Archive

Archive for December 1st, 2009

વાણીની સાધના

December 1st, 2009 No comments

વાણીની સાધના

વાર્તાલાપનાં ગૂઢ રહસ્યો.

જેવી રીતે તમે સારાં પુસ્તકો કેવળ તમારા લાભને માટે પસંદ કરો છો તેવી રીતે સાથીદાર એવો પસંદ કરો કે જેથી તમને કંઈક લાભ થાય. સૌથી સારો મિત્ર તો તે છે, જેનાથી આપણામાં ગમે તે રીતે સુધારો થાય અને આનંદમા વૃદ્ધિ થાય. જો તે મિત્રોથી તમને કોઈ લાભ ન થતો હોય તો તમે તેમને આનંદ અને સુધારામાં વૃદ્ધિ કરવામાં મદદ કરો. જો તમે તે સાથીદારો પાસેથી કોઈ લાભ ન મેળવી શકતા હો કે તેમને તમે કશો લાભ ન આપી શકતા હો તો તમે તરત જ તેમનો સાથ છોડી દો.

પોતાના સાથીદારોના સ્વભાવનું પૂરું જ્ઞાન મેળવો. જો તેઓ તમારાથી મોટા હોય તો તમે તેમને કંઈક પૂછો અને તેઓ જે કંઈ કહે તે ધ્યાનપૂર્વક સાંભળો. જો તેઓ નાના હોય તો તમે તેમને કંઈક લાભ પહોંચાડો.

જ્યારે પરસ્પરની વાતચીત નીરસ બની ગઈ હોય ત્યારે તમે કોઈ એવો વિષય છેડો, જેના પર બધા કંઈક ને કંઈક બોલી શકે અને જેનાથી બધા મનુષ્યઓના આનંદમાં વૃદ્ધિ થાય, પણ તમે ત્યાં સુધી એમ કરવાના અધિકારી નથી કે જ્યાં સુધી તમે નવા વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય.

જયારે કંઈક નવીન મહત્વપૂર્ણ અથવા બોધ મળે એવી વાત કહેવામાં આવે ત્યારે તમે તેને તમારી નોટબુકમાં નોંધી લો. તેનો સાર ગ્રહણ કરી લઈને બાકીનો કચરો કાઢી નાંખો.

તમે કોઈપણ સમાજમાં અથવા સાથીઓની સાથે આવતાં-જતાં તદ્દન મૌન વ્રતવાળા ન બનો. બીજાઓને ખુશ કરવાનો અને તેમને કંઈક જ્ઞાન આપવાનો પ્રયત્ન અવશ્ય કરો. એ સંભવ છે કે તમને પણ બદલામાં આનંદવર્ધક અથવા જાણવા જેવી માહિતી અવશ્ય મળે. જ્યારે કોઈ બોલતું હોય ત્યારે તમે ભલે ચૂપ રહો, પરંતુ બધા ચૂપ બની જાય ત્યારે તમે બધાની શૂન્યતાનો ભંગ કરો. બધા તમારા કૃતજ્ઞ બનશે.

કોઈ વાતનો નિર્ણય જલદીથી ન કરો. પહેલાં તેના બંને પક્ષોનું મનન કરો. કોઈ પણ વાતને વારંવાર ન કહ્યા કરો.

એ વાતનો સારી રીતે ખ્યાલ રાખો કે તમે બીજાની ઊણપો તથા ભૂલોને જે દ્રષ્ટિથી જુઓ છો તેમને તેઓ એ દ્રષ્ટિથી નહિ જોતા હોય. એટલા માટે સમાજ સમક્ષ કોઈ મનુષ્યના દોષ પર સ્વતંત્ર રીતે આક્ષેપ, કટાક્ષ કે ટીકાટિપ્પણી કરવાનો તમને અધિકાર નથી.

વાતચીત કરતી વખતે પોતાની બુદ્ધિમત્તા બતાવવાનો ખોટો પ્રયત્ન ન કરો. જો તમે બુદ્ધિશાળી હશો તો તે તમારી વાતચીત પરથી જ ખબર પડી જશે. જો તમે પ્રયત્ન કરીને તમારી બુદ્ધિમાની પ્રગટ કરવા માગશો તો સંભવ છે કે તમારી બુદ્ધિહીનતા વધુ પ્રગટ થતી જશે.

કોઈની વાત જો તમને અપમાનજનક અથવા અવિવેકી લાગતી હોય, તો પણ થોડીવાર માટે ચૂપ રહેવાનો પ્રયત્ન કરો. એમ પણ બની શકે કે તે વાત તમારા સ્વભાવને કારણે તમને ખરાબ લાગતા હોય, પણ બીજા બધા લોકોને સારી લાગતી હોય. જો એમ હોય તો થોડો સમય ચૂપ રહેવાથી તમારે પાછળથી પસ્તાવું નહિ પડે, પરંતુ તમને એક ધૈર્યનો પાઠ શીખવા મળશે.

તમે પોતે સ્વતંત્રતાપૂર્વક તથા સરળતાપૂર્વક વાતચીત કરો અને બીજાને પણ તેમ કરવા દો. ઓછા સમયમાં અમૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરવાનો સંસારમાં બીજો કોઈ માર્ગ નથી.

વાણી

વાણીનો દુરુપયોગ મનુષ્યને દરેક ક્ષેત્રમાં અસફળતા અપાવે છે. ખોટું બોલીને, દગો કરીને, ચાલાકીભર્યા શબ્દોનો વ્યવહાર કરીને મનુષ્ય બીજાને ભ્રમમાં નાખી દે છે. એવી વ્યક્તિઓને કોઈ સાથ નથી આપતું. એવા લુચ્ચા, ચાલાક, લંપટ, તથા વાચાળ લોકોથી બધા બચવા પ્રયત્ન કરે છે.

પીઠ પાછળથી બુરાઈ કરવી એ પાપ છે.

અનેક લોકો પીઠ પાછળ બૂરાઈ કરવામાં અને હાજરીમાં વાહવાહ કરવામાં મોટો આનંદ લે છે. તેઓ એમ સમજે છે કે સંસાર એટલો મૂર્ખ છે કે તેમની આ બેવડી નીતે કોઈ સમજતું નથી. તેમને આવો બેવડો વ્યવહાર કરવા છતાં સમાજમાં શિષ્ટ અને સભ્ય સમજવામાં છે. પોતાની જાતને આ રીતે બુદ્ધિશાળી માનવી એ ઘણી મોટી મૂર્ખતા છે. એક તો બીજાને છેતરવો એ પોતાના આત્માને છેતરવા બરાબર છે. બીજું દુશ્મનાવટ અને મિત્રતાની જેમ વાસ્તવિકતા તથા કૃત્રિમતા છૂપી રહી શકતી નથી.

આજનું ચિંતન :

December 1st, 2009 No comments

ભાગ્ય વિશેની સચોટ વાત એક જ છે કે તે મનુષ્યના પ્રયાસોને અનુરૂપ બદલાતું રહે છે.

મનુષ્ય પોતે જ પોતાના માટે તકલીફો પેદા કરે છે.

જો તે તેની ચાલ બદલી નાખે તો બધી સમસ્યાઓ ઉકેલવામાં પોતે સક્ષમ થઈ શકે છે.

*****

બીજાના અધિકારો છીનવી લેતી શક્તિ ચિરસ્થાયી હોતી નથી કે શાંતિ આપતી નથી.

શક્તિ તેને કહે છે,જે પોતે વધે અને બીજાઓને આગળ વધારે.

*****

એકલવાયા રહેશો નહિ, નહિ તો અશક્ત રહેશો.

હળીમળીને રહેનારાઓ તણખલામાંથી હાથીને બાંધી શકે

એવા દોરડા સમાન બને છે.