Archive

Archive for December 27th, 2009

પ્રેરણા દાયક પ્રવચન : મન જીત્યું તો જગ જીત્યું.

December 27th, 2009 No comments

મન જીત્યું તો જગ જીત્યું.

મન મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. એની સાથે યુદ્ધ કરવું તે અઘરું કાર્ય છે. એની સાથેના યુદ્ધમાં એક વિચિત્રતા છે. જો યુદ્ધ કરનારો દ્રઢતાથી યુદ્ધ કરતો રહે, પોતાની ઈચ્છા શક્તિને મનના વ્યાપારો ઉપર લગાવી રાખે તો એ સૈનિકની શક્તિ ખૂબ વધે છે અને એક દિવસ તે એની પર પૂરેપૂરો વિજ્ય પ્રાપ્ત કરી લે છે.

મનને દ્રઢ નિશ્ચયમં સ્થિર રાખવાથી મુમુક્ષની ઈચ્છાશક્તિ પ્રબળ બને છે. મનનો સ્વભાવ મનુષ્યને અનુકૂળ બની જવાનો છે. એને કામ આપો. તે ચૂપચાપ બેસી શકતું નથી. જો તમે એને ફૂલો પર વિચરણ કરનાર પતંગિયું બનાવી દેશો તો તે તમને પરેશાન કરી મૂકશે. જો તમે એને ઉદ્દંડ રાખશો તો તે રાતદિવસ ભટકતું જ રહેશે, પરંતુ જો તમે એને ચિંતન કરવા યોગ્ય બાબતોમાં સ્થિર રાખવાનો પ્રયત્ન કરશો તો તે તમારો સૌથી મોટો મિત્ર બની જશે.

જ્યારે તમારા મનમાં વાસનાનો પ્રબળ વેગ જાગે ત્યારે નિશ્ચયાત્મક બુદ્ધિને જાગૃત કરો. થોડી વાર માટે મનથી અળગા થઈ તેના વ્યાપારો પર તીક્ષ્ણ નજર રાખો. બસ, વિચારશૃંખલા તૂટી જશે અને તમે તેનાથી ચલિત નહિ થાવ. મનનું કહ્યું ન માનો. આવો અભ્યાસ કરવાથી મન તમને આજ્ઞા નહિ કરી શકે, ઊલટું તે તમારો આજ્ઞાપાલક અનુચર બની જશે.

પ્રેરણા દાયક પ્રવચન : જિંદગીમાં આનંદનું સર્જન કરો

December 27th, 2009 No comments

જિંદગીમાં આનંદનું સર્જન કરો

ઊઠો, તમારી ચારેય બાજુ નવજીવનનાં બીજ વાવો, પવિત્ર વાતાવરણનું નિર્માણ કરો. જો તમે બીજાઓ સાથે દગો કરશો, જુઠૂં બોલશો, ષડ્યંત્ર રચશો, ઠગશો તો તેનાથી તમારું પોતાનું જ પતન થશે. તમે પોતાના જ હલકા, તુચ્છ અને નીચ સાબિત કરશો. તમારી બધી શક્તિઓ ખર્ચીને પણ બીજાનું બહુ અનિષ્ઠ કરી શકો નહિ, પરંતુ એ હરકતોથી તમારો પોતાનો સર્વનાશ અવશ્ય કરી શકો છો.

ઈમાનદારીને વળગી રહો અને યોગ્ય સાધનો દ્વારા તમારી ઉન્નતિ માટે પ્રયત્ન કરો. તમારી તાકાતને સંસારની સામે પ્રગટ કરો, કારણ કે બળવાનોને જ સુખી, ઉન્નતિશીલ જીવન જીવવાનો અધિકાર છે. જો તમે તમારી શક્તિનો પૂરાવો રજૂ નહિ કરી શકો તો દુનિયા તમને એક નિ:સહાય, અનાથ, દુર્બળ, અને અભાગિયો માનશે અને તમારા નામની સાથે બિચારાની ઉપાધી જોડી દેશે.

