પ્રેરણા દાયક પ્રવચન : કર્તવ્યપાલન
જે કાર્ય કરવાની સ્વીકૃતિ હ્રદય આપે તે જ મનુષ્યનું કર્તવ્ય છે, ધર્મ છે અને હ્રદય જે કાર્યો કરવાની ના પાડે તે ન કરવાં જોઈએ કારણ કે તે અધર્મ છે.
જે મનુષ્ય પોતાનાં કર્તવ્યોનું યોગ્ય રીતે પાલન કરે છે તે સદાચારી મનુષ્યને કદી કોઈ દુ:ખ સહન કરવું પડતુ નથી, કારણ કે તે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. તેની ઈશ્વર હંમેશા એના પર દયાદ્રષ્ટિ રાખે છે. મોટા ભાગે બહારથી જોતાં સદાચારી લોકો ગરીબ અને દુ:ખી લાગે છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. સદાચારી મનુષ્યમાં અસામાન્ય દૈવીશક્તિ હોય છે. જેનામાં એ દૈવીશક્તિ હોય તે દુ:ખી કયાંથી હોઈ શકે? સદાચારી આત્મિક રીતે ગરીબ હોઈ શક્તો નથી.
જો ખરેખર જોવામાં આવે તો સાચો ખજાનો સદાચારીની પાસે જ છે. એનો એ ખજાનો કદી ખાલી હોતો નથી. તેને વાપરવા છતાં તે વધતો જ રહે છે. સદાચાર અંગે ચિંતન કરવાથી જ આત્માને અપાર શાંતિ અને શીતળતા પ્રાપ્ત થાય છે. દુષ્ટોને સદાય પોતાના દુશ્મનોનો ભય સતાવતો હોય છે કે કયાંક તે અમારું અહિત ના કરી બેસે, જ્યારે સદાચારીને તો કોઈ દુશ્મન જ હોતો નથી. એને તો આખો સંસાર પોતાનો લાગે છે, પછી એને ડર કોનો?
ઈશ્વર ઈચ્છે છે કે દરેક મનુષ્ય આ સંસારમાં સારાં સારાં કાર્યો કરે અને અંતે પરમ મોક્ષનો અધિકારી બને.
પ્રેરણા દાયક પ્રવચન : પ્રભુની માયા.
જે મનમાં સમજે છે કે હું નથી જાણતો, પણ કહે છે કે હું જાણું છું તે જૂઠો છે. જેને ખબર છે કે હું થોડુંક જાણું છું, છતાં કહે છે કે હું જાણું છું તે ખરેખર જાણતો નથી, કારણ કે ઈશ્વરને પૂર્ણ રૂપે જાણવો તે ખરેખર અશક્ય છે.
જેને ખબર છે તથા કહે છે કે હું નથી જાણતો તે સાચું બોલે છે. જે સમજે છે કે હું અંશરૂપમાં જાણું છું અને કહે છે કે હું જણતો નથી તે થોડુંક જાણે છે, પણ છે અધૂરો. આ પણ પ્રભુની માયા છે. જેને ખબર છે કે હું જાણું છું અને નથી પણ જાણતો અને એવું જ કહે છે પણ ખરો તે બીજાઓથી વધારે જાણે છે, પરંતુ જે સમજે છે કે હું જાણું છું અને નથી પણ જાણતો અને એ જ કારણે ચૂપ રહે છે તે વાસ્તવમાં ખૂબ જાણે છે. આટલું જાણીને પણ જે પ્રભુના પ્રમમાં બધું જ ભૂલી જાય છે. તે પ્રભુમાં વિલીન થઈ જાય છે, તે ધન્ય છે.
