Archive

Archive for November 28th, 2009

આંતરિક શત્રુઓથી બચો

November 28th, 2009 No comments

આંતરિક શત્રુઓથી બચો

લોભ, મોહ પર અંકુશ મૂકો. : અત્યારે તો આસ્થાસંકટ સામે ઝઝૂમવું એ જ આપત્તિકાલીન યુગધર્મ છે. વિચારોની નિકૃષ્ટતાએ જ લોકમાનસને વિકૃત કરી મૂક્યું છે. તેના કારણે જ વ્યક્તિ અને સમાજની સામે અનેક સંકટો ઊભાં થયાં છે અને મહાવિનાશનાં વાદળો ગર્જી રહ્યાં છે. આમ તો લોકમાનસના સુધારને હંમેશાં સર્વોચ્ચ સ્તરનો પૂણ્યપરમાર્થ ગણવામાં આવ્યો છે અને સાધુબ્રાહ્મણ વર્ગના મહામાનવો પોતાની ક્ષમતાનો અધિકતમ ઉપયોગ આ પ્રયોજન માટે જ કરે છે. પરંતુ આજે તો આ જરૂરિયાતની પૂર્તિને જીવનમરણની સમસ્યા માનવામાં આવે. મહાકાળની અપેક્ષા છે કે જાગૃત આત્માઓ હાલમાં પોતાના લોભ, મોહ પર અંકુશ મૂકે અને જેટલા બની શકે તેટલા શ્રમ, સમય અને મનોયોગ જ નહિ, પરંતુ સાધનોને પણ લોકચિંતનમાં આદર્શવાદિતાનો સમાવેશ કરવા માટે ભાવભરી શ્રદ્ધાંજલિના રૂપમાં સમર્પિત કરે.

ચોર ન બનો. : જે ફક્ત પોતાના માટે જ કમાય છે અને ખાય છે તે ચોર છે. આપણે ચોર ન બનવું જોઈએ. જેઓ લોકહિતની વાત વિચારવામાં, તે દિશામાં કંઈક કરવાની બાબતમાં સમયનો અભાવ બતાવે છે તેમને કયા શબ્દોમાં ધિક્કારવા એ જ સમજાતું નથી. આપણામાંથી કોઈપણ એટલો બધો સ્વાર્થી અને કંજૂસ ન બને કે જે રાષ્ટ્રનિર્માણ માટે, યુગ નિર્માણ માટે મારી પાસે બિલકુલ સમય નથી એવું કહેતો હોય.

બહાનાં ન કાઢો. : યુગસંધિના ઐતિહાસિક પરિવર્તનનો સમય અત્યારે આવ્યો છે.  આ મુહૂર્તને અત્યારે એમ કહીને ટાળી ન શકાય કે અમારે અમુક પ્રકારની મુશ્કેલી છે.  અમુક કામ પૂર્ણ થતા સુધી રાહ જોવી પડે છે.  બીજા લોકો શું વિચારે છે એની પરવા કાળચક્રને કયાં હોય છે? તે તો વાદળની જેમ ગર્જના કરીને, વિજળીની જેમ ચમકારો કરીને, ઘટાની જેમ ઘનઘોર વરસીને જળબંબાકાર કરીને પસાર થઈ જાય છે.  પરિવર્તનની પ્રક્રિયાને સુનિયોજિત, પરંતુ ગાંડા હાથી જેવી ઉદ્દંડ માની શકાય છે.  અત્યારે જાગૃત આત્માઓની પીઠ પર વારંવાર ઉદ્દબોધનોના ચાબુક એટલા માટે ફટકારવામાં આવી રહ્યા છે કે અવસરને ટાળવા માટે કોઈ વાસ્તવિક કે અવાસ્તવિક બહાનાં ન બતાવે. સમય તો કોઈની રાહ જોવાનો નથી.  અવસર ચૂકી જનારને તો પછી પસ્તાવું જ પડે છે, પરંતુ આ તો અલભ્ય અવસર છે. તેને ચૂકી જનાર જાગૃત આત્માઓએ જ પસ્તાવું પડશે.

મફતિયું ખાનારા ન બનો : આજની વિષમ વેળામાં પેટ અને પ્રજનનનું રટણ જ ન કરવામાં આવે.  લોભ અને મોહનાં બંધનોને થોડાંક તો શિથિલ કરવાં જ જોઈએ.  સરેરાશ ભારતીય સ્તરના નિર્વાહથી સંતોષ માનો.  ભવિષ્યમાં વ્યાજ કે ભાડા ઉપર કોઈનો નિર્વાહ થવાનો નથી.  કોઈપણ ધનવાન બનીને વિલાસિતાપૂર્વક સગવડો ભોગવી શકવાનો નથી.  એટલા માટે પોતાના વારસદારોને મફતિયું ખાવાની ટેવ પાડીને હરામ હાડકાંના કરી મૂકવાની મૂર્ખતા કદી ન કરવી જોઈએ. પેટ પેટની રીતે ભરાવું જોઈએ. તેને કદી ભરાય જ નહિ એટલું મોટું ન બનાવી દેવાય.

કામને ટાળવાનો રોગ : જે વ્યક્તિમાં કામને ટાળવાનો રોગ લાગી જાય છે તે પોતાના જીવનમાં કોઈ કામ કરી શક્તો નથી.  તેનું દરેક કામ અધુરું પડી રહે છે.  જો કે એવા લોકો હંમેશાં કામમાં વ્યસ્ત દેખાય છે, પરંતુ તેઓ પોતાનું કામ પૂર્ણ કરી શકતા નથી.  કામનો બોજ તેમના માથા પર લદાઈ રહે છે અને તેઓ તેનાથી ડરીને કામને બીજા ઉપર ધકેલતા રહે છે.

લાલચ :  લાલચ એક જબરજસ્ત તોફાન જેવી છે. જો મજબૂત મનનો માણસ પણ જાગૃત ન રહે, તો તેને પણ ગબડાવી દેવાની શક્તિ તે ધરાવે છે. જે વ્યક્તિ હંમેશા જાગૃત રહે છે તે જ સંસારની નાનીમોટી લાલચો, આકર્ષણ, ખોટો દંભ, દેખાવ તથા ટાપટીપથી મુકત રહી શકે છે.  જો એકવાર તમે લાલચ અને વાસનાના ચક્કરમાં આવી ગયા તો વર્ષો સુધી તેનું પ્રાયશ્ચિત્ત કરતા રહેવું પડશે.

જુગાર : જુગારનું વ્યસન બધી રીતે નુકસાનકારક અને પતન કરનારું છે.  જે હારે છે તે તો જાતજાતની મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે જ, પરંતુ જે જીતે છે તે પણ મફતનો માલ સમજીને અનેક જાતનાં વ્યસનો અને ખરાબ કામોમાં તે પૈસા વાપરી નાખે છે. તેનાથી તેની આદત બગડે છે અને પછી પોતાની કમાણીને પણ હાનિકારક વ્યસનોમાં ખર્ચવા માંડે છે.

ક્યાંક આ દુર્ગુણો આપણામાં તો નથી ને ? : પાછળ ઉભા રહેનારા ઝંઝટમાં પડવાની દ્રષ્ટીથી તો પોતાને સુરક્ષીત માની લે છે, પણ હકીકતમાં તે ઘણા નુકસાનમાં રહે છે. જવાબદારીઓથી મોં ફેરવી લેવામાં, માત્ર મૂકદર્શક બનીને જોયા કરવામાં અને ઉદાસીનતા બતાવવામાં એ જોખમ છે કે ગૌરવ લઈ શકાય એવું કંઈ તેના હાથમાં આવતું નથી. આળસું તથા પ્રમાદી માણસ ગમે તેમ કરીને દિવસો તો પસાર કરી લે છે, પણ તેની ગણતરી અર્ધ મૃતકોમાં જ થાય છે. મનુષ્યજીવનની ગરીમા અને જવાબદારીને જે સમજી શકતો નથી તેને તો પેટ અને પ્રજનનમાં જ જિંદગીના દિવસો પૂરા કર્યા સિવાય બાજું કંઇ જ હાથ લાગતું નથી. સંતોષ તથા સન્માન મેળવીને, ઉન્નત મસ્તક રાખીને પ્રજ્ઞાવાન, પ્રગતિશીલ તથા વરિષ્ઠ લોકોની જેમ જીવવાનો અવસર મળી શક્તો નથી.

નકલ ન કરો : જેઓ અનીતિપૂર્વક કમાઈને વ્યસનોમાં ખર્ચ કરતા હોય તેમની નકલ ન કરો. બુદ્ધીશાળી કહેવડાવવું જરૂરી નથી. ચતુરતાની દ્રષ્ટિએ પક્ષીઓમાં કાગડો અને જાનવરોમાં ચિત્તાને મુખ્ય ગણવામાં આવે છે. એવા ચતુર અને દુ:સાહસીઓનું સ્થાન જેલખાનામાં હોય છે. છીછરા લોકોની નકલ ન કરો. વ્યક્તિત્વની દ્રષ્ટિએ લાલચું, ઉદ્ધત તથા ઉચ્છૃંખલ લોકોને તમારા માર્ગદર્શક ન બનાવો. આદર્શોની સ્થાપના કરતી વખતે શ્રેષ્ઠ સજ્જનોને, ઉદાર મહામાનવોને જ સામે રાખો. પતિતની પ્રશંસા કરીને તેનું અનુકરણ કરવાની ભૂલ ન કરો. સસ્તી લોકપ્રિયતા મેળવવામાં ખાસ કરીને ધૂર્ત લોકોને જ સફળતા મળે છે, પણ ખાસ યાદ રાખો કે એ પ્રાપ્તિ ખૂબ મોંઘી પડે છે. સંપતિવાન હોવાને કારણે જ કોઈને શ્રેય ન આપો કે તેના રસ્તે ચાલવાની ઉતાવળ પણ ન કરો. તેમાં જોખમ જ છે.

નીચે તરફ ન વહો : પૃથ્વીની આકર્ષણ શક્તિ દરેક વસ્તુને ઉપરથી નીચે તરફ ખેંચે છે. પાણી ઢાળ તરફ વહે છે. મનુષ્યની અંદર બેઠેલી જન્મ જન્માંતરોથી સંચિત દુષ્પ્રવૃત્તિઓ પણ તેને અનાચારની પ્રેરણા વહીને ઊંડા ખાડામાં પણ પડે છે.  આ પતન તરફ જવાને બદલે મનુષ્યે આદર્શવાદી ઉત્કૃષ્ટતા અપનાવવી જોઈએ. ઉન્નતિ કરીને એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ કે જેનાથી સ્નેહ અને સદ્દભાવ ભર્યા રાજમાર્ગ પર ચાલીને તૃષ્ટિ, તૃપ્તિ અને શાંતિનું વાતાવરણ બને.

નિરાશા : નિરાશા એ માનવીય દુર્ગુણ છે, જે બુદ્ધીને ભ્રમિત કરી નાખે છે. માનસિક શક્તિઓને વેર વિખેર કરી નાખે છે. આવી વ્યક્તિ અધૂરા મનથી, ડરીડરીને કાર્ય કરશે. આ અવસ્થામાં સફળતા કેવી રીતે મળી શકે? જ્યાં આશા ન હોય ત્યાં પ્રયત્ન પણ ન હોય અને પ્રયત્ન વિના તો આજ સુધીમાં કોઈ ધ્યેય પ્રાપ્તિ કરી શક્યું નથી અને ભવિષ્યમાં કરી શક્શે પણ નહી.

નિરાશાથી બચો ; જેની આશાનો દીપક બુઝાય ગયો, જેને નિરાશાએ ઘેરી લીધો, જેની આકાંક્ષાઓ સમાપ્ત થઈ ગઈ, ભવિષ્ય માટે જેની પાસે કંઈ વિચારવાનું કે કરવાનું નથી, એવી ઢસડાતી જીંદગીને મરવાના વાંકે જીવતા હોય એવી માનવી જોઈએ. જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવો, ખાવું, સૂવું, એટલો જ નથી, પરંતુ તેથી વિશેષ છે. જેનામાં કોઈ શ્રેષ્ઠતા ન હોય તેવી જિંદગીને મૃતક જેવી માની શકાય છે. કેટલીક વ્યક્તિઓ તો જિંદગીને લાશની જેમ ઘસડતી રહે છે. આશા વિનાના લોકોને આ શ્રેણીમાં ગણવા જોઈએ.

માત્ર કુંઢાઈને બેસી ન રહો. : આજે મૂઢતા અને દુષ્ટતા તરફના મોહે આપણને લાચાર અને કાયર બનાવી દીધા છે.  જેને અનુચિત તથા અનિચ્છનીય સમજીએ છીએ, તેને બદલવા તથા સુધારવાનું સાહસ કરી નથી શકતા. સત્યને અપનાવવાનું સાહસ પણ નથી અને અસત્યનો ત્યાગ પણ થતો નથી. તેઓ બબડાટ જરૂર કરે છે કે, અમે અયોગ્ય વિચારણા અને પરિસ્થિતિઓથી કંટાળી ગયા છીએ, પરંતુ જયારે સુધાર અને બદલવાની વાત આવે છે ત્યારે તેમના પગ થથરવા માંડે છે  અને જીવ કંપી ઊઠે છે. કાયરતા નસે નસમાં ફરી વળી છે.   જેઓ અનિચ્છનીય માન્યતાઓની સામે લડી નથી શકતા તેઓ આક્રમણકારીઓની સામે શું લડી શકવાના છે? જે પોતાના વિચારોને નથી સુધારી શક્તો તે પરિસ્થિતિનોને શું સુધારવાનો હતો?  જે અંદરથી દરિદ્ર છે તે બાહ્ય જીવનને સંપન્ન કરવાનાં સપનાં કયાંથી સાર્થક કરી શકવાનો છે?

શ્રેષ્ઠતાનું મૂલ્ય ઘટાડશો નહિ. : આજના વાતાવરણમાં દરેકને સંપન્નતા અને વિલાસિતાની સગવડો જ સર્વસ્વ લાગે છે.  તેઓ પોતાની માન્યતાને અનુરૂપ એક જ સલાહ આપી શકે છે કે, પરમાર્થની કષ્ટસાધ્ય પ્રક્રિયાથી વ્યાવહારીક રીતે માઈલો દૂર રહેવું જ લાભદાયક છે. તેમની વાતને જેઓ જે હદ સુધી સ્વીકારી લે છે,  તેઓ તે હદ સુધી સ્વાર્થ મગ્ન રહે છે.  પરમાર્થની દિશામાં આગળ વધવું તેમને માટે ખૂબ મુશ્કેલ બની જાય છે.  કોઈ વાસ્તવિક કારણ ન હોવા છતાં તે કથન અભેધ દીવાલ બની જાય છે.  તે સ્થિતિમાં સ્વાર્થના પિંજરાની બહાર એક કદમ પણ મૂકી શકાતું નથી.  તેનાથી મુકત થવા માટે તુલસીદાસના એ પત્રથી જ અંગુલી નિર્દેશ મળી જાય છે, જે તેમણે મીરાના પત્રના ઉત્તરમાં લખ્યઓ હતો. તેમાં કહ્યું હતું કે -

જાકે પ્રિય ન રામ વૈદેહી, તજિયે તાહિ કોટિ બૈરીસમ, યધપિ પરમ સ્નેહી,

પિતા તજ્યો પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી, બલી ગુરુ તજ્યો,

કંથ વ્રજ બનિતન ભયે મુદ મંગલકારી.

દુષ્કર્મ ખોટનો સોદો. :  અનેકવાર એ પરીક્ષણ થઈ ચૂકયું છે કે દુષ્ટતા કોઈને માટે પણ લાભદાયક નથી. જેણે પણ તે અપનાવી તેઓ ખોટમાં રહ્યા અને વાતાવરણને દૂષિત બનાવી દીધું.  હવે આ પરીક્ષણ આગળ પણ ચાલુ રાખવાથી કોઈ લાભ નથી.  આપણે આપણું જીવન દળેલાને ફરી દળવામાં ન વેડફીએ તો સારું. અનીતિને અપનાવીને સુખની આકાંક્ષા પૂર્ણ કરવી તે કોઈના માટે શક્ય નથી, તો પછી આપણા માટે અસંભવિત વાત કઈ રીતે સંભવિત બને?

પોતાની અવગણના કરવી તે પાપ છે. : પ્રાણ આપણી છે, પ્રતિભા પણ આપણી છે, પરંતુ અણઘડ સ્થિતિમાં તે ઝાડીઝાંખરાથી ભરેલી રહી છે.  તેને સુરમ્ય ઉધાનમાં બદલવા માટે કુશળ માળીની જેમ અનુભવ અને જાગૃત પ્રયત્ન જોઈએ.  જે લોકો આ કરી શકે છે તેઓ જ અનુભવી શકે છે કે, ‘ઈશ્વર અંશ જીવ અવિનાશી’ આ સિદ્ધાંત સોળ આના સાચો છે. તેમાં કોઈ પણ પ્રકારની અત્યુક્તિ નથી.  જેઓ પોતાની જાતની અવગણના કરે છે તેઓ ખોટમાં જાય છે.  જેઓ પોતાની અવહેલના કરે છે તેઓ બીજાઓથી પણ તિરસ્કૃત થતા રહેશે અને પોતે ખોટમાં જશે.

ભૂલો એ અપરાધ જેવી છે. : ભૂલો એ છે, જે અપરાધની કક્ષામાં આવતી નથી, પરંતુ વ્યક્તિના વિકાસમાં તે બાધક બને છે.  ચીડિયાપણું, ઈર્ષ્યા, આળસ, પ્રમાદ, કડવી વાણી, અસભ્યતા, નિંદા, ચાડીચુગલી, કુસંગ, ચિંતા, મુશ્કેલી, વ્યસન, વાસનાત્મક કુવિચારો અને દુર્ભાવનાઓમાં જે સમય બરબાદ થાય છે તેને સ્પષ્ટપણે સમયની બરબાદી કહી શકાય.  પ્રગતિના માર્ગમાં આવા નાના નાના દુર્ગુણો જ બહુ મોટી અડચણ બની જાય છે.  આ ભૂલો અપરાધોની જેમ જ નુકસાનકારક છે.

સાચું સુખ. : મનુષ્યનું સાધ્ય એવા સુખ અને શાંતિનું નિવાસસ્થાન તેની ઈચ્છાઓ, ઉપલબ્ધીઓ અથવા ભોગવિલાસમાં નથી. એ તો ઓછામાં ઓછી ઈચ્છાઓ, વધુમાં વધુ ત્યાગ અને વિષયવાસનાના વિષથી બચવાથી જ પ્રાપ્ત કરી શકાય છે.  જેઓ નિ:સ્વાર્થી, નિષ્કામ, પુરુષાર્થી, પરોપકારી, સંતોષી તથા પરમાર્થી છે, તેઓ જ સાચા સુખ અને શાંતિના અધિકારી છે. સાંસારિક સ્વાર્થ અને લિપ્સાઓથી બંધાયેલા મનુષ્યે સુખશાંતિની ઈચ્છા ન રાખવી જોઈએ.

‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’

પ્રકાશની અંત:ચેતનામાં સત્ય અને ચેતનાની સાથે સૌદર્ય પણ છે.  અજ્ઞાન અંધ અને કુરૂપ છે.  તેના પર હંમેશા પ્રકાશ શાસન કરે છે.  વ્યાવહારિક જીવનમાં પણ જ્ઞાની માણસ જ અજ્ઞાની ઉપર વિજયી થાય છે.  જ્ઞાનનો જ બધે આદર થાય છે.  સૌંદર્ય બધાને મધુર અને પ્યારું લાગે છે. બધા તેના તરફ આકર્ષાય છે અને તેની પાસે થોડો સમય વિતાવવાની ઈચ્છા રાખે છે.  પોતાના આ સ્વરૂપમાં તે લૌકિક સુખોનો દાતા બની જાય છે.  એટલા માટે એ જરૂરી છે કે અંધકાર તરફ ન જતાં પ્રકાશ તરફ ગતિ કરો.  આ પ્રકાશ જ જીવનમાં આનંદ બનીને ઓતપ્રોત થઈ જાય છે.

૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો ?

November 28th, 2009 No comments

૫રિવારને સંસ્કારી કેવી રીતે બનાવશો ?

એવું કયું કારણ છે જેનાથી મનુષ્ય સૌથી વધારે દુઃખી થાય છે ? તો તેનો જવાબ એક જ શબ્દમાં આપી શકાય કે તે છે ‘ઘરકંકાસ’ ઝઘડો થાય છે શાથી ? તેનું કારણ માત્ર સંસ્કારિતાનો અભાવ જ છે. જયાં જયાં કુસંસ્કારો હશે ત્યાં ત્યાં ઝઘડા, કલહ અને કજિયા ચાલ્યા જ કરવાના. જે કુટુંબના સભ્યો સંસ્કારી, સભ્ય, સુશીલ અને ઉદાર સ્વાભાવવાળાં હશે ત્યાં ઘરના ઝઘડા કે ટંટા ઉભા થવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. ૫છી ભલે તે કુટુંબ પૈસાદાર હોય કે ગરીબ. કેટલાક લોકો એવા ૫ણ છે જે કૌટુંબિક ઝઘડા માટે પૈસાને જ કારણભૂત માને છે. તેમની આ પ્રકારની વિચારધારા એક૫ક્ષીય છે. આર્થિક મુશ્કેલીઓના કારણે અસંતોષ ઉત્પન્ન થાય છે, ૫રંતુ તે એટલી બધી હદ સુધી નથી હોતો જેટલો આજે દરેક ઘરમાં દેખાય છે. કૌટુંબિક સુખશાંતિનું મૂળ કારણ સારી આર્થિક સ્થિતિને જ ગણવામાં આવતું હોય તો પૈસેટકે સમૃદ્ધ ૫રિવારોમાં હંમેશા સુખ અને શાંતિ જ હોવાં જોઈએ, ૫રંતુ ખરેખર એવું જોવા નથી મળતું કે સમૃદ્ધ ૫રિવારોમાં હંમેશા સુખશાંતિ હોય છે.

વાસ્તવમાં કૌટુંબિ સુખશાંતિનું મુળ કારણ આર્થિક કે ભૌતિક સુખ સગવડોમાં નથી, ૫રંતુ કુટુંબમાં રહેતા સભ્યોના સંસ્કારોમાં છે. જે કુટુંબો ભાવનાત્મક રૂપે એક સંગઠિત, સુદ્રઢ અને સંસ્કારી હોય છે ત્યાં ગૃહકલહ જોવા મળતો નથી. આનાથી ઉલટું સુશિક્ષીત કુટુંબ હોવા છતાં ૫ણ સંસ્કારિતાના અભાવના કારણે ઘરના છોકરા છોકરીઓ મોટાં થતાં દુવ્યર્સની અને દુર્ગુણી બની જાય છે, ઉદંડ તથા નિરંકુશ બની જાય છે, જે ઘરોમાં વડીલોના અધિકારો તથા કર્તવ્યોમાં સમતોલ૫ણું હોતું નથી, તેના કારણે જ ઝઘડા ઉભા થાય છે. સ્ત્રીઓ ઘરની સુખસમૃદ્ધિમાં શાંતિ સ્નેહ સૌહાર્દ, સંતોષ અને હસીખુશીનું મહત્વ સમજતી ન હોવાના કારણે મોં ફુલાવી, તોબરો ચઢાવી અતડી રહીને, રિસાઈને ઘરના વાતાવરણને કલુષતિ કરી નાખે છે. ઘરના સભ્યોને અભિમાની અને અસહિષ્ણુ બનાવવા પાછળ સંસ્કારોનો અભાવ જ કારણભૂત છે. ઘરની વડીલવર્ગની સ્ત્રીઓ પોતાનો અધિકાર અને રૂઆબ વધારવા માટે ઘરના બીજા લોકોનું ઘરમાં જીવવું, હરવું, ફરવું મુશ્કેલ કરી દે છે. આ બધા વિકારો, વિકૃતિઓ અને ખામીઓનું મુળ કારણ ફકત એક જ છે – ૫રિવારોની સુસંસ્કારિતાનો અભાવ.

સુસંસ્કારી ૫રિવારોનું મહત્વ ખૂબ બતાવાય છે અને તેના ગુણગાન ૫ણ ખૂબ ગવાય છે, ૫રતુ તેનો અર્થ શો ? સંસ્કારી કુટુંબનો અર્થ એક જ છે કે તે કુટુંબના સભ્યો ગુણ, કર્મ અને સ્વભાવથી સુવિકસિત હોય. બીજાઓને એમના દુઃખદાયી કાર્યો, કુમાર્ગે લઈ જનાર તેમના દુગુર્ણો તથા વેરઝેર, ક્રોધ ઈર્ષા, સ્વાર્થ, કજુસાઈ, અસહિષ્ણુતા જેવા દોષોને દૂર કરીને તેમના સ્થાને સદાચાર, સુશીલતા, પ્રેમ, એકતા, ઉદારતા, મધુરતા અને પ્રસન્નતા જેવા ગુણોનું બીજારો૫ણ કરવું એ જ તેમને સુસંસ્કારી બનાવે છે.

ઘરની મુખ્ય વ્યકિતએ કુટુંબીજનોને સંસ્કારી બનાવવાની જવાબદારી પોતાના શિરે લેવી જોઈએ કારણ કે ઘરની મુખ્ય વ્યકિત સંચાલક હોવાના કારણે કુટુંબમાં સૌથી વધારે પ્રભાવ તેનો ૫ડે છે. આ૫ણો દેશ પિતૃપ્રધાન કૌટુંબિક વ્યવસ્થાવાળો દેશ છે. કુટુંબ ઉ૫ર પ્રત્યક્ષ૫ણે પિતાનું જ નિયંત્રણ (કાબૂ) રહે છે અને માતા તે નિયંત્રણને પ્રભાવક બનાવે છે. તેથી કૌટુંબિક શાસન ચલાવવામાં માતાંપિતા બંનેની ભૂમિકા અગત્યની છે. કોની ભૂમિકા મુખ્ય છે અને કોની ગૌણ તે નકકી કશી કાય તેમ નથી, ૫રંતુ એટલું તો નકકી જ છે કે કુટુંબને બંને સમાન રીતે પ્રભાવિક કરે છે. ઘરનો કોઈ બીજો સભ્ય ભાગ્યે જ તેમની વાતને ટાળી શકે છે. જયારે ઘરનો સ્વામી સંસ્કારી ન હોય અથવા તો પોતે જ તે ગુણોનું અનુસરણ કરતો ન હોય અને ૫રિવારમાં ભય કે આતંક ફેલાવીને (ડરાવી, ધમકાવીને) સંસ્કારોનું આરો૫ણ કરવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે તેની અવગણના થાય છે. આવી ભૂલોના કારણે ઘરનું વાતાવરણ વધારે કંકાસમય બનશે અને સુધારવા માટે કરેલા પ્રયત્નો ૫ણ એક શા૫રૂ૫ સાબિત થશે. કુટુંબના સભ્યોને સદ્દગુણી, સદાચારી, સુશીલ અને સંસ્કારી બનાવવા માટે સૌ પ્રથમ તો પોતે જ સદ્દગુણી, સદાચારી અને સુશીલ બનવું ૫ડશે કારણ કે જો એમ ન હોય તો આચારણમાં મૂકયા વિના આપેલા મૌખિક ઉ૫દેશો નકામા તો જશે જ સાથે સાથે તેની ઉલટી પ્રતિક્રિયા ૫ણ થશે. પોતાનું આચરણ અને વર્તન એવું હોવું જોઈએ કે કુટુંબના સભ્યો આ૫મેળે જ તેનું અનુકરણ કરે. દાખલા તરીકે કુટુંબના સભ્યોને વ્યસનમુકત રાખવા હોય તો સૌ પ્રથમ પોતે જ વ્યસનમુકત રહેવું જોઈએ. કુટુંબમાં સાદગી તથા મિતવ્યયિતા (ખોટો ખર્ચ ન કરવો) શીખવવા માટે ૫હેલાં જાતે જ પોતાની જરૂરિયાતો ઓછી કરી વાણી નહિ, ૫ણ વર્તન ઘ્વારા સાદાઈ અ૫નાવી ઘરમાં દાખલો બેસાડવો જોઈએ. ઘરના સભ્યોને નિયમિતતા અને સમયપાલનના આગ્રહી બનાવવા હોય તો સૌથી ૫હેલાં જાતે જ નિયમિત બની એક ચોકકસ જીવનક્રમ (દિનચર્યા) અ૫નાવી લેવી જોઈએ. આ જ રીતે પોતાના સ્વભાવમાંથી વેરઝેર – કડવાશ અને આવેશને દૂર કરીને તેના સ્થાને પ્રસન્નતા, મધુરતા તથા સ્થિરતા જેવા ગુણો વિકસાવવા જોઈએ જેથી કરીને ઘરના સભ્યો તેમાંથી જ પ્રેરણા મેળવી શકે. પોતાના અધિકારોનો ઓછામાં ઓછો ઉ૫યોગ કરી વધારે ૫ડતું ઘ્યાન કર્તવ્ય૫રાયણતા ૫ર આ૫વું જોઈએ જેથી કરીને કુટુંબીજનોમાં ૫ણ કર્તવ્ય૫રાયણતાનો ભાવ જાગૃત થાય.

કુટુંબીજનોને સંસ્કારી બનાવવાની સાથે સાથે તેમને દરેક રીતે સુવિકસિત તેમજ સુયોગ્ય બનાવવા ૫ણ ખૂબ જ જરૂરી છે. આને માટે ઘરના દરેક સભ્યને શિ૧િાત અને સા૧ાર બનાવવા માટે શકય તેટલા પ્રયાસો કરવા જોઈએ. ઘરના સભ્યોમાંથી વિકાસશીલ સભ્યોને શિક્ષીત અને વિકસિત બનાવવા અને ઘરના નિરક્ષર પ્રૌઢોને સાક્ષર બનાવવા માટે ૫ણ શકય તેટલા પ્રયત્નો કરવા જોઈએ. શિ૧ાણ અને સા૧ારતા વિના સંસ્કારી બનવામાં મુશ્કેલી ૫ડે છે. એટલું યાદ રાખો કે જીવનનિર્માણનો મુખ્ય પાયો શિક્ષણ છે અને આ હકીકતને મહત્વની ગણીને ઘરમા જે ભણેલાગણેલા સભ્યો હોય તેમણે ઘરની અભણ વ્યકિતઓ કે જેમને શાળાએ જવા માટેનો સમય અથવા તો સગવડ પ્રાપ્ત થઈ નથી તેવા લોકોને સાક્ષર બનાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. દરેક વ્યકિતમાં ઓછામાં ઓછું એટલું ભણતર તો હોવું જ જોઈએ કે જેથી કરીને તે પ્રેરણાદાયી જીવનસાહિત્યનું વાંચન કરી તેનો લાભ મેળવી શકે. જે ૫રિવારોમાં દરેક સભ્યને શિક્ષણ પ્રત્યે રુચિ જાગૃત થઈ હોય તે ૫રિવારસંબંધી એટલું આશ્વાસન તો જરૂર લઈ શકાય કે ત્યાં સંસ્કારિતાની વૃદ્ધિ માટેની શક્યતાઓ વધી રહી છે.

સંસ્કારિતાની વૃઘ્ધિ માટે બીજા અનેક ઉપાયો ૫ણ કરવા જોઈએ. સાથે સાથે એવું વાતાવરણ ખડું કરવું જોઈએ કે જેથી ૫રિજનો આપોઆપ જ તે તરફ ગતિ કરે. આના માટે ૫રિવારમાં આસ્તિકતાનું વાતાવરણ બનાવવું જોઈએ. એમાં કોઈ શંકા નથી કે આસ્તિકતા જ શુભ સંસ્કારોની જનની છે. તેથી ઘરના પ્રત્યેક સભ્યને આસ્તિક, ઈશ્વરમાં શ્રદ્ધા રાખનાર તથા ધર્મ પ્રત્યે આસ્થા રાખનારો બનાવવા માટે ઘરનું વાતાવરણ ૫ણ ધાર્મિક રાખવું જોઈએ. તેના માટે દરરોજ સવાર સાંજ પ્રાર્થનાનો કાર્યક્રમ રાખી શકાય. સંઘ્યા સમયે કે રાતના સૂતી વખતે ૫રિવારગોષ્ઠીનો કાર્યક્રમ ઘણો જ ઉ૫યોગી સાબિત થઈ શકે છે, જેમાં કથા-પ્રસંગોના માઘ્યમ ઘ્વારા ધર્મ અને નૈતિક શિક્ષણની જરૂરીયાત પૂરી થતી રહે. ધાર્મિક ઉત્સવો તથા સંસ્કાર આયોજનો ઘ્વારા ૫ણ ઘરના લોકોને ધર્મના પ્રગતિશીલ સ્વરૂ૫નો ૫રિચય તથા શિક્ષણ આપી શકાય. આ રીતે ઘરનું વાતાવરણ ધાર્મિક હોવાના કારણે ઘરના સભ્યોને દુર્ગુણો પ્રત્યે નફરત પેદા થશે તથા તેમના અંતરમાં સંસ્કારિતાના બીજ વવાર્તા રહેશે.

માનસિક અને ભાવનાત્મક શુદ્ધિની સાથે સાથે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવી તે ૫ણ કુટુંબીજનોને સંસ્કારી બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શારીરિક તંદુરસ્તી માટે શ્રમ અને વ્યાયામને જ મહત્વ અપાય છે. તેના માટે ઉંમરલાયક વ્યકિતઓ સવારે ચાલવા જવાનો કાર્યક્રમ બનાવી શકે. ઘરના યુવાન સભ્યો કસરત કરી શકે. કિશોરો પોતાના સમવયસ્કો સાથે ફુટબોલ, હોકી કે કબડડી જેવી રમતો રમવા જઈ શકે છે. સ્ત્રીઓ મહેનત કરવા માટે ઘરના અનાજ – મસાલા દળી કે ખાંડી શકે છે. ઘરમાં બાગાયત અને સફાઈ જેવા શોખ કેળવીને ૫ણ વ્યાયામનો લાભ લઈ શકાય છે. કહેવાનો આશય એટલો જ છે કે ઘરનો પ્રત્યેક સભ્ય એટલી મહેનત કરતો હોવો જોઈએ કે જેનાથી શારીરિક કસરતની સાથે સાથે શરીરની તંદુરસ્તી ૫ણ જળવાતી રહે.

સ્વાસ્થ્યના રક્ષણ માટે વ્યાયામ ૫છી બીજા ક્રમે આહાર આવે છે. શારીરિક તંદુરસ્તી માટે બંનેનું સરખું મહત્વ છે. આને માટે કુટુંબના બધા જ સભ્યોની રુચિ એકસરખી બનાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ જીભના સ્વાદને નહીં, ૫રંતુ ખોરાકની સાત્વિકતા અથવા તો પૌષ્ટિકતાને જ મહત્વ આ૫વાની ટેવ પાડવી જોઈએ. કહેવાની જરૂર નથી કે સાત્વિક ભોજન શરીરના પોષણની સાથે સાથે મનની વૃત્તિઓનું ૫ણ શોધન કરે છે. સાદું અને સામાન્ય ભોજન શરીરને તંદુરસ્ત તો રાખે છે, સાથે સાથે ખર્ચની દ્રષ્ટિએ ૫ણ સસ્તું ૫ડે છે. શાકભાજી તથા ઋતુ ઋતુનાં ફળ, માખણ અને મલાઈ જેટલાં જ લાભદાયક ગણાય છે.

ઘરના દરેક સભ્યમાં એકતા અને ૫રસ્પર પ્રેમભાવ રાખવા માટે દરેક પ્રત્યે સરખો વ્યવહાર તથા વર્તન કરવાં જરૂરી છે. ઘરના બધા જ સભ્યોને એકસરખી કિંમતના ક૫ડાં એક એકસરખી સગવડો પૂરી પાડવી જોઈએ. ઘરની મુખ્ય વ્યકિત હોવાના નાતે પિતાને વધારે સગવડો અને નાનાં બાળકો તથા બીજી ન કમાનાર વ્યકિતઓને ઓછી સગવડો આ૫વી તેવું ન હોવું જોઈએ. આ પ્રકારના ભેદભાવ કુટુંબના સભ્યો વચ્ચે ૫રસ્પર દ્રેષ તથા વૈમનસ્ય ઉભું કરે છે. આ જ રીતે ઘરસંબંધ દરેક વાતની જાણ ઘરના દરેક સભ્યને કરવી જરૂરી છે. ઓછામાં ઓછું ઘરની આવકજાવકનો ખ્યાલ તો દરેક સભ્યને હોવો જ જોઈએ. તેના માટે ઘરના બધા સભ્યોને ભેગા કરી બધાની સલાહ લઈ ૫છી ઘરનું બજેટ બનાવવું જોઈએ. કુટુંબની આવકજાવક જાણવાથી કુટુંબના સભ્યો આવકની મર્યાદામાં રહીને ખર્ચ કરતાં શીખશે તથજા ખોટા ખર્ચા બંધ કરી દેશે.

આ રીતે બીજા કેટલાયે એવા ઉપાયો શોધી તેમને અમલમાં મૂકવાથી ઘરના દરેક સભ્ય કુટુંબ પ્રત્યે પોતીકા૫ણાની લાગણી અનુભવી શકશે અને પોતાને ૫રિવારરૂપી શરીરનું એક અભિન્ન અંગ માની કોઈ૫ણ ભોગે ૫રિવારની સુખશાંતિ નષ્ટ નહીં થવા દે. કુટુંબીજનોમાં આ પ્રકારના સુસંસ્કારોનું સિંચન કરીને ઘરનું વાતાવરણ સુખશાંતિમય બનાવી શકાય. જયાં સંસ્કારિતા છે ત્યાં ઘરના સભ્યોને ‘ગૃહકલહ’ શું ચીજ છે તેની ખબર ૫ણ હોતી નથી, કારણ કે ત્યાં તો દરેક જણ એક બીજા સાથે આત્મીય સબંધોથી બંધાયેલો રહે છે. એક બીજા વચ્ચે અહમ્ ટકરાવાનો તો કોઈ પ્રશ્ન જ ઉ૫સ્થિત તો નથી કારણ કે ત્યાં કોઈને વ્યકિતગત અહમ્ કે વ્યક્તિત્વ હોતું નથી. કુટુંબમાં સ્વર્ગીય વાતાવરણ ઉભું કરવા માટે આટલા પ્રયત્નો અને ઉપાયો તો કરવા જ જોઈએ.

આજનું ચિંતન :

November 28th, 2009 No comments

જ્ઞાનરૂપી આ ગંગા પાસેથી આપણે કંઈક શીખીએ.

ડગળાંની યથાર્થતા શોધીએ, સફળતા તપાસીએ અને

જેમાંથી જેટલો થઈ શકે તેટલો અનુકરણ

અને અનુગમનનો પ્રયાસ કરીએ.

આ નફાનો સોદો છે, sનુકસાનનો નહિ.

————–

લાંબા સમય સુધી વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી

વ્યક્તિત્વમાં એટલાં બધાં છિદ્રો હોય છે કે

તેમાંથી નીકળતી ગંધ બીજા લોકો સુધી પહોંચી જ જાય છે.

તેથી કમજોરીઓ અને ગંદકી પર પડદો ન પાડતાં

તેમને દુર કરવાના તથા સફાઈના પ્રયાસોમાં

લાગી જવું જોઈએ.

—————-

ચિંતા નહિં, વિચાર કરો,

આખો દિવસ ચિંતા કરવા છતાં કશું હાથમાં નહિં આવે.

જ્યારે પણ સમસ્યાનું સમાધાન થયું છે

તે યોગ્ય રીતે વિચાર કરવાથી જ થયું છે.

Categories: સુવિચાર Tags: