- વિશ્વવ્યાપી ગાયત્રી પરિવારની પ્રેરણામૂર્તી અને તત્કાલીન સમાજમાં ક્રાંતિકારી અને યુગ પ્રવર્તક વિચારો આપનાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યના અમૃત વિચારો ખૂબ સુંદર અને પ્રેરણાદાયી છે.
નાની શક્તિથી જ કાર્યની શરૂઆત કરીએ :
જો તમારી પાસે મનોવાંછિત વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ પણ આવશ્યકતા નથી. આપણી પાસે જ ટૂટીફૂટી વસ્તુઓ છે તેની સહાયતા લઈને તમારી કળાનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દો. જ્યારે ચારે બાજુ ખૂબ અંધકાર છવાયેલો હોય છે ત્યારે તે દીપક કે જેમાં નવટાંક માટી, પાંચ રૂપિયાનું તેલ અને બે રૂપિયાની બત્તી છે. બધું મેળવીએ તો થોડા રૂપિયાની પણ પૂંજી નથી, છતાં ચમકે છે અને પોતાના પ્રકાશથી લોકોનાં રોકાયેલાં કાર્યોને શરૂ કરી આપે છે. જ્યારે હજારો રૂપિયાની કિંમતવાળી વસ્તુઓ ચૂપચાપ પડી રહે છે. આ થોડા રૂપિયાની પૂંજીવાળો દીપક પ્રકાશવાન હોય છે,જો તમારી પાસે મનોવાંછિત વસ્તુઓ નથી, તો નિરાશ થવાની કોઈ પણ આવશ્યકતા નથી. આપણી પાસે જ ટૂટીફૂટી વસ્તુઓ છે તેની સહાયતા લઈને તમારી કળાનું પ્રદર્શન કરવાનું શરૂ કરી દો. જ્યારે ચારે બાજુ ખૂબ અંધકાર છવાયેલો હોય છે ત્યારે તે દીપક કે જેમાં નવટાંક માટી, પાંચ રૂપિયાનું તેલ અને બે રૂપિયાની બત્તી છે. બધું મેળવીએ તો થોડા રૂપિયાની પણ પૂંજી નથી, છતાં ચમકે છે અને પોતાના પ્રકાશથી લોકોનાં રોકાયેલાં કાર્યોને શરૂ કરી આપે છે. જ્યારે હજારો રૂપિયાની કિંમતવાળી વસ્તુઓ ચૂપચાપ પડી રહે છે. આ થોડા રૂપિયાની પૂંજીવાળો દીપક પ્રકાશવાન હોય છે,
પોતાની અગત્યતા પ્રગટ કરે છે,લોકોને પ્યારો બને છે, બતાવવાનું કાર્ય કરતાં પોતાના અસ્તિત્વને ધન્ય બનાવે છે. શું કયારેક દીપક દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારી પાસે આટલા મન તેલ હોત, આટલા શેર રૂ હોત,એટલો મોટો મારો આકાર હોત તો આટલો મોટો પ્રકાશ કરત. દીપકને કર્મહીન નાસમજની જેમ બેકાર શેખચલ્લીઓ જેવા વિચારો કરવાની ફુરસદ નથી.
તે પોતાની આજની પરિસ્થિતિ, યોગ્યતા અને સમયને જુએ છે. તેનું સન્માન કરે છે અને પોતાની (પવિત્ર) માત્ર થોડા પૈસાની પૂંજીથી કાર્યની શરૂઆત કરે છે. તેનું કાર્ય નાનું જરૂર છે, પરંતુ તે નાનામાં પણ સફળતાનું એટલું જ મહત્વ છે જેટલું કે સૂર્ય અને ચંદ્રની ચમકતી સફળતાનું છે.
યોગ્યનો જ સ્વીકાર કરીએ : તમારું કાર્ય કેવળ કોઈની આજ્ઞાનું પાલન કરવું, કોઈના ઈશારા પર નાચવું કે કોઈના આંધળા ભક્ત બનવાનું નથી. પરંતુ એ હોવું જોઈએ કે ઉચિત, આવશ્યક, લાભદાયક, ધર્મસંગત, વિવેકપૂર્ણ કાર્યોને જ કરવાં, આ નીતિને અપનાવ્યા બાદ સામાન્ય રીતે લોકોની નારાજગી, નિંદા, તિરસ્કાર, બૂરાઈ તથા વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ધર્મમય જીવનના માર્ગમાં મુખ્ય અડચણો આ જ છે, જેમણે આ અડચણોને તુચ્છ સમજીને ઠુકરાવી દીધી, તે જ આગળવધી જાય છે.