જે જાણીને ભૂલી જાય છે, જે ભક્ત છે, અનન્ય પ્રભુપ્રેમી છે તે જ પ્રભુને પૂર્ણ રીતે જાણે છે. તે હવે શું બતાવે? એની પાસે બતાવવા જેવું કશું હોતું નથી. એનાં દ્રન્દ્ર દૂર થઈ ચૂક્યાં હોય છે. હવે કોણ બતાવે અને કોને બતાવે? બતાવવાની જરૂર પણ શી છે? આ જ પ્રભુની માયા છે.
જેની સાથે પોતિકાપણું જોડાઈ જાય છે તેને કષ્ટ આપી શકાતું નથી. પોતિકાપણાનો વિસ્તાર વધારો, જેથી કોઈને દુ:ખ આપવાનું શક્ય ન બને. પોતાના શરીર અને સંતાનને કોણ સતાવવા ઈચ્છશે?
યોગ્યતા વધારો અને પાત્રતા વિકસિત કરો, જેથી ઈચ્છિત વસ્તુઓ સરળતાથી મળી શકે. સમુદ્ર પાસે નદીઓ બોલાવ્યા વિના જ પહોંચી જાય છે.
જીભમાંથી નીકળેલા શબ્દો કાન સાથે અથડાઈને વિખરાઈ જાય છે, પરંતુ હ્રદયની વાણી કાળજામાં પેસી જાય છે અને પછી બહાર નીકળવાનું નામ લેતી નથી.
જેનું મન હારી જાય છે તે ઘણું બધું હોવા છતાં પણ અંતે પરાજિત થઈ જાય છે, જેની પાસે શક્તિ ન હોય તે પણ જો મનથી હાર ન માને, તો દુનિયાની કોઈ તાકાત તેને પરાસ્ત કરી શકતી નથી.
આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિની વૃતિને સ્વભાવમાં ઉતાર્યા વગર કયારેય પણ કોઈ વ્યક્તિનું ચારિત્ર્ય મહાન બન્યું નથી. વાસ્તવમાં આ બંને ચારિત્ર્યનિર્માણ માટેનાં મહાન સાધનો છે.
પ્રેરણા દાયક પ્રવચન : સાચો ધર્માત્મા કોણ ?
સાચા આધ્યાત્મિક મનુષ્યના હ્રદયમાં પ્રેમ, ઈમાનદારી, સત્યપરાયણતા, ઉદારતા, દયા, શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો ભાવ જાગે છે. આ બધા આત્માના સ્વાભાવિક ગુણ છે. એ જ મનુષ્યની સ્થાયી શક્તિઓ છે. આપણું સમગ્ર જીવન એ ગુણોના રંગે રંગાઈ ના જાય ત્યાં સુધી એમને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જે મનુષ્યમાં આ બધા ગુણો મોજૂદ છે તે જ સાચો આધ્યાત્મિક માણસ છે. આ સત્યના આધારે જ તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે.
ઈશ્વરભક્તિનો માર્ગ કોઈ ધર્મ વિશેષ યા કોઈ કર્મકાંડ પૂરતો સીમિત નથી. તે તો આત્માની ગંભીરતામાં વિધમાન છે.
માત્ર ઈશ્વર, ઈશ્વર એવું રટણ કરનારા ધર્માત્મા હોતા નથી. જે મનુષ્ય પરમાત્માના આદેશ પ્રમાણે અથવા એમણે બતાવેલા માર્ગ પર ચાલે છે તે જ માણસ ધર્માત્મા છે. ધન્ય છે એ માણસો કે જેઓ પરમાત્માનો અવાજ સાંભળે છે અને એ પ્રમાણે આચરણ કરે છે.
જે આત્મા આ સુંદર જીવનમાં પદાર્પણ કરે છે એના માટે અંતર્જ્ઞાનના દરવાજા ખૂલી જાય છે. શુદ્ધ હ્રદયવાળા મનુષ્યોને જ પરમાત્માનાં દર્શન થાય છે. આ દર્શનમાં જે આનંદ છે તેનું વર્ણન કોણ કરી શકે?
Recent Comments