Archive

Archive for February, 2010

આજનું ચિંતન :

February 26th, 2010 No comments

તમારી શક્તિ મુજબનું જ કામ કરો અને તેમાં તમારો પ્રાણ રેડી દો.  કોઈ પણ ઘટનાથી હતોત્સાહ ન બનો.

તમારો અધિકાર તમારા પોતાનાં કર્મો પર જ છે, બીજાનાં કર્મો પર નહીં.

ટીકા ન કરો, આશા ન રાખો, ભય ન રાખો, બધું સારું જ થશે.  અનુભવો તો થતા જ રહેશે.

ગમગીન ન થાવ.  તમે દ્રઢતાની અડીખમ દીવાલને અઢેલીને ઊભેલો છો.

હડકાયા કૂતરાથી જેટલા સાવધ રહેવું જોઈએ તેટલા જ, અહંકારથી સાવધ રહો.

જેમ તમે ઝેર કે ઝેરી સાપને અડકતા નથી, તેવી જ રીતે સિદ્ધિઓથી પણ અળગા રહો અને એવા લોકોથી પણ અળગા રહો જેઓ તેનો વિરોધ કરતા હોય છે.

તમારા મન અને હ્રદયની દરેક ક્રિયાઓને ઈશ્વર ભણી વાળી દો.

બીજાઓનો ભરોસો તમને અત્યંત અસહાય અને દુ:ખી બનાવી દેશે.

માર્ગદર્શન માટે તમારા તરફ જ જુઓ, બીજા તરફ નહીં.

તમારી સચ્ચાઈ તમને મક્ક્મ બનાવશે અને એ મક્કમતા તમને લક્ષ સુધી પહોંચાડશે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 25th, 2010 No comments

આત્મવિશ્વાસ અને ભવિષ્ય પ્રત્યે અતૂટ આશા એ બે સાધનો છે, જેમની મદદથી મનુષ્ય સંકટોના પડકારોને ઉજ્જ્વળ ભવિષ્યમાં બદલી શકે છે.

જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ તેમ તેમ ઉદારતા વધતી જાય છે.

જે લોકો આધ્યાત્મિક ચિંતનથી વિમુખ થઈને માત્ર લોકસેવાનાં કાર્યોમાં રચ્યાપચ્યા રહે છે, તેઓ પોતાની જ સફળતા પર અથવા સદ્દગુણો પર મોહિત થઈ જાય છે.  તેઓ પોતાને લોકસેવકના રૂપમાં જોતા થઈ જાય છે.  આવી સ્થિતિમાં તેઓ એવી અપેક્ષા કરતા થઈ જાય છે કે બધા લોકો તેમનાં કાર્યોની પ્રશંસા કરે અને તેમનું કહ્યું માને. તેમનું મિથ્યાભિમાન તેમને અનેક લોકોના શત્રુ બનાવી દે છે.  આથી તેઓ ખરા અર્થમાં લોકસેવક ન બનતાં તેમની લોકસેવા લોકવિનાશનું સ્વરૂપ ધારણ કરી લે છે.

આધ્યાત્મિક ચિંતન વિના મનુષ્યમાં નમ્રતા આવતી નથી તેમજ તેમનામાં પોતાની જાતને સુધારવાની ક્ષમતા પણ રહેતી નથી.  તે એક પછી એક ભૂલ કરતા રહે છે અને આ રીતે પોતાના જીવનને વિકટ બનાવતા રહે છે.

અમે જે ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારધારાનો પ્રચાર કરવા ઈચ્છીએ છીએ તેમાથી આપના દુ:ખોનું નિવારણ થઈ શકે છે.  રાજયસત્તા દ્રારા આપના અધિકારોનું રક્ષણ થઈ શકે છે પરંતુ જ્યાંથી આપણા સુખદુ:ખની ઉત્પત્તિ થાય છે તેનું નિયંત્રણ રાજ્યસત્તા કરી શકતી નથી.  આ કામ આધ્યાત્મિક ઉન્નતિથી જ થઈ શકે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 24th, 2010 No comments

જો તમે શાંતિ, સામર્થ્ય અને શક્તિ મેળવવા ઈચ્છતા હો તો તમારા અંતરાત્માનો સહારો લો. તમે સમસ્ત સંસારને છેતરી શકો છો પંરતુ પોતાના આત્માને કોણ છેતરી શક્યું છે?  જો દરેક કાર્યમાં તમે તમારા અંતરાત્માને પૂછતા રહેશો તો તમારી વિવેકદ્રષ્ટિ જળવાઈ રહેશે.  દુનિયાભરનો વિરોધ હોવા છતાં જો તમે તમારા અંતરાત્માને અનુસરી શકયા તો તમારી સફળતાને કોઈ રોકી શકશે નહીં.

જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને અદ્રિતીય વ્યક્તિ સમજવા લાગે છે અને પોતાને જ શ્રેષ્ઠ ચારિત્ર્યવાન સમજવા લાગે છે ત્યારે તેનું આધ્યાત્મિક પતન થાય છે. જ્યાં સુધી આપણામાં અહંકારનો ભાવ રહેશે ત્યાં લગી ત્યાગની ભાવના જાગવી મુશ્કેલ છે.

મનમાં બધાને માટે સદ્દભાવના રાખવી, સંયમ અને સદ્દચારિત્ર્ય સહિત સમય પસાર કરવો, બીજાની ભલાઈ માટે પ્રયત્નશીલ રહેવું, વાણીનો ઉપયોગ માત્ર સારાં કાર્યો માટે જ કરવો, હકની કમાઈ દ્રારા જ નિર્વાહ કરવો, ભગવાનનું સ્મરણ કરતા રહેવું, પોતાનું કર્તવ્ય ન છોડવું, અનુકૂળ કે પ્રતિકૂળ સ્થિતિમાં વિચલિત ન થવું – આ બધા નિયમોનું પાલન કરવાથી જીવન યજ્ઞમય બની જાય છે.  મનુષ્યજીવનને સાર્થક બનાવવામાં જ ખરી દૂરદર્શિતા અને બુદ્ધિમતા છે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 23rd, 2010 No comments

કોઈપણ લોભલાલચ માટે આપ પોતાની સ્વતંત્રતા ના વેચશો. કોઈપણ ફાયદાના બદલામાં આત્મગૌરવની હત્યા ના કરશો. એમ કરવાથી આપની પ્રતિષ્ઠા વધશે અને આત્મગૌરવને પ્રોત્સાહન મળશે. આત્મગૌરવથી જીવવામાં જ જિંદગીનો સાચો આનંદ છે. ત્યાગ કરીને પણ કષ્ટમાં જીવવાનું સ્વીકારી લો.

કુપાત્રને નહિ આપું એમ કહેશો નહિ. તમારા બગીચાનાં ફૂલ આવો ભેદભાવ કરતાં નથી અને ઘાસના મેદાનો પણ ગાયોને આવી મનાઈ કરતાં નથી. હવા અને સૂર્ય તમને અનુદાન આપતી વખતે ક્યાં પરીક્ષા લે છે ? પછી તમે આટલી ઊંડી તપાસ શા માટે કરવા લાગ્યા ?

મેઘગર્જનાને બધા જુએ છે અને ગડગડાટ સાંભળે છે, પરંતુ વિરલા જ એ જાણે છે કે એની પાછળ વિજળીની શક્તિ કામ કરે છે. નજરે દેખાતાં કાર્યોની પાછળ અદ્રશ્ય ઉમંગની ભૂમિકા રહે છે.

પરિસ્થિતિઓ કોઈને મજબૂત કે કમજોર બનાવતી નથી, પરંતુ એ તો માત્ર એ સિદ્ધ કરે છે કે વાસ્તવમાં તે કેવો હતો? સન્માનની મૂડી આપવાથી પછી મળે છે, વહેંચવાથી વધે છે અને ભેગી કરવાથી ખતમ થઈ જાય છે.

