Home > ઋષિ ચિંતન > યુગ ઋષિની અમરવાણી ભાગ – 2 : પં. શ્રી રામ શર્મા આચાર્ય

યુગ ઋષિની અમરવાણી ભાગ – 2 : પં. શ્રી રામ શર્મા આચાર્ય

December 5th, 2009 Leave a comment Go to comments
Shriram Sharma Acharya

વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી   અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના  અમૃત વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે.

1.           પરિવર્તન જ જીવન :

જીવનમાં દરરોજ બે રંગવાળી ઘટનાઓ બનતી રહે છે. આજે લાભ છે તો કાલે નુકસાન. આજે બળવાન તો કાલે બીમાર, આજે સફળતા તો કાલે અસફળતા. દિવસ રાતના ચક્ર જેવું જ સુખદુ:ખનું, આબાદ-બરબાદી, ચડતી-પડતીનાં ચક્રો ઘૂમતાં જ રહે છે. તે તો શક્ય જ નથી કે કાયમ માટે એક જ સ્થિતિ રહે. નિર્માણ પામ્યું છે તે નાશ પામવાનું છે, જે બગડેલું છે તે સુધારવાનું છે. શ્વાસોનું આવવું જવું જ જીવન છે. શ્વાસ ચાલતો બંધ થઈ જાય તો જીવન પણ પૂરું થઈ જશે. કાયમ એક જ પરિસ્થિતિ રહે, પરિવર્તન બંધ થઈ જાય તો સંસારનો ખેલ જ પૂરો થઈ જશે. એકના લાભમાં બીજાને નુકશાન અને એકના નુકશાનમાં બીજાને લાભ. એક શરીરનું મૃત્યું જ બીજા શરીરનો જન્મ છે આ ખારું અને ગળ્યું, નુકશાન અને લાભ આ બંને પ્રકારના સ્વાદ ઈશ્વર દ્વારા એટલા માટે બનાવવામાં આવ્યા છે, જેથી મનુષ્યને બંનેના અંતર અને મહત્વ સમજ પડે.

2.             આત્મસ્થિત મનુષ્ય  :

આત્મસ્થિત મનુષ્યનું મર્મસ્થળ સ્વસ્થ હોવાથી તે સદા પ્રસન્ન રહે છે. તેના ચહેરા પર ખુશી નાચતી હોય છે. ચહેરો કાયમ હસતો, મુસકુરાતો, ખીલેલો દેખાય છે. તેની વાણીમાંથી મધ ટપકે છે અને બોલે ત્યારે ફુલ ઝરતાં લાગે છે. સ્નેહ, નમ્રતા, આત્મીયતા, સૌજન્ય અને પરોપકારનું મિશ્રણ એકરસતા થવાથી તેની વાણી ઘણી જ સરળ અનેમનને વશ કરનારી બને છે.

સ્વસ્થ આત્મામાં સ્થિત વ્યક્તિ બાળકોના જેવો સરળ, છળકપટ વગરનો, પવિત્ર મનનો હોય છે. તેને દરેક પ્રત્યે મમતા, આત્મીયતા, દયા અને સહાનુભૂતિ હોય છે. તે કોઈનું ખરાબ નથી ઈચ્છતો કે નથી હોતી કોઈના પ્રત્યે ઈર્ષા. ઈશ્વર ઉપર વિશ્વાસ હોવાથી, તે ભવિષ્યના માટે આશાવાદી અને નિર્ભય હોય છે.

ફળસ્વરૂપ અપ્રસન્નતા તેની પસે ફરકતી નથી અને આનંદ તથા ઉલ્લાસથી તેનું અંત:કરણ ભરેલું રહે છે. આ આનંદથી ભરેલી સ્થિતિ તેના મુખારવિંદ અને વાણી દ્વારા હંમેશા છલકાતી રહે છે. આપણે સૌએ આ પ્રયત્નમાં લાગી જવું જોઈએ.

3.             વિનાશી શરીર દ્વારા અવિનાશી ભગવાનની પ્રાપ્તિ

જીવનનો ઉદ્દેશ્ય રૂપિયા પૈસા પેદા કરવાનો નથી. ઘાંચીના બળદની જેમ દિવસ રાત રૂપિયા પૈસા ભેગા કરવામાં લાગ્યા રહેવું, જીવનનું અંતિમ લક્ષ્ય નથી. જેના માટે તમે આટલો પરિશ્રમ કરો છો એ ચીજો તો સૂવર અને કુતરાની યોનિમાં પણ મળે છે. તવંગરના કૂતરા પણ મોટરોમાં મહાલતા હોય છે. દૂધ જલેબી ખાતા હોય છે. પોતાની કુતરી સાથે તે કામનાની સિદ્ધિનો આનંદ પણ મેળવે છે પરંતુ તેને સાચું સુખ પ્રાપ્ત થતું નથી.

સાચું સુખ તો ભગવાનની પ્રાપ્તિમાં જ છે. આ સંસારી સુખ તો ઈચ્છા ન કરવા છતાં પણ મળી જશે કારણ કે તે તો નસીબ પર નિર્ભર છે. તમે તમારા પરિશ્રમ વડે પેટને પોષો છો. લખપતિ, કરોડપતિ થવું તે તો નસીબનો ખેલ છે, જેમ કોઈ દુ:ખની ઈચ્છા નથી કરતું. કોણ ઈચ્છે છે કે તે બીમાર પડે ? પોતાના ઘરની વ્યક્તિનું મૃત્યું થાય? વેપારી નથી ઈચ્છતો કે તેને નુકશાન થાય. પરંતુ ઈચ્છા ન કરવા છતાં રોગ, શોક, નુકસાની વગેરે આવે છે, ઈચ્છા ન કરવા છતાં આ વસ્તુઓ નસીબ પ્રમાણે મળે છે. તે જ રીતે સંસારના ભોગો પણ મળશે. તેની જ પ્રાપ્તિ માટે રાતદિવસ મચી પડવું, આને પુરુષાર્થ ન કહેવાય. અરે, પુરુષાર્થ તો એ છે કે આ નશ્વર શરીર દ્વારા શાશ્વત ભગવાનને પ્રાપ્ત કરી લઈએ. આ વિનાશી શરીર દ્વારા અવિનાસી ભગવાનની પ્રાપ્તિ કરીએ.

4.             માનસિક ચિંતાઓ :

આનો જન્મ ઘણા વિચાર કરવાથી થાય છે. કેટલીક વ્યક્તિઓ એટલા સંવેદનશીલ હોય છે કે તે નાનો સરખો માનસિક આઘાત પણ સહન કરી શકતા નથી. ટીકા, ટિપ્પણ, મશ્કરી, આલોચના અથવા પોતાના માટે થતી વાતો સાંભળીને ઉશ્કેરાઈ જાય છે. કોઈ વળી દિવસ રાત નિરાશાના તાણાવાણા ગૂથયા કરે છે. ક્યાંક અસફળતા મળી તો તેને માટે ચિંતા કર્યા કરે છે. ભવિષ્યમાં શું થશે? અમારી નોકરી રહેશે કે છૂટી જશે? બાળકોનું ભણતર કેવું ચાલશે? છોકરીઓનાં લગ્ન કેવી રીતે થશે? બજારમાં વસ્તુઓ મોંઘી છે, તો પરિપૂર્તિ કેવી રીતે થશે? આ ચિંતાઓથી ગ્રસ્ત રહેવાવાળા વ્યક્તિએ જાણવું જોઈએ કે પરમેશ્વરના હાથ એટલા લાંબા છે કે તે આ બધાં કાર્યોને પૂરા કરવાના જરૂરી ઉપાયો શોધી કાઢશે.

આપણે અસફળતા, નિરાસા, કમજોરીનો અનુભવ કરવો ન જોઈએ. ભવિષ્ય ઉજ્જવળ છે. ત્યાં સુધીમાં આપણી શક્તિઓ પણ એટલી બધી વધી જશે કે આપણે સૌ તે વધેલી જવાબદારીઓને પૂરી કરી શકીશું. જો આપણી જવાબદારીઓ વધરી જશે તો સાથે સાથે આપણી શક્તિઓ, યોગ્યતા, જમા ધનરાશિ, સમાજમાં માનપાન પણ વધતું રહેશે. આપણી માનસિક બૌદ્ધિક સંપદાઓ પણ નિરતર વધવા લાગશે. આપણા મિત્રો, સગાસંબંધીઓ પણ આપણી સહાયતા કરવા તૈયાર છે. એટલા માટે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. ફિકર શાની કરવી, આવવાવાળો સમય આપણા માટે ઉજ્જવળ હશે.