તેથી હું કહું છુ કે સંધર્ષ કરો. જીવતા રહેવા માટે તથા પોતાના અધિકારો પ્રાપ્ત કરવા અને એમનું રક્ષણ કરવા માટે સંધર્ષ કરો. વિશ્વાસ રાખો, આ આત્મોન્નતિના ધર્મયુદ્ધમાં તમને એ આનંદ મળશે કે જે દુનિયાની બીજી કોઈ વસ્તુથી મળતો નથી. મરેલાંની જેમ જીવવા કરતા એક વીરનું થોડીક ક્ષણો માટે જીવવું પણ વધારે સારું છે.

પ્રેરણા દાયક પ્રવચન : રડવાથી કામ નહિ ચાલે

December 27th, 2009 No comments

રડવાથી કામ નહિ ચાલે

ઈશ્વરે મનુષ્યને સંપૂર્ણ યોગ્યતાઓ અને શક્તિઓ આપીને આ સંસારમાં મોકલ્યો છે. પરમાત્મા કદી એવું નથી ઈચ્છતા કે એમનો આ પુત્ર સિંહાસન પર બેસે અને બીજો દરવાજે દરવાજે ઠોકરો ખાતો ફરે. પિતાને પોતાનાં બધા સંતાનો વ્હાલા હોય છે. તે બધાને સુખી જોવા ઈચ્છે છે. જો તમે દુ:ખી હો તો એમાં પરમાત્માનો દોષ નથી, પરંતુ તમે પોતે પોતાના પગ પર કુહાડી મારો છો. ઈશ્વરે આપણને સુખમય સ્વતંત્ર જીવન જીવવા માટે સ્વસ્થ શરીર અને મજબૂત મન આપ્યાં છે. તે આપણો અધિકાર મેળવવા માટે અને ઉન્નતિ કરવા માટે આપ્યાં છે, રડવા કે હાય હાય કરવા નથી આપ્યાં. એ બન્ને વરદાન આપવાનું કારણ એ છે કે મનુષ્ય સુખમય જીવન જીવે.

જેઓ પરમાત્માએ આપેલી શક્તિઓનો સદુપયોગ કરે છે તેઓ સર્વ રીતે સુખી અને સંપન્ન હોય છે, પરંતુ લોકો એ શક્તિઓનો દુરુપયોગ કરે છે એમને જીવનમાં દુ:ખ ભોગવવું પડે છે. તેમને રોતાં કકળતાં જિંદગી વિતાવવી પડે છે. પોતાની શક્તિઓને ઓળખો. દુનિયામાં એવી કોઈ તાકાત નથી, જે તમને સુખ, શાંતિ અને સ્વતંત્રતાથી વંચિત કરી શકે. આજથી જ તમારી શક્તિઓનો સદુપયોગ કરવાનું શરૂ કરી દો. તમને પણ રાજસિંહાસન પર બેસવાનો અધિકાર આપમેળે જ પ્રાપ્ત થશે.

પ્રેરણા દાયક પ્રવચન : મૃત્યુનો ભય દૂર કરી દો

December 27th, 2009 No comments

મૃત્યુનો ભય દૂર કરી દો

મોતથી માણસ બહુ ડરે છે. એ ડરનું કારણ શોધતાં  ખબર પડે છે કે મનુષ્ય મૃત્યુથી નહિ, પરંતુ પોતાનાં પાપોનાં દુષ્પરિણામથી ડરે છે. એવું જોવા મળે છેકે મનુષ્યને જો નષ્ટ કે વિપત્તિ ભર્યા સ્થળે જવું પડે તો તે જતી વખત ખૂબ ડરે છે અને વ્યાકુળ થઈ જાય છે. મૃત્યુથી મનુષ્ય ગભરાય છે તેનું કારણ એ છે કે એનાં અંતરાત્માને એવું લાગે છે કે આ જીવનનો મેં જે દુરુપયોગ કર્યો છે એના પરિણામે મૃત્યુ પછી મારી દુર્ગતિ થશે. જ્યારે મનુષ્ય વર્તમાન કરતાં વધારે સારી, ઉન્નત અને સુખકર પરિસ્થિતિમાં જાય છે  ત્યારે એને જરાય દુ:ખ નથી થતું, પરંતુ પ્રસન્નતા થાય છે. જે લોકો પોતાના જીવનને નકામાં અને અયોગ્ય કાર્યોમાં વેડફી નાખે છે તેઓ જેવી રીતે બકરો કતલખાનાના દરવાજામાં પ્રવેશતાં ભાવિ પીડાની આશંકાથી ડરે છે તેવી જ રીતે ડરે છે.