જે અજ્ઞાનરૂપી વૃત્રાસુરથી આખો સમાજ છવાઈ ગયો છે.  જેમને કાન છે તેઓ સમાજની પીડા અને પતનની મર્મભેદી ચીસ સાંભળી શકે છે તથા આંખો વડે જોઈ શકે છે.  આ સમય મોજમજા કરવા માટે નથી.  આપણે યુગસંધીના સમયમાં જીવીએ છીએ.  અતિ નિકટના ભવિષ્યમાં સર્વનાશની ઉંડી ખીણમાં પડી જઈશું અથવા ઉન્નતિના ઉચ્ચશિખરએ પહોંચી જઈશું. આજે દધીચિ જેવા આત્મદાનીઓની આવશ્યકતા છે.  શરીરનો નાશ તો થવાનો છે, પરંતુ આપણા લક્ષ્યને પૂર્ણ કરવામાં તે ઉપ્યોગી થાય તો જ એની સાર્થકતા છે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 22nd, 2010 No comments

નિત્ય હસતા રહો, મુખને ક્યારેય ખિન્ન ના રાખો. આ જગતમાં ચિંતાએ તમારા માટે જન્મ જ લીધો નથી એવો નિશ્ચય કરી લો. આનંદનાં સ્ત્રોત સ્વરૂપ આ જીવનમાં હાસ્ય સિવાય ચિંતાને માટે જરાપણ સ્થાન ક્યાં છે?

આનંદ વહેંચી શકાય છે, કેમ કે તેને લેવા માટે ઘણા તૈયાર છે.  દુ:ખની વહેંચણી કરીને પોતાનો ભાર હળવો કરવાનું મુશ્કેલ છે, કેમ કે તેને લેવા માટે કોઈ તૈયાર હોતું નથી.

અણઘડ લોકો પ્રત્યેક સંકટ માટે બીજાને દોષ દે છે. વિવેકવાન મનુષ્ય પોતાના દોષ શોધે છે અને તત્વજ્ઞાની પ્રકૃતિમાંથી પેદા થતી ભરતીઓટની માત્ર વિલક્ષણતા જોએ છે.

પરમેશ્વરને જોવા માટે તમારે એવાં ચશ્માં પહેરવાં પડશે, જે તેણે તમારી પરખ કરવા માટે તેની આંખો પર પહેરી રાખ્યાં છે.

નીચે પડી ગયેલા ને ઊભા કરો, પડતા હોય તેને ટેકો આપો, પરંતુ કોઈને ધક્કો ના મારો. વિચારો કે જો કોઈ તમને ધક્કો મારે તો તમારું હ્રદય તેને કેવો અભિશાપ આપે છે, એવી જ રીતે એનું હ્રદય પણ તમને અભિશાપ આપશે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 21st, 2010 No comments

જેઓ અંતરાત્માને અનુકુળ કામની જ પસંદગી કરે છે અને એમાં પૂરા મનથી જોડાયેલા રહે છે તેમની સાથે પ્રસન્નતા રહે છે.

મનના સંકલ્પની સાથે શરીરનું પરાક્રમ સંપૂર્ણપણે જોડવામાં આવે તો સફળતા અવશ્ય મળશે.

આપણે જ્યારે લાગણીશીલ બનીએ છીએ ત્યારે શહીદ થવાની વાત વિચારીએ છીએ અને જ્યારે ઉત્તેજિત થઈએ છીએ ત્યારે કોઈના કઠોર શબ્દ પણ સહન કરી શકતા નથી.

ભગવાન જેના પર કૃપા કરે છે તેની સંપત્તિ છીનવી લે છે અને વિભૂતિઓ આપી દે છે.

અનુમાન અને શંકા માત્રથી કોઈને ગુનેગાર સાબિત કરશો નહિ.  જેના પર શંકા હોય તેને પોતાની વાત રજૂ કરવાનો અવસર આપો.  તથ્યની પૂરી તપાસ કરતાં પહેલાં કોઈના પર દોષારોપણ કરશો નહિ.

સાધના માટે કોઈ જુદા સ્થળની શોધ કરશો નહિ. પોતાની જવાબદારીઓ તથા સંબધીઓ સાથે એવો સમન્વય સાધો કે જેમાં આદર્શોની અધિકતા હોય.  આ રીતે તમારું વ્યાવહારિક જીવન જ સમગ્ર સાધના બની જશે.