આપણાં બાળકો મોટાં થઈને એ સ્થિતિમાં પહોંચી જશે કે આપણું ભરણ પોષણ કરી શકશે. ચિંતા ન કરો, ઠંડા દિલથી પ્રત્યેક મુશ્કેલીઓ પ્રત્યે વિચારો. સમસ્યાઓને હલ કરવાનો કોઈ રસ્તો શોધો. શ્રમ કરો, ચિંતા કરવાથી શું મળશે? જો તમે પોતે વિચારી નથી શકતા તો મિત્રોની, પત્નીની, અધ્યાપકની અથવા પછી કોઈ વિશેષજ્ઞની સલાહ લો. બીજાનેં તમારી મુશ્કેલી ઉકેલવાનો અવસર આપો.

કોઈ એવી વિકટ સ્થિતિ નથી હોતી કે જેને ઉકેલી ન શકાય. થોડો જ વિચાર કરવાથી કોઈને કોઈ ઉપાય જરૂર મળી આવશે જેનાથી પરિસ્થિતિને સંભાળી શકાય.

5.             પવિત્ર ઈચ્છા – યશની કામના નહીં :

આત્મનિર્માણ યશની કામનાથી જુદી વસ્તુ છે. પોતાના સદ્દગુણોને લીધે પ્રતિષ્ઠા મેળવવી પોતાના ઉચ્ચ ચરિત્ર, આદર્શ જીવન, પરોપકાર સાધના તથા લોકસેવા દ્વારા યશ પ્રાપ્ત કરવાની આંતરિક સંતોષ પ્રાપ્ત થાય છે અને અંતરાત્મામાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસની અભિવૃદ્ધિ થાય છે. આ પ્રોત્સાહનથી, સફળતાથી મનોબળ વધે છે અને આગળ ઉપર વધુ ઉત્સાહથી આવાં પુણ્ય કાર્ય, સતોગુણી આચરણ કરવાની ઈચ્છા થાય છે, જે પોતાનો આ જન્મ તથા મૃત્યું સુધારવા અને પુણ્ય ભેગું કરવા માટે જરૂરી છે.

આત્મગૌરવ, આત્મસન્માન, આત્મકલ્યાણ, આત્માઆનંદ, આત્મપ્રતિષ્ઠા, આત્મસંતોષ પ્રાપ્ત કરવાથી મનુષ્યનો અંતરાઆત્મા સંતુષ્ટ થાય છે. આથી તેના માટે પ્રયત્ન કરવો એ દરેક પ્રકારથી ઉચિત અને જરૂરી છે. સ્વર્ગ, મુક્તિ, આત્મસન્માન, અથવા યશના નિમિત્તે પણ આ સદ્દવિચારો અને સત્ કર્મોનું આયોજન થાય તો આ સાત્વિક અભિલાષા એક પ્રશંસનિય પ્રક્રિયા બનશે. આ યશની કામના નહીં પરંતુ આત્માનો સંતોષ છે. આ નિંદા કરવા યોગ્ય નહીં પરંતુ આવકારવાદાયક છે.

6.             સકારાત્મક ચિંતનથી જ્ઞાન મેળવો :

સંસારમાં એવું કોઈ કાર્ય નથી જે તમે પૂર્ણ ન કરી શકતા હો. જે કાર્ય, જે સફળતાઓ, જે આશ્ચર્યજનક પરિણામો એક વ્યક્તિ પ્રાપ્ત કરી શક્તો હોય તે સૌના જેવી સામર્થ્યતા તમારામાં પણ રહેલી છે. જે પ્રતિભા, જે બુદ્ધિ, સામર્થ્ય એક વ્યક્તિની પાસે છે તે જ તમારામાં એક બીજ રૂપમાં મોજૂદ છે. તમે જે ઈચ્છશો તે જ કરશો. તમે જે માંગશો તે જ પ્રાપ્ત કરી શકશો. જો તમે સુખ સ્મૃદ્ધિની માંગણી કરશો તો તમને સુખ પ્રાપ્ત થશે જ. જો મુક્તિની ઈચ્છા રાખશો તો મુક્તિ મળશે. સંસાર તો કલ્પવૃક્ષ છે તેની પાસેથી તમે જેની ઈચ્છા રાખશો તે તેનું જ પ્રદાન કરશે. તમે વૈભવના માટે તેની સામે હાથ ફેલાવશો તો તમારા માટે રત્નાકર, વસુન્ધરા અને હિમાલયનાં મુકતામણિ ખોલી દેશે. તમે આનંદપ્રાપ્તિને માટે પ્રાર્થના કરશો તો તમારા માટે સ્વર્ગ તૈયાર થઈ જશે. જે તેને હર્યાભર્યા રમતના સ્થાન તરીકે જોવાની આદતવાળા છે તેમના માટે નિત્ય શાશ્વત અને આનંદધામ બની જશે. ફકત એકાગ્રચિત્ત થઈ ઉત્તમ અને ઉચ્ચ વિચારોને કાર્ય રૂપમાં પ્રગટૅ કરવાનું શીખી લો. આ તમારી સૌથી ઉત્કૃષ્ટ શક્તિ છે. એને ઈચ્છિત કાર્યોમાં લગાડવાથી અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

