ઉત્કૃષ્ટ જીવન તરફ આગળ વધો
પોતાના માટે જ ન જીવો : કોઈએ એટલું જ માનીને સંતુષ્ટ થઈને બેસી ન રહેવું જોઈએ કે અમે પોતે સારા છીએ તેથી આપણી ભલમનસાઈનો લાભ લઈને સુખી રહીશું. આપણી સુરક્ષા માટે પણ આસપાસના વાતાવરણમાં સજ્જતાનો સમાવેશ કરવો પડશે. વ્યક્તિગત ભલમનસાઈથી સુખશાંતિ પ્રાપ્ત કરવાની આશા એજ રાખી શકે કે જેણે આસપાસના વાતાવરણમાં પણ સુરક્ષાત્મક સૌજન્ય ઉત્પન્ન કર્યુ હોય. વાતાવરણને સુધારવું તે હકીકતમાં તો પોતાની વ્યક્તિગત સુવિધાઓને સુરક્ષીત રાખવા બરાબર છે. સ્વાર્થ એકલો જ નહિ, તેની સાથે પરમાર્થની સુરક્ષાત્મક દીવલ ઊભી કરવી એ પણ જરૂરી છે. સમાજમાં પ્રચલન સારું થાય તો જ આપણી વ્યક્તિગત સુવીધાઓ તથા પરિસ્થિતિઓ સુખશાંતિપૂર્ણ બની શકે. એટલા માટે વિશુદ્ધ સ્વાર્થની દ્રષ્ટીએ વિચારીએ તો પણ આપણે બધાએ સામાજિક વાતાવરણના સુધાર માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ.
આત્મીયતા ફેલાવો
સામુહિકતાની સાથે જોડાયેલ શક્તિ અને પ્રગતિને ગંભીરતાપૂર્વક સમજો અને એકલા રહેવાના બદલે એકબીજાના સહયોગની વ્યવસ્થા કરો. પારસ્પરિક સહયોગનું આદાનપ્રદાન જેટલું થાય તેટલું કરો, પરંતુ તે માત્ર સારા ઉદ્દેશ્ય માટે જ હોવું જોઈએ. કુચક્ર ન રચે અને ષડયંત્રો કરનારાં સંગઠનોને સહયોગ ન આપો. આત્મીયતાનું ક્ષેત્ર વ્યાપક બનાવો. થોડાક લોકોને જ પોતાના માનીને તેમની જ ઈચ્છાઓ પૂરી કરવાના તથા તેમને ભેટો આપ્યા કરવાના મોહમાં ન ફસાઈ જાવ. પોતાની શક્તિને સત્પ્રવૃતિઓ વધારવામાં વાપરો. દેશ, ધર્મ, સમાજ અને સંસ્કૃતિને ચાહો. બધાને પોતાના અને પોતાને બધાના માનો. આ આત્મવિસ્તારનું વ્યાવહારિક સ્વરૂપ લોકમંગલની સેવાસાધનાથી જ શોભે છે.
મોટાઈ : મોટાઈ ન તો સંગ્રહમાં છે કે ન ઉપભોગમાં. ઠાઠમાઠ બતાવવામાં નાટકવાળા વધારે કુશળ હોય છે. અભિનેતા આ કળામાં પ્રવીણ હોય છે. ખજાનચી રોજ લાખોની લેવડ-દેવડ કરે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં તો સડક ઉપર નગ્ન થઈને ફરનાર પાગલ પણ સફળ બને છે. આવી છીછરી પ્રવૃતિઓ કોઈ વિચારશીલે ન અપનાવવી જોઈએ. વિચાર કરો કે મોટાઈ એ એક દ્રષ્ટીકોણ છે, જેમાં હંમેશા આગળ વધવાનો, કોઈ માર્ગ કાઢવાનો તથા જે ઉત્તમ છે તેને જ અપનાવવાનો ઉમંગ જાગે છે અને હિંમત પેદા થાય છે. આપણા ઉત્સાહ, આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ અને વિભૂતિઓમાં કંઈક અવી વિશેષતા હોવી જોઈએ કે જેથી બીજાને પ્રેરણા મળે. વિનાશ તો દીવાસળીની પેટીથી પણ થઈ શકે. એક કાંટો પણ પ્રાણઘાતક નીવડી શકે. આપણું પરાક્રમ સાવરણી જેવું, સૂપડા જેવું, સાબુ જેવું, કપાસ જેવું ઉજ્જવળ તથા સર્જનાત્મક રહે તો શું વાંધો છે? ઘાસની જેમ ઊગો, હરિયાળી ફેલાવો અને બીજાને કામ આવો.