ગાંધીજી કહેતા હતા કે જ્યારે જનતા અનુભવવા લાગે કે તે પોતાની સમસ્યાઓનું સમાધાન પોતે કરી શકે છે તથા પોતાનું ભાગ્ય પોતાના હાથે બનાવી શકે છે ત્યારે સમજવું જોઈએ કે સંપૂર્ણ સ્વરાજય મળી ગયું.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 20th, 2010 No comments

ઉપાસનાનો અર્થ છે દેવત્વની સમીપ બેસવું અથવા પોતાના સ્થાને દેવતાને ખેંચી લાવવા. સદ્દગુણોથી પોતાને ઓતપ્રોત કરવા એ જ બંનેનો સારાંશ છે.

જે મનુષ્યનો ત્યાગ તેની જાતિ સુધી સીમિત છે તે એક ખાસ પ્રકારનો સ્વાર્થી છે. તેનું સ્વાર્થીપણું સમગ્ર જાતિને સ્વાર્થી બનાવી દે છે.

સ્મશાન જોઈને ગભરાવાની જરૂર નથી, એ નવજીવનનું ઉધાન છે. એમાં સૂતેલા આત્માઓ મધુર સપનાં સજાવી રહ્યા છે, જેથી વિગતની અપેક્ષાએ આગતને વધારે સુંદર બનાવી શકે. ડરશો નહિ. મરણ એ અસ્તિત્વની સ્માપ્તિ નથી, માત્ર ખોળિયું બદલાઈ જાય છે એટલું જ. જયારે આપણને હંમશા પરિવર્તન ગમે છે ત્યારે મનગમતાના આગમન પર રુદન શા માટે?

ઘણી વખત જૂનાં ખંડેરો તોડવાં પડે છે અને જૂનાં કપડાં બદલવાં પડે છે. આ જ બાબત પ્રથાઓને પણ લાગુ પડે છે. ઘણીવાર નવાં વિવેકપૂર્ણ પ્રતિપાદનો પણ એવાં સુંદર હોય છે, જાણે કે ઝાકળનાં બિંદુઓંથી શોભતું કમળનું પુષ્પ હોય !

પ્રસન્નતા અંત:કરણની પરિપક્વતાની નિશાની છે, જ્યારે ખિન્નતા બગડેલાં બાળકોની મસ્તી જેવી ખરાબ ટેવ છે.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 19th, 2010 No comments

સજ્જનતાની નિશાની છે નમ્રતા. આને જ સભ્યતા અને શિષ્ટતા પણ કહે છે. વિધાનું પ્રતિફળ પણ આ જ છે. ‘ખાલી ઢોલ વધારે વાગે’ આ કહેવતને અહંકારિતા માટે સાચી થતી જોઈ શકાય છે. વાસ્તવમાં તેઓ જેવા હોય છે તેના કરતાં કંઈક વધારે હોય તેવું દેખાડત હોય છે. કોઈને ધમકાવવું અને કોઈને ન્યાલ કરી દેવાનું આશ્વાસન પણ આવા જ ક્ષુદ્ર લોકો આપતા જોવા મળે છે. આનાથી વ્યક્તિનું હલકાપણું જ પ્રગટ થઈ જાય છે. આત્મસન્માનનું રક્ષણ કરવું હોય તો અહંકારથી બચવું જોઈએ.

જીવનનાં ઘણાં પાસાં છે. જરૂરી એ છે કે તેનાં બધાં પાસાં પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે દિશામાં કામ કરવાનું હોય તેને પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવે.

જે મનુષ્ય અથવા રાષ્ટ્ર ભાગવત્ મુહૂર્તના સમયે સૂતેલાં રહે અથવા તેના ઉપયોગ માટે તૈયાર ન હોય તે અભાગિયા છે, કેમ કે તેના સ્વાગત માટે દીપ સજાવીને રાખવામાં આવ્યા નથી અને તેનો પોકાર સાંભળી કાન બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેના કરતાંય જેઓ બળવાન અને તૈયાર હોવા છતાં એ સમય ચૂકી જાય છે તેઓ વધારે અભાગિયા છે. તેમના ભાગ્યમાં પૂરી ન શકાય તેવી ક્ષતિ અથવા મહાન વિનાશ હોય છે.

સ્વાધ્યાય યુવાનોને સંયમી બનાવી દે છે. તે વૃદ્ધત્વનો આરામ છે. નિર્ધનતામાં ધનનું કામ આપે છે અને ધનવાનો માટે આભૂષણનું કામ છે.

જે મનુષ્ય ખરાબ કર્મો છોડતો નથી, જેણે પોતાની ઈન્દ્રિયો જીતી નથી, જેનું મન એકાગ્ર નથી અને જેનું ચિત્ત શાંત નથી તેને આત્મસાક્ષાત્કાર ક્યારેય થતો નથી.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 18th, 2010 No comments

મારા બલિદાનને મારા જીવન સાથે સરખાવશો નહિ, મારા દેશની પરંપરાઓ સાથે સરખાવજો, મારા પૂર્વજોનાં શૌર્ય, પ્રરાક્રમ અને કીર્તિ સાથે સરખાવજો. જો હું મારાં બલિદાનોને માટે આ બધા કરતાં ઓછો પડું તો મારા માટે પ્રાર્થના કરો કે હું વારંવાર જન્મ લઉં અને મારાં બલિદાનોને મારા રાષ્ટ્રની કીર્તિની કસોટીમાં પાર ઊતરવા માટે સક્ષમ બનાવું.

મહાપુરુષોમાં જ મહાપુરુષ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોય છે. હાથીઓના ટોળામાં જ હાથી મોટા થાય છે. ઉંદર તો કરડી ખાનારાઓની જમાતમાં જ વધે છે.

પોતાના દોષોનો આરોપ ઈશ્વર પર મૂકશો નહિ અને પાપ કરતી વખતે એમ કહેશો નહિ કે એણે કરાવ્યું માટે કર્યું.

આંધળા થઈને અમુક વિચારને વળગી રહેવાના બદલે શંકાશીલ બની ધાર્મિક સત્યોની શોધ કરવી ઉત્તમ છે.

બેશક, શરીરની ઉપયોગિતા વધારે છે, પરંતુ તેને એટલું સજાવશો નહિ કે આત્માનો મહિમા ફીકો થઈ જાય.

જેમ જેમ આપણે જ્ઞાનવાન થતા જઈએ છીએ તેમ તેમ ઉદારતા વધતી જાય છે.

પ્રત્યેક દુર્લભ વસ્તુ મોંઘા ભાવે ખરીદવામાં આવે છે, જેમ કે શ્રદ્વા અને સદ્દભાવ.

ઈશ્વર અને પાપ સિવાય બીજા કોઈથી પણ ડરશો નહિ. મૃત્યુંથી પણ નહિ.

Categories: સુવિચાર Tags:

આજનું ચિંતન :

February 16th, 2010 No comments

“નિર્ધનતાથી મનુષ્યને શરમ આવે છે, શરમથી પરાક્રમ નાશ પામે છે, પરાક્રમ નાશ પામવાથી અપમાન થાય છે, અપમાનથી દુ:ખ થાય છે, દુ:ખથી શોક થાય છે, શોકથી બુદ્ધિ નાશ પામે છે, બુદ્ધિ ન રહેવાથી મનુષ્યનો નાશ થઈ જાય છે. સાચું જ છે કે નિર્ધનતા બધી વિપત્તિનું મૂળ છે.

અંત:કરણનું પરીક્ષણ, સુધાર અને શુદ્ધિકરણ ચાલુ રાખો, જેથી ભૌતિક પ્રગતિ અને આંતરિક શાંતિના માર્ગ પર ઝડપી ગતિએ આગળ વધી શકો.

તમે બનાવેલી દુનિયા અનોખી છે. તે જેવી તમારી અંદરની આસ્થા છે તેવી જ હશે.

પ્રતિભાશાળી મનુષ્ય સ્વતંત્ર વાતાવરણમાં સ્વતંત્રતાપૂર્વક શ્વાસ લે છે, તેને ગૂંગળાઈને મરવાની પરિસ્થિતિ કોઈ પણ શરતે મંજૂર હોતી નથી.

અંતકરણ પહેલાં મિત્રની જેમ સાચી સલાહ અને કડક ચેતવણી આપે છે. તેની વાત ન માનીએ ત્યારે કઠોર ન્યાયાધીશની જેમ તે કડક સજા આપ્યા વિના રહેતું નથી.

Categories: સુવિચાર Tags: