Home > અમૃતવાણી > આધ્યાત્મિક દ્રષ્ટકોણ અપનાવીએ

આધ્યાત્મિક દ્રષ્ટકોણ અપનાવીએ

November 29th, 2009 Leave a comment Go to comments

આધ્યાત્મિક દ્રષ્ટકોણ અપનાવીએ

અધ્યાત્મમાં “શોર્ટકટ” નથી.

અધ્યાત્મમાં શોર્ટકટ શોધવાની ઉતાવળ કોઈએ પણ ન કરવી જોઈએ. માથા પર હાથ મૂકીને કુંડલિની જગાડનારા, આંખો બંધ કરીને ભગવાનનાં દર્શન કરાવનારા, મંત્રતંત્રના બદલામાં રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા લોકોથી દૂર રહો. લાંચ, ખુશામત દ્વારા ભગવાનને છેતરવાની તથા પટાવવાની તુક્કાબાજી જેટલી જલદીથી ખતમ થઈ જાય તેટલું ઉત્તમ છે. એમાં કપટજાળ સિવાય વાસ્તવિકતાનું નામનિશાન પણ નથી.

આપો અને મેળવો” અધ્યાત્મનો સિદ્ધાંત

હીરા અને સોનાનાં ઘરેણાં મફતમાં નથી વહેંચાતાં. પંચામૃત કે તુલસીપત્ર જ પ્રસાદમાં મળે છે. માળા ફેરવવા અને અગરબત્તી સળગાવવાના બદલામાં કોઈપણ મનોકામનાઓ પૂરી કરી શકે એવાં દેવીદેવતા હજી સુધી જન્મ્યાં નથી. બેંક લોન આપતી વખતે આપણી પરિસ્થિતિ વિશે પૂછે છે અને તપાસ કરે છે કે પૈસા શા માટે માંગવામાં આવે છે? ક્યા કામ માટે તેનો ખર્ચ થશે? દેવતાઓ પાસે આવી બેંક નથી, જેનાથી પત્રપુષ્પના બદલામાં અથવા દર્શન કરવા માત્રથી કોઈ ધન્ય બની જાય. સંસારના ક્ષેત્રની જેમ જ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ ખરીદ-વેચાણનો વ્યવહાર ચાલે છે. આ વાસ્તવિકતા જેટલી જલદી સમજાય તેટલું સારું.

આત્માનો પ્રકાશ

આત્મા માટે જે પ્રકાશ પ્રાપ્ત કરવા યોગ્ય તે છે, એકતાનો, અદ્વૈતનો પ્રકાશ. જે આત્મા જેટલો પોતાનાં – પારકાં, મારા-તારાના ચક્કરમાં છે, બીજાઓને પોતાનાથી જેટલા ભિન્ન માને છે તે એટલો જ દુ:ખી હોય છે. તેને બીજાથી ભય અને સંશય રહે છે.  પ્રેમનું મિલન જેટલું વધે છે, એટલું જ દ્વૈત સમાપ્ત થવા લાગે છે, જે અનેક પ્રકારની શંકાઓ અને ઉદ્વૈગનું મૂળ છે.

બાકી વધેલા જીવનનો સદુપયોગ કરો

જે સમય વીતી ગયો, તે જો અયોગ્ય રહ્યો હોય તો પણ હજી એક શક્યતા છે કે બાકીના સમયનો સદુપયોગ કરીને અગાઉ થઈ ગયેલ અનર્થનું શુદ્ધિકરણ કરવામાં આવે. સુરદાસ, તુલસીદાસ, આમ્રપાલી, અંગુલીમાલ, અજામિલ, અશોક વગેરે શરૂઆતમાં ખૂબ ખરાબ હતા, પણ વિવેક જાગૃત થયા પછી તેઓ સુધરી ગયા. પાછળથી અપનાવવામાં આવેલ શ્રેષ્ઠતા એટલી તો સમર્થ હોય છે કે તેનાથી અગાઉ ના દોષો તથા પાપોને દબાવી શકાય છે. ઊર્ધ્વગામી બનવાનો નિશ્ચય કરી લઈએ તો દેવતાઓ હાથ લંબાવવામાં કે ડૂબતાને બચાવી લેવામાં કોઈ કસર રાખતા નથી. ઊર્ધ્વગામીઓને ભગવાને સહારો આપ્યો છે. દિવ્ય જીવન જીવવાનો સંકલ્પ કરનારને, સાહસ કરીને મોટી છલાંગ મારવા માટે તૈયાર લોકોમાંથી કોઈને પણ અધવચ્ચે ડૂબવું પડવું નથી.

ભૂલ સુધારીએ

આત્માની તુલનામાં શરીરનું મુલ્ય ઓછુ છે, તે જ રીતે ભાવનાત્મક સશક્તતાની તુલનામાં ભૌતિક સમૃદ્ધિ તુચ્છ છે.  ભૌતિક ઉન્નતિ માટેના મોટામાં મોટા પ્રયોગો પણ ત્યાં સુધી તેના કરતાં અનેકગણા પ્રયત્નો આંતરિક વિકાસ માટે ન કરવામાં આવે.  આજે આપણી સૌથી મોટી ભૂલ આજ છે.  એની આવશ્યકતાનું મૂલ્ય ઓછું આંકીને આપણે ધાણીના બળદની જેમ ખૂબ પરિશ્રમ કરવા છતાં કોઈ મોટી મંજિલને પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી નથી.  હવે એ સમય આવી પહોંચ્યો છે કે તે ભૂલને સુધારી લેવા માટે આપણે વિલંબ કર્યા વગર કટિબદ્ધ થઈ જવું જોઈએ.

દિવ્ય આત્મા કોણ ?

પરમાર્થ પ્રયોજનો માટે ઘણું બધું કરી છૂટવાની અભિલાષા એક એવું તત્વ છે કે જેને ઈશ્વરનો પ્રકાશ કે પૂર્વજન્મોના સંચિત ઉત્કૃષ્ટ સંસ્કારો કહી શકાય.  જેના હૃદયમાં ઈશ્વરનાં કાર્યોમાં સહયોગી બનવાની જેટલી લગની છે કે તે એટલો જ દિવ્ય આત્મા છે.  તડપ પાણીના ઝરણાં જેવી છે, જે પહાડ જેવી કઠોરતાને પણ ચીરીને બહાર આવી જાય છે. સામાન્ય સ્થિતિના લોકો પણ યોગ્ય અવસરે પોતાની તડપને કાર્યમાં ઉતારવાનું સાહસ કરે છે ત્યારે તે સાહસ જ તેને ઈશ્વરીય અવતરણના રૂપમાં સૂર્ય અને ચન્દ્રની જેમ ચમકાવી દે છે.  તડપ પેદા થવાનું કારણ અવતરણ છે.

વિટંબણા તો નથી

આ એક વિટંબણા જ છે કે દુનિયાભરનું જ્ઞાન મેળવવાની લાલસા રાખનાર વ્યક્તિ જ્ઞાની અને વિદ્વાન હોવાનો દાવો તો કરે છે, પરંતુ એને એટલું પણ જ્ઞાન નથી કે તે પોતે કોણ છે ? શા માટે તે આવ્યો છે ? શું કરવાનું છે અને ક્યાં જવાનું છે ? આ આત્મ વિસ્મૃતિના કારણે તે અટવાતો રહે છે, ભુલભુલામણીમાં ભટકતો, અભાવનાં રોદણાં રડતો ગમે તેમ કરીને તે દિવસો વિતાવે છે.

મનીષી બનો, પરંતુ શુદ્ધ અંત:કરણવાળા

જેનું મન પોતાના વશમાં હોય, જે મનની ઈચ્છા પ્રમાણે ચાલતો નથી, પરંતુ પોતાના વિચારો દ્વારા મનને ચલાવે છે તેને મનીષી કહે છે તથા એવી પ્રજ્ઞાને મનીષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારનું કથન છે કે ‘મનીષિ અસ્તિ યેષાં તે મનીષાન:’ પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું છે કે ‘મનીષિ નાસ્તુ ભવન્તિ પાવનાનિ ન ભવન્તિ’ અર્થાત્ મનીષી તો ઘણા હોય છે, પણ ઘણા બુદ્ધિશાળી હોય છે, પરંતુ તેઓ પાવન હોય, પવિત્ર હોય એવું હોતું નથી. પ્રતિભાશાળી તથા બુદ્ધિમાન હોવું તે એક વાત છે અને પવિત્ર તથા શુદ્ધ અંત:કરણવાળા બુદ્ધિમાન હોવું તે જૂદી વાત છે.

ધર્મશીલ બનો.

જે ધર્મની રક્ષા કરે છે તેની રક્ષા થાય છે અને જે ધર્મને મારે છે તેને ધર્મ જ મારી જ નાખે છે. અધર્મના માર્ગે ચાલીને આજ સુધી કોઈ મહાન બન્યો નથી કે નથી સુખશાંતિથી રહી શક્યો. આગળ ઉપર પણ આ જ ક્રમ ચાલવાનો છે. આપણે સારા મનુષ્ય બનવું જોઈએ, પ્રામાણિક મનુષ્ય બનવું જોઈએ અને સશકત બનવું જોઈએ. શક્તિ, પ્રામાણિકતા અને વ્યવસ્થા આ ત્રણેય ધર્મના જ ગુણ છે. વ્યક્તિનો સમગ્ર વિકાસ જ ધર્મનો ઉદ્દેશ્ય છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.