Home > અમૃતવાણી > સાચા આસ્તિક બનીએ

સાચા આસ્તિક બનીએ

November 27th, 2009 Leave a comment Go to comments

સાચા આસ્તિક બનીએ

આત્મવિશ્વાસ

કોઈ વ્યક્તિના કહેવાથી અથવા કોઈ આપત્તિ આવી પડવાથી તમારા આત્મવિશ્વાસને ડગી જવા ન દો.  કદાચ તમે તમારી સંપત્તિ, સ્વાસ્થ્ય, તમારી કીર્તિ અને બીજા લોકોનું સન્માન ગુમાવી દો, પરંતુ જયાં સુધી તમે તમારા ઉપર શ્રદ્ધાને ટકાવી રાખશો અને આગળ વધતા રહેશો તો વહેલાં મોડાં પણ દુનિયા તમને રસ્તો આપશે જ.

દેવત્વને સમજો

આજનાં સમગ્ર પૂજાપાઠ એ ધરીની આસપાસ થઈ રહ્યાં છે કે ઈશ્વર એક વ્યક્તિ છે અને વ્યક્તિની બધી જ દુર્બળતાઓ તેનામાં હયાત છે.  વ્યક્તિની બધી જ કમજોરીઓ તેનામાં રહેલી હોવાને કારણે ભક્તિ નામની ચીલાચાલુ પદ્ધતિ દ્વારા માણસ પોતાનું કામ કઢાવી લેવામાં સફળ થઈ શકે છે.  આ બાળમાન્યતા ઘણી જૂની થઈ ગઈ અને તેની નિરર્થકતાને દરેક કસોટીથી ઓળખી લેવામાં આવી છે.  હવે એવી ભક્તિભાવનાનો ઉદય કરવાન્ઓ છે, જે ભાવશક્તિના રૂપમાં વિશ્વવ્યાપી પરમાત્માને શ્રેષ્ઠ કર્તવ્યો અને શ્રેષ્ઠ ભાવનાઓ દ્વારા પ્રભાવિત કરી શકે અને આકર્ષી શકે.  દરેક મનને ભગવાનનું મંદિર માનીને શ્રેષ્ઠ આદર્શોને દેવપ્રતિમાના રૂપમાં સ્થાપિત કરવા જોઈએ.  સદ્દજ્ઞાન, સદ્દભાવ અને સદ્દકર્મના પુષ્પો દ્વારા જ ભગવાનનો સાચો શૃંગાર કરી શકાય છે

ઈમાન અને ભગવાન આપણા ઈષ્ટ બને

મૂઢ માન્યતાઓમાં ફસાયેલા, અનાચારોથી ટેવાયેલા, કુચક્ર અને ષડયંત્રોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને આપણા સલાહકાર ન બનવા દેવાય.  તેમને સંચાલક કે નેતા પણ ન બનાવી શકાય.  ભલે પછી પોતાની ચતુરતાને કારણે મોટા લોકોમાં તેમની ગણતર થતી હોય.  કોઈ બ્રાહ્મણ વંશમાં જન્મ્યો હોય, સાધુનો વેશ ધારણ કર્યો હોય, વધારે ભણ્યો હોય કે પછી કોઈ પદાધિકારી બની ગયો હોય. આમાંથી એક પણ કારણ એવું નથી કે જેથી તેને નીતિ નિર્ધારક માની શકાય.  આ અજ્ઞાન તથા અંધકારભર્યા, અનાચારી, દુરાગ્રહી વાતાવરણમાં આપણે સમુદ્રમાં ઊભી રહેલી દીવાદાંડીની જેમ એકલા ઊભા રહેવું જોઈએ.  અંદરની ઈમાનદારી અને બહારના ભગવાન – આ બે ને જો મજબૂત રીતે પકડી રાખીને વિવેક તથા ઔચિત્ય રૂપી બંને પગને આગળ વધારતાં લક્ષ્ય તરફ એકલા આગળ વધીએ એમાં જ સાચું શૌર્ય અને પરાક્રમ છે.  ભલે પછી લોકો ઉપહાસ કરે કે અસહયોગી તથા વિરોધી વલણ અપનાવે.