જે કંઈ કરો, તે સારું કરો : બીજાના બદલે પહેલાં પોતાનાં વિચારો અને કાર્યોમાં પરિવર્તન કરો. આપણી આકાંક્ષાઓ, ઈચ્છાઓ, વૈભવ, મોટાઈ વગેરેથી દૂર રહીને વ્યક્તિત્વને મહાન બનાવવાની અને જીવનક્રમને અનુકરણીય, અભિનંદનીય સ્તર સુધી લઈ જવાની યોજના બનાવો. બીજાને આંજી નાખીને સસ્તી વાહવાહ મેળવવાની વાત છોડી દઈને એવો માર્ગ શોધી કાઢો કે જેથીપોતાની મહાનતાને જાગ્રત, પ્રગટ, પરિપુષ્ટ અને ચિરસ્મરણીય બનાવવાનો અવસર મળે. કંઈક મેળવવું જ હોય તો એવું મેળવો કે જેનાથી આત્મતૃપ્તિ, લોકશ્રદ્ધા અને દૈવી અનુકંપાનું અનુદાન સતત પ્રાપ્ત થાય. કંઈક સાહસ જ કરવું હોય તો એવો સેતુ બાંધો, કોઈ એવું જહાજ બનાવો, જેની મદદથી અસંખ્ય વ્યક્તિઓને ભયંકર જલધારાનો અવરોધ ઓળંગીને બીજા કિનારા સુધી પહોંચવાનો અવસર મળે. પુરુષાર્થકરવો હોય તો ઉચ્ચસ્તરીય કરો. વૈભવ મેળવવો હોય તો એવો મેળવો કે જે બીજાના પણ કામમાં આવે.
ચાહ અને રાહ : વિચારવું, ચાહવું, કલ્પના કરવી અને આકાંક્ષાઓનો લબાચો ઓઢીને ફરનારાઓ માંથી કેટલાય એવા હોય છે, આકાંક્ષાઓ તથા અભિલાષાઓ તો મોટી મોટી રાખે છે, પરંતુ તે માટે જે લગની, દ્રઢતા, સંકલ્પ અને સતત પ્રયત્નોની જરૂર રહે છે તે કરી શકતા નથી. પરિણામે તેઓ મન મારીને બેસી રહે છે અને નિષ્ફળતાજન્ય નિરાશા મળતાં ભાગ્યને દોષ દે છે. એ સિવાય મનને સમજાવવા માટે બીજે કોઈ વિકલ્પ શોધી શકતા નથી.
આત્માવલંબી બનો : સ્વાવલંબન, નિયમિતતા અને શિસ્ત મનુષ્યના વ્યક્તિત્વને શોભાવે છે અને તેને ઉજ્જવળ બનાવે છે. સ્વાવલંબનનો અર્થ છે – પોતાનું કામ પોતાના હાથે જ કરવું. ઘરમાં કે બહાર આ ગુણોને પોતાના સ્વભાવમાં ઉતારવા અઘરા નથી. પરિવારમાં રહેવાં છતાં પોતાનું કામ પોતાની જાતે જ કરી લેવું જોઈએ. પોતાનાં કપડાં જાતે ધોઈ લેવાં, પોતે જ હજામત કરી લેવી, બીજાં જરૂરી કામ પણ પોતે જ કરી લેવા જેવી વાત સ્થૂળ દ્રષ્ટીથી કોઈને ભલે મહત્વપૂર્ણ ન લાગતી હોય, પરંતુ તેનાથી વ્યક્તિત્વમાં સ્વાવલંબની જે સદવૃત્તિ આવે છે તે વ્યક્તિત્વને પ્રખર બનાવે છે.
પોતાનો આદર્શ રજૂ કરો : માહિતી આપવાની અને ગ્રહણ કરવાની જરૂરિયાત વાણી અને કલમ દ્વારા પૂરી કરવામાં આવે છે. તર્ક અને પ્રમાણ રજૂ કરીને વિચાર બદલી શકાય છે, પરંતુ અંત:કરણમાં જામેલી આસ્થાઓ તથા લાંબા સમયની ટેવથી થતી પ્રવૃત્તિઓ બદલવા માટે સમજાવવા કરતાંય મોટો આધાર પોતાનું આદર્શ ઉદાહરણ રજૂ કરવાનો છે. બીજાઓને ખરાબ પ્રવૃત્તિઓ છોડાવવાનું સાહસ ત્યારે જ શક્ય બને કે જ્યારે તે માટે અનુકરણીય આદર્શ રજૂ કરવામાં આવે.