તમે આજથી અત્યારથી જ ર્દઢ સંકલ્પ કરો કે હું નકામી વિચારધારામાં લીન રહીશ નહીં. મારી કાર્યશક્તિ અનંત છે. મને પૂર્ણ અનુભવ થઈ ગયો છે કે મનુષ્ય જે કાર્ય કરે છે તેનું જ ફળ તે મેળવે છે. મારી પ્રગતિ કે અધોગતિ, માન કે અપમાન મારા કાર્ય ઉપર નિર્ભર છે. ઉત્તમ કાર્ય, ઉચિત કાર્ય અને નિરંતર સાધનાથી જોડાયેલા રહો. સારી ભાવના માટેના વિચારો જ ઉત્તમ જીવનનું નિર્માંણ કરે છે.

7.             આનંદને અંદર શોધો :

સમાજમાં એવા મનુષ્યોની ખોટ નથી કે જેની સામે વૈભવનો સંપૂર્ણ વિલાસ નાચી રહ્યો છે. દરેક પ્રકારની સુવિધાઓ તેમના માટે ઉપલબ્ધ છે. મોટરો છે, બંગલા છે, નોકરો છે, યશ છે, આખું કુટુંબ ભર્યું ભર્યું છે. સારો વેપાર અથવા જમીનજાગીર છે, ધનની કોઈ ચિંતા નથી. કાલે શું થશે તે ચિંતાનો અનુભવ તેમણે સ્વપ્નમાં પણ કર્યો નથી. છતાં પણ જીવન અતૃપ્ત અને અશાંત છે. વૈભવના ભાર તળે તેઓ એવા દબાઈ ગયા છે કે દિવસે દિવસે જીંદગી અચેતન થતી જાય છે. જીવનનું સુખ, ધન અને વૈભવની લાલસામાં અને તેમાંથી ઉત્પન્ન થયેલા નાનાં મોટા પ્રલોભનોમાં ડુબી ગયું છે. બધું જ છે પરંતુ કોને ખબર શું નથી કે જેના લીધે બધું જ ફિક્કું અને બેસ્વાદ થઈ ગયું છે. રાતદિવસ એક નસામાં ભૂલો પડેલો આત્મા જીવનયાત્રા પૂરી કરી રહ્યો છે. સુખ નથી, નથી શાંતિ તૃપ્તિ નથી કે નથી આનંદ.

એ સ્પષ્ટ છે કે મનુષ્યનો આનંદ એની પોતાની વસ્તુ છે અને પોતાની અંદર રહેલો છે. એને શોધવા માટે ક્યાંય દૂર નથી જવાનું અને આ ધન થી કે સુખના નામ પર બજારમાં મળતી જરૂરિયાત પર નિર્ભર કરતું નથી. આ ઈચ્છાઓને નિર્બાધ છોડી દેવાથી ન કશું મળ્યું કે ન મળશે, કારણ કે જ્યાં શાંતિ અને તૃપ્તિ નથી ત્યાં સુખ અને આનંદ પણ નથી. એટલા માટે તમે જો સુખ ઈચ્છો છો તો પહેલી વાત એ કે જ્યાં તે છે ત્યાં તે જગ્યાએ તેને જોવા અને મેળવવા પ્રત્યે ધ્યાન દો. આજે સુખની છાયા છે અને જેને તમે રૂપિયાથી ખરીદવા ઈચ્છો છો તેને ભૂલી જાવ. આનંદનો સોદો રૂપિયાથી નથી થતો. અહીંયા તો દિલના સિક્કા ચાલે છે. દિલ નિર્મળ, વિશુદ્ધ, સાચું હશે તો આનંદનો પ્રવાહ તમારા જીવનને ઓતપ્રોત કરી દેશે.