ઈશ્વર અર્થાત્ પુરુષાર્થ

કોઈ બધાં કામ કરી જશે એવી આશા ભગવાન પાસે પણ ન રાખવી જોઈએ.  ભૂલ અહીં જ થાય છે કે દૈવી સહાયતાનું નામ લેતાં જ લોકો એવું સમજે છે કે તે જાદુઈ લાકડી ફેરવશે અને આપણું ઈચ્છિત કામ થઈ જશે.  આવા અતિવાદી લોકો ક્ષણવારમાં આસ્થા ગુમાવી બેસે છે.  દૈવી શક્તિઓ પાસે, સૂક્ષ્મધારીઓ પાસે આપણે સામયિક સહાયતાની આશા રાખી શકીએ.  સાથેસાથે આપણી ફરજોનું પાલન કરવા માટે કટિબદ્ધ પણ બનવું પડે.  નિષ્ફળતા તથા મુશ્કેલીઓને એક સારા શિક્ષક માનીને આગળનાં કદમ વધુ સાવધાનીપૂર્વક તથા વધુ બહાદુરીથી ભરવાની તૈયારી રાખવી જોઈએ.

ઈશ્વર પૂજા :

વિશ્વમાનવ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રતીક છે.  તેનાં સુખસુવિધા નહિ, પણ અંત:ભૂમિકા વિકસિત કરવી એ જ સાચી ઈશ્વરપૂજા છે.  આમ તો ભૌતિક સુખસુવિધાઓની વૃદ્ધિઅ કરવી એ પણ સારું જ છે.  તેનાથી જીવન વિતવવામાં સરળતા રહે છે, પરંતુ કોઈની વાસ્તવિક પ્રગતિ, સંતોષ અને ગૌરવ તો તેની અંત: ભૂમિકા વિકસિત કરવામાં જ છે.  આમ તો ઈશ્વરને ભોગપ્રસાદ ખવડાવી, ધૂપદીપ સમર્પિત કરીને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વાત લોકો વિચારે છે, પરંતુ એ એક હકીકત છે કે આપણાં સત્કર્મો અને સેવાથી ભરપૂર આચરણને જોઈને પરમેશ્વર જેટલા દ્રવિત થાય છે, તેટલા ધૂપદીપથી થતા નથી.  આ વાત વિશ્વમાનવને પણ લાગુ પડે છે.

આત્મવિશ્વાસ અને શિસ્ત

નિયમ પાલનથી મનુષ્યમાં આત્મવિશ્વાસ અને શિસ્તની ભાવના આવે છે. જીવનને પ્રગતિ અને વિકાસને માટે આ બંને શક્તિઓ અનિવાર્ય છે.  આત્મશક્તિ અથવા આત્મવિશ્વાસના અભાવમાં મનુષ્ય નાનાં નાનાં ભૌતિક પ્રયોજનોમાં જ લાગેલો રહે છે.  શિસ્ત વિના જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે.  શક્તિ અને ધ્યાનનું કેન્દ્રીકરણ ન થઈ શકવાને કારણે કોઈ મહત્વપૂર્ણ સફળતા મળી શકતી નથી, આધ્યાત્મિક લક્ષ્યની પ્રાપ્તિને માટે વિખરાયેલી  શક્તિઓને એકત્રિત કરીને તેમને મનોયોગપૂર્વક જીવન ધ્યેય તરફ વાળી રાખવાનું આચરણમાં નિયમબદ્ધતા રાખવાથી જ થઈ શકે છે. નિયમિતતા જીવનનો મુખ્ય આધાર છે.  આત્મશોધનની પ્રક્રિયા તેના વડે જ પૂરી થઈ શકે છે.

નાસ્તિકતા અર્થાત્ કાયરતા

અસત્ય અને અનૌચિત્યનો વિરોધ કરીને કોણ ઝંઝટમાં પડે, એમ માનીને જે માણસ તેમને સ્વીકારે છે તે હકીકતમાં નાસ્તિક છે.  તેને ઈશ્વર પર વિશ્વાસ હોત તો દુષ્ટતા સામે લડવામાં સહાયક બનનારા ભગવાન, અર્જુનનો રથ હાંકનારા ગીતાનાયક કૃષ્ણની યાદ જરૂર આવત.  મરવાથી પણ તે ન ડરત અને જે યોગ્ય હોય તે કરવામાં અને અનૌચિત્યનો અસ્વીકાર કરવામાં જરૂર તત્પરતા પ્રગટ કરત.  ડરપોક માણસ પાક્કો નાસ્તિક અને અધર્મી છે.  કાયરતા જ બધાં પાપોની જનની છે.  ડરપોક જ દુષ્ટ બની શકે છે.  નિર્ભયતા જેણે સ્વીકારી હોય તેને માટે શક્તિની ઉજ્જવળ ધારાઓ દશે દિશાઓમાં વહેતી રહેશે.

આસ્તિકતા

આસ્તિકતાનો અર્થ છે – બધાંમાં એક જ શ્રેષ્ઠ તત્વનાં દર્શન કરવાં. દરેક વસ્તુની મૂળ સત્તાનું સન્માન કરવું. આ પ્રકારની આસ્તિક દ્રષ્ટિ રાખનાર પ્રત્યેક માનવનું સન્માન જ કરે છે અને તેની સાથે સદ્દવ્યવહારની સજ્જ્નતાજ દર્શાવે છે. બીજા સાથે દુર્વ્યવહાર કરવો, ઘૃણા બતાવવી કે તેને હલકો ગણવો એ માત્ર એને માત્ર જ સંભવિત છે કે જે મનુષ્ય માત્રમાં રહેલા આત્મતત્વની શ્રેષ્ઠતા પર વિશ્વાસ નથી રાખતો.

પ્રેમનું સ્વરૂપ

પ્રેમનું નામ અદ્રૈત છે.  તેને જ ભક્તિ કહે છે.  ઈશ્વરને અવલંબન બનાવીને જે ભક્તિ કરવામાં આવે છે તે માત્ર ઈશ્વર સુધી મર્યાદીત રહેતી નથી, જેની ઉપાસનાની સગવડતા માટે પ્રતિમાના રૂપમાં કલ્પના કરવામાં આવી હતી. પહેલવાન મગદળની મદદ વડે પોતાની ભુજાઓનું બળ વધારે છે. તે ભુજાઓનું બળ જીવનના વિસ્તૃત ક્ષેત્રમાં મદદરૂપ બને છે.  એવું નથી કે ભુજાઓનું તે બળ માત્ર મગદળને ઉઠાવવા પૂરતું જ મર્યાદિત હોય.

એવા વિશ્વાસને અપનાવો

જેનાથી લોકકલ્યાણની દિશામાં પ્રગતિ થાય એવા વિશ્વાસ અને સિદ્ધાંતોને અપનાવો. એ વિશ્વાસ અને સિદ્ધાંતોને હ્રદયના અંદરના ખૂણામાં ખૂબ ઊંડે સુધી ઉતારી દો. તેમને એટલી દ્રઢતાપૂર્વક મજબૂત બનાવી લો કે ભ્રષ્ટાચાર અને લાલચ સામે આવીને ઊભાં રહે તો પણ તમે અડગ રહો. પરીક્ષા આપવી પડે કે ત્યાગ કરવો પડે તો પણ તેમાં ચલિત ન થવાય. તે વિશ્વાસ શ્રદ્ધાપૂર્વકનો હોવો જોઈએ. પ્રાણથી વધારે પ્યારો હોવો જોઈએ.

ભગવાન પાસે માગવા લાયક છે.

દુ:ખ અને મુશ્કેલીઓમાં જ સાચા હ્રદયથી પરમાત્માની યાદ આવે છે. સુખ અને સગવડોમાં તો ભોગ અને તૃપ્તિની જ કામના રહે છે. એટલા માટે ખરા દિલથી વિપત્તિઓનું સ્વાગત કરીએ. ભગવાન પાસે માગવા જેવું વરદાન એક જ છે કે તું મુશ્કેલી આપ, દુ:ખ આપ, જેથી વ્યક્તિ પોતાના લક્ષ્ય પ્રત્યે સાવધાન અને સજાગ બની રહે.

  1. No comments yet.
  1. No trackbacks yet.