જો તમે મૃત્યુના ભયથી બચવા ઈચ્છતા હો તો પોતાના જીવનનો સદુપયોગ કરવાનું, પોતાનાં કાર્યોને ધર્મમય બનાવવાનું શરૂ કરી દો. એવું કરવાથી તમારા અંતરાત્માને એવો વિશ્વાસ થવા લાગશે કે તમારું ભવિષ્ય અંધકારમય નહિ, પરંતુ પ્રકાશમય છે. જે ક્ષણે આવો વિશ્વાસ થશે તે જ ક્ષણે મૃત્યુનો ભય ભાગી જશે. ત્યારે તમે શરીર બદલવાને વસ્ત્રો બદલવા જેવી સામાન્ય બાબત માનવા લાગશો અને તમને એનાથી જરાય ડર નહિ લાગે.

પ્રેરણા દાયક પ્રવચન : સહૃદયતામાં જીવનની સાર્થકતા

December 27th, 2009 No comments

સહૃદયતામાં જીવનની સાર્થકતા

જેણે પોતાની વિચારધારા અને ભાવનાઓને શુષ્ક, નીરસ અને કઠોર બનાવી દીધી છે તે મનુષ્ય જીવનના વાસ્તવિક આનંદનો અનુભવ કરી શકતો નથી. એ બિચારોએ ખાલી જ મનુષ્યનું શરીર ધારણ કર્યું અને તેને કલંકિત કર્યું. આનંદનું ઝરણું સરસતાની અનુભૂતિમાં રહેલું છે. ૫રમાત્માને આનંદમય કહેવામાં આવે છે. શાથી ? કારણ કે તે સ-રસ છે, પ્રેમમય છે. શ્રુતિ કહે છે કે  “રસો વૈ સઃ”  અર્થાત્ તે ૫રમાત્મા રસમય છે. ભક્તિ તથા પ્રેમ દ્વારા ૫રમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જે વસ્તુ જેવી હોય તેને એ જ રીતે પ્રાપ્ત કરી શકાય છે. ૫રમાત્મા દીનબંધુ, કરુણાસાગર, રસિકવિહારી, પ્રેમનો અવતાર, દયાનિધાન તથા ભકતવત્સલ છે. એને પ્રાપ્ત કરવા માટે આ૫ણી અંદર ભાવનાઓ પેદા કરવી ૫ડે છે. ભગવાન ભક્તના વેશમાં રહેલા છે. જેમનું હૃદય કોમળ છે, ભાવુક છે એમનાથી ૫રમાત્મા દૂર નથી.

તમે તમારા હૃદયને કોમળ, દ્રવિત, દયાળું, પ્રેમમય અને સ-રસ બનાવો. સંસારના ૫દાર્થોમાં ૫ણ સરસતાનો, ર્સૌદર્યનો અપાર ભંડાર ભરેલો છે. એને શોધતાં તથા મેળવતાં શીખો. જો તમે તમારી ભાવનાઓને કોમળ બનાવશો તો તમે તમારી ચારેય બાજુ અમૃત ઝરતું હોય એવો અનુભવ કરી શકશો. જીવનની સાર્થકતા આ અમૃતનો રસાસ્વાદ લેવામાં જ રહેલી છે.

પ્રેરણા દાયક પ્રવચન : જ્ઞાનયોગ એક સરળ સાધના

December 27th, 2009 No comments

જ્ઞાનયોગ એક સરળ સાધના :

દુનિયામાં લક્ષ્મી, વિદ્યા, પ્રતિષ્ઠા, બળ, પદ, મૈત્રી, કીર્તિ, ભોગ, ધનસંપત્તિ વગેરેને પુણ્ય ફળ માનવામાં આવે છે. આ બધાં જ્ઞાનરૂપી વૃક્ષનાં ફળો છે. જ્ઞાન વગર આમાંની એક પણ વસ્તુ મળી શક્તી નથી. પરમાર્થ માટે જ્ઞાનથી મોટી બીજી કોઈ વસ્તુ નથી. ભૂખ્યા માણસને એકાદ બે દિવસ ભોજન કરાવી દેવાથી કાયમની સમસ્યાનો ઉકેલ આવી જતો નથી.

એને કોઈ એવો રસ્તો બતાવવો જોઈએ કે એ માર્ગે ચાલીને તે પોતે આજીવિકા કમાઈ શકે. બીમારી કદાચ દવાથી દૂર થઈ જાય, તો પણ નીરોગી રહેવા માટે સ્વાસ્થ્ય સંબંધી જ્ઞાન હોવું જરૂરી છે. માત્ર દવાથી કાયમ માટે કોઈનો રોગ દૂર થઈ શકતો નથી, પરંતુ જ્ઞાનના આધારે દવા વગર પણ રોગ સારો થઈ જાય છે અને દિર્ધ જીવન મળી શકે છે. ચિંતા તૃષ્ણા, લોલુપતા, ઉદ્વેગ, ક્રોધ, શોક, ગભરાટ, નિરાશા વગેરે ભયંકર માનસિક અશાંતિ જીવનને ભારરૂપે અને નાટકીય બનાવી દે છે તે જ્ઞાનથી શાંત થઈ શકે છે.

ત્રણેય લોકોની સંપત્તિ મળી જવા છતાં ઉપરોકત અશાંતિની આગ બુઝાતી નથી, ઊલટી વધે છે. એમને બુઝાવનાર એકમાત્ર જ્ઞાન જ છે. સાંસારિક તથા પારલૌકિક શાંતિ મેળવવાની ચાવી જ્ઞાન જ છે.તુચ્છ મનુષ્ય એના બળે જ મહાપુરુષ અને મહાત્મા બને છે. માટે અવશ્ય જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.

પ્રેરણા દાયક પ્રવચન : જીવનનો સદુપયોગ

December 27th, 2009 No comments

જીવનનો સદુપયોગ   :

મનુષ્યના જીવનનો મોટો ભાગ આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં પસાર થઈ જાય છે. શારીરિક જરૂરિયાતો પૂરી કરવામાં જ સમય અને શક્તિનો મોટો ભાગ વપરાઈ જાય છે. આપણે વિચાર કરવો જોઈએ કે શું આટલું જ માનવજીવનનું લક્ષ્ય છે ? આ બધું તો પશુઓ પણ કરે છે. જો માણસ પણ એમાં રચ્યોપચ્યો રહે તો એનામાં અને પશુમાં શો ફેર રહે ? સૃષ્ટિના બધા જીવોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવવાના કારણે મનુષ્યની જવાબદારી પણ ઊંચી છે. જે પોતાના મહાન કર્તવ્ય તરફ ધ્યાન નથી આપતો તે ખરેખર મનુષ્ય તરીકેનું મહાન ગૌરવ મેળવવાનો અધિકારી નથી.

દુ:ખ અને અધર્મને દૂર કરીને ધર્મની સ્થાપના કરવી તે મનુષ્યના જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ઈશ્વરે મનુષ્યને જે યોગ્યતાઓ અને શક્તિઓ આપી છે એનો સદુપયોગ એ જ હોઈ શકે કે બીજાઓને મદદ કરવામાં આવે, એમને સુખી અને શ્રેષ્ઠ જીવન જીવવામાં સહયોગ આપવામાં આવે. શારીરિક જરૂરિયાતો પૂરી કરવા માટે શ્રમ કરવો જરૂરી છે, પરતું સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જીવનનિર્વાહ કર્યા પછી જે સમય અને શક્તિ બચે એનો ઉપયોગ ભલાઈ અને પરમાર્થમાં કરવો જોઈએ. જે મનુષ્ય સ્વાર્થ છોડીને પરમાર્થ  તરફ જેટલું ધ્યાના આપે છે તે એટલો જ પોતાના જીવનનો સદુપયોગ કરી રહ્યો છે એમ  સમજ્વું જોઈએ.

પ્રેરણા દાયક પ્રવચન : ઈશ્વર ક્યાં છે ?

December 27th, 2009 No comments

ઈશ્વર ક્યાં છે ?

ઈશ્વરને શોધવા માટે, એને મેળવવા માટે આપણે વિવિધ પ્રયત્નો કરીએ છીએ, છતાં એને મેળવી શકતા નથી.  કહે છે કે તે સર્વત્ર છે, સર્વવ્યાપી છે, છતાં તે આપણને કેમ દેખાતો નથી ? એને પ્રાપ્ત કરવામાં આખું જીવન પૂરું થઈ જાય છે, છતાં તે મળતો નથી.  અંતે નિરાશ થઈને કહીએ છીએ કે ઈશ્વર છે જ નહિ.

ભાઈ, ઈશ્વર છે,પરંતુ એને શોધવામાં તમે ભૂલ કરી રહ્યા છો. તમે એને ધનવૈભવથી મેળવી શકતા નથી. જો એને મેળવવો હોય તો પ્રેમ કરતાં શીખો. પ્રાણીમાત્રને પ્રેમ કરો, જડચેતનને પ્રેમ કરો, તમારા આત્માને પ્રેમ કરો. એને મેળવવા માટે જંગલમાં જવાની, ધૂણી ધખાવવાની કે ધનવૈભવ વેડફવાની કોઈ જરૂર નથી. તે જ્યારે સર્વત્ર છે તો તમારી અંદર પણ હશે.તે તમારા શરીરમાં આત્મારૂપે રહેલો છે.  શું તમે કદી તમારા આત્માના અવાજ તરફ ધ્યાન આપ્યું છે?  ના, એ જ કારણે તમે એને શોધવા છતાં મેળવી શકતા નથી.

વિચાર કરો કે જ્યારે તમે બોલો છો, ચાલો છો, કામ કરો છો, વિચારો છો અથવા તમને શુભકાર્ય કરવાની પ્રેરણા થાય છે તો તે પ્રેરણા ક્યાંથી થાય છે અને કોણ કરે છે?  જ્યારે તમે કોઈને દુ:ખ પહોંચાડવાનો વિચાર કરો છો અને તમને અંદરથી કોઈ રોકે છે કે એવું ના કરીશ, તે કોણ છે? તે આપણી અંદર બેઠેલો ઈશ્વર  જ છે.  તેથી ઈશ્વરને આપણી અંદર જ શોધવો જોઈએ.  ત્યાંથી જ તે પ્રાપ્ત થશે.

પ્રેરણા દાયક પ્રવચન : ધર્મનો સાર

December 27th, 2009 No comments

ધર્મનો સાર

જુદાં જુદાં મતમતાંતરો તથા સંપ્રદાયોનાં ગુંચવણભર્યા કર્મકાંડોની જંજાળમાં ભટકતા રહેવાથી ધર્મતત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. જે ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, સાચ અર્થમાં ધર્માત્મા બનવા ઈચ્છે છે તેમણે પોતાની ઈચ્છા, રુચિ તથા ટેવોની સખત આલોચના કરીને જોવું જોઈએ કે એમાં કંઈક એવું તો નથીને કે જે બીજાના અધિકારો પર તરાપ મારતું હોય. એમણે પોતાની સ્વાર્થપ્રરાયણતા, અનુદારતા, સંધરાખોરી, ભોગો ભોગવવાની ઈચ્છા વગેરેને ઘટાડવાં જોઈએ અને બીજી બાજું દયા, ઉદારતા, પરમાર્થ, પ્રેમ, સેવા, સહાયતા, ત્યાગ વગેરે સાત્ત્વિક પ્રવૃત્તિઓ વધારવી જોઈએ. સ્વાર્થની માત્રા જેટલી ઘટતી જાય છે અને પરમાર્થની માત્રા જેટલી વધતી જાય છે એટલો જ મનુષ્ય ધર્માત્મા તથા પુણ્યાત્મા બનતો જાય છે. આ માર્ગે ચાલતો મનુષ્ય સ્વર્ગ તથા મુક્તિ મેળવી શકે છે.