મહાનતા : મહાનતા એ કોઈ સુખ નથી કે જેવું લોકો સમજે છે. એ મનુષ્યની જીવનકળાની સેવાઓ, લોકમંગળની કામનાઓ, પ્રયત્નો, કષ્ટ, બલિદાન અને ધૈર્યનું પ્રમાણપત્ર છે, જે મોટે ભાગે તેના મૃત્યુ બાદ સંસાર દ્વારા આપવામાં આવે છે. જીવન દરમિયાન જ સફળતાની હઠ લઈને ચાલનારે કાં તો પોતાનાં કદમ પાછાં વાળી લેવાં જોઈએ અથવા તો પોતાની મનોપ્રવૃત્તિમાં સુધારો કરી લેવો જોઈએ.
ભાગ્ય અને ભવિષ્યનિર્માણ : માનવીનું ચિંતન જ એક્માત્ર કેન્દ્રબિંદુ છે કે જેના પર વ્યક્તિની દિશા, પ્રતિભા, કાર્ય, પરિસ્થિતિ કે પૂર્ણ રીતે આધાતિત હોય છે. ચિંતનની ઉત્કૃષ્ટા કે નિકૃષ્ટતાના આધારે વ્યક્તિ દેવ કે દાનવ બને છે. સ્વર્ગ અને નર્કનું સર્જન પૂર્ણ રીતે મનુષ્યના પોતાના હાથમાં છે. પોતાના ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ દરેક વ્યક્તિ પોતાની જાતે જ કરે છે. ઉત્થાન અને પતનની ચાવી ચિંતનની દિશાને જ માનવામાં આવી છે. આપણે આપણી પરિસ્થિતિને જો ઉત્કૃષ્ટ સ્તર તરફ લઈ જવી હોય તો તે માટેની એક અનિવાર્ય શરત છેકે પોતાના ચિંતનને નિકૃષ્ટતા તરફથી અટકાવીને ઉત્કૃષ્ટતા – શ્રેષ્ઠતા તરફ વાળવું જોઈએ. આ પરિવર્તન જ આપણા સ્તર, સ્વરૂપ અને પરિસ્થિતિઓને બદલાવવામાં સમર્થ બની શકે છે.
ઉન્નતિનો માર્ગ : ઉન્નતિના માટે માર્ગ પર કોઈનોય પ્રતિબંધ નથી. તે બધાને માટે સમાન રીતે ખુલ્લો છે. પરમાત્માના વિધાનમાં કોઈ અન્યાય કે પક્ષપાતને સ્થાન નથી. જે વ્યક્તિ પોતાનામાં જેટલા વધારે ગુણ, જેટલી વધારે ક્ષમતાઓ તથા જેટલી વધારે યોગ્યતાઓ વિકસિત કરી લેશે તેટલી વધારે વિભૂતિઓનો તે અધિકારી બની શકશે.
તમે પણ મહાન બની શકો છો : વાલ્મીકિ, અંગુલિમાલ, આમ્રપાલી, સુરદાસ, સમ્રાટ અશોક વગેરેનું જીવન શરૂઆતમાં કલુષિત હતું. ગાંધીજી જન્મજાત અવતાર ન હતા. જો હોત તો તેમને લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધી અહીંતહીં ભટકવું પડ્યું ન હોત. રામાયણનાં પાત્રોમાં હનુમાન, અંગદ, સુગ્રીવ, જાંબુવંત, જટાયુ વગેરેની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ તે લોકો જન્મજાત મહાપુરૂષ હોત તો તેમનો જીવનક્રમ આરંભથી જ નિર્ધારિત દિશામાં ચાલુ રહ્યો હોત. અગણિત સંત મહાત્માઓ અને મહાપુરૂષોનો જીવનક્રમ એવો જ હતો, જેને ધ્યાનપૂર્વક જોતાં સ્પષ્ટ થાય છે કે તેઓ જન્મજાત રૂપથી કોઈ મહાનતા લઈને આવ્યા હોતા નહોતા. જીવનનો ઘણો મોટો ભાગ તેમણે નિરર્થક કાર્યોમાં ગુમાવ્યો હતો. સમય અનુસાર તેમની અંત:ચેતનાએ પલટો ખાધો, દિશા બદલાઈ અને પછી તેઓ કંઈકના કંઈ બની ગયા. એથી પ્રગટ થાય છે કે મહાનતાનો કોઈપણ પૂર્વસંચિત કણ જો અંત:કરણમાં વિધમાન હોય તો તે ગમે ત્યારે પણ ફળદાયી બને છે. મહાકાલની એક દ્રષ્ટી તેનો કાયાકલ્પ કરી શકે છે.