જે કોઈ આવનાર વિઘ્નોથી ડરી જાય તેણે પશ્ચાત્તાપ અને શોકમય જીવન વિતાવવું પડે છે. તમે કોઈ વાતનો સ્વીકાર ન કરો એટલા માટે કે તેને ઘણા લોકો, બુઢ્ઢા લોકો, અમીર લોકો કહે છે. સત્યની કસોટી એ નથી કે તેને ઘણા બુઢા અને ધનવાન લોકો કહે છે. સત્ય હંમેશા ઉચિત, આવશ્યક, ન્યાયયુક્ત તથ્યોથી અને ઈમાનદારીથી પૂર્ણ હોય છે. થોડી સંખ્યામાં, નાની સંખ્યામાં, નાની ઉંમરના ગરીબ લોકો પણ જો તેને કહે તો તે માન્ય છે. કેવળ ફકત તમારો આત્મા જ જો સત્યની બૂમ પાડતો હોય, તો તે બૂમ લાખો મૂર્ખોની બકવાસ કરતાં અધિક મૂલ્યવાન છે. જે વાજબી છે તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. તે જ સ્વીકાર કરવા યોગ્ય છે.
આપણું વચન અને કાર્ય સાચું હોવું જોઈએ : કોઈ મનુષ્ય મોંથી મોટી મોટી વાતો કરે અને પેટમાં અસત્યને છુપાવી રાખે તો તે બનાવટ વધુ સમય સુધી ટકી શકતી નથી. અવાજમાં, શબ્દોના ઉપયોગમાં, મોઢા ઉપર તથા શરીરના હલન ચલનમાં સત્ય અને અસત્ય ચોખ્ખું દેખાઈ આવે છે. જૂઠા માણસની વાણીમાં મૂંઝવણ તથા ચહેરા ઉપર નિસ્તેજતા હોય છે. આંખો મેળવતાં તે અચકાય છે. શંકા અને ભયથી તેનું મન અસ્થિર અને ચિંતિત દેખાય છે. અસત્ય વાત થોડી એવી અસ્વાભાવિક હોય છે કે સાંભળવાવાળાના મનમાં અનાયાસે જ અવિશ્વાસના ભાવ ઉત્પન્ન થતા હોય છે. આ સદીમાં અસત્યનો ઘણો પ્રચાર છે. બહુ કલાત્મક રીતે તે ખોટું બોલવામાં આવે છે તો પણ તેને એવું નથી બનાવાતું કે પકડાઈ ન શકે.
યાદ રાખો કે ખોટું એ ખોટું જ છે. તે આજે નહીં તો કાલે પકડાઈ જવાનું છે. અસત્યનો જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે તે મનુષ્યની બધી જ પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય છે. તેને ભરોસા વગરનો લુચ્ચો અને તુચ્છ મનુષ્ય ગણવામાં આવે છે. ખોટું બોલવાથી તાત્કાલિક તો થોડો લાભ જરૂરથી મળશે પરંતુ તમે તેની તરફ લલચાશો નહીં કેમ કે તે થોડા લાભની સામે બદલામાં અનેકગણું નુકસાન થવાની સંભાવના રહેલી છે. તમે તમારાં વચન અને કાર્યો દ્વારા સચ્ચાઈનો પરિચય આપો. સત્ય એ બી જેવું છે જે આજે નાનું દેખાય છે, પરંતુ તેનું પરિણામ ફુલ-ફળથી લચેલું મહાન વૃક્ષ છે. ઊંચું અને પ્રતિષ્ઠાથી ભરેલું જીવન જીવવા માંગતા ઈચ્છુકોએ દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે પોતાનાં વચન અને કાર્યો સત્યભર હશે.
પોતાની શક્તિઓનો વિકાસ કરો : પરમેશ્વર દ્વારા દરેકને શક્તિઓ આપવામાં આવી છે. એવું નથી કે કોઈનામાં વધારે અને કોઈમાં ઓછી. કોઈની સાથે ખાસ લાગવગ કરી હોય. પરમેશ્વરને ત્યાં અન્યાય નથી. દરેક અદ્દભુત શક્તિઓ તમારા શરીરમાં હયાત છે. તમે તે શક્તિઓને જાગૃત કરવાનું કષ્ટ નથી કરતા. કેટલીય શક્તિઓની પાસેથી કાર્ય ન લઈ તમે તેને નકામી બનાવી દીધી છે. બીજી વ્યક્તિઓ તે જ શક્તિને કોઈ એક વિશેષ દિશામાં વળાંક આપીને વધુ પરિપુષ્ટ અને વધુ ખીલવે છે. પોતાની શક્તિઓને જાગૃત તથા ખીલવવી અથવા તો તેને મંદ, પાંગળી, અનુપયોગી કરવી તમારા પોતાના હાથમાં છે. યાદ રાખો કે સંસારની પ્રત્યેક ઉત્તમ વસ્તુ ઉપર તમારો જન્મસિદ્ધ અધિકાર છે. જો તમે તમારા મનની ગુપ્ત મહાન શક્તિઓને જાગૃત કરી લો અને લક્ષ્ય તરફ પ્રયત્ન અને મહેનત સાથે ઉત્સાહપૂર્વક આગળ વધવાનું શીખી લો તો જેવું ઈચ્છો તેવું આત્મનિર્માણ કરી શકો છો. મનુષ્ય જે વસ્તુની ઈચ્છા રાખે છે, એના મનમાં જે મોટાઈ મેળવવાની ઈચ્છાઓ પ્રગટે છે અને જે જે આશાપૂર્ણ વિચારોના તરંગ ઊભરે છે તે ચોક્ક્સ પૂર્ણ થાય છે, જો તે દ્રઢ નિશ્ચય દ્વારા પોતાની પ્રતિજ્ઞાને જાગૃત કરી લે.
