શક્તિનો ભંડાર આપણું મન : ભાગ – 1/2
શક્તિનો ભંડાર આપણું મન
એકાગ્રતાની સાધના કરો :
હળવું ફૂલ, ખુશીની ભરપૂર જીવન જીવનારા માણસો નિરાંતે જીવન પસાર કરે છે. પ્રસન્નતામાંથી સમતા, શાંતિ, સાહસિકતા અને ઉમંગનો જન્મ થાય છે. પ્રસન્ન માણસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આજે આપણે માનવમન વિશે શીખીએ જે અનંત શક્તિનો ભંડાર હોય છે. આપણું મન એક ફળદ્રુપ ખેતર છે, જેમાંથી જે વસ્તુ ઇચ્છો સીધા માર્ગે પેદા કરી કરી શકો છો. જે તેનો યોગ્ય ઉપયોગ કરશે તે લાભ મેળવશે. જેવું વાવશે એવું લણશે. પણ મનની આ ક્ષેત્રતા કુદરતી નથી એને તૈયાર કરવી પડે છે. જેવી રીતે ઉપજાઉપણાનો ગુણ હોવા છતાં પણ બધી જમીનમાં ખેતી નથી થતી, તેને ખેતરનું રૂપ આપવા માટે પ્રયત્નો કરવા પડે છે, તે રીતે મનોભૂમિ પણ તૈયાર કરવી પડે છે. ત્યારે જ તે મનગમતું ફળ આપ્યા કરે છે. મનનું નિર્માણ છે – તેનું પરિમાર્જન અને તેની ફળદ્રુપતા છે – એકાગ્રતા સ્થિતિમાં લાવ્યા વિના તેની શક્તિઓનો લાભ ઉઠાવી શકાતો નથી. જીવનમાં કોઇપણ સફળતાનો સમાવેશ કરવા માટે માનસિક શક્તિઓનું ફરજિયાત મહત્વ છે. પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ અને સફળતાનો આધાર છે માણસની ક્રિયાશીલતા અને આ કાર્યશીલતાનું બધું સંચાલન મન વડે જ થાય છે. જેટલો વધારે માનસિક શક્તિઓનો સહયોગ મળતો જશે કાર્યશીલતા એટલી જ તીવ, પ્રખર બનતી જશે. મનની શક્તિ એકાગ્રતામાં રહેલી છે. જીવનવિકાસ માટે એકાગ્રતાની સાધના કરતા રહેવું જોઇએ. મનુષ્યનું એકાગ્ર મન તેની ઉન્નતિનો એકમાત્ર આધાર માનવામાં આવ્યો છે. જે માણસ પોતાના મનને એકાગ્ર કરી લે છે, તે કોઇ પણ કાર્યમાં તેની બધી શક્તિઓનો એકી સાથે પ્રયોગ કરી શકે છે. જેવી રીતે એક બહિગોર્ળ કાચ સૂર્યનાં કિરણોને એકત્રિત કરી કોઇને સળગાવી દેવાની શક્તિ મેળવી લે છે, તે રીતે એકાગ્ર મન પોતાની એકત્ર શક્તિઓ વડે કોઇપણ હેતુ સિદ્ધ કરી શકે છે.
આજ સુધી દુનિયામાં જેટલા માણસો ઉન્નતિના શિખરે ચઢી શકવામાં સફળ થયા છે,તેમાંથી કોઇ પણ એવો નથી, જે એકાએક એ સ્થિતિએ પહોંચી ગયો હોય. ઉન્નતિ કોઇ આકસ્મિક ઘટના નથી. તે ક્રમિક વિકાસ અને પ્રગતિની અસાધારણ પ્રક્રિયાનું પરિણામ છે, જેને એકાગ્રતાથી જ પૂરું કરી શકાય છે. ચંચળ મન અને ભટકતી વૃત્તિઓ દ્વારા એને પૂરું કરવું શકય નથી. માનસિક ચંચળતા માણસની બધી ક્ષમતાઓ વિખેરી નાખીને તેને નિર્બળ તથા નિરર્થક બનાવે છે.
મનને કોઇ એક નિશ્ચિત લક્ષ્ય પર કેન્દ્રિત કરવું તે તેની એકાગ્રતા છે. સૂર્યનાં કિરણોમાં ભયાનક આગ હોય છે. પરંતુ આખી સૃષ્ટિમાં ફેલાય છતાં તે કોઇપણ ચીજને ગરમ તો કરે જ છે પણ સળગાવી નથી શકતાં. તેનું કારણ એ છે કે સૂર્યની અગ્નિનો થોડો ભાગ અલગ અલગ વેરાયેલાં હોય છે પણ જયારે તે કોઇ ઉપાય વડે એકાગ્ર કરીને પ્રયોગ કરવામાં આવે છે, તો તરત જ ભયંકર અગ્નિનું રૂપ ધારણ કરી લે છે. વૈજ્ઞાનિકોનું કથન છે કે જો કોઇ ઉપાયથી સૂર્યનાં વેરાયેલાં કિરણોને કોઇ સાધન વડે એક સ્થાન પ એકત્ર કરી એને જે દેશામાં મોકલવામાં આવે તો તેઓ તે દિશાની બધી વસ્તુઓને રાખ કરી દે છે. કોઇપણ શક્તિઓનું એકત્રીકરણ જ એની એકાગ્રતા છે જેનાથી કોઇપણ હેતુ સિદ્ધ કરી શકાય છે.
મનને સાધવું અશકય નથી :
એ વાત સાચી છે કે મન સ્વભાવથી જ ખૂબ ચંચળ અને પ્રયત્નશીલ હોય છે. તો પણ મુશ્કેલીથી વશ થાય છે. તો પણ તેને એકાગ્ર કરવું અશકય કદાપિ નથી. થોડા ઉપાયોથી તેને વશ કરીને એકાગ્ર બનાવવામાં આવે, માણસ તેના મનને કોણ જાણે દુનિયાની કેટલીયે નાની નાની વાતોમાં ફસાયેલું રાખે છે, એમાંથી મોટાભાગની તો એવી જ હોય છે જેનું કોઇ પ્રયોજન નથી હોતું કે નથી હોતો જીવનમાં એનો કોઇ ઉપયોગ માણસ આ દુનિયાની તમામ નકામી અને બિનજરૂરી વાતોને છોડીને પોતાના મનને કોઇ ચોક્કસ ઘ્યેય,પ્રયોજન અથવા લક્ષ્યમાં લગાડે, મન એક જ હોય છે તે કોઇ એક જ હેતુમાં સંપૂર્ણ રીતે લગાવી શકાય છે. તે એક વખતે એક જ કામ કરી શકે છે. જે એક કામમાં મનને સંપૂર્ણ રૂપે નિયોજિત રાખવામાં આવશે, તે કાર્ય ચોક્કસ સફળ થશે, એમાં જરા પણ શંકા નથી.
આ નકામી ઉત્સુક-વૃત્તિથી બચવા માટે માણસે જોવું જોઇએ કે પોતાની વિચારધારાને નિરંકુશ થવા દે. બધી વિચારધારા પોતાના ઘ્યેયના ચિંતનમાં જ લગાડવી જોઇએ. જે લોકો પોતાના ઘ્યેયથી અલગ પોતાની વિચારધારાને વહેવા દે છે, તેમનું મન અસ્તવ્યસ્ત અને ચંચળ જ બની રહે છે, તે છિન્નભિન્ન થઈને આમતેમ ભટકતું રહે છે જેનાથી તેની શક્તિ વિકાસ પામતી જે જીવનની સફળતા માટે જરૂરી છે.
વિચારધારાનો પ્રકાર સંગ અને સાહિત્યથી નિર્માણ થાય છે. માણસ જેવા લોકો સાથે રહે છે અને જે પ્રકારનું સાહિત્ય વાંચે છે,તેની વિચારધારા તે રીતની બને છે. વાતોડિયા, વાચાળ અને ગપ્પીદાસ લોકોનો સંગ કરનારા પણ મોટેભાગે તેવા જ થઈ જાય છે. જાસુસી વાર્તાઓ, નવલકથાઓ અથવા કામોત્તેજક સાહિત્ય વાંચનારાઓનું મન એકાગ્ર નથી થઇ શકતું. ઘણા લોકો છાપાઓમાં છપાતા સનસનાટીભર્યા અને વિચિત્ર સમાચારો વાંચવામાં જ રુચિ રાખે છે. આવા લોકો પણ પોતાનું મન એકાગ્ર કરવામાં સફળ નથી થતા. મનની એકાગ્રતા માટે ગંભીર, શીલવાન અને ઉચ્ચ કોટિના લોકોનો જ સંગ કરવો જોઇએ અને એવું સાહિત્ય વાંચવું જોઇએ. હલકું સાહિત્ય અને હલકો સંગ માણસને સ્વભાવથી જ ચંચળ અને હલકો બનાવે છે. જે વિચાર અથવા કાર્ય મનમાં ચિંતા કે ખળભળાટ પેદા કરનારાં હોય છે તેનાથી એકાગ્રતાના ઉદ્દેશ્યને નુકસાન થાય છે.
વિચારોની શક્તિ મહાન :
મનની એકાગ્રતાનો બીજો અર્થ છે વિચારોની એકાગ્રતા. વિચાર નકામી ચીજ નથી. ઘણા લોકો એ વાતની ચિંતા નથી કરતા કે તેમના મન મગજમાં કેવા પ્રકારના વિચારો આવતા જતા રહે છે. ગંદા અને નકામા વિચારો આવવા છતાં તે તેમાં તણખલાની જેમ વહેતા રહે છે. તેઓ સમજી શકતા નથી કે એનાથી તેમને શું અને કેટલું નુકશાન થવાનું છે. વિચાર એક શક્તિ છે. અમોધ શક્તિ. તે માણસના સંપૂર્ણ જીવન પર પોતાનો સ્થાયી પ્રભાવ પાડે છે. પોતાને અનુરૂપ તેને હાનિ લાભ તરફ લઈ જતા રહે છે.
જેનું મન-મગજ ઉત્સાહ અને આશાપૂર્ણ વિચારધારાથી ચાલે છે; જેમના વિચાર અને આદર્શ ઊંચા હોય છે; જે હંમેશા આગળ વધવા, ઊંચે જવા અને જીવનમાં કોઈ મોટું કામ કરવાની વાત વિચારે છે, ચોક્કસ તેઓ એક દિવસ પોતાના આ ઉદ્દેશ્યમાં સફળ થાય છે. જે રીતે નિરર્થક, હેતુરહિત અને વૈવિઘ્યપૂર્ણ વિચાર મનુષ્યને ચંચળ અને એના મનની શક્તિઓને છિન્ન-ભિન્ન કરી નાખે છે, તે રીતે તેના ઊંચા ઉદ્દેશ્યપૂર્ણ અને આદર્શવાદી વિચાર તેમાં ગંભીરતા અને એકાગ્રતા પેદા કરે છે. વિદ્વાન મનોવિજ્ઞાની સોલોમને એક જગ્યાએ લખ્યું છે - “મનુષ્ય ચુપચાપ મનમાં જેવા વિચાર લઈને ફરે છે તેવો જ તે બને છે“ પણ મોટી મોટી વાતો કરવાથી કંઇ થતું નથી. આપણા કથનમાં આપણા સંકલ્પનું સત્ય હોવું જોઈએ. જે વિચારોમાં પૂર્ણ સત્ય, દઢતા, અને આસ્થા હશે, તે વિચારો પાછળ સર્જનશક્તિ નિવાસ કરે છે.
વિચારશીલ બનો :
જીવનમાં સફળતા મેળવવા માટે માણસે ચિંતક અને વિચારશીલ હોવું અત્યંત જરૂરી છે પણ એનો એ અર્થ કદી નથી કે ગમે તેવા વિચાર આવી જાય, તેમનું જ ચિંતન-મનન કરતા રહેવામાં આવે. પોતાના મન અને મગજમાં આવનારા વિચારોને એકઠા કરતા રહેવું જોઇએ. માણસના મગજમાં રોજ હજારો વિચાર આવ્યે – જાય છે, પણ તે બધા ઉપયોગી અને સાર્થક હોય તે જરૂરી નથી. મગજમાં હર ક્ષણ આવતા વિચારોને જોવા પરખવા જોઇએ અને જે વિચાર પોતાના ઉદ્દેશ્ય અને હેતુ માટે જરૂરી અને ઉપયોગી જણાય તેમને તો રહેવા દેવામાં આવે અને બાકીના બધા બેકાર વિચારોને કાઢીને ફેંકી દેવા જોઇએ.
જો કે વિચારોને રોકવા અને કાઢીને ફેંકી દેવામાં થોડી મુશ્કેલી જરૂર પડે છે તો પણ થોડા અભ્યાસ વડે આ સરળ બનાવી શકાય છે. થોડો સમય સાવધાન તથા સક્રિય રહ્યા પછી માણસનો સ્વભાવ જ એવો બની જશે તે તેની ચિંતનધારામાં બિનજરૂરી વિચાર પ્રવેશ જ નહિ કરી શકે. આ રીતે જ્યારે મનમાં શુદ્ધ તથા સુંદર વિચાર દ્રઢ થવા લાગશે તો તે પોતે પણ પોતાનાથી વિરોધી વિચારોને પોતાના ક્ષેત્રમાં નથી રહેવા દેતા. વિચાર વિચારોને પોતે જ બોલાવે કે ભગાડી મૂકે છે.
મનની એકાગ્રતાની પ્રાપ્તિ થતાં જ માણસની અંદર સૂતેલી બધી શક્તિઓ જાગી ઊઠશે, જેની તાકાત પર આ અશક્ય દેખાતાં કામોને પણ શકય બનાવે છે. તૂટેલું મન અને અસ્તવ્યસ્ત શક્તિથી દુનિયામાં કોઇપણ મોટું કામ નથી કરી શકાતું. પોતાની શક્તિઓનો સંકલિત ઉપયોગ જ તે ઉપાય છે, જેનાથી કોઇ પણ કાર્યની સિદ્ધિ મેળવી શકાય છે. પરંતુ આ ઉપાયનો પ્રયોગ એક માત્ર એકાગ્ર મન પર જ આધારિત છે. ભલે, માનવીએ અભ્યાસ અથવા સાધના દ્વારા માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવા જોઇએ.
મનને તાલીમ આપો :
વાદળાંનું પાણી જમીન પર પડે છે. જમીન પરથી ઢાળ પર વહેતી નદીઓમાં જાય છે અને નદીઓ સમુદ્રના ગહન ઊંડાણમાં જઈ પડે છે. પતનનો આ સ્વાભાવિક ક્રમ છે. મનને જો રોકવામાં ન આવે તો તે પણ આ દિશામાં સ્વાભાવિક રીતે નીકળી પડશે. એટલા માટે વરસાદના પાણીને સમુદ્રમાં વહી જતું બચાવીને કોઈ ઉપયોગી કાર્યમાં લગાવવું કે વિશિષ્ટ દિશામાં વહાવવું હોય તો એના પર પણ નિયંત્રણ રાકવું પડશે. પશુઓને ખીલે બાંધીને જ ધારેલાં કામોમાં રોકી શકાય છે, નહિતર તે રખડતાં છોડી દેવાય તો જેના-તેના ખેતરને ઉજાડી દેશે, નિરર્થક ફરશે અને અંદરોઅંદર લડશે. એટલા માટે એમને શિસ્તમાં રાખવા માટે મર્યાદાઓનો ડેરો નાખવો અને બંધન બાંધવાં પડશે. મજબૂત અને ઊંચો બંધ બનાવીને જ નદીઓ માંથી સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવે છે.
મનને ચિંતનની તાલીમ આપવા માટે તેને સંયમનું બંધન સ્વીકારવા માટે તાલીમ આપવી પડશે. ઈન્દ્રિય-સંયમ, અર્થ- સંયમ, સમય- સંયમ, અને વિચાર- સંયમ, શીખી લો તો સમજવું જોઈએ કે અબુધ મન ઉંમરલાયક થઈ ગયું. માણસની અભિલાષાઓને માગણીઓને કોઈ પૂરી કરી શક્તું નથી. તૃષ્ણાની ખાઈ એટલી ઊંડી છે કે તેના માટે અનેક જન્મોનો પરિશ્રમ ખપાવી દેવામાં આવે તો પણ તેને ભરી શકાતી નથી છેવટે અત્યારે કે પછી ક્યારેક આ વિડંબનાઓમાંથી કલ્પનાઓને ઉગારવી પડશે તો તેના માટે ચિંતન પર અંકુશ લગાવવા, ઈચ્છાઓ પર અંકુશ લગાવવા સિવાય બીજો કોઈ માર્ગ મળશે નહીં.
સમયનું ઉત્તમ આયોજન કરો :
ચિંતન ઉપરાંત માણસની મોટી શક્તિ છે- પ્રયાસ, શ્રમ તથા સમયનું આયોજન.જીવનનું તાત્પર્ય વર્ષોની લંબાઈ નહિ પરંતુ એ છે કે તેના સમયનાં એકમોનો કેવી રીતે, ક્યા હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો. ઘણા થોડા દિવસ જીવે છે પરંતુ અભિમન્યુ અને ભગતસિંહની જેમ, વિવેકાનંદ અને રામતીર્થની જેમ ટૂંકા આયુષ્યમાં જ પોતાને, પોતાના સમાજને કૃતકૃત્ય કરી જાય છે. કેટલાયે એવા હોય છે જે પરમ અવધિ સો વર્ષ સુધી જીવી લે છે, પણ રહે છે બીજાઓ પર ભાર બનીને જ. આવા લાંબા જીવનથી શું પોતાને કે શું બીજાને લાભ? સંગ્રહખોરોનું જીવન મધમાખીઓ સમાન હોય છે, આખો દિવસ તે મહેનત કરે છે અને તે સંગ્રહનો લાભ કોઈ બીજો ઉઠાવે છે. મનને સમજાવવું જોઈએ. મોહવશ થઈને બધો સમય ગુમાવવાથી કોઈ લાભ નથી. મનને સમજાવવું જોઈએ કે જે રીતે નર્યા સ્વાર્થી ચિંતનમાં પોતાની બુદ્ધિ લગાવવામાં આવે છે, એ રીતે એ પણ જોવું જોઈએ કે જીવન સમૃદ્ધિનો ઉપયોગ માનવોચિત રીતથી થયો કે નહિ? મનુષ્યને વધારે બુદ્ધિમત્તા, વધારે ક્ષમતા અને પ્રતિભાથી ભરેલું જીવન આપવામાં આવ્યું છે.
તે માત્ર શરીરયાત્રા માટે ખર્ચી નાખવું જોઈએ નહિ, જેવી રીતે જીવ-જંતુઓનું હોય છે. વૈભવ વધારીને ઠાઠ-માઠ કરવામાં આપણને પણ મિથ્યાભિમાન સિવાય બીજું શું મળે છે? ઉપયોગની એક મર્યાદા હોય છે. એના પછી જે બચે છે, તેને બીજા મફતિયા જ હડપ કરી જાય છે અને હરામની કમાણીને ફૂલઝડીની જેમ સળગાવે છે. હોઈ શકે છે આ મફતિયા કહેવાતા કુટુંબ-સંબંધી જ કેમ ન હોય?.
મન ખોલતી વખતે સાવધાન રહો :
સામાન્ય રીતે જણાયું છે કે આપણે મનની વાત કોઈની આગળ સહજ રીતે કહીએ છીએ. આ ટેવ મોટેભાગે નુકસાનકારક હોય છે. ક્યારેક તો તમારી વાતથી તમારો ઉદ્ધત અહંકાર અભિવ્યકત થવા માંડે છે તો કદીક હલકટતા. બંને સ્થિતિ નુકસાનકારક છે. એવું જોવા મળ્યું છે કે લોકોને પોતાની બીમારી, ગરીબી, નિષ્ફળતા, દુર્ભાગ્ય, તિરસ્કાર, નુકસાન, આફત વગેરેનું વર્ણન સવિસ્તાર બીજાઓને સંભળાવવામાં ખૂબ રસ પડે છે અને ઘણીવાર તો તેમાં મીઠું-મરચું ભભરાવીને વાત વધારીને કહે છે. આવા લોકો એ આશા રાખે છે કે સાંભળનાર પોતાના તરફ સહાનુભૂતિ પ્રગટ કરશે, દુ:ખી થશે, દયા કરશે અને દુ:ખી સમજીને એમના માટે સહાયતા કે પ્રેમનો ભાવ રાખશે. પરંતુ આ આશા ખાસ કરીને ઠગારી નીકળે છે.
આ દુનિયામાં એવો કાયદો છે કે જે સુખી, સ્વસ્થ, સમૃદ્ધ, સંપન્ન, સફળ સૌભાગ્યશાળી તથા સમર્થ હોય છે તેમને જ બીજાઓની સહાનુભૂતિ અને સદ્દભાવ મળે છે. સહુ કોઈ પહેલાં પોતાના સ્વાર્થને મહત્વ આપે છે પછી બીજાની તરફ જુએ છે. કમભાગીની આત્મકથા સાંભળીને સાંભળવાવાળો વિચારે છે એના પર નસીબનો કોપ છે, પાપોનું ફળ ભોગવી રહ્યો છે, આળસુ કે અયોગ્ય છે, આવા માણસથી દૂર રહેવું જ સારું. જો એની સાતે રહીશું તો કોઈને કોઈ રીતે ગુસ્સે થવું પડશે. આવા મિત્રો રાખવાથી સમાજમાં મારી પ્રતિષ્ઠા ઘટશે. આ બધી વાતોને વિચારતો, સાંભળનારો એ વખતે શિષ્ટાચાર ખાતર ચાર શબ્દો ભલે કહે કે ભાંગીતૂટી સહાયતાના ટુકડા ભલે ફેકે પણ મનોમન તે ઠપકો આપ્યા કરે છે, શુષ્કતા અને ઉદાસીનતા પ્રગટ કરવા લાગે છે. આ રીતે તે આશા નકામી સાબિત થાય છે, જેનાથી પ્રેરિત થઈને માણસ પોતાનાં દુ:ખો બીજાને સંભળાવે છે.
Recent Comments