સંસારનાં બધાં દુ:ખો, કલેશ તથા સંઘર્ષોનું એકમાત્ર કારણ એ છે કે લોકો પોતાના માટે ઈચ્છે છે એવો વ્યવહાર બીજાઓ સાથે કરતા નથી. ખરીદવાનાં અને વેચવાનાં કાટલાં જુદાં જુદાં રાખે છે. આ ઘાતક નીતિ જ અશાંતિનું મૂળ છે. સ્વાર્થની હલકી ઈચ્છામાં આંધળા થઈને જ્યારે આપણે પોતાના માટે ખૂબ સારા વર્તનની ઈચ્છા રાખીએ છીએ અને બીજાઓની સાથે ખૂબ સારા વર્તનની ઈચ્છા રાખીએ છીએ અને બીજાઓની સાથે ખૂબ સારા વર્તન કરીએ છીએ ત્યારે તેનું પરિણામ કલહના રૂપમાં જ આવે છે. મનુષ્યને જે વ્યવહાર ગમતો નથી એવો જો બીજાઓ સાથે કરે તો તે પાપી છે.

પ્રેરણા દાયક પ્રવચન : પ્રેમ જ સુખ અને શાંતિનું મૂળ છે.

December 27th, 2009 No comments

પ્રેમ જ સુખ અને શાંતિનું મૂળ છે.

ભગવાને પોતાની સૃષ્ટિને સુંદર અને સુવ્યવસ્થિત બનાવવા માટે જડ અને ચેતન પદાર્થોને એકબીજા સાથે જોડી રાખ્યા છે. નિખિલ વિશ્વબ્રહ્માંડમાં ગ્રહનક્ષત્રો પોતપોતાના સૌરમંડળમાં આકર્ષણ શક્તિ દ્વારા એકબીજા સાથે જોડાયેલાં છે. જો આ સંબંધ સૂત્ર તૂટી જાય તો કોઈની પણ સ્થિરતા ન રહે. બધાં ગ્રહનક્ષત્રો એકબીજા સાથે અથડાઈ જાય અને આ સૃષ્ટિની સંપૂર્ણ વ્યવસ્થા ખોરવાઈ જાય. એ જ રીતે અંદરોઅંદર પ્રેમ સંબંધ ન હોય તો જીવધારીઓની સત્તા પણ સ્થિર રહી ન શકે. જરા કલ્પના તો કરો કે જો માતાનો પોતાના બાળક પ્રત્યે પ્રેમ ન હોય, તો કુટુંબની કેવી દયાજનક દશા હોય? આ ભ્રાતૃપ્રેમ, સ્નેહ સંબંધ નષ્ટ થઈ જાય તો સહકારના આધારે ચાલતી સામાજિક સંસ્થાઓ પૂરેપૂરી નષ્ટ થઈ જાય. આ સૃષ્ટિનું સામાજિક સૌંદર્ય નાશ પામે.

દરેક પ્રાણીના હ્રદયમાં પ્રેમની અવિરત ધારા વહે છે. જો આપણે સુખ શાંતિ અને સંપત્તિ મેળવવા માગતા હોઈએ તો એકબીજા સાથે પ્રેમભાવ રાખવો ખૂબ જ જરૂરી છે. બીજા સાથે ઉદારતા, દયા, મિઠાશ, ભલમનસાઈ અને ઈમાનદારીથી વર્તવું જોઈએ. જે લોકોએ પોતાની જીવનનીતિ પ્રેમમય રાખી છે, તેઓ ઈશ્વરે આપેલ માનવોચિત આજ્ઞાનું પાલન કરનાર ધર્માત્મા છે. આવા લોકો માટે જીવનની દરેક પળ સતયુગ છે કારણ કે તેઓ સ્વયં સતયુગી છે. એટલે બીજા પણ તેઓ સાથે સતયુગી આચરણ કરવા વિવશ બને છે. પ્રેમ જ સુખી જીવનની ચાવી છે.