એટલા માટે પ્રતિજ્ઞા કરી લો તમે ભલે ગમે તે હો, જે સ્થિતિ, જે વાતાવરણમાં હો, તમે એક કાર્ય અવશ્ય કરશો, અને તે એ કે તમારી શક્તિઓને ઊંચીને ઊંચી બનાવશો.
કર્તવ્યનું પાલન કરો : કર્તવ્ય તે કાર્ય છે જે કરવાનું આપણો ધર્મ છે અને જે ન કરવાથી આપણે અન્ય લોકોની નજરમાં નીચા પડીએ છીએ અને ચરિત્રની દ્રષ્ટિએ અન્યથી નીચા બનીએ છીએ.
દ્રઢ વિશ્વાસ રાખો કે જ્યારે પણ તમારું મન કોઈ કાર્યને કરતાં અચકાય અથવા તો દૂર ભાગે ત્યારે તે કાર્ય ન કરો. તમને ધર્મનું પાલન કરવામાં તકલીફ તો પડશે જ, પરંતુ ધૈર્ય ન તોડશો. તમારો પડોશી ઠગવિધા અને અસત્યનો આશરો લઈ ધનાઢય થઈ ગયો અને તમે નિર્ધન જ રહ્યા તેમાં શું થયું ? તેમાં શું કે બીજા લોકોએ ખોટી ખોશામત કરીને મોટી મોટી નોકરીઓ મેળવી લીધી અને તમને કશું ન મળ્યું અને તેમાં શું થયું કે બીજા નીચ કાર્યો કરી સુખ ભોગવે છે અને તમે સદા દુ:ખમાં રહો છો. તમે તમારા કર્તવ્યધર્મને કદી ન છોડતા અને જુઓ કે તેમાં કેટલાં સંતોષ અને સન્માન મળે છે.
કંઈક લોભાવનારું જોઈને લપસી ન પડતા. પાપનું આકર્ષણ શરૂઆતમાં ઘણું લલચાવનારું દેખાય છે, પરંતુ અંતમાં તો નુકસાની જ મળે છે. જે તેની વાતોમાં આવી ગયું તેને જુદી જુદી શારીરિક અને માનસિક મુશ્કેલીઓ સહન કરવી પડે છે. સાવધાન રહો. લોભમાં ન ફસાવ, ભલે કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ કર્તવ્ય પ દ્રઢ રહો. કર્તવ્ય પ્રત્યે દ્રઢ રહેનાર મનુષ્ય જ સાચો મનુષ્ય કહેવડાવવાને અધિકારી બને છે
આત્મસન્માનની રક્ષા કરો : જો તમે આત્માનું હનન કરતા હો તો, પોતાના વિષયમાં હલકો ભાવ રાખતા હો તો તમે ભાવનાઓની બીમારીમાં ફસાયેલા છો. આ બીમારી તમને તમારી મોટાઈનો અનુભવ થવા દેતી નથી. આનાથી છૂટવાનો ઉપાય એ છે કે તમે કાર્યોને ભાવનાની ચિંતા કર્યા વગર પૂર્ણ કરતા જાઓ. એ નિયમ બનાવી લો કે તમે પોતે કરેલા કોઈ પણ કાર્યની નિંદા કરશો નહીં. પોતાના વિષયમાં ઉચ્ચ અને પવિત્ર કલ્પના કરી લો અને તેને સમર્થન આપતા રહો. કાર્ય કરવાની તમારી હીનતા અદ્રશ્ય થતી જશે. વધારે વિચાર કરવાથી તે તીક્ષ્ણ બનતી જશે. ઓછું વિચારો અને કાર્ય વધુ કરો. જે વ્યક્તિ પોતાની નિંદા કરે છે અને ભૂલ શોધ્યા કરે છે તે આત્મવિકાસ અને શુદ્ધિ રોકી રહ્યો છે.
તમે તમારા સંતોષ અને ઉત્સાહ માટે બીજા ઉપર નિર્ભર ન રહો. બીજાનું અનુકરણ ન કરો. એવું કરવાથી તમારી મૌલિકતા, ગુણ, વિશેષતા પ્રગટ નથી થતી. કોઈ કાંઈ પણ કહે મનનું ધાર્યુ કરો. તમે પોતે વિચારો કે ઉત્તમ શું છે? તમારી વિશેષતાઓ બહાર આવશે અને લોકો ચમકશે.
માનસિક દ્રષ્ટિકોણથી બાળક ન બનો. સંસારની ડરામણી ચીજો, આપત્તિઓ અને સંઘર્ષને સહન કરવાની આત્મશક્તિનો નિરંતર વિકાસ કરતા રહો.
