Home > અમૃતવાણી > કર્મકૌશલ શીખીએ

કર્મકૌશલ શીખીએ

November 30th, 2009 Leave a comment Go to comments

કર્મકૌશલ શીખીએ

સંસાર કર્મભૂમિ છે.

આ સંસારની રચના કલ્પવૃક્ષ જેવી નથી કે જે કંઈ આપણે ઈચ્છીએ તે તરત જ મળી જાય. આ કર્મભૂમિ છે, જયાં દરેકને પોતાનો માર્ગ પોતે બનાવવો પડે છે. પોતાની યોગ્યતા અને વિશેષતાઓનું પ્રમાણ આપ્યા વિના કોઈ પણ વ્યક્તિ મહત્વપૂર્ણ સ્થાન પર પહોંચતી નથી. અહીં દરેકને પરીક્ષાની આગમાં તપાવવામાં આવે છે અને આ કસોટીમાં જે સાચો ઠરે છે તેને જ પ્રામાણિક અને વિશ્વસનીય માનવામાં આવે છે.

કર્મવીર માટે જરૂરી.

શુભ કાર્યો કરનાર તથા ઉન્નતિ અને વિકાસ તરફ આગળ વધનારની સમક્ષ એક જ માર્ગ છે કે તેમણે દ્રઢતાપૂર્વક પોતાના લક્ષ્ય તરફ નિરંતર ગતિશીલ રહેવું. એકવાર શુભ લક્ષ્ય અને શ્રેષ્ઠ માર્ગ પસંદ કર્યા પછી તેના તરફ નિરંતર આગળ વધતા રહેવું કર્મવીર માટે જરૂરી છે.

પોતાનાં કર્મોને ઓળખો.

દુષ્કર્મ કરવું હોય તો તે કરતાં પહેલાં અનેકવાર વિચારો અને તે આજને બદલે કાલ-પરમ દિવસ પર છોડી દો, પરંતુ જો શુભ કાર્ય કરવું હોય તો પ્રથમ તબક્કે જ ભાવના તરંગોને કાર્યાન્વિત થવા દો. કાલના કામને આજે જ પતાવી દેવા પ્રયત્ન કરો. પાપ તો રોજ જ પોતાની જાળમાં આપણને ફસાવી દેવા ફરતું હોય છે, પણ પૂણ્ય તો કોઈકવાર જ જન્મે છે. જો તેને નિરાશ કરીને પાછું ઠેલી દીધું તો કોણ જાણે ફરી તે ક્યારેય આવશે.

કોઈના વિના પણ કામ ચાલી શકે છે.

મારા લીધે બીજાનું ભલું થયું એમ વિચારવું મૂર્ખતા છે. આપણા વગર સંસારનું કોઈ કામ અટકી રહેતું નથી. આપણા જન્મ્યા પહેલાં સંસારનાં બધાં જ કામ યોગ્ય રીતે ચાલતાં હતાં અને આપણા પછી પણ તે ચાલતાં જ રહેશે. પરમાત્મા એટલો લાચાર નથી કે આપણી મદદ વિના સૃષ્ટિનું કામ ચલાવી ન શકે.

એવો કોઈ નિયમ નથી.

એવો કોઈ નિયમ નથી કે તમે સફળતાની આશા રાખ્યા વિના, અભિલાષા કર્યા વિના, તેના માટે દ્રઢ પ્રયત્નો કર્યા વિના સફળતા મેળવી શકો. દરેક ઊંચી સફળતા માટે પહેલાં દ્રઢ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. તેના વિના કદી સફળતા મળતી નથી. ભગવાનના આ નિયમબદ્ધ અને શ્રેષ્ઠ વ્યવસ્થાપૂર્ણ જગતમાં ભાગ્યને માટે કોઈ સ્થાન નથી.

એવા વિચાર ન કરો.

એવો વિચાર ન કરો કે મારું ભાગ્ય તેમને જ્યાં ત્યાં ભટકાવી રહ્યું છે અને આ રહસ્યમય ભાગ્યની સામે મારું શું ચાલી શકે? તેને મનમાંથી કાઢી નાંખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાગ્ય કરતાં મનુષ્ય મહાન છે અને બહારની કોઈ પણ શક્તિની તુલનામાં તેનામાં પ્રચંડ શક્તિ મોજૂદ છે. આ વાતને જયાં સુધી તે નહિ સમજે ત્યાં સુધી તેનું કલ્યાણ કદાપિ શક્ય નથી.

  1. No comments yet.
  1. No trackbacks yet.