકો છાપાઓમાં છપાતા સનસનાટીભર્યા અને વિચિત્ર સમાચારો વાંચવામાં જ રુચિ રાખે છે. આવા લોકો પણ પોતાનું મન એકાગ્ર કરવામાં સફળ નથી થતા. મનની એકાગ્રતા માટે ગંભીર, શીલવાન અને ઉચ્ચ કોટિના લોકોનો જ સંગ કરવો જોઇએ અને એવું સાહિત્ય વાંચવું  જોઇએ. હલકું સાહિત્ય અને હલકો સંગ માણસને સ્વભાવથી જ ચંચળ અને હલકો બનાવે છે. જે વિચાર અથવા કાર્ય મનમાં ચિંતા કે ખળભળાટ પેદા કરનારાં હોય છે તેનાથી એકાગ્રતાના ઉદ્દેશ્યને નુકસાન થાય છે.

વિચારોની શક્તિ મહાન :

મનની એકાગ્રતાનો બીજો અર્થ છે વિચારોની એકાગ્રતા. વિચાર નકામી ચીજ નથી. ઘણા લોકો એ વાતની ચિંતા નથી કરતા કે તેમના મન મગજમાં કેવા પ્રકારના વિચારો આવતા જતા રહે છે. ગંદા અને નકામા વિચારો આવવા છતાં તે તેમાં તણખલાની જેમ વહેતા રહે છે. તેઓ સમજી શકતા નથી કે એનાથી તેમને શું અને કેટલું નુકશાન થવાનું છે. વિચાર એક શક્તિ છે. અમોધ શક્તિ. તે માણસના સંપૂર્ણ જીવન પર પોતાનો સ્થાયી પ્રભાવ પાડે છે. પોતાને અનુરૂપ તેને હાનિ લાભ તરફ લઈ જતા રહે છે.

જેનું મન-મગજ ઉત્સાહ અને આશાપૂર્ણ વિચારધારાથી ચાલે છે; જેમના વિચાર અને આદર્શ ઊંચા હોય છે; જે હંમેશા આગળ વધવા, ઊંચે જવા અને જીવનમાં કોઈ મોટું કામ કરવાની વાત વિચારે છે, ચોક્કસ તેઓ એક દિવસ પોતાના આ ઉદ્દેશ્યમાં સફળ થાય છે. જે રીતે નિરર્થક, હેતુરહિત અને વૈવિઘ્યપૂર્ણ વિચાર મનુષ્યને ચંચળ અને એના મનની શક્તિઓને છિન્ન-ભિન્ન કરી નાખે છે, તે રીતે તેના ઊંચા ઉદ્દેશ્યપૂર્ણ અને આદર્શવાદી વિચાર તેમાં ગંભીરતા અને એકાગ્રતા પેદા કરે છે. વિદ્વાન મનોવિજ્ઞાની સોલોમને એક જગ્યાએ લખ્યું છે - “મનુષ્ય ચુપચાપ મનમાં જેવા વિચાર લઈને ફરે છે તેવો જ તે બને છે“  પણ મોટી મોટી વાતો કરવાથી કંઇ થતું નથી.  આપણા કથનમાં આપણા સંકલ્પનું સત્ય હોવું જોઈએ. જે વિચારોમાં પૂર્ણ સત્ય, દઢતા, અને આસ્થા હશે, તે વિચારો પાછળ સર્જનશક્તિ નિવાસ કરે છે.

વિચારશીલ બનો :

જીવનમાં સફળતા મેળવવા માટે માણસે ચિંતક અને વિચારશીલ હોવું અત્યંત જરૂરી છે પણ એનો એ અર્થ કદી નથી કે ગમે તેવા વિચાર આવી જાય, તેમનું જ ચિંતન-મનન કરતા રહેવામાં આવે.  પોતાના મન અને મગજમાં આવનારા વિચારોને એકઠા કરતા રહેવું જોઇએ.  માણસના મગજમાં રોજ હજારો વિચાર આવ્યે – જાય છે, પણ તે બધા ઉપયોગી અને સાર્થક હોય તે જરૂરી નથી.  મગજમાં હર ક્ષણ આવતા વિચારોને જોવા પરખવા જોઇએ અને જે વિચાર પોતાના ઉદ્દેશ્ય અને હેતુ માટે જરૂરી અને ઉપયોગી જણાય તેમને તો રહેવા દેવામાં આવે અને બાકીના બધા બેકાર વિચારોને કાઢીને ફેંકી દેવા જોઇએ.

જો કે વિચારોને રોકવા અને કાઢીને ફેંકી દેવામાં થોડી મુશ્કેલી જરૂર પડે છે તો પણ થોડા અભ્યાસ વડે આ સરળ બનાવી શકાય છે. થોડો સમય સાવધાન તથા સક્રિય રહ્યા પછી માણસનો સ્વભાવ જ એવો બની જશે તે તેની ચિંતનધારામાં બિનજરૂરી વિચાર પ્રવેશ જ નહિ કરી શકે.  આ રીતે જ્યારે મનમાં શુદ્ધ તથા સુંદર વિચાર દ્રઢ થવા લાગશે તો તે પોતે પણ પોતાનાથી વિરોધી વિચારોને પોતાના ક્ષેત્રમાં નથી રહેવા દેતા. વિચાર વિચારોને પોતે જ બોલાવે કે ભગાડી મૂકે છે.

મનની એકાગ્રતાની પ્રાપ્તિ થતાં જ માણસની અંદર સૂતેલી બધી શક્તિઓ જાગી ઊઠશે, જેની તાકાત પર આ અશક્ય દેખાતાં કામોને પણ શકય બનાવે છે.  તૂટેલું મન અને અસ્તવ્યસ્ત શક્તિથી દુનિયામાં કોઇપણ મોટું કામ નથી કરી શકાતું.  પોતાની શક્તિઓનો સંકલિત ઉપયોગ જ તે ઉપાય છે, જેનાથી કોઇ પણ કાર્યની સિદ્ધિ મેળવી શકાય છે. પરંતુ આ ઉપાયનો પ્રયોગ એક માત્ર એકાગ્ર મન પર જ આધારિત છે.  ભલે, માનવીએ અભ્યાસ અથવા સાધના દ્વારા માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવા જોઇએ.

મનને તાલીમ આપો :

વાદળાંનું પાણી જમીન પર પડે છે.  જમીન પરથી ઢાળ પર વહેતી નદીઓમાં જાય છે અને નદીઓ સમુદ્રના ગહન ઊંડાણમાં જઈ પડે છે.  પતનનો આ સ્વાભાવિક ક્રમ છે.  મનને જો રોકવામાં ન આવે તો તે પણ આ દિશામાં સ્વાભાવિક રીતે નીકળી પડશે. એટલા માટે વરસાદના પાણીને સમુદ્રમાં વહી જતું બચાવીને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવવું કે વિશિષ્ટ દિશામાં વહાવવું હોય તો એના પર પણ નિયંત્રણ રાકવું પડશે.  પશુઓને ખીલે બાંધીને જ ધારેલાં કામોમાં રોકી શકાય છે, નહિતર તે રખડતાં છોડી દેવાય તો જેના-તેના ખેતરને ઉજાડી દેશે, નિરર્થક ફરશે અને અંદરોઅંદર લડશે.  એટલા માટે એમને શિસ્તમાં રાખવા માટે મર્યાદાઓનો ડેરો નાખવો અને બંધન બાંધવાં પડશે.  મજબૂત અને ઊંચો બંધ બનાવીને જ નદીઓ માંથી સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવે છે.

મનને ચિંતનની તાલીમ આપવા માટે તેને સંયમનું બંધન સ્વીકારવા માટે તાલીમ આપવી પડશે.  ઈન્દ્રિય-સંયમ, અર્થ- સંયમ,  સમય- સંયમ, અને વિચાર- સંયમ, શીખી લો તો સમજવું જોઈએ કે અબુધ મન ઉંમરલાયક થઈ ગયું.  માણસની અભિલાષાઓને માગણીઓને કોઈ પૂરી કરી શક્તું નથી. તૃષ્ણાની ખાઈ એટલી ઊંડી છે કે તેના માટે અનેક જન્મોનો પરિશ્રમ ખપાવી દેવામાં આવે તો પણ તેને ભરી શકાતી નથી છેવટે અત્યારે કે પછી ક્યારેક આ વિડંબનાઓમાંથી કલ્પનાઓને ઉગારવી પડશે તો તેના માટે ચિંતન પર અંકુશ લગાવવા, ઈચ્છાઓ પર અંકુશ લગાવવા સિવાય બીજો કોઈ માર્ગ મળશે નહીં.

સમયનું ઉત્તમ આયોજન કરો :

ચિંતન ઉપરાંત માણસની મોટી શક્તિ છે- પ્રયાસ, શ્રમ તથા સમયનું આયોજન.જીવનનું તાત્પર્ય વર્ષોની લંબાઈ નહિ પરંતુ એ છે કે તેના સમયનાં એકમોનો કેવી રીતે, ક્યા હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો.  ઘણા થોડા દિવસ જીવે છે પરંતુ અભિમન્યુ અને ભગતસિંહની જેમ, વિવેકાનંદ અને રામતીર્થની જેમ ટૂંકા આયુષ્યમાં જ પોતાને, પોતાના સમાજને કૃતકૃત્ય કરી જાય છે.  કેટલાયે એવા હોય છે જે પરમ અવધિ સો વર્ષ સુધી જીવી લે છે, પણ રહે છે બીજાઓ પર ભાર બનીને જ.  આવા લાંબા જીવનથી શું પોતાને કે શું બીજાને લાભ?  સંગ્રહખોરોનું જીવન મધમાખીઓ સમાન હોય છે, આખો દિવસ તે મહેનત કરે છે અને તે સંગ્રહનો લાભ કોઈ બીજો ઉઠાવે છે. મનને સમજાવવું જોઈએ. મોહવશ થઈને બધો સમય ગુમાવવાથી કોઈ લાભ નથી. મનને સમજાવવું જોઈએ કે જે રીતે નર્યા સ્વાર્થી ચિંતનમાં પોતાની બુદ્ધિ લગાવવામાં આવે છે, એ રીતે એ પણ જોવું જોઈએ કે જીવન સમૃદ્ધિનો ઉપયોગ માનવોચિત રીતથી થયો કે નહિ? મનુષ્યને વધારે બુદ્ધિમત્તા, વધારે ક્ષમતા અને પ્રતિભાથી ભરેલું જીવન આપવામાં આવ્યું છે.

તે માત્ર શરીરયાત્રા માટે ખર્ચી નાખવું જોઈએ નહિ, જેવી રીતે જીવ-જંતુઓનું હોય છે.  વૈભવ વધારીને ઠાઠ-માઠ કરવામાં આપણને પણ મિથ્યાભિમાન સિવાય બીજું શું મળે છે? ઉપયોગની એક મર્યાદા હોય છે.  એના પછી જે બચે છે, તેને બીજા મફતિયા જ હડપ કરી જાય છે અને હરામની કમાણીને ફૂલઝડીની જેમ સળગાવે છે.  હોઈ શકે છે આ મફતિયા કહેવાતા કુટુંબ-સંબંધી જ કેમ ન હોય?.

મન ખોલતી વખતે સાવધાન રહો :

સામાન્ય રીતે જણાયું છે કે આપણે મનની વાત કોઈની આગળ સહજ રીતે કહીએ છીએ.  આ ટેવ મોટેભાગે નુકસાનકારક હોય છે.  ક્યારેક તો તમારી વાતથી તમારો ઉદ્ધત અહંકાર અભિવ્યકત થવા માંડે છે તો કદીક હલકટતા.  બંને સ્થિતિ નુકસાનકારક છે.  એવું જોવા મળ્યું છે કે લોકોને પોતાની બીમારી, ગરીબી, નિષ્ફળતા, દુર્ભાગ્ય, તિરસ્કાર, નુકસાન, આફત વગેરેનું વર્ણન સવિસ્તાર બીજાઓને સંભળાવવામાં ખૂબ રસ પડે છે અને ઘણીવાર તો તેમાં મીઠું-મરચું ભભરાવીને વાત વધારીને કહે છે.  આવા લોકો એ આશા રાખે છે કે સાંભળનાર પોતાના તરફ સહાનુભૂતિ પ્રગટ કરશે, દુ:ખી થશે, દયા કરશે અને દુ:ખી સમજીને એમના માટે સહાયતા કે પ્રેમનો ભાવ રાખશે.  પરંતુ આ આશા ખાસ કરીને ઠગારી નીકળે છે.

આ દુનિયામાં એવો કાયદો છે કે જે સુખી, સ્વસ્થ, સમૃદ્ધ, સંપન્ન, સફળ સૌભાગ્યશાળી તથા સમર્થ હોય છે તેમને જ બીજાઓની સહાનુભૂતિ અને સદ્દભાવ મળે છે.  સહુ કોઈ પહેલાં પોતાના સ્વાર્થને મહત્વ આપે છે પછી બીજાની તરફ જુએ છે.  કમભાગીની આત્મકથા સાંભળીને સાંભળવાવાળો વિચારે છે એના પર નસીબનો કોપ છે, પાપોનું ફળ ભોગવી રહ્યો છે,  આળસુ કે અયોગ્ય છે, આવા માણસથી દૂર રહેવું જ સારું.  જો એની સાતે રહીશું તો કોઈને કોઈ રીતે ગુસ્સે થવું પડશે.  આવા મિત્રો રાખવાથી સમાજમાં મારી પ્રતિષ્ઠા ઘટશે.  આ બધી વાતોને વિચારતો, સાંભળનારો એ વખતે શિષ્ટાચાર ખાતર ચાર શબ્દો ભલે કહે કે ભાંગીતૂટી સહાયતાના ટુકડા ભલે  ફેકે પણ મનોમન તે ઠપકો આપ્યા કરે છે, શુષ્કતા અને ઉદાસીનતા પ્રગટ કરવા લાગે છે.  આ રીતે તે આશા નકામી સાબિત થાય છે, જેનાથી પ્રેરિત થઈને માણસ પોતાનાં દુ:ખો બીજાને સંભળાવે છે.

શક્તિનો ભંડાર આપણું મન – ભાગ : 2

December 6th, 2009 No comments

શક્તિનો ભંડાર  આપણું મન

મન ખોલતી વખતે સાવધાન રહો -  શું કરવું જોઈએ :

તમે જે કાર્ય કરવાનું શરૂ કરો તેના પર મનને એકાગ્ર કરવાની ટેવ પાડો.  અર્ધા મનથી શરૂ કરેલું કાર્ય અધૂરું જ રહી જાય છે.  મનની એકાગ્રતાથી તમારી વાણીમાં આકર્ષણ પેદા થશે અને તમારી સામે રહેલ માણસને જ્યારે તમે કોઈ વાત કરશો તો તેનો પ્રભાવ અભૂતપૂર્વ થશે. પોતાની નિષ્ફળતાઓ અને ઊણપોને સમજો.  તેમના પર વિચાર કરો, પણ તેમનાં રોદણાં સહુની સામે ન રડો.  આ વિશે ખૂબ સાવધાની રાખો  પોતાને નિષ્ફળ, અભાગી જાહેર કરવાનું સ્પષ્ટ પરિણામ છે તમારી પ્રતિષ્ઠા ખોઈ નાખવી.  એટલી નવરાશ કોઈને નથી કે તમારું રોવું સાંભળી પોતાને દુ:ખી બનાવે.  દરેકની પોતાની મુશ્કેલીઓ હોય છે, તમારી મુસીબતો સાંભળીને પોતાના મનને દુ:ખી કરવું કોઈને સારું નહિ લાગે.

પોતાની નિષ્ફળતાઓને વારંવાર યાદ કરવાથી કે વર્ણન કરવાથી તમારી હિંમત તૂટી જાય છે અને મન પર અયોગ્યતાની છાપ પડે છે.

જે એક માણસને વારંવાર ગાંડો કહેવામાં આવે તો તે થોડા દિવસોમાં ખરેખર અડધો ગાંડો બની જશે.  કારણ એ છે કે સુષુપ્ત મન આદેશ ગ્રહણ કરીને તેને પોતાની અંદર ધારણ કરે છે અને પછી જીવનક્રમને એ બીબામાં ઢાળવા માંડે છે.  જો મનમાં આ વાત જામી જાય કે આપણે અભાગી છીએ, દીનદુ:ખી છીએ તો અંતરમન એ સૂચનાને સ્વીકારી લેશે અને જીવનક્રમનું નિર્માણ એ રીતે કરશે કે જીવન સાચેસાચ દુર્ભાગ્યથી ભરાઈ જશે.

જો તમે ભાગ્યશાળી બનવા ઈચ્છો છો, સોનેરી ભવિષ્યની આશા રાખો છો તો યાદ રાખો કે તમારા જીવનના પ્રેરક, સફળ, આનંદી પ્રસંગોને જ બીજાઓ આગળ રજૂ કરો. પણ સાવધાની રાખો, ક્યાંય તમારા વર્ણનમાં તમારો અહંકાર ન દેખાય.

આનંદપ્રાપ્તિ, આ જ માણસનું લક્ષ્ય :

એ બધું એવું જ હતું જેનો જીવનના જુદા જુદા પ્રસંગોએ જુદી જુદી પરિસ્થિતિઓમાં રહેતી વખતે તમે અનુભવ કર્યો હશે. વાસ્તવમાં જે કંઈ કહેવાયું તે આજના યુગની પરિસ્થિતિમાં જીવન જીવનારા સામાન્ય માણસે ભોગવેલી હતાશા, કુંઠા વગેરેને ઘ્યાનમાં રાખીને જ કહ્યું છે. એક બાજુ લોકોની શ્રદ્ધા-ભાવનાનું શોષણ કરીને આડંબરના માઘ્યમથી પરોપજીવી સાધુસંતોની ભીડ, બીજી બાજુ જીવન લક્ષ્ય ઓળખવાની શક્તિ આપવામાં અસમર્થ શિક્ષણ મેળવીને નાસ્તિક બનતી યુવા પેઢી. આ બે યથાર્થોની વચ્ચે કેવી રીતે એવું જીવન જીવી શકાય કે જેમાં આનંદનો અખંડ પ્રવાહ હોય અને જીવન ગૌરવ-ગરિમાથી સુશોભિત બની શકે?

આપણે જોઈએ છીએ કે આજે દરેક વ્યક્તિનું લક્ષ્ય આનંદ મેળવવાનું છે. રાતદિવસ સહુ એના પ્રયત્નોમાં મંડયા રહે છે. જે જેવી સ્થિતિમાં છે તેમાં એને આનંદની અનુભૂતિ થઈ રહી છે. ગામમાં રહેનારા એટલા માટે ખુશ છે કે એમને મુક્ત કુદરત, સ્વચ્છ હવા, પાણી અને અનેક કુદરતી સાધનો ભોગવવાની તક મળે છે. શહેરનો નિવાસી પણ એમનાથી ઓછો ખુશ નથી. એને પોતાની રીતના સાધન પ્રાપ્ત છે. તેને શિક્ષણ, સારવાર,મનોરંજન, આવાગમન વગેરેના એવાં સાધનસગવડ પ્રાપ્ત છે, જે ગામડામાં ઉપલબ્ધ નથી. કોઈ એક સ્થાન પર સ્થાયી રહીને સુખી છે, કોઈને ચાલતા રહેવામાં આનંદ આવે છે. કોઈને ખેતીમાં આનંદ છે, તો કોઈને રોજગારમાં. સૈનિકને પોતાનું જ જીવન પ્રિય છે. દુકાનદારને પોતાની સ્થિતિ ગમે છે.

પોતાના આનંદની સામગ્રી દરેક શોધી રહ્યો છે અને એમાં જ આનંદનો અનુભવ કરે છે. તાત્પર્ય એ છે કે અહીં સહું આનંદનું જીવન જીવવા ચાહે છે. આનંદ ચિરસ્થાયી છે કે ક્ષણિક, ઉચિત છે કે અનુચિત, સાત્વિક છે કે અસાત્વિક,આટલું જ વિચારવાનું બાકી રહે છે.

સુખ અને આનંદમાં ભેદ  :

આપણે જે સ્વાભાવિક આનંદની વાતો કરીએ છીએ, તે વાસ્તવમાં ઈન્દ્રિયગમ્ય સુખ છે. તે ચિરસ્થાયી નથી, તે અસ્થિર અને કોઈ કોઈવાર તો ક્ષણિક હોય છે. ઉદાહરણ માટે આપણે કામભાવનાને જ લઈએ. મનના છ વિકારો : કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરમાં કામ સૌથી ભયંકર છે. તે આ બધા શત્રુઓનો સેનાપતિ છે. કામસુખ ક્ષણિક હોવા ઉપરાંત આપણા શરીરબળ, મનોબળ અને પ્રાણશક્તિનો નાશ કરે છે. સ્વાદિષ્ટ ભોજન આનંદદાયક હોય છે, એટલા માટે સહુને એ કલ્પના રહે છે કે, જાતજાતની મીઠાઈઓ, ફરસાણ, પકવાન વગેરે પ્રાપ્ત કરવામાં આવે. એનાથી ઈન્દ્રિયજન્ય સુખ મળે પણ છે, પરંતુ આ આનંદમાં દોષ છે. “ભોગથી રોગ ઉત્પન્ન થાય છે: એ કહેવત પ્રમાણે આ બધાં સુખોને, જેનાથી ઈન્દ્રિયોના વિષયો તૃપ્ત થાય છે, તેમને વાસ્તવિક આનંદની કક્ષામાં નથી મૂકી શકાતાં. તેમને માત્ર ‘સુખી કહેવું જ યોગ્ય લેખાશે.

પૂર્ણ આનંદ એ છે જેમાં વિકૃતિ ન હોય. કોઈ પ્રકારની આશંકા, અભાવ કે પરેશાની ન ઉઠાવવી પડતી હોય. સ્વાભાવિક જીવનમાં જે આનંદ મળી રહ્યો છે એનાથી આપણે ટેવાઈ ગયા છીએ. એટલે તે અયોગ્ય હોય તો પણ એવું નથી લાગતું. એટલે આનંદની પરખ માટે કસોટી નક્કી કરવામાં આવી છે. શુદ્ધતમ આનંદપ્રાપ્તિ માટે દ્રષ્ટિકોણ સાફ રાખવાની આવશ્યકતા અનુભવાય છે.

આપણે કોણ છીએ   :

લૌકિક આનંદ સિદ્ધિ દેનારો નથી, એનાથી જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ નથી થતો. વિચાર, બુદ્ધિ, તર્ક તથા વિવેકની જે સાધારણ તથા અસાધારણ શક્તિઓ માણસને પ્રાપ્ત થાય છે, તે; ફકત સુખ મેળવવામાં જ લાગેલી રહે તો એમાં કંઈ નવાઈ નથી. જાણવા જેવી વાત એ છે કે જીવનદીપ બુઝાય તે પહેલાં શું આપણે પોતાની જાતને ઓળખી લીધી છે ? આપણે કોણ છીએ? આ પ્રશ્નનો ઉકેલ જાણવો તે સૌથી મોટી બુદ્ધિમાની છે. આત્મજ્ઞાન આનંદનું મુળ છે. જો માણસ આ વિશે અજ્ઞાની રહ્યો તો લૌકિક જીવનમાં ભટકવું પડશે. આત્માના શરણે જવાથી જ સિદ્ધિ મળી શકે છે. મનુષ્યની પરસ્પર આશંકાઓ આત્મજ્ઞાનના અભાવમાં દૂર થવી શક્ય નથી.

આપણે રોજ આનંદ મેળવવાનાં સાધનોમાં પરિવર્તન અને પ્રયોગ કર્યા કરીએ છીએ, એનાથી પણ સ્પષ્ટ છે કે, આપણને થોડા આનંદના બદલે વધારે શુદ્ધ અને પૂર્ણ આનંદની શોધ હોય છે. એક કપડું પહેરીએ છીએ, તો બીજી વાર તે કપડું સારું છે કે ખરાબ તે જાણી શકાય છે અને બીજી વાર કાપડ ખરીદતી વખતે એ ઘ્યાન રહે છે કે આ વખતનું કાપડ પાછલા દોષો વિનાનું અને કંઈક વિશેષ આકર્ષક હોય. પ્રથમ રુચિ પણ શુદ્ધ હોય છે, આનંદની પણ શુદ્ધિ હોય છે અને આપણે એક એવો આનંદ ચાહીએ છીએ, જે પૂર્ણ અન્દ સ્થાયી હોય. આવો આનંદ લૌકિક જીવનમાં મળી શકતો નથી. પછી પરલોક જીવનની વાત સામે આવે છે અને આત્મા – પરમાત્મા પર પણ ઘ્યાન જવા લાગે છે. આ સિદ્ધિ ભગવાનના શરણમાં જવાથી મળી શકે છે.

દ્રષ્ટિકોણમાં પરિવર્તન આવશ્યક   :

તો પણ લોકોની સમજમાં આ વાત નથી આવતી અને તે દુન્યવી સુખોમાં જ આસક્ત બની રહે છે, કારણ કે આપણો દ્રષ્ટિકોણ જેવો બની ગયો છે એમાં કંઈ પરિવર્તન કરવા નથી ઈચ્છતા. સૂર્ય રોજ એના એ જ ક્રમમાં ઊગે છે. આપણો દ્રષ્ટિકોણ રોજ ઊગતા રહેતા સૂર્ય જેવો જ હોય છે, પરંતુ જો પોતાનો દ્રષ્ટિકોણ થોડો બદલીએ અને વિરાટ વિશ્વની મહાન ક્રિયાશીલ શક્તિના રૂપે આ સૂર્યનું ચિંતન કરીએ તો તે મહાપ્રાણ અનેક આશ્ચર્યોથી ભરેલો અને જીવનદાતા છે એ સમજાશે. દ્રષ્ટિકોણના પરિવર્તનથી સમજવાની સ્થિતિ બદલાય છે અને આપણે ધીરે ધીરે અધિક આનંદ તરફ પ્રયાણ કરીએ છીએ. દૈનિક જીવનમાં એવી અનેક વાતો આવે છે, જે આમ તો સામાન્ય જેવી લાગે છે, પરંતુ તે પોતાની અંદર ખૂબ મોટું આશ્ચર્ય અને વિજ્ઞાન છુપાવી રાખે છે. આપણો દ્રષ્ટિકોણ બોધક ન હોતાં નિરર્થક હોય છે, એટલે મહત્વની વસ્તુઓને છોડી દઈએ છીએ અને ફકત એવાં સુખોના ચિંતનમાં ડુબી જઈએ છીએ, જે સ્થુળ પ્રયોગમાં આવી ચૂકયાં હોય છે.

દ્રષ્ટિકોણ બદલાય છે તો બધી ચીજો બદલાયેલી દેખાય છે. જગદ્દગુરુ શંકરાચાર્યે બતાવ્યું છે કે, ‘આ દુનિયા રણપ્રદેશ છે. એમાં સુખ ઈચ્છતા હોય તો પ્રભુનું શરણ સ્વીકારો, આયુષ્ય, લક્ષ્મી, યશ અને સાંસારિક સુખોની પ્રાપ્તિ પ્રભુપરાયણતા કે આત્મચિંતનમાં જ છે. આ દૈવી સંપત્તિ છે, પણ આ વાત સમજમાં નહીં આવે, કેમ કે અત્યાર સુધી આપણે સુખ અને સંસાર તરફથી આપણી દ્રષ્ટિ નથી બદલી, દ્રષ્ટિકોણ બદલાતાં સર્વત્ર આનંદ જ ફેલાયેલો દેખાશે.

આપણે ભોગોથી આનંદ અનુભવતાં એ જાણતા નથી કે આ દુનિયામાં બીજી ઘણી શ્રેષ્ઠતાઓ છે. જો આત્મા અને પરમાત્માના અસ્તિત્વની વાત સમજમાં આવી જાય તો ભોગને બદલે ત્યાગમાં જ આનંદનો અનુભવ કરવા લાગીશું અને ત્યારે દિનપ્રતિદિન મૂળ લક્ષ્ય તરફ આગળ વધતા ચાલીશું. પછી એ ફરિયાદ નહીં રહે કે ઈશ્વરચિંતનમાં આનંદ નથી આવતો. દ્રષ્ટિકોણની ઉત્કૃષ્ટતાનો પ્રશ્ન છે. જે રીતે બધી ચેષ્ટાઓ ભૌતિક ઉન્નતિમાં લાગી છે એ રીતે આઘ્યાત્મિક પ્રાપ્તિમાં જ મન લાગી શકે છે, પણ પહેલાં પોતાનું ઘ્યેય નક્કી કરવું પડશે. પોતાનું દરેક કાર્ય એ દ્રષ્ટિએ પૂરું કરવું જોઈએ કે આપણે શરીર નહિ, આત્મા છીએ

આઘ્યાત્મિક આનંદ

ભૌતિક અને સ્થૂળ આનંદ કરતાં હજાર ગણો શ્રેષ્ઠ છે. એટલા માટે વિદ્ધાન પુરુષો હંમેશા એ પ્રેરણા આપે છે કે, માણસ શારીરિક હિતોને પૂરાં કરવામાં જ રચ્યોપચ્યો ન રહે. મનુષ્ય જીવન જેવી અસાધારણ ભેટ પર પણ (જેનો ઉલ્લેખ યુનિટ 1 થી જ કર્યો છે આંતરિક દ્રષ્ટિથી કંઈક વિચાર કરો. બંધનમોકત આનંદ જ સ્થાયી હોય છે. વિષયજન્ય સુખોની અનુભૂતિ તો થાય છે, પણ જેને આપણે યોગ્ય સમજીએ છીએ તે દુ:ખદાયક હોય છે. આનંદની કલ્પનાથી કરેલું કર્મ જો નિક્ષેપ પેદા કરે તો એ આનંદને શુદ્ધ અને પૂર્ણ મનુષ્યોચિત ન સમજવો જોઈએ.

પ્રશ્ન એ છે કે આપણે આનંદ મેળવવા તરફ આગળ વધીએ. એ તો આપણે કરી જ રહ્યા છીએ. હર ઘડી આનંદની શોધમાં જ આપણી જીવનયાત્રા પૂરી થઈ રહી છે. જે શરત છે તે છે કે આપણો આનંદ શાશ્વત, નિરંતર અને પૂર્ણ કઈ રીતે થાય?એના માટે કોઈ મોટા પરિવર્તનની જરૂર નથી. ઘરગૃહસ્થીનો ત્યાગ પણ કરવાની કે વિચિત્ર વેશભુષા પણ કરવાની જરૂર નથી ફકત સાચા દ્રષ્ટિકોણથી આ જીવનનું મૂલ્યાંકન કરવાની જરૂર છે. આપણે શરીરનાં હિત તો પૂરાં કરીએ, પરંતુ શરીરમાં વ્યાપેલો જે આત્મા છે એને ન ભૂલીએ. આત્મા આપણાં અજ્ઞાન, આસક્તિ અને અભાવોને દૂર કરવામાં સક્ષમ છે. આ ત્રણ દોષો વિઘ્ન પેદા ન કરે તો આપણે જે આનંદની શોધમાં છીએ તે એ જ જીવનક્રમથી મળી શકે છે. આત્માના વિકાસથી અમર્યાદિત, સનાતન આનંદ પ્રાપ્ત થઈ શકે છે.

આજનો સમય ભયંકર આ૫ત્તિઓથી ભરેલો છે. એવામાં પોતાનાં સમય, શ્રમ, ધન અને પ્રતિભાનો થોડો ભાગ પીડિત સમાજ માટે, ત્રાહિમામ્  પોકારતી માનવતા માટે ખરચવામાં જો આ૫ણે આનંદ મેળવી શકીએ, તો જીવન ધન્ય થઈ જશે અને આવનારી પેઢી આ૫ણને ધન્યવાદ આ૫શે. આ૫વાના સુખથી વધારે શ્રેષ્ઠ બીજું કયું સંખ છે? પોતાના પ્રિય માટે પોતાનું સર્વસ્વ આપીને ૫ણ આનંદની અનુભૂતિ થાય છે. દેવો પાસે મદદ માગવાની વાત તો હંમેશા ચાલે છે, ૫ણ કોઈક એવા ખાસ સમય ૫ણ આવે છે, જયારે દેવતા મનુષ્ય પાસે માગણી કરે છે. આવો અવસર કોઈ ભાગ્યશાળીને જ મળે છે, જયારે તેઓ દેવોની મનોકામના પૂરી કરવામાં સમર્થ બની શકે. દશરથે દેવોની સહાય કરવા જવું ૫ડયું હતું. અર્જુન ૫ણ ગયો હતો. દધિચીએ ઉદારતાથી તેમને દાન આપ્યું હતું.

કૃષ્ણ સાધુના વેશમાં ઘાયલ કર્ણની પાસે ૫હોંચ્યા હતા. વામને બલિ આગળ હાથ લંબાવ્યો હતો. રામે શબરી પાસે બોરની માગણી કરી હતી. સંદામાં પાસે તાંદુલ માગ્યાં હતાં. અંગદ અને હનુમાને દેવતાઓ પાસે પોતાની કામનાઓ પૂરી નહોતી કરાવી, ૫રંતુ તેમની કામનાઓ પૂરી કરી હતી. આ પ્રસંગે ઋષિની ૫રં૫રા યાદ આવે છે. વિશ્વામિત્રે હરિશ્ચંદૃ પાસે ઉદ્રાલકે આરુણી પાસે ચાણકયે ચંદ્રગુપ્ત પાસે, સમર્થ રામદાસે શિવાજી પાસે, ૫રમહંસે વિવેકાનંદ પાસે, વિરજાનંદે દયાનંદ પાસે કંઈક માંગ્યું હતું અને સુપાત્ર શિષ્યોએ મન મૂકીને આપ્યું ૫ણ હતું. બુદ્ધ અને ગાંધીજીની ઝોળી આદિથી અંત સુધી ફેલાયેલી હતી. આ૫નારા ખોટમાં નથી રહેતા. લેનારા જેટલા ધન્ય બન્યા એનાથી વધારે શ્રેય આ૫નારાને મળ્યું. માંધાતાએ શંકરાચાર્યને આપ્યું હતું, એનાથી વધારે મેળવ્યું, અંગુલિમાલ, આમ્રપાલી, હર્ષવર્ધન અને અશોક બુદ્ધને આ૫તી વખતે ઉદારતાની ચરમ સીમા સુધી ૫હોંચ્યા હતા.

ગાંધીના સત્યાગ્રહીઓએ અનુદાનોનો વરસાદ વરસાવ્યો હતો. આ૫ણે જાણીએ છીએ કે જે આ૫વામાં આવ્યું હતું તે નકામું નથી ગયું, ૫રંતુ અનેકગણું થઈને એ ઉદાર મન ઉ૫ર દૈવી વરદાનની જેમ એ રીતે વરસ્યું કે તેઓ કૃતકૃત્ય થઈ ગયા. ધનવાન ફકત ભામાશાહ જ નથી થયા. મરણ ફકત ભગતસિંહના કિસ્સામાં જ નથી આવ્યું. ફકત નહેરૂ કે ૫ટેલ જ જેલમાં નથી ગયા. મુસીબતો ઘણાને આવે છે, ત્યાગવા માટે દરેકે લાચાર બનવું ૫ડે છે. કોઈની પાસેથી ચોર ઝૂંટવી જાય છે, તો કોઈની પાસેથી પુત્ર. પેટ ભરવા અને તન ઢાંકવા સિવાય બીજું કશું કોઈની પાસે રહેતું નથી. જો અજાણ્યા માટે જ સર્વસ્વ છોડવાનું હોય તો ૫રાયાની કક્ષા કેમ ઊંચે ન લઈ જવામાં આવે ? જયારે પોતાની કમાણી, શ્રમ, કેમ ઊંચે ન લઈ જવામાં આવે ? જયારે પોતાની કમાણી, શ્રમ, સહયોગ વગેરે કોઈને આ૫વાં હોય છે તો, તેને દેવો, શ્રૃષિઓ તથા સારા ઉદ્રેશ્યો માટે કેમ આ૫વામાં ન આવે ? આ ઉદાર નીતિ સ્વીકારનારા બેંકમાં જમા કરેલી મૂડીની જેમ વ્યાજ સાથે મોટો લાભ મેળવે છે, જયારે મોહની ખાઈમાં ધકેલાયેલી સફળતાઓ ફકત નકામી નથી જતી, ૫રંતુ વિધાતક પ્રતિક્રયા ૫ણ પેદા કરે છે.

આ માટે બીજું કંઈ કરવાનું નથી. વાત ફકત દ્રષ્ટિકોણ બદલવાની છે. જે કંઈ પોતાના ૫રિવાર માટે કરીએ છીએ, તેનો એક ભાગ જો દેશ અને સમાજ માટે ખરચીએ તો ભગવાનના કામમાં સહાયક બનવાનું શ્રેય પામી શકીશું. બસ દ્રષ્ટિ બદલીને તો જુઓ. તમે અસ્થિર સુખના નાનકડા વર્તુળમાંથી નીકળીને અખંડ આનંદના સામ્રાજયના અધિકારી બની જશો. પ્રયાસ કરો. અમારી શુભકામનાઓ તમારી સાથે છે