આશાવાદી બનો : આપણે કરવાથી કશું નથી થવાનું એવો નિરાશાવાદી વિચાર સફળતાનો નાશ કરતો શત્રુ છે. આશાવાદ ઘણી મોટી ઉત્પાદક શક્તિ છે. જીવનનું મૂળ છે. તેની અંદર પ્રત્યેક વસ્તુ નિવાસ કરે છે. તે માનસિક ક્ષેત્રમાં પ્રવેશતાં જ મોટો લાભ પહોંચાડે છે. એટલા માટે જેને નિરાશાથી છુટકારો મેળવવાની ઈચ્છા હોય તેણે વાજબી છે કે પોતાના મનની સ્થિતિને ઉત્સાહપૂર્ણ, વધારનારી, ઉદાર અને નરમ રાખે.
તમે નિરાશ એટલા માટે છો કે ભય અને સંદેહ તમારા અંત:કરણ ઉપર છવાઈ ગયાં છે. તમને તમારી યોગ્યતાને માટે અવિશ્વાસ થઈ ગયો છે. તમને સફળતા અને દુર્ભાગ્યની માનસિક પ્રવૃત્તિઓએ પરાસ્ત કરી દીધા છે અને હીણી ભાવનાઓએ તમારા માનસિક જગતમાં તોફાન ઉત્પન્ન કરીને તમને અસ્તવ્યસ્ત કરી નાખ્યા છે. વિચારોની આ પરાધીનતા જ તમને ડુબાડી રહી છે.
યાદ રાખો જ્યાં સુધી તમે કોઈ કાર્યમાં હાથ નહીં નાખો ત્યાં સુધી તમને તમારી શક્તિનો અંદાજ નહીં આવે. મનુષ્ય જ્યાં સુધી પોતાની જાતને ઓળખી ન લે કે તે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે ત્યાં સુધી તે પાંગળો જ છે.
તમારે જે કાંઈ શ્રેષ્ઠ, છે તે કરવું છે, જે કાંઈ તમારો અંતરાઆત્મા કહે છે, તેને દ્રઢ સંકલ્પપૂર્વક જરૂરથી શરૂ કરો. ડરો નહીં, શંકા, સંદેહ કે અવિશ્વાસની કોઈ વાત ન વિચારો પરંતુ કાર્યની શરૂઆત કરો. પ્રત્યેક મનુષ્ય કંઈક જરૂરથી કરી શકે છે અને કરશે. જો કાર્યરત્ બની હિંમત નહીં હારે, હિંમત હંમેશા દાવ જીતે છે.
તમે તમારી શક્તિ અને માનસિક બળની અભિવૃદ્ધિ કરતા રહો. સંસારમાં જે કરોડો મનુષ્ય નિરાશ થઈ રહ્યા છે તેનું મુખ્ય કારણ આત્મવિશ્વાસની કમી છે. શ્રદ્ધા ગુમાવી બેઠા છે અને ખરાબ કારણ વગરના વિચારોના તેઓ કોળિયા બની બેઠા છે. તમે કાયમ આનાથી બચતા રહો. હંમેશા આંતરિક મનની ઊંચી ભાવનાઓ પ્રત્યે લક્ષ્ય રાખો અને પોતાની દરેક શક્તિમાં અખંડ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ રાખો. કોઈ ખાસ મર્યાદા સુધી ફકત ઉપરછલ્લો વિશ્વાસ ન રાખતાં આંતરિક તળિયા સુધી દ્રઢતાથી વિશ્વાસની કાયમી છાપ જમાવી દો. પછી વિશ્વાસનાં સુમધુર ફળ જુઓ. તમારી દરેક નિરાશા રફુચક્કર થઈ જશે.
આજથી તમે તમારી ક્ષુદ્રતાનું ચિંતન છોડો. જ્યારે પણ સૃષ્ટિની વિશાળતાનો વિચાર કરવા બેસો ત્યારે પોતાના મન, શરીર, આત્માની મહાન શક્તિઓ ઉપર ચિત્ત એકાગ્ર કરો. શક્તિના આ કેન્દ્ર ઉપર મન સ્થિર રાખવાથી કોઈ કમજોરી તમારા અંત:કરણમાં પ્રવેશ કરી શકશે નહીં.
મૃત્યુ અને દુ:ખ જરૂરી પ્રક્રીયા : આપણા પ્રિયજનોનો વિયોગ થવાથી આપણે ગભરાઈ જઈએ છીએ કારણ કે તે આપણને છોડીને ચાલી ગયા. આ વિષયમાં ગભરાઈ જવાથી થોડું ચાલશે. શું તે આપણું દુ:ખ જોઈ પરત આવશે? જો ના, તો આપણું દુ:ખી થવું વ્યર્થ છે. પછી આપણે ગભરાઈ જવાનું કોઈ વાજબી કારણ પણ નથી કેમ કે જેણે જન્મ ધારણ કર્યો છે, તેણે એક દિવસ મરવાનું તો છે જ. જેનો જન્મ છે તેનું મૃત્યું નિશ્ચિત છે. સંપૂર્ણ સૃષ્ટિના પિતામહ બ્રહ્મા છે. સમગ્ર સૃષ્ટિ તેમનાથી જ ઉત્પન્ન થઈ છે. પોતાનું આયુષ્ય પૂરું થતાં તેઓ પણ નથી રહેતા કારણ કે તેઓ પણ ભગવાન વિષ્ણુના નાભિકમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે મહાપ્રલયમાં તેઓ પણ વિષ્ણુંના શરીરમાં વિલીન થઈ જાય છે.
આ અટલ સત્ય છે કે આવનારી વસ્તુનો નાશ થશે જ તો પછી તમે તે પ્રિયજનનો શોક શું કામ કરો છો? તણે તો મરવાનું હતું જ, આજે નહિં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે. કાયમ કોઈ જીવતું રહ્યું છે કે તે રહેશે. જ્યાંથી આવ્યો હતો ત્યાં જતો રહ્યો. એક દિવસ તમારે પણ જવાનું છે. જે દિવસો શેષ રહ્યા છે તેને ધૈર્યની સાથે સદ્દગુણીના ગુણોના ચિંતનમાં વિતાવશો.
શરીરધારી એવું કોઈ પણ નથી જેણે મુશ્કેલીઓનાં કડવા ફળનો સ્વાદ ચાખ્યો ન હોય. દરેક જણ અવશ્ય પ્રાપ્ત થવાવાળાં કર્મોના સ્વાદથી પરિચિત છે, પછી આપણે ગભરાયેલા કેમ છીએ? આપણે ગભરાઈશું તો આપણા આશ્રિતો પણ દુ:ખી થશે. એટલા માટે આપણે ધૈર ધરીને તેમને કેમ ન સમજવીએ? જે થવાનું છે તે થશે જે. બસ, વિવેકી અને અવિવેકીમાં આ જ અંતર છે. વૃદ્ધાવસ્થા, મૃત્યું અને બીમારી બંનેને થવાની છે પરંતુ વિવેકી તેને અવશ્ય બનવાનું સમજી ધૈર્યની સાથે સહન કરે છે અને અજ્ઞાની વ્યાકુળ બની મુશ્કેલીઓને વધુ મુશ્કેલ કરે છે. મહાત્મા કબીર આ વિષય માટે કહે છે,
જ્ઞાની કાટે જ્ઞાને સે, અજ્ઞાની કાટે રોય,મૌત, બુઢાપા, આપદા, સબ કાહું કો હોય !!
જે ધૈર્યનો આશરો નથી લેતા તે નરમ બની જાય છે, સંસારમાં બીજા ઉપર આધારિત બનવું, બીજાની પાસે જઈ કરગરવું, કોઈની પાસેથી લાલચ રાખવી આનાથી વધારે દુ:ખ બીજું કોઈ નથી. એટલા માટે જ મુશ્કેલી આવે ત્યારે ધૈર્ય રાખીને મુશ્કેલી દૂર કરવાનાં કારણો શોધી અનુકૂળતા સર્જવાના પ્રયત્નો કરવા. જેટલી શક્તિ ગભરાઈ જવાથી દુ:ખી થવામાં ખર્ચાય છે તેનાથી અડધી શક્તિ પણ પ્રયત્ન કરવામાં લગાડાય તો વધુ મુશ્કેલીઓ દૂર કરવાના રસ્તા મળી આવે છે.
જીવન શું છે ? : ખાવું, પીવું, પચાવવું, શ્વાસ લેવા વગેરે શરીરમાં નિત્ય થતા કાર્ય માત્ર શું જીવન છે અથવા શું ધન, સંપત્તિ, નામ, યશ મેળવવા માટે કરવામાં આવતી તરકીબ અને ઉપાયોનો વિચાર કરવો ફકત જીવન છે અથવા સૃષ્ટિની પરંપરાને ચલાવવા માટે સંતાનોની ઉત્પત્તિ કરતા રહેવું એ જ જીવન છે.
જીવન બે પ્રકારનાં હોય છે. એક ભૌતિક અને બીજું આધ્યાત્મિક, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિચારવું, જાણવું, ઈચ્છા કરવી, ભોજન કરવું અને તેનું પરિણામ મેળવવું, શ્વાસ લેવો વગેરે જે કાર્યો છે તે જ જીવન છે. પરંતુ આવું જીવન અમર નથી હોતું. આવું જીવન સુખ-દુ:ખ, ચિંતા-પીડા, મુશ્કેલી, પાપ, ઘડપણ વગેરે રોગના શિકાર બની જાય છે.
પ્રાચીન મહર્ષિ, યોગી અને તપસ્વીઓએ પોતાના આત્માને ઓળખીને ખાતરીપૂર્વક કહ્યું કે જે આત્મામાં લીન છે ફકત તેઓ જ સ્થિર અને અપાર આનંદ તથા અમરતત્વ મેળવી શકે છે. ગુરુવચન, શાસ્ત્રોમાં જે લોકોને અતૂટ શ્રદ્ધા છે તે સૌ આધ્યાત્મિક અને સત્યના માર્ગ ઉપર નિર્ભય થઈ પ્રવાસ કરે છે અને સ્વતંત્રતા, પૂર્ણતા કે મોક્ષ પ્રાપ્ત કરે છે. તેઓ સત્ ચિત આનંદ બ્રહ્મમાં કે પોતાના જ સ્વરૂપમાં જ સ્થિર રહે છે. આ જ માનવજીવનનું સાચું ધ્યેય અને પરમ ઉદ્દેશ્ય છે. આ જ અંતિમ લક્ષ્ય છે. આત્મસાક્ષાત્કારને માટે પ્રયત્ન કરવો એ જ મનુષ્યનું પરમ કર્તવ્ય છે.
જીવન યુદ્ધમાં વિજયી હો : પોતાના આદર્શ અને લક્ષ્ય સુધી પહોંચવા માટે કરવું પડતું યુદ્ધ જ જીદંગી છે. આ યુદ્ધમાં વિજ્ય મેળવવો જ જીવન છે. અનેક પ્રકારની જાગૃતિઓને જ જીવન કહે છે. મન અને ઈન્દ્રિયો ઉપર વિજ્ય પ્રાપ્ત કરો, આ જ તમારા ખરા શત્રુ છે. પોતાની બ્રાહ્ય અને આંતરિક પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરો. આપણી જૂની ખરાબ આદતો તથા કુવિચારો અને કુસંસ્કારો, કુવ્યસનોને અવશ્ય જીતવાં પડશે. આ રાક્ષસી શક્તિઓ સાથે યુદ્ધ કરવું પડશે, વિજય પ્રાપ્ત કરવો પડશે. અધ:પતનની તરફ લઈ જતી વાસનાઓ ઉપર સંપૂર્ણ નિયંત્રણ રાખવું પડશે. તમારો જન્મ જ આત્મસાક્ષાત્કાર કરવા માટે થયો છે. ફળની ઈચ્છાવાળાં કાર્યો દ્વારા પોતાના મન અને બુદ્ધિને શુદ્ધ કરો. ઈન્દ્રિયોને અંકુશમાં રાખી પોતાના સ્વરૂપમાં જ સ્થિર બનો.
જીવન-યુદ્ધમાં તમને દરરોજ આઘાત લાગે છે. જ્યારે નુકસાન થાય છે, ત્યારે જ મન આધ્યાત્મિક માર્ગ તરફ ઢળે છે અને ત્યારે સાંસારિક કાર્યો પ્રત્યે ધ્યાન ન રહેતા અનિચ્છા થાય છે. આ સાંસારિક માયાથી ઉદ્ધાર પામવાથી ઉત્કંઠા જાગૃત થાય છે. એટલા માટે જ ઊંડી ધારણા અને ધ્યાનમાં લાગી જાઓ.
આધ્યાત્મિક જીવન જીવો : આધ્યાત્મિક જીવન કેવળ ગપસપ કે ફકત આવેશ માત્ર નથી. આ જ સાચું આત્મસ્વરૂપ જીવન છે. આ વિશુદ્ધ આનંદ અને સુખનો ઉત્તમ અનુભવ છે. આને જ પૂર્ણતા પ્રાપ્ત જીવન કહે ચે. શું તમે અક્ષય આનંદ અને પરમસુખની અમરપદની પ્રાપ્તિ માટે લલચાયેલા નથી? જો હા તો આવો, પોતાની ઉપર અને ઈન્દ્રિયો પર સંયમ રાખીએ, સદ્દગુણોને શીખીએ. આત્માના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરો તો જ તમે તે ઘણા ગંભીર, અપાર આનંદ અને અમરત્વને પામી શકશો. ફકત ત્યારે તમે અમરપદ સુધી પહોંચી શકશો.
આ શરીરને જ આત્મા સમજી લેવો સૌથી મોટું પાપ છે. આવા ભ્રમમાં રહેલા ભાવને ત્યજી દો. સાંસારિક મહત્વાકાંક્ષાઓની પૂર્તિને માટે ઉપાયો કરવા, યુક્તિઓ વિચારવી, જુઠા મનસુબા બાંધવા, શેખચલ્લીના વિચારો છોડો, જૂનીપુરાણી આકર્ણક લાગતી આશાઓને તિલાંજલિ આપો. વાસનાઓ અને ઈચ્છાઓને કાબૂમાં લઈ તેનાથી ઉપર ઉઠો. બુદ્ધિથી કામ લો. ઉપનિષદ શાસ્ત્રોના સદ્દવિચારોનો મનનપૂર્વક અભ્યાસ કરો. નિયમિતરૂપથી સતત અભ્યાસ કરો.
સુખદુ:ખ મન:સ્થિતિ ઉપર નિર્ભર : જેવા આપણે છીએ તેવો જ આપણો સંસાર હશે. જો આપણે સુખી છીએ તો આપણો આખો સંસાર સુખી છે અને આપણે દુ:ખી છીએ તો આપણને આખો સંસાર પછી ભલેને તે સુખમય હોય દુ:ખમય જ દેખાશે.
આ બધું આપણી મનોદશા ઉપર જ આધાર રાખે છે. જો આપણે દુ:ખમાં પણ સુખનો અનુભવ કરીશું અને વિચારીશું કે આ આપણને ફકત આપણા જીવન સ્તરની સીડીઓ પર ચઢવા હેતુ પરીક્ષા માટે જ મળ્યું છે તો આપણને દુ:ખની છાયા પણ અડકી નહીં શકે. જ્યારે આપણે આ પ્રકારનો અનુભવ કરવા લાગીશું તો વાસ્તવમાં આપણે દુ:ખને સુખમાં બદલી શકીશું અને અધ્યાત્મ તત્વની તરફ આગળ વધીને બીજાનાં દુ:ખને પણ સુખમાં બદલી શકીશું.
આવું કરવા માટે આપણને ત્યાગ અને તપસ્યાની જરૂર પડે છે જેની પ્રતિક્રિયા આપણા આત્મા ઉપર થાય છે. જો આપનો આત્મા આ બધાને સહન કરી લે તો વાસ્તવમાં આપણામાં એક આધ્યાત્મિક શક્તિનો વિકાસ થયો છે. જેનું નિર્માણ આપણે આપણા વિચારોથી કરીએ છીએ. આજે આપણે જે કોઈ પરિસ્થિતિમાં કેમ ન હોઈએ આપણા દ્રષ્ટિકોણને બદલવો પડશે તથા આપણા વિચારોને કાયમ પ્રસન્નતા, આશા, શાંતિ, શક્તિ અને પ્રયત્નની તરફ લઈ જવા જોઈએ. જે સમયે તમે આવું કરવા લાગશો તો જોઈ શકશો કે તમારું જીવન એકદમ પ્રસન્નતા, શાંતિ, શક્તિ વગેરે ગુણોથી આભૂષિત થતું નજરે પડશે.
પરિસ્થિતિઓના નિર્માણ સ્વયં આપણે : જો આજે પણ તને ખરાબ પરિસ્થિતિઓ અને વારાવરણમાં બંધાયેલા છો, તો નિરાશ ન થાવ, તમારા ભાગ્યને દોષ ન દો, આ પરિસ્થિતિને માટે કોઈ બીજાને દોષી ન ગણો, ફક્ત તમારો દ્રષ્ટિકોણ બદલી નાખો અવગુણનું કારણ તો તમારામાં જ હયાત છે. એને સમજી લઈ પોતાની જાતને આનંદપૂર્વક ઘટનાસ્થળ ઉપર ઘટનાની સામે આવવા દો. આ ઘટના તમારી પોતા દ્રારા જ નિર્માઈ છે. તેને તમે પોતે તાત્કાલિક દૂર કરી શકો છો. જો તમે તમારો દ્રષ્ટિકોણ બદલો તો કાયમ ઉત્તમ વિચારોમાં જ રત રહો. તમારી આંતરિક સ્થિતિને સુધારવાનો દ્રઢ સંકલ્પ કરી લો તો બાહ્ય જીવનમાં પણ તે દશા સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકો છો જેના માટે તમે ચિંતિત રહો છો.
જો આપણે ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા, લોભ વગેરે અનુચિત માનસિક દોષોના શિકાર હોવા છતાં આબાદીવાળા સ્વસ્થ જીવનની કલ્પના કરીએ તો આપણે અસંભવ વાતનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ. જો આપણે ખરેખર આપણા જીવનને સુખી અને આબાદ જોવા ઈચ્છતા હોઈએ તો ક્રોધ, ચિંતા, ઈર્ષ્યા તથા વિચારોને ઓછા કરી હટાવવાનો પ્રયત્ન કરવો પડશે.
સુખ – મનની સ્થિતિ પર નિર્ભર : તમે જીવન પ્રત્યેની તમારી ધારણાઓ બદલી નાખો. વિશ્વાસ તથા જ્ઞાનથી જ તમારા જીવનભવનનું નિર્માંણ કરો. જો વર્તમાન મુશ્કેલીમાં ઘેરાયેલો છે તો તેનો અર્થ એવો નથી કે ભવિષ્ય પણ અંધકારમય છે. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. વિચારપૂર્વક જુઓ કે જે કાંઈ તમારી પાસે છે તેનો સૌથી સુંદર ઉપયોગ કરી રહ્યા છો કે નહીં? કારણ કે જો ઉપસ્થિત સાધનોનો દુરુપયોગ કરતા હો તો પછી તે ગમે તેટલાં તુચ્છ અને સાર વગરનાં કેમ નથી તમે એના પણ અધિકારી નહીં રહો. તે પણ તમારાથી દૂર ભાગી જશે અથવા તો છીનવાઈ જશે.
તે સત્ય છે કે જ્યાં સુધી તમે પોતે પોતાની દશા-સ્થિતિ નહીં સુધારો ત્યાં સુધી દુ:ખ, શોક તથા ચિંતાઓ પીછો છોડી નથી શકતી અને પરિણામ સ્વરૂપ તમે કાયમ દુ:ખી રહી શકો છો. એટલા માટે આપણી આંતરિક દશા સુધારીએ. આંતરિક જીવનની સાથે બાહ્ય જીવનમાં પરિવર્તન થવું નિશ્ચત છે. જેમની મનોદશા ઉત્તમ છે તે થોડાં સાધન હોય તો પણ કાયમ સુખમય વાતાવરણમાં જ ફર્યા કરશે.
ઉદ્દેશ્યવાળું જીવન જીવીએ : જીવનને અસફળતામાં નષ્ટ ન કરીએ જો તેને સફળ બનાવવું હોય તો તેનો એક માત્ર ઉપાય સાધક બનવાનો છે. જીવનની સાધના એ જ છે કે પોતાને તથા બીજાને વિવિધ પ્રકારનાં દુ:ખ આપવાવાળાં જે ત્રણ રાક્ષસી તત્વો છે તેવા અજ્ઞાન, અશક્તિ અને અભાવને દૂર કરવાને માટે બ્રાહ્મણ થવાનું વ્રત લઈએ. બ્રાહ્મણ થવાનું તાત્પર્ય છે – જ્ઞાન, બળ અને સંપતિનું અભિવર્ધન . આ પોતાના માટે જ નહીં પરંતુ દરેકના માટે વધારવા યોગ્ય છે. કોઈ વ્યક્તિ, રાષ્ટ્ર અથવા સમાજ આ ત્રણ દ્રારા જ સુખી થઈ શકે છે. જ્યાં કોઈ જગ્યાએ આ ત્રણની ઊણપ હશે ત્યાં તેના પ્રમાણમાં જ તકલીફ અને દુ:ખ ઉપસ્થિત રહેવાનાં.
જીવન અસ્તવ્યસ્ત જીવવાને માટે, તુચ્છ અને ક્ષુદ્ર કાર્યોમાં ગુજારવાને માટે નથી. આ મહાન સંપત્તિ એવા મહાન ઉદ્દેશ્યોની પૂર્તિને માટે ખર્ચાવી જોઈએ જે વ્યાપક રૂપમાં સુખશાંતિની વર્ષા કરવા વાળા હોય, આપણું લક્ષ્ય બ્રાહ્મણત્વની પ્રાપ્તિ અને કર્તવ્યધર્મની પૂર્તિ હોવું જોઈએ. એને પૂરું કરવા માટે સાધનાત્મક દ્રષ્ટિ અને કાર્યપદ્ધતિ હોવી જોઈએ. આપણું જીવન સાધનાત્મક હોવું જોઈએ કારણ કે માનવજન્મની સફળતા સાધનાત્મક ગતિવિધિ પર જ નિર્ભર છે.
એટલા માટે આપણું પ્રથમ કર્તવ્ય એ છે કે ઉદ્દેશ વિનાનો દિવસ પૂરો ન થવા દેતાં જીવનનં કોઈ નિશ્ચિત લક્ષ્ય નિર્ધારિત કરીએ અને જો લક્ષ્ય નિર્ધારિત થઈ જાય તો તેને પૂરું કરવાને માટે દ્રઢતા અને એકાગ્રતા કેળવી લઈએ. નિશ્ચિત લક્ષ્ય પ્રત્યે મક્કમતાથી જે પ્રવૃતિ થાય છે તેને જ સાધના કહે છે.
નિયોજીત જીવન સફળતાનો માર્ગ : કાંઈ પણ કાર્યમાં ઈચ્છા પ્રમાણેની સફળતા પ્રાપ્ત કરવાને માટે તેનો યોગ્ય વિચાર કરવો, તેનાં દરેક પાસાંઓની યોગ્ય રીતે જાણકારી મેળવવી અત્યંત આવશ્યક છે, તેનાં દરેક પાસાંઓનું બારીકાઈથી સૂક્ષ્મ તપાસ કરીને પોતાના હાનિ, લાભ, રસ્તાની મુશ્કેલીઓ, બીજા દ્વારા વ્યર્થ વિરોધ, પોતાની શક્તિ, સાધન, યોગ્યતા તથા કાર્યની રૂપરેખા અને ક્રમ વગેરે ઉપર સારી રીતે ગંભીરતા પુર્વક વિચાર કરીને કાર્યની શરૂઆત કરવી જોઈએ.
એ નિશ્ચિત છે કે આપણાં કર્તવ્યોને ગંભીરતાથી વિચારપૂર્વક અને યોગ્ય કાર્યપદ્ધતિ દ્વારા કરવામાં આવે તો અસફળતાની સંભાવના ઘટી જાય છે. સામાન્ય રીતે અસફળતા ત્યારે જ મળે છે જ્યારે પોતાનાં કર્તવ્યોને સાવધાનીપૂર્વક વિચારી અને વ્યવસ્થા વગર કરવામાં આવે છે.
આપણે કોઈ પણ મહાપુરુષને જોઈએ તો દરેકના જીવનમાં યોજનાઓનો સુંદર મેળ હોય છે. યોગ્ય યોજનાઓ સિવાય તે કોઈ તેમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકત નહીં. જો આપણે પણ સફળતા પ્રાપ્ત કરવી હશે તો પછી તે વેપાર, કારીગરી અથવા કોઈ પણ કાર્ય અંગેની હશે. આપણે આપણા મહાન ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી નક્કર યોજના બનાવી કાર્યની શરૂઆત કરી તેને સફળ બનાવવી પડશે. જીવનમાં યોગ્ય સફળતા, સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાના આ જ નક્કર રસ્તા અને ઉપાય છે.
Recent Comments