8.             વિશ્વશાંતિનો માર્ગ :

આજે પણ વિશ્વ આખું શાંતિ શાંતિની બૂમો પાડી રહ્યું છે. પરંતુ તેની કિંમત કેટલી? બાવળ ફૂટે અને કેરી ને માટે બૂમ પાડવી કેટલા અંશે વાજબી છે? નથી સદાચાર, નથી જ્ઞાન કે તપ, નથી સાત્વિકતા કે નથી ધર્મ અને નથી કોઈ નિયમ વડે માત્ર પોતપોતાની વાહવાહ ગદર્ભ રાગનો આલાપ.

આપણા દેશમાં મહાત્મા જેઓને અહર્નિશ ભગવાનનાં ચરણોમાં પોતાના જીવનને ન્યોછાવર કરી દીધું, તેઓ જ શાંતિના સાચા નેતા થયા અને થતા રહેશે, કારણ કે તેમણે શ્રીરામના આદર્શોને હ્રદયંગમ કર્યા અને તે જ પ્રમાણે પોતાના જીવનના દરેક કાર્યને અભિમંત્રિત કર્યું અને તેઓ શબ્દસ: વિશ્વ શાંતિને માટે પોતાની ભેટ આપી શક્યા.

આજે પણ જો માનવસમાજ વિપરીત પથનો ત્યાગ કરી તેમના આદર્શોની ચરણરજનું અનુસરણ કરે તો શાંતિની તો શું વાત કરીએ વિશ્વનું દુર્લભામાં દુર્લભ કાર્ય પણ ક્ષણભરમાં પૂર્ણ થાય કારણ કે શાંતિ તો આપણી અંદર જ છે અને તેની શોધ બહાર કરવી એ અસફળતાનો પ્રથમ સંકેત છે. ત્યારે જે લોકો વિશ્વશાંતિના માટે બહારની તરફ દોડી રહ્યા છે તેઓને અસફળતા સિવાય બીજું કાંઈ મળવાનું નથી.

અમારું આશ્વાસન એ જ છે કે તે લોકો જો શ્રીરામની જેમ આચરણ કરવાનું શરૂ કરી દે અને તેમના જીવનના પ્રત્યેક આદર્શોનો સ્વીકાર કરે તો આપણો માનવસમુદાય સમૃદ્ધ અને એકસૂત્રબદ્ધ થઈ શકશે અને એકાત્મ થઈ શકશે.

9.             અંત:પ્રેરણા જાગૃત કરો :

જ્યારે મનુષ્યની ગુપ્ત પ્રેરણા જાગૃત થઈ જાય છે ત્યારે તેને અપૂર્વ બળ મળે છે. તેને એવું લાગે છે કે જાણે તે સૂતાં સૂતાં એકદમ જાગૃત થઈ ગયો છે, જેમ અંધકારમાં પ્રકાશનું કિરણ મળી આવ્યું. પ્રેરણા એક એવી વિધુત તરંગ છે જેના પ્રવેશમાત્રથી સમગ્ર શરીર ચેતનવંતુ બની જાય છે. મનુષ્યની શક્તિઓ બે થી ચાર ગણી થઈ જાય છે. જેવી રીતે નદીમાં પૂર આવતાં તે કિનારાઓને તોડતી ફોડતી પોતાનો રસ્તો સાફ કરતી અત્યંત વેગથી આગળ વધતી જાય છે તે જ રીતે પ્રેરણા મેળવ્યા પછી મનુષ્ય શું નો શું થઈ જાય છે. તેની દિવ્ય ધારાઓથી મુશ્કેલીઓ છૂમંતર થઈ જાય છે તથા તેની પ્રગતિ ઘણા અત્યંત વેગથી થવા લાગે છે.

જો તમે મહાપુરુષોના મનનું વિશ્ર્લેષણ કરો તો તમને જાણવાનું મળશે કે પ્રાય: દરેકના જીવનમાં એક ક્ષણ એવી આવી કે તેમને કોઈને કોઈ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થઈ.

આ દિવ્ય જ્યોતિના નિર્દેશન દ્વારા તેઓને પોતાના ઉદ્દેશ્યનું જ્ઞાન થયું તથા તેઓ નિર્ધારિત માર્ગ ઉપર અગ્રેસર થતા ગયા.

પ્રેરણા ઈશ્વરીય શક્તિ છે, જે સાત્વિક પ્રકૃતિના મહાપુરુષોને પોતાનાં જીવન કાર્યો કરવાનો આદેશ આપે છે.આધુનિક મનોવૈજ્ઞાનિક પ્રેરણાને ઈશ્વરીય તત્વ નથી મનાતું. ઈશ્વર પોતાની જાતે આપણને કોઈ વિશેષ કાર્ય કરવાનું કહેતા હોય તેવી વાત નથી.

