ચેતનાની ક્ષણે – 51
બાળકોના નિર્માણની જવાબદારી
તમારા ઘરમાં પદાર્પણ કરનાર તમારાં આત્મસ્વરૂપ બાળકો સમાજ અને દેશના ભાવિ નાગરિકો છે. ઈશ્વરથી તમારું એ કર્તવ્ય છે કે એમના શિક્ષણ અને આત્મશુદ્ધિની બાબતમાં રસ લો.
તમારા ઘરનું વાતાવરણ જેવું હશે એવું જ તમારાં સંતાનોના માનસ, ટેવો તથા સાંસ્કૃતિક સ્તરનું નિર્માણ થશે. જ્યારે તમે તમારા ભાઈઓ પ્રત્યે ઉદાર, દયાળું અને પ્રેમાળ નથી, તો પછી તમારાં સંતાનો પાસે કઈ રીતે આશા રાખી શકો કે તેઓ તમારા પ્રત્યે પ્રેમ રાખે? જ્યારે તમે તમારા મનને વિષયવાસના, આનંદપ્રમોદ તથા ગંદી ઈચ્છાઓમાંથી રોકી શકતા નથી, તો પછી ભલા તેઓ કામુક અને ઈન્દ્રિય લોલુપ બને એમાં શી નવાઈ? જો તમે માંસ, મદ્ય તથા બીજા અભક્ષ્ય પદાર્થોનું સેવન કરતા હો, તો પછી તેઓ કઈ રીતે પવિત્ર અને નિષ્કલંક રહી શકે? તમે જો તમારી અશ્ર્લીલ અને નિર્લજ્જ ટેવો, ગંદી ગાળો તથા અશિષ્ટ વ્યવહારને નથી છોડતા, તો ભલા તમારાં બાળકો કેવી રીતે ગંદી ટેવોથી દૂર રહી શકે?
તમારા શબ્દો, વહેવાર, દૈનિક કાર્યો, ઊઠવું, બેસવું, સૂવું વગેરેનું અનુકરણ તમારાં બાળકો કરશે. તેઓ તમારી દરેક વાતનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે. તમે એમની આગળ એક મોડલ, એક નમૂનો, એક આદર્શ બનો. તમારું સંતાન મનુષ્ય બનશે કે મનુષ્યની આકૃતિમાં પશુ બનશે તેનો આધાર તમારા પર રહેલો છે.


Recent Comments