તપસ્વી, મનસ્વી અને તેજસ્વીની ભૂમિકા નિભાવો : આપણે દૂરદર્શી વિવેકશીલતા અપનાવીએ અને તેના આધારે નીતિ નક્કી કરીએ. પ્રચલિત માળખામાંથી માત્ર એટલો જ સ્વીકાર કરીએ કે જેટલું ઉચિત હોય. લોકમંગલનું ધ્યાન રાખો, પરંતુ લોકમત ઉપર ધ્યાન ન આપો. જનસમૂહનો પ્રચલિત પ્રવાહ અવાંછનીયતા તરફ હોય છે. તેની સાથે ન વહી જાવ. દરેક પ્રસંગે ન્યાયનીતિ અપનાવો અને કોણ શું કહે છે તેની ઉપેક્ષા કરી શકવાનું સાહસ એકઠું કરો. એક આંખ પ્યારની અને બીજી સુધારની રાખો. ઔચિત્યને સમર્થન આપો. સાથે જ અનૌચિત્ય સાથે સહમત ન થાઓ અને તેને સહયોગ ન આપો. સંભવ હોય તો તેનો વિરોધ કરીને સંઘર્ષ પણ કરો. આ નીતિ પોતાનાંઓ સાથે તથા બીજાઓની સાથે રાખવી. મિત્ર યા સ્વજન હોવા છતાં તેમની અયોગ્ય બાબતોમાં સહયોગી ન બનો. આત્મસુધારમાં તપસ્વી, પરિવાર નિર્માણમાં મનસ્વી અને સમાજ પરિવર્તનમાં તેજસ્વીની ભૂમિકા ભજવો.
આદર્શોની ચર્ચા જ નહિ, તેમને ચરિતાર્થ પણ કરો. : વિચારોમાં બધા જ આદર્શવાદી હોય છે. યોગ્ય-અયોગ્યનું જ્ઞાન અથવા પાપ–પૂણ્યની અનુભૂતિ તો મૂર્ખ અને પાપીને પણ થાય છે, પરંતુ વ્યાવહારિક જીવનમાં આપણે તેને ભૂલી જઈએ છીએ. ધર્મને જાણતા હોવા છતાં તે પ્રમાણે આચરણ કરતાં નથી અને અધર્મને જાણતા હોવા છતાં તેમાંથી નિવૃત થતા નથી. દુર્યોધનને આ વાત ભગવાન કૃષ્ણે જ્યારે તેઓ શાંતિદૂત બનીને ગયા હતા ત્યારે કહી હતી. અર્થાત્ ધર્મ-અધર્મની ખબર દરેકને હોય છે. બધા આ વાતો જાણે છે. આપણે પણ જો આ વાતોની માત્ર લુખ્ખી ચર્ચા જ કરતા રહીએ તો કોઈ વિશેષ હેતુ સિદ્ધ નહિ થાય.
વિશ્વસનીયતા પ્રાપ્ત કરો. : બીજાને જે કહીએ તેનો અમલ કરવાનો શુભારંભ પોતાની જાતથી જ શરૂ કરીએ અને જે નિશ્ચય કર્યો હોય તેને દ્રઢતાપૂર્વક વળગી રહીએ. ગબડિયા લોટાની જેમ અહીંતહીં ગબડતા રહી પોતાની જાતને ઉપહાસપાત્ર ન બનાવીએ. સંકલ્પો તથા નિશ્ચયો જો સુધાર અને સંયમ જેવા આદર્શવાદી પક્ષ સાથે જોડાયેલા હોય તો તે પૂરા કરવા જ જોઈએ. રામાયણની આ ચોપાઈ દરેક પ્રામાણિક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જ જોઈએ, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રાણ જાય, પણ વચન ન જાય, રોજ નવી પ્રતિજ્ઞાઓ કરનારા અને જુસ્સો ઠંડો પડતાં જ કાચિંડાની જેમ રંગ બદલનારા પોતાની હાંસી કરાવે છે અને અવિશ્વાસનું વાતાવરણ પેદા કરે છે.
પોતાના આચરણનું પ્રમાણ આપો. : જે વાત હજારોવાર પરખાએ ચૂકી છે તેને વારંવાર ન પારખવી જોઈએ. દળાઈ ચૂકેલાને ફરી ફરીને દળવાથી શું લાભ? જનમાનસનાં પરિવર્તનની જરૂરિયાતને ખરેખર પૂર્ણ કરવી જ હોય તો તેનો એક જ રસ્તો છે કે આદર્શોને જીવનમાં ઉતારી શકનારા સાહસિક લોકોનું એક એવું સંગઠન બને, જે પોતાના આચરણ દ્વારા એ સિદ્ધ કરે કે આદર્શવાદિતા એ કંઈ બીજાને ઉપદેશ આપવાની બાબત નથી પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત પણ કરી શકાય છે. આ સિદ્ધાંતને સાબિત કરવા માટે આપણે જાતે જ આગળ આવવું પડશે. બીજાને ખભે બંધૂક મૂકીને કંઈ ગોળી ન ચલાવી શકાય. આદર્શ કોઈ બીજો રજૂ કરે અને નેતાગીરી આપણે કરીએ એ વાત હવે નહિ ચાલે. આપણે આપણી શ્રદ્ધાની પ્રામાણિકતા આપણા આચરણ દ્વારા જ સાબિત કરવી પડશે. શ્રેષ્ઠ આચરણથી બીજા લોકોને અનુકરણ કરવાની પ્રેરણા મળે છે. આગળ જ્તાં પણ આ જ પદ્ધતિ કોઈ ચોક્કસ પરિણામ લાવી શકશે.
સદ્દભાવના અને સજ્જનતા વધારીએ. : વ્યક્તિનું છીછરું સ્તર, વિચારોમાં નિકૃષ્ટતા અને ભાવનાઓમાં સંકુચિત સ્વાર્થ પરાયણતા હોવાના કારણે અનેક પ્રકારની દુષ્પ્રવૃતિઓ ફેલાય છે અને દુર્ઘટનાઓ થાય છે. ધન, બુદ્ધિ, સાધન તથા પદાર્થોની આ દુનિયામાં કમી નથી. તે એટલી પ્રચુર માત્રામાં છે કે જો તેમનો સદ્દપયોગ કરી શકાય તો બધે સુખશાંતિના સોનેરી પ્રસંગો સ્થાપી શકાય છે. દારિદ્ર, રોગ, શોક, ગુનાખોરી, કલેશ, કલહ, દુર્ભાવ, દ્રેષ તથા વિપત્તિની અનેક સમસ્યાઓ કેવળ માનવીય દુર્બુદ્ધિ કે દુર્બળતાને કારણે જ ઉત્પન્ન થઈ રહી છે. જયાં સુધી આ સ્થિતિ રહેશે ત્યાંસુધી વિજ્ઞાનની સિદ્ધિઓ, શિક્ષણ, સંપત્તિ, ચિકિત્સા, કાનૂન વગેરેમાં ગમે તેટલો વધારો થશે, તો પણ તેનું કોઈ ચોક્કસ પરિણામ આવશે નહિ. સંપત્તિમાં વૃદ્ધિ ત્યારે જ ઉપયોગી થઈ શકે છે, જ્યારે સદ્દભાવના, સદ્દપ્રવૃત્તિ, સજ્જનતા, સૌજન્ય વગેરેમાં પણ નિરંતર વૃદ્ધિ થતી રહેશે.
પતન નહિં, પણ ઉન્નતિ. : સદ્દજ્ઞાન સમસ્ત વિપત્તિઓનું નિવારણ કરે છે. રામાયણનું કથન છે કે “જહાં સુમતિ તહાં સંપત્તિ નાના” અર્થાત્ જયાં વિચારશીલતા વિધમાન હોય છે ત્યાં અનેક સુવિધાઓ તથા સંપદાઓની હારમાળા અનાયાસે જ ખેંચાતી આવે છે. આ જ કારણે સદ્દબુદ્ધિની અધિષ્ઠાત્રી ગાયત્રીને માનવામાં આવી છે. મન:સ્થિતિ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. પરિસ્થિતિઓ જ સુખદુ:ખનું ઉત્થાન કે પતનનું કારણ બનીને સામે આવે છે. મનુષ્ય પોતે જ પોતાનો શત્રુ છે અને જો તે ચાહે તો પોતાનો ગાઢ સહયોગી મિત્ર પણ બની શકે છે. એટલા માટે પોતાને પતન તરફ નહિં, ઉન્નતિ તરફ લઈ જાઓ.
Recent Comments