પ્રેરિત વ્યક્તિની મનોદશા જોતાં કેટલાંય રહસ્યો મળે છે. સર્વપ્રથમ તો એક નિશ્ચત ઉદ્દેશ્યની પ્રતીતિ થાય છે. પ્રેરણા કોઈ ખાસ દિશામાં હોય છે. બીજું રહસ્ય છે અસાધારણ મનોબળ, પ્રેરિત વ્યક્તિ પરમેશ્વરના સિવાય અન્ય કોઈથી પણ નથી ડરતો. તેના શરીરમાં અધિક બળ નથી હોતું પરંતુ તેનામાં દ્રઢ નિશ્ચય, તીવ્ર ઈચ્છા તથા મજબુત પ્રયત્નનું બળ હોય છે. એ તુચ્છ વિઘ્નો દ્વારા મહાન સાહસિક કાર્યોની પૂર્તિને માટે આગળને આગળ વધે છે મનોબળ તેમની શક્તિઓને પૂર્ણ કરે છે અને તેની અંત:દ્રષ્ટિ તીવ્ર બને છે. ત્રીજું રહસ્ય છે અપૂર્વ આત્મશ્રદ્ધા. તેને પુરો વિશ્વાસ હોય છે કે પરમેશ્વરને સેના મારી સાથે છે. હું ચોક્કસ માર્ગ ઉપર છું. મારામાં કાર્ય પૂરું કરવાની પૂરી યોગ્યતા છે. હું જ મારા ઉદ્દેશ્યમાં સફળ થઈ શકીશ. આત્મશ્રદ્ધા દરેક પ્રકારની સફળતાઓનું મૂળ છે. જીવનનાં દરેક ક્ષેત્રમાં આનાથી અદ્દભૂત પ્રકાશ મળે છે. વિશિષ્ટ ઉદ્દેશ્ય, મનોબળ તથા આત્મશ્રદ્ધાથી જેને પ્રેરણા પ્રાપ્ત થઈ ગઈ છે સાચે જ તે વ્યક્તિ ધન્ય છે.

10.          સફળતાનું રાજ – દ્રઢ ઈચ્છા શક્તિ :

જેમનામાં ઈચ્છાશક્તિનો જેટલો અભાવ છે તે તેટલા જ પછાત રહેશે ભલેને તેમનું શરીર અને મસ્તિષ્ક વધારે સારું હોય. તીવ્ર ઈચ્છાવાળો મનુષ્ય અનેક શારીરિક, માનસિક તેમજ વ્યાવહારિક મુશ્કેલીઓના રહેતાં પણ ઘણી ઉન્નતિ કરી લે છે. આળસ, નિરાશા, હતોત્સાહ, જલદી થાકવું, બડબડાટ, સંકોચ, ખચકાટ આ બધું જ ઈચ્છાઓ બાકી છે તેવું પ્રગટ કરે છે. તીવ્ર ઈચ્છા મનુષ્યના ચહેરા ઉપર એક વિજળીની જેમ નાચતી હોય છે. તેને જ ઓજ તેજ તથા પ્રતિભા વગેરે કહે છે.

જો આપણે સફળ, વિજયી, પુરુષાર્થી, પ્રભાવશાળી, ચતુર અન્દ યશસ્વી બનવા માંગતા હોઈએ તો જરૂરી એ છે કે આપણી ઈચ્છાશક્તિને તીવ્ર કરીએ. જે વસ્તુ મનવાંછિત હોય, જેનું લક્ષ્ય નક્કી હોય તેને મેળવવા માટે ઉત્તમ ઈચ્છા કરવી જોઈએ. શેખચલ્લીની જેમ સુખ-સફળતાની કલ્પના કરવા માત્રથી, સપનાં જોવા માત્રથી કામ નહીં ચાલે.

આવી તુચ્છ કલ્પના નિરથક ઈચ્છા તેને કહે છે જે અંત:સ્તલને હલાવી દે. પ્રેરણા ઉત્પન્ન કરે, લક્ષ્ય માટે બેચેન કરે અને મુશ્કેલીઓનો ડર પણ માર્ગને રોકી ના શકે. આવી ઈચ્છાઓ જેમના મસ્તિષ્કમાં રહેલી છે. જેમની બુદ્ધિમાં ખરેખર દ્રઢતા તેમજ દૂરદર્શિતા છે તેવી જ વ્યક્તિઓ આજે નહીં તો કાલે નિર્ધારિત દિશામાં સફળતા પ્રાપ્ત કરીને રહેશે.

11.          સમયનો સદુપયોગ કરો :

મનુષ્ય જ્યારે સમયની ઉપયોગિતા સમજવા લાગે છે ત્યારે જ તેનામાં મહત્તા, યોગ્યતા જેવા અનેક ગુણ આવવા લાગે છે. મનુષ્યમાં ગમે તેટલા ગુણ કેમ ન હોય પરંતુ જ્યાં સુધી તે સમયની કદર કરતાં નથી શીખતો, ત્યાં સુધી એને કોઈ લાભ મળતા નથી. જો સાચું પૂછો તો સમય બગાડવાવાળાને ક્યારેય પણ સારી તક મળતી નથી.

જે મનુષ્ય સમયને વ્યર્થ ગુમાવે છે તે તેટલા જ સમયમાં પ્રયત્ન કરતાં ઘણી બધી સફળતાઓ મેળવી શક્યો હોત.જે મનુષ્ય પોતાનું કર્તવ્યપાલન કરવા ઈચ્છે છે, જે વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવાને ઈચ્છુક છે, તેણે સૌથી પહેલાં આ જ પાઠ ભણવો જોઈએ. પોતાની યોગ્યતા, શક્તિ અને સાધનોની ફરિયાદ છોડીને એણે એ સમજ્વું જોઈએ કે સમય જ મારી સંપત્તિ છે અને એમાંથી જ લાભ ઉઠાવવા માટે મારે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કેટલા દુ:ખની વાત છે કે લોકોને બગાડવા માટે ઘણો જ સમય મળી શકે છે પરંતુ કાર્યમાં લગાવવાને માટે તેનો એકદમ અભાવ રહે છે.

સંસારની સૌથી વધુ ભલાઈ તે જ લોકો દ્વારા થઈ, જેમણે ક્યારેય પોતાની એક ક્ષણ પણ બગાડી નથી. આપણે ઉત્તમ અવસરોના આશ્રયે ન બેસતાં સાધારણ સમયને ઉત્તમ સમયમાં પરિવર્તિત કરવો જોઈએ અને આ જ સફળતા પ્રાપ્ત કરવાનો એક બહુ મોટો સિદ્ધાંત છે.

12.          આસ્તિકતા અને નાસ્તિકતા :

અખૂટ સંપત્તિ અને સુખસાધન હોવા છતાં પણ મનુષ્ય જ્યાં સુધી જીવનલક્ષ્યને ઓળખી શકશે નહીં અને પોતાની દિશા, જીવન ઉદ્દેશ્યની પૂર્તિને માટે નિર્ધારિત કરશે નહીં. ત્યાં સુધી સુખી રહી નહીં શકે.

હવાની સાથે ઉડતા પાનની જેમ જ્યાં પરિસ્થિતિ લઈ જાય ત્યાં જઈ પહોંચવું અપરિપક્વતાની નિશાની છે. કયાં ચાલવું અને શું કરવું? શું? બનવું જોઈએ અને શું મેળવવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ આપમેળે ચેતનાથી, દૂરદર્શી, વિવેકબુદ્ધિની સાથે મેળવવા જોઈએ. લોકો શું કરે છે અને શું કહે છે તેના આધાર ઉપર આંધળુકિયા કરતા રહી ગયા તો સમજી લેવું જોઈએ કે સર્વસુલભ અવસર મળ્યો હોવા છતાં પ્રાપ્ત થયેલ તક ગુમાવવાની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.

સન્માર્ગ ઉપર ચાલીને જ સુખદ પરિણામ મળી શકે છે. સદ્દબુદ્ધિની મદદ વડે જ આંતરિક સંતોષ અને આનંદ મળી શકે છે. આ અવસ્થાનું નામ જ આસ્તિકતા છે. નાસ્તિકતા એ અવિશ્વાસનું નામે છે જેમાં દુષ્ટ પ્રવૃત્તિઓની નીતિરીતિ અપનાવીને પણ તેનાં દુ:ખદ પરિણામથી બચી શકાય છે. સ્વતંત્ર ચેતનાની પ્રશંસા એ વાતમાં છે કે તે દેવપથને જ પસંદ કરો અને મહાન બનવાની આકાંક્ષા જાગૃત કરીને આત્મવાદી રીતિનીતિ અપનાવવા માટે સાહસપૂર્વક આગળ વધે. છેલ્લે અંતમાં આ જ નિર્ણય સર્વોપરી બુદ્ધિમત્તાનું ચિન્હ સિદ્ધ થાય છે કે, જેણે દેવમાર્ગ પકડ્યો એણે જીવનલક્ષ્યની પૂર્તિની સાથે જોડાયેલા અજસ્ત્ર આનંદનો લાભ લીધો છે.

ઉપાસનાત્મક ઉપચારોને સાધન કહેવામાં આવે છે, સાધ્ય નહીં. આત્મોત્કર્ષ સાધ્ય છે અને તેના માટે ચિંતન તથા કર્તવ્યમાં પ્રખર પરિષ્કૃત દ્રષ્ટિકોણનો સમાવેશ. જીવનલક્ષ આનું જ બીજું નામ છે. સ્વર્ગ મુક્તિ આનું જ પ્રતિકૂળ છે. આત્મસાક્ષાત્કાર તથા ઈશ્વરદર્શન આ જ મન:સ્થિતિનું નામ છે.

જો અંતરંગ અને બહિરંગ વ્યક્તિત્વને ઉત્કૃષ્ટતાની રિતિનીતિની સાથે જોડી ન શકાય તો સમજવું જોઈએ કે ભજનપૂજનની બધી જ ક્રિયા વિધિઓ, બાળક્રીડા જેવી નિરર્થક અને ઉપહાસપ્રેરક સિદ્ધ થશે.

13.          આત્મબોધની સાધના :

જીવનના આત્મવાદી ક્ષત્રમાં પ્રવેશ કરવા વાળાને આત્મબોધનો પ્રકાશ ગ્રહણ કરવો જ જોઈએ. નિરંતર એ વિચાર કરવો જોઈએ કે તે સ્વયં શું છે? કે છે? કઈ રીતિનીતિને અપનાવવામાં પોતાની ભલાઈ છે? વિવેકશીલતા, દૂરદર્શિતા અને યથાર્થતાને અપનાવવાનું સાહસ આત્મબોધની એકમાત્ર દેન છે. જેને પોતાને પોતાનું જ્ઞાન થઈ ગયું હશે તે અજ્ઞાનગ્રસ્ત ભીડનું નેતૃત્વ અસ્વીકાર કરશે. પ્રચલિત પરંપરાઓ અને માન્યતાઓથી નહીં પરંતુ ઉચ્ચ આદર્શોથી જ પ્રભાવિત થશે. તેને જ સમજીને સ્વીકારશે.

પોતાને અલ્પમતમાં જોવાની ચિંતા તેને નહીં હોય અને નહીં એની ચિંતા કે કોઈએની મજાક કરે છે કે સ્તવન, નથી તે વિરોધ જોતો કે નથી જોતો સમર્થન. માત્ર ઉચ્ચ આદર્શોને માટે જીવનસંપદાઓને નિયોજિત કરવાની તેને ચિંતા હોય છે અને આ પ્રયોજનને તે પોતે વિરોધ અવરોધની ઘનઘોર ઘટાઓને ચીરતા રહીને પણ પૂરા કરીને જંપે છે.

આત્મબોધ આત્મબળનો જેટલી માત્રામાં ઉદય થતો જાય છે તેટલો જ તેનો પ્રયાસ આત્મનિર્માણની દિશામાં અગ્રેસર થતો જાય

14.          આત્મશક્તિ જાગૃતિના માટે સંદેશ :

હું એકલો હોવા છતાં પણ શક્તિશાળી છું. મારી અંદર તે શક્તિ છે જે સ્વતંત્રતાપૂર્વક કાર્ય કરી શકે છે. હું બીજાનો અનુયાયી નહીં બનું. હું કદી કોઈનું અનુકરણ નહીં કરું. હું મારી પોતાની પ્રતિભા અને મહત્તાનો પ્રભાવ બીજા ઉપર પાડી શકું છું. મારામાં વિશેષતા છે. પોતાની મૌલિકતા છે, સાચી શક્તિ મારી અંદર રહેલી છે. અને મારી શક્તિઓ ઉપર પૂરો ભરોસો છે. મેં એકલા એ જ સફળતા પ્રાપ્ત કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરી છે. મારી પ્રતિજ્ઞા દ્રઢ તેમજ